ગળપણવાળી વસ્તુઓ ક્યાં પડી છે તેની કીડીને કેવી રીતે ખબર પડી જાય છે?

કીડી, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

રસોડામાં ચા બનાવતી વખતે ખાંડના થોડા દાણા ચૂલા નીચે પડી જાય છે. એવી જ રીતે શુભ પ્રસંગે ખીર બનાવતી વખતે ક્યારેક ખીર ઉભરાઈને નીચે પડી જાય છે. તમે જે લાડુનો આસ્વાદ માણી રહ્યા હો તેનો નાનકડો હિસ્સો પણ તૂટીને ટેબલની નીચે પડી શકે છે.

આવી રીતે વેરાઈ ગયેલા ખાદ્ય પદાર્થ પર કોઈ ખાસ ધ્યાન આપતું નથી. લોકો એવું વિચારે છે કે થોડુંક જ તો પડ્યું છે. જોક્, કેટલીક કીડીઓ દરવાજા નીચેથી અને ભેજવાળી દિવાલોના ખૂણામાંથી નીકળીને ખાંડના આવા પડી ગયેલા દાણા અને ગળી સામગ્રી બન્નેને ખાઈ જાય છે.

કીડીઓ તેમના એન્ટેનાનો ઉપયોગ તમારા ઘરની ફર્શને સ્પર્શવા માટે કરે છે. તેના વડે કીડીઓ, માણસો પામી શકતા નથી એવી સુગંધ તથા રાસાયણિક સંકેતો મેળવે છે અને નીચે પડી ગયેલી ખાદ્ય સામગ્રીની સચોટ ભાળ મેળવે છે.

નીચે પડી ગયેલા મીઠી ખાદ્ય સામગ્રીના ટુકડાઓ તરફ એક લાંબા-પાતળી હારમાં આગળ વધતા કીડીઓના જૂથને આપણા પૈકીના ઘણા લોકોએ જોયું હશે.

કીડીઓ મીઠા ખાદ્ય પદાર્થોના કણોને કેવી રીતે ઓળખે છે અને તેના સુધી કેવી રીતે પહોંચે છે? ઘરમાં પડેલા ખાંડના કણોની આસપાસ ઝૂંડ બનાવીને કીડીઓ કેવી રીતે એકઠી થઈ જાય છે? આ સવાલોના જવાબ આપણે પ્રસ્તુત લેખમાં મેળવીશું.

કીડીઓ ખાંડ કેવી રીતે શોધી લે છે?

કીડી અને ખાંડ

ઇમેજ સ્રોત, Getty Images

ઘરથી દૂર રહેતી કીડીઓએ તેની સુગંધથી તમારું આખું રસોડું ભરી દીધું છે. તેની પૃષ્ઠભૂમિ ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ છે.

ખોરાક શોધવા માટે કીડીઓ પાસે પ્રાચીન કાળથી જ એક વિશિષ્ટ સિસ્ટમ છે.

રાસાયણિક સંકેતો, યાદશક્તિ અને સામૂહિક નિર્ણય લેવાની ક્ષમતાનો ઉપયોગ કરીને આ સર્ચ એન્જિન એક નેટવર્ક તરીકે કામ કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પટિયાલાસ્થિત પંજાબ યુનિવર્સિટીના સંશોધક હિમેન્દ્ર ભારતીએ ચીન તથા જાપાનના ત્રણ સંશોધકો સાથે મળીને ભારતમાં જોવા મળતી કીડીઓની પ્રજાતિઓની એક યાદી 2016માં તૈયાર કરી હતી.

તેમની યાદી અનુસાર, ભારતમાં કીડીઓની કુલ 828 પ્રજાતિઓ અને પેટા-પ્રજાતિઓ છે.

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં 2024માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં રહેણાક વિસ્તારો સહિતના વિવિધ આવાસોમાં કીડીઓની 34 પ્રજાતિઓનો વસવાટ હોવાનું જાણવા મળ્યું હતું.

આપણા રસોડામાં પ્રવેશતી કીડીઓ કોઈ એક ચોક્કસ પ્રજાતિની હોતી નથી. કીડીઓની બધી પ્રજાતિઓની જીવનશૈલી સમાન હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે.

ખોરાક શોધવાની પ્રક્રિયા દરમિયાન કીડીઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થતી હોય છે.

કેટલીક કીડીઓ દિવાલો, તિરાડો, બારીઓ, પાઈપો વચ્ચેનાં ગાબડાં અને ફર્શના કિનારા પરથી પસાર થતી હોય છે. તેમનું કામ તેમની આજુબાજુના આખા વિસ્તારમાંની દરેક ચીજનું અન્વેષણ કરવાનું હોય છે.

આ કાર્યમાં તેમના શરીર પરનું એન્ટેના જેવું સાધન મુખ્ય હોય છે. સુક્ષ્મ જીવવિજ્ઞાનની દુનિયામાં કીડીઓનું વર્ણન સામાન્ય રીતે એક અદ્વિતિય બ્રહ્માંડમાં રહેતા સજીવ તરીકે કરવામાં આવે છે.

કીડીઓનો માર્ગ

જીનોમ રિસર્ચ જર્નલમાં નવેમ્બર 2018માં પ્રકાશિત સીન કે. મૅકેન્ઝીના વડપણ હેઠળના આનુવંશિક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે "કીડીના જીનોમમાં ગંધ લેવાની ક્ષમતાના જનીનો વિપુલ પ્રમાણમાં હોય છે."

વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા 2012માં કરવામાં આવેલા અને પીએલઓએસ જિનેટિક્સમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જંતુઓની અન્ય ઘણી પ્રજાતિઓ કરતાં ચારથી પાંચ ગણા વધુ ધ્રાણેન્દ્રિય રિસેપ્ટર્સ કીડીઓમાં હોય છે.

સરળ શબ્દોમાં કહીએ તો આપણું રસોડું કીડીઓ માટે એક જગ્યા માત્ર નથી, પરંતુ અસંખ્ય રાસાયણિક સંકેતોથી ભરપૂર સ્થાન છે અને એ સંકેતો આપણી નહીં, પરંતુ માત્ર તેની આંખો જ નિહાળી શકે છે.

કેરેમલ, ગોળના ટુકડા, દૂધની મીઠાઈઓ, ઢોળાયેલી ચા, ચમચી પરના ઘીના ડાઘ અને સિન્કની આજુબાજુમાંના ભેજથી કીડીઓની મોટાભાગની શોધખોળ શરૂ થાય છે.

ડૉ. વસીમ જલીલની આગેવાની હેઠળ અગ્નિ કીડીઓ પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણો 2021માં નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન નામની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

કીડીઓ દ્વારા મીઠી સામગ્રીના આહાર, તેમના એન્ટેના પરના સ્વાદ રિસેપ્ટર્સ અને તેમના આગળના પગ વચ્ચેના સંબંધ વિશે આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

સંશોધન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કીડીઓમાંના સ્વાદ રિસેપ્ટર્સ સપાટીને સ્પર્શ કરીને ખાંડના દાણાને શોધવામાં મદદ કરે છે.

ખૂણામાં પડેલા નાના કણો અથવા ચા કે મીઠા પીણાના ડાઘ સુધ્ધાં કીડીઓની ખોરાકની શોધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નિષ્ણાતો આ સ્વાદ કલિકાઓને એક એવા એન્જિન તરીકે વર્ણવે છે, જે કીડીઓને ખોરાકની તેમની કુદરતી શોધમાં મદદ કરે છે.

આપણે ઉપર જોયું તેમ માત્ર થોડી માત્રામાં ખોરાક શોધતી કીડીઓ તેમના સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને કરીને આહાર શોધ્યા બાદ બચેલા તેને એમને એમ ખાઈ લેતી નથી.

ગૂગલ પ્સની માફક કામ કરતો રાસાયણિક માર્ગ

કીડીઓનો માર્ગ

અમેરિકાના કૃષિ વિભાગની ઍગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા અનુસાર, "કીડીઓના ફેરોમોન્સ ખોરાક સુધી પહોંચવાના માર્ગોની ઓળખ કરી શકે છે."

તેનો અર્થ એ છે કે ભોજન મળ્યા પછી આ કીડીઓ પોતાના દરમાં પાછી પહોંચવા માટે રાસાયણિક સંકેતો છોડી જાય છે.

આ પ્રક્રિયાનું વર્ણન ઈ. ડેવિડ મોર્ગન દ્વારા ફિઝિયોલોજિકલ એન્ટોલોજી જર્નલમાં 2009માં પ્રકાશિત એક અભ્યાસમાં કરવામાં આવ્યું હતું.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે "કોઈ કીડી ભોજન શોધી લે ત્યારે તે તેના દરમાં પાછા ફરવાના માર્ગમાં ફેરોમોન્સની એક રેખા બનાવે છે. પછી તે ફેરોમોન્સનો ઉપયોગ ગૂગલ મૅપ્સની માફક કરીને, પોતાની વસાહતની અન્ય કીડીઓને પણ ખોરાક તરફ પહોંચાડે છે."

આ રીતે થોડી જ વારમાં એક કીડી અથવા કીડીઓના નાના જૂથને ખોરાકનો સ્રોત મળી જાય છે. તેમણે છોડેલા રાસાયણિક નિશાનના માધ્યમથી તે અન્ય કીડીઓને ખોરાક સુધી પહોંચવા માટે આકર્ષે છે.

કીડીઓનો માર્ગ

આ પ્રક્રિયામાં કીડીઓના મસ્તક પરના એન્ટેના મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોવાના ફોરેસ્ટ ઈકૉલોજી રિસર્ચ સેન્ટરના કીટશાસ્ત્રી ડૉ. બ્રોનોય બૈથ્યાના જણાવ્યા અનુસાર, જે કીડીઓના એન્ટેના નષ્ટ થઈ જાય તેમના માટે જીવંત રહેવું મુશ્કેલ બની જાય છે.

તેમણે કહ્યું હતું કે "કીડીઓના ભાષા પણ તેમના રાસાયણિક સંકેતો પર આધારિત હોય છે. કીડીઓ તેમના શરીરમાંથી ફેરોમોન નામનું રસાયણ છોડે છે. તેના સ્પર્શ વડે કીડીઓ તેમની આસપાસના વાતાવરણ વિશે શીખે છે, ખોરાક શોધે છે, એકમેકની સાથે વાત કરે છે અને તેમની વસાહતમાંની સાથી કીડીઓને ઓળખે છે."

દાખલા તરીકે, ભોજન શોધતી વખતે કોઈ એક કીડીને ભોજનનો મોટો ઢગલો મળી આવે તો તે એકલી તેને લઈ જઈ શકતી નથી. તેથી તે તેના ફેરોમોન્સ વડે તે સ્થાનને ચિહ્રિત કરે છે. એ સ્થળથી પોતાના દર સુધી પાછા જતી વખતે તે સતત ફેરોમોન્સ મુક્ત કરતી રહે છે.

એ પછી દરમાંની અન્ય કીડીઓને ખોરાક તરફ મોકલવા માટે પોતાના રાસાયણિક નિશાનનો ઉપયોગ જીપીએસની માફક કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન