એ કારણો જેને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં થઈ રહેલી વાતચીત ભાંગી પડી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુહાન અહમદ
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
- વાંચવાનો સમય: 7 મિનિટ
"આ અમારી અંતિમ અને સૌથી શ્રેષ્ઠ ઑફર છે. હવે જોવાનું એ છે કે ઈરાન તેને સ્વીકારે છે કે નહીં. ધન્યવાદ."
આ શબ્દો કહ્યા બાદ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પોતાની સામે રાખેલા મેજને બે વખત હાથથી થપથપાવ્યું અને પ્રેસ કૉન્ફરન્સ સમાપ્ત કરી.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી 21 કલાક લાંબી વાતચીત કોઈપણ પરિણામ વિના પૂર્ણ થઈ ગઈ.
આ માહિતી આપતા અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ, જે ખાસ વાતચીત માટે પાકિસ્તાન આવ્યા હતા, તેમણે (ભારતીય સમય મુજબ) રવિવાર સવારે 6 વાગ્યા બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે "પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે અંતર ઓછું કરવા અને સમજૂતી સુધી પહોંચાડવા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈપણ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી."
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ માહિતી અમેરિકા કરતાં ઈરાન માટે વધુ નકારાત્મક છે.
તેમણે કહ્યું, "કોઈ સમજૂતી થઈ નથી અને અમે હવે અમેરિકા પરત ફરી રહ્યા છીએ."
પાકિસ્તાનની વિનંતી પર અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાના હંગામી યુદ્ધવિરામ માટે તૈયાર થયાં હતાં અને આ કારણે બન્ને દેશોનાં પ્રતિનિધિમંડળો ઇસ્લામાબાદમાં વાતચીત માટે આવ્યાં હતાં. બન્ને પક્ષો વચ્ચેની ચર્ચા ઇસ્લામાબાદના સેરિના હોટલમાં યોજાઈ હતી.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિએ આ સ્પષ્ટ કર્યું કે વાતચીત નિષ્ફળ ગઈ, પરંતુ એ નથી જણાવ્યું કે વાતચીતની આ નિષ્ફળતાનો બે અઠવાડિયાના અસ્થાયી યુદ્ધવિરામ પર શું પ્રભાવ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રેસ કૉન્ફરન્સના લગભગ બે કલાક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક દારે પણ પ્રેસ કૉન્ફરન્સ કરી અને જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા–ઈરાન વાટાઘાટોમાં મધ્યસ્થની ભૂમિકા ભજવતું રહેશે.
તેમણે વધુમાં કહ્યું, "બન્ને પક્ષો યુદ્ધવિરામ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવી રાખે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે."
ઇરાન અને અમેરિકાની વાતચીત કેમ પડી ભાંગી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકા અને ઈરાન બન્નેએ શાંતિ વાટાઘાટો નિષ્ફળ થવા પાછળ અલગ-અલગ કારણો આપ્યાં છે.
વાતચીત બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું, "અમે ખૂબ સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે અમારી 'રેડ લાઇન્સ' શું છે, કયા મુદ્દાઓ પર સમજૂતી શક્ય છે અને કયા પર નથી."
વેન્સ મુજબ, "તેમણે (ઈરાને) અમારી શરતો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો."
આ સમયે પત્રકારોએ પૂછ્યું, "કૃપા કરીને સ્પષ્ટ રીતે જણાવો કે કઈ શરતો નકારવામાં આવી?"
જેના જવાબમાં વેન્સે કહ્યું કે "તેઓ બંધ દરવાજા પાછળ 21 કલાક સુધી ચાલેલી ચર્ચાની સમગ્ર વિગતો જાહેર કરશે નહીં, પરંતુ સરળ શબ્દોમાં કહીએ તો, અમે ઈરાન પાસેથી એ ખાતરી માંગીએ છીએ કે તે ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં અને તેની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે જરૂરી સંસાધનો પણ મેળવશે નહીં."
તેમણે ઉમેર્યું કે, "આ અમેરિકી રાષ્ટ્રપતિનો મુખ્ય ઉદ્દેશ છે અને અમે સંવાદ દ્વારા તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરી."
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે "ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતા પહેલેથી જ નષ્ટ કરી દેવામાં આવી છે,પરંતુ શું હવે ઈરાન તરફથી એ ઇચ્છા દેખાઈ રહી છે કે તેઓ ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે? અત્યાર સુધી એવી ઇચ્છા દેખાતી નથી."
એક અન્ય પ્રશ્નના જવાબમાં વેન્સે જણાવ્યું કે "વાતચીત દરમિયાન ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓ અંગે પણ ચર્ચા થઈ હતી, પરંતુ અમે એ તબક્કે પહોંચી શક્યા નહોતા જ્યાં ઈરાન અમારી શરતો સ્વીકારી લે."
તેમણે કહ્યું, "મને લાગે છે કે અમે પૂરતું લવચીકપણું દાખવ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમને કહ્યું હતું કે સચ્ચાઈથી વાતચીત કરવી છે અને સમજૂતી સુધી પહોંચવાની સંપૂર્ણ કોશિશ કરવી છે. અમે એવું જ કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ કોઈ પ્રગતિ થઈ નહીં."
જ્યારે વેન્સને પૂછવામાં આવ્યું કે વાતચીત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કેટલી વખત સંપર્ક કર્યો, ત્યારે તેમણે કહ્યું, "અમે સતત રાષ્ટ્રપતિ સાથે સંપર્કમાં રહ્યા. છેલ્લા 21 કલાકોમાં કેટલી વખત વાત થઈ એ મને યાદ નથી… કદાચ ડઝન જેટલી વખત."
તેમણે આ વિશે વધુમાં જણાવ્યું, "અમે એડમિરલ કૂપર (સેન્ટકૉમ કમાન્ડર), માર્કો રુબિયો (વિદેશ મંત્રી), પીટ હૅગસેથ (સંરક્ષણ મંત્રી) અને સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સંપર્કમાં હતા."
પ્રેસ કૉન્ફરન્સ પૂર્ણ કરતાં જેડી વેન્સે કહ્યું, "અમે સમજૂતી માટે એક સરળ પ્રસ્તાવ આપ્યો છે. આ અમારી અંતિમ અને શ્રેષ્ઠ ઑફર છે. હવે જોવાનું એ છે કે ઈરાન તેને સ્વીકારે છે કે નહીં."
આ સંક્ષિપ્ત પ્રેસ કૉન્ફરન્સ બાદ વેન્સ રાવલપિંડીના નૂર ખાન ઍર બેઝ પહોંચ્યા અને ત્યાંથી 'ઍરફૉર્સ ટૂ'માં અમેરિકા માટે રવાના થયા. તેમને પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, વિદેશ મંત્રી ઇસહાક ડાર અને ગૃહ મંત્રી મોહસિન નક્વીએ તેમને વિદાય આપી.
ઈરાની મીડિયા : અમેરિકાએ લવચીકતા બતાવી નહીં

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ અમેરિકાની "અયોગ્ય માંગો"ને કારણે યુદ્ધ સમાપ્ત કરવાની વાતચીત અટકી ગઈ.
ઈરાનના સરકારી પ્રસારક IRIBએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું, "ઈરાની પ્રતિનિધિમંડળના અનેક પ્રયત્નો છતાં અમેરિકી પક્ષની અયોગ્ય માંગોએ વાતચીતની પ્રગતિને અટકાવી દીધી. આથી વાતચીત પૂર્ણ થઈ ગઈ."
ઈરાની સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે ઇસ્લામાબાદ પહોંચ્યું હતું, જ્યારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ, મધ્યપૂર્વ એશિયા માટે ટ્રમ્પના પ્રતિનિધિ સ્ટીવ વિટકૉફ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને અન્ય અમેરિકી અધિકારીઓ શનિવાર સવારે પહોંચ્યા હતા.
બન્ને પ્રતિનિધિમંડળોએ અલગ-અલગ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, વિદેશ મંત્રી ઇસહાક ડાર અને ફિલ્ડમાર્શલ આસિમ મુનિર સહિત અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતો બાદ પાકિસ્તાની સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન મધ્યસ્થ તરીકે પોતાની ભૂમિકા જાળવી રાખશે અને આશા વ્યક્ત કરી કે શનિવારની વાતચીત વિવાદના ઉકેલ તરફ એક પગલું બનશે.
પાકિસ્તાની અધિકારીઓએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે શરૂઆતમાં ઈરાની અને અમેરિકી પ્રતિનિધિમંડળો વચ્ચે પાકિસ્તાન મારફતે સંદેશાઓનું આદાનપ્રદાન થયું, ત્યારબાદ બન્ને પક્ષોએ પાકિસ્તાની અધિકારીઓની હાજરીમાં લગભગ અઢી કલાક સીધી ચર્ચા કરી.
પછી એક કલાકનો વિરામ લેવામાં આવ્યો અને ત્યારબાદ ટૅક્નિકલ મુદ્દાઓ પર ઈરાન અને અમેરિકાના નિષ્ણાતો વચ્ચે ચર્ચા થઈ. આ ટૅક્નિકલ ચર્ચાઓ અને સંદેશાઓ મોડી રાત સુધી ચાલું રહ્યાં.
ઇરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો કે વાતચીત નિષ્ફળ રહેવાનું મુખ્ય કારણ 'અમેરિકી વલણમાં લવચીકતાનો અભાવ' હતો.
તસ્નીમ મુજબ, ગાલિબાફના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના સેના પ્રમુખને ઓછામાં ઓછા બે વખત અને વડા પ્રધાનને એક વખત મળીને જરૂરી વ્યવસ્થાઓ કરવા તથા વાતચીતની શરૂઆતમાં જ અમેરિકાના વચનભંગ સામે ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો.
એજન્સી મુજબ, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા 21 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને આ દરમિયાન ઈરાને વારંવાર પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા અને "અમેરિકન પક્ષને હકીકત તરફ લાવવાનો પ્રયત્ન કર્યો."
તસ્નીમનું કહેવું છે કે, "દરેક તબક્કે અમેરિકાની વધારાની માંગળીઓએ સંયુક્ત માળખું બનાવામાં અડચણ ઊભી કરી. અમેરિકાના વલણમાં લવચીકતા ન હોવાને કારણે વાતચીત કોઈ પરિણામ વિના પૂરી થઈ."
સમાચાર મુજબ આગળની વાતચીતના સમય, સ્થળ અને પ્રક્રિયા અંગે હજી કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
સેરિના હોટલથી એક કિલોમીટર દૂર શનિવારનો માહોલ

ઇમેજ સ્રોત, Reuters
બિરયાની, ફ્રાઇડ રાઇસ, ચિકન, કબાબ અને મીઠાઈઓ…
આ મૅનૂ ઇસ્લામાબાદની સેરિના હોટલનું ન હતું, જ્યાં શનિવારે ઈરાની અને અમેરિકી પ્રતિનિધિમંડળો વચ્ચે સીધી વાતચીત થઈ.
આ દૃશ્ય એક કિલોમીટર દૂર આવેલા ઝીણા કન્વેન્શન સેન્ટરનું હતું, જ્યાં વિશ્વભરના પત્રકારો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
અન્ય કોઈ પ્રસંગે હોત તો આ તૈયારીઓ પ્રશંસનીય ગણાત, પરંતુ અહીં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પત્રકારો 'ઍક્સક્લૂસિવ' સમાચારની શોધમાં હાજર હતા અને પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી અમેરિકા–ઈરાન વાતચીતને કવર કરી રહ્યા હતા.
હોટલ બહાર રસ્તા પર બસો પર પાર્ક કરવામાં આવી હતી, જે પત્રકારોને ઝીણા કન્વેન્શન સેન્ટર લઈ જતી હતી. સુરક્ષા કારણોસર ત્યાં વાહનો અને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
બસમાં બેઠેલા વિદેશી પત્રકારોમાં ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો.
મેં એક વિદેશી મહિલા પત્રકારને ફોન પર કહેતા સાંભળ્યું,
"સમગ્ર દુનિયાની નજર પાકિસ્તાન પર છે."
માહિતી ઓછી, પરંતુ ભોજન પૂરતું

ઇમેજ સ્રોત, Getty Images
થોડા સમય બાદ અમે ઝીણા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા, જ્યાં ડઝનબંધ સ્થાનિક અને વિદેશી પત્રકારો હાજર હતા. આ સ્થળ એક મેળા જેવું લાગતું હતું—વિભિન્ન ભાષાઓમાં વાતચીત ચાલી રહી હતી: કોઈ અંગ્રેજીમાં, કોઈ ઉર્દૂમાં, કોઈ પશ્તોમાં અને કોઈ યુરોપિયન ભાષાઓમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા.
હું વિચારી રહ્યો હતો કે આવી સ્થિતિમાં કામ કેવી રીતે થશે? મેં એક વિદેશી પત્રકારને પૂછ્યું, "તમને ખબર છે કે અહીંથી એક કિલોમીટર દૂર સેરિના હોટલમાં શું ચાલી રહ્યું છે?"
તેણે જવાબ આપ્યો, "કદાચ બહારના કેટલાક પત્રકારોને ખબર હોય, પરંતુ અહીં કોઈને કંઈ ખબર નથી."
હું આ જ વાત અલગ-અલગ રીતે અન્ય પત્રકારો પાસેથી પણ સાંભળતો રહ્યો. આખો દિવસ ત્યાં રહીને પણ મને કોઈ સરકારી અધિકારી દેખાયો નહીં, જે આવીને અંદરની માહિતી આપે.
સ્થાનિક અને વિદેશી પત્રકારો એક બીજાને વારંવાર પૂછતા રહ્યા: શું કોઈને વાતચીત વિશે કંઈ ખબર છે? માહિતીનો અભાવ અને ધીમું ઇન્ટરનેટ આખો દિવસ પત્રકારો માટે મુશ્કેલી બની રહ્યું.
આ દરમિયાન સેરિના હોટલમાં પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચા ચાલુ હતી. પરંતુ ધીમા ઇન્ટરનેટને કારણે મારા સંપર્કો પણ ઘણી વાર તૂટતા રહ્યા.
વિશ્વભરમાંથી ઇસ્લામાબાદ આવેલા પત્રકારો આશા રાખી રહ્યા હતા કે તેમને ખાલી હાથે પરત ન ફરવું પડે. આ એક મોટી ખબર હતી અને સંઘર્ષનો અંત એથી મોટી કોઈ ખબર હોઈ શકે નહીં.
કન્વેન્શન સેન્ટરમાં બેઠેલા પત્રકારોની નજર સતત ચર્ચા સ્થળ સેરિના હોટલ પર જ હતી.
જે સમાચારની તમામ પત્રકારો રાહ જોઈ રહ્યા હતા, તે રવિવાર સવારે છ વાગ્યા બાદ મળ્યા—જ્યારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે ઍલાન કર્યું કે વાતચીત કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































