ચંદ્ર ઉપર માલિકીનો દાવો કરીને ત્યાં જમીનના પ્લૉટ્સ વેચીને આ માણસ કેવી રીતે માલામાલ થયો?

- લેેખક, એલિસિયા હર્નાન્ડેઝ
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- વાંચવાનો સમય: 6 મિનિટ
જરા કલ્પના કરી જુઓઃ તમે હમણાં-હમણાં જ છૂટાછેડા લીધા છે, તમે પાયમાલ થઈ ગયા છો... એવા વખતે તમારા દિમાગમાં એવો વિચાર ઝબકે કે, જો તમારી પાસે ભાડે આપવા માટે કોઈ સંપત્તિ હોત, તો તમે તેમાંથી પૈસા રળી શક્યા હોત. બસ, તે પછી તમે બારીમાંથી બહાર જોઈને કહો છોઃ "એક કામ કરું! હું ચાંદો વેચી દઈશ!"
આ માન્યામાં નથી આવતું, ખરૂંને?
પણ, 1980માં પ્રેરણાની તે ક્ષણમાં વહી જઈને ડેનિસ હોપે આવું જ વિચાર્યું અને ચંદ્ર ઉપર જમીનના પ્લૉટ વેચીને તે સાચે જ કરોડપતિ બની ગયા.
તેમણે આવું શી રીતે કર્યું? જવાબ આ રહ્યોઃ આંતરરાષ્ટ્રીય સંધિઓના "કાનૂની અસ્પષ્ટ ક્ષેત્રો"નો ફાયદો ઊઠાવીને.
અને હા, - અત્યંત કાબેલિયતથી.
લાઇબ્રેરીમાં!
આ વિચાર સૂઝ્યા પછી તેમણે તેના વિશેની માહિતી એકઠી કરવાનું નક્કી કર્યું.
વર્ષો પહેલાં વાઇસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેઓ લાઇબ્રેરીમાં ગયા હતા અને તેમણે 1967ની આઉટર સ્પેસ ટ્રિટી વિશે તપાસ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુનાઇટેડ નેશન્સના આ દસ્તાવેજમાં શું લખ્યું છે? અલબત્ત, અવકાશ એ આંતરરાષ્ટ્રીય સહિયારી સંપત્તિ છે, "સમગ્ર માનવજાતની સંપત્તિ" અને આથી, કોઈપણ દેશને તેના પર પ્રાંતીય સર્વોપરિતાનો દાવો કરવાની મનાઈ ફરમાવાઈ છે.
ખાસ કરીને, કલમ-2માં જણાવવામાં આવ્યું છે, "ચંદ્ર તથા અન્ય ખગોળીય પદાર્થો સાર્વભૌમત્વના દાવા દ્વારા, ઉપયોગ કે કબજાના માધ્યમથી કે પછી અન્ય કોઈપણ રીતે રાષ્ટ્રીય વિનિયોગને આધીન નથી."
હોપે તેનું અર્થઘટન કંઈક આ પ્રમાણે કર્યું: જો તે દરેકનું છે, તો તે કોઈનું નથી. અને જો કોઈ દેશ તેના ઉપર દાવો ન કરી શકે, પણ કોઈ વ્યક્તિ શું કામ ન કરી શકે?
"તે માલિક વિનાની જમીન હતી," એમ તેમણે બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
આથી, તેમણે તેના ઉપર એવી જ રીતે કબ્જો જમાવ્યો, જે રીતે "યૂરોપમાંથી નવા વિશ્વ (અમેરિકા) જઈ પહોંચેલા આપણા પૂર્વજોએ તે જમીન કબ્જે કરી લીધી હતી."
હવે અહીં સવાલ એ થાય છે કે, ચંદ્રને કેવી રીતે "હાંસલ" કરવો.
ફરી હોપે કાનૂની છટકબારીનો, કહો કે, પ્રતિસાદના અભાવનો ફાયદો ઉઠાવ્યો.
તેમણે યુનાઇટેડ નેશન્સને ચંદ્ર, અન્ય આઠ ગ્રહો તથા તેમના ઉપગ્રહોની માલિકીનો દાવો મોકલ્યો.
તેમાં તેમણે સમજાવ્યું કે, તેમનો વિચાર એવો હતો કે, આ મિલકતને વિભાજિત કરીને જે કોઈ તેને ખરીદવા માગતા હોય, તેમને વેચી દેવી.
તે પછી તેમણે કહ્યું કે, જો તેમને કોઈ કાનૂની સમસ્યા હોય, તો હોપને જાણ કરવી.
કોઈનો જવાબ ન આવ્યો.
તેમને ચંદ્ર આપી દો

ઇમેજ સ્રોત, Juan BARRETO / AFP via Getty Images
ત્યારથી તેમણે ચંદ્ર ઉપર હેક્ટરના હિસાબે જમીનના પ્લૉટ્સનું વેચાણ કર્યું છે. અને તેઓ કેવળ પૃથ્વીના ઉપગ્રહ પર જ નહીં, બલ્કે તેની સાથે મંગળ, શુક્ર અને બુધ ઉપર પણ જમીન વેચી ચૂક્યા છે.
તેમની પાસેથી જમીન ખરીદનારાઓમાં હોલિવૂડના સ્ટાર્સ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગન અને જિમ્મી કાર્ટર તથા હિલ્ટન અને મેરિયટ જેવી અગ્રણી હોટેલ ચેઇન્સનો સમાવેશ થાય છે.
કહેવાય છે કે, જ્યોર્જ ડબલ્યૂ બુશ ચંદ્ર ઉપર એક પ્લૉટ ધરાવે છે.
હોપે 2007માં બીબીસીને જણાવ્યું હતું કે, તેમણે એક દિવસમાં સરેરાશ 1,500 મિલકતો વેચી હતી. પ્લૉટ પસંદ કરવાની રીત વિશે તેમણે જણાવ્યું હતું કે, તેઓ આંખો બંધ કરીને ચંદ્રના નકશા ઉપર પહેલી આંગળી મૂકીને પ્લૉટ પસંદ કરતા હતા.
"તે કંઈ એવું અઘરું નથી, બલ્કે મજાનું છે," એમ તેમણે જણાવ્યું હતું.
અને જેટલું મજાનું જણાય છે, તેટલું કમાણી કરાવનારું પણ છે.
કારણ કે, કહેવાય છે કે, આ કામમાંથી તેમણે લગભગ 12 મિલિયન ડૉલરની કમાણી કરી હતી અને હોપે દાવો કર્યો હતો કે, 1995 પછી તેમણે આ એકમાત્ર કામ જ કર્યું હતું.
તેમણે વાઇસને જણાવ્યું હતું, "જમીનનું વેચાણ ઓછામાં ઓછી એક એકરથી શરૂ થાય છે."
"જ્યારે અમે જે સૌથી મોટી મિલકત વેચીએ છીએ, તેનું કદ 'ખંડ જેટલું' છે, જે 53,32,740 એકરમાં ફેલાયેલી છે અને તેનો ભાવ 1,33,31,000 ડૉલર છે."
તેમણે કહ્યું હતું કે, "અમે હજી સુધી તે પૈકીની કોઈ મોટી સંપત્તિનું વેચાણ નથી કર્યું, પણ અમે 1,800 અને 2,000 એકર (728 અને 810 હેક્ટરની વચ્ચે)ના ઘણા પ્લૉટ વેચ્યા છે."
વધુમાં તેમણે કહ્યું હતું કે,"વિશ્વની 1,800 વિશાળ કંપનીઓએ ચોક્કસ હેતુ માટે અમારી પાસેથી જમીન ખરીદી છે, જેમાં હિલ્ટન અને મેરિયટ જેવી હોટેલ ચેઇન્સનો પણ સમાવેશ થાય છે."
આંતરગ્રહ બંધારણ

ઇમેજ સ્રોત, VALENTINA PETROVA/AFP via Getty Images
જો તમે અહીં સુધી પહોંચી ગયા હોવ, તો તમે કદાચ વિચારી રહ્યા હશો કે, આ વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહેશે અથવા તો પછી તે જમીનના માલિકો પાસેથી જમીન અચાનક જપ્ત નહીં કરાય, તેની શું ગેરન્ટી?
હોપ અને અન્ય માલિકોએ પણ આમ જ વિચાર્યું હતું. અને તેમને તેનો ઉકેલ મળી ગયો.
હોપે જણાવ્યા પ્રમાણે, તે લોકોએ "ગૅલેક્ટિક ગવર્મેન્ટ" તરીકે ઓળખાતા લોકશાહી પ્રજાસત્તાકની સ્થાપના કરવાનું નક્કી કર્યું.
"બંધારણનો મુસદ્દો તૈયાર કરતાં અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો અને અમે માર્ચ, 2004માં તે ઑનલાઇન પ્રકાશિત કર્યો."
"તે સમયે અમે 37 લાખ પ્રૉપર્ટી માલિકો અને બહાલી માટે 1,73,562 મતો ધરાવતા હતા."
"આમ, હવે અમે સંપૂર્ણપણે મંજૂરી ધરાવતા બંધારણ સાથેનું સાર્વભૌમ રાષ્ટ્ર છીએ," એમ તેમણે કહ્યું હતું.
"અત્યારે અમે વિશ્વની 30 સરકારો સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખ્યા છે અને માન્યતા મેળવવા અમે વધુને વધુ સરકારો પાસેથી માન્યતા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ, કારણ કે, અમારો આશય ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ) સાથે જોડાવાનો છે."
હોપના આ દાવાની બીબીસી સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.
ચંદ્ર પર કબ્જો જમાવવાની કોશિશ કરનાર ચિલીનો નાગરિક

ઇમેજ સ્રોત, Archivo Judicial de Chile/BBC
માણસે ચંદ્રની ધરતી પર પગ મૂકવાની સંભવિતતા વિશે વિચાર કર્યો, તેના પણ ઘણા સમય પહેલાંથી જ અવકાશી પદાર્થો પર માલિકીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો.
1936માં, ડીન લિન્ડસેએ કેવળ ચંદ્ર પર જ નહીં, બલ્કે તમામ અવકાશી પદાર્થો ઉપર માલિકીનો દાવો કર્યો હતો. તે સમયે તેમને તે પદાર્થોની ખરીદી કરવાની ઓફરો પણ મળી હતી.
વળી, જેનારો ગજાર્દો વેરાએ પણ આમ જ કર્યું હતું.
1919માં ચિલીમાં જન્મેલા આ વકીલે દાવો કર્યો હતો કે, 25મી સપ્ટેમ્બર, 1954ના રોજ સત્તાવાર દસ્તાવેજોમાં જણાવ્યા પ્રમાણે, તેમણે આ માલિકી મેળવી હતી, જેમાં એક નોટરીની હાજરીમાં દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ત્યાં તેઓ "ચંદ્રના માલિક" તરીકે દેખાય છે.
આ મિલકતનો પુરાવો ચિલીની રાજધાનીથી 255 કિલોમીટરના અંતરે આવેલા ખેતી પર નભતા શહેર તાલ્કામાં નોટરીની સહી ધરાવતા એક દસ્તાવેજના સ્વરૂપમાં છે અને હવે સાન્ટિયાગોના જ્યુડિશ્યલ આર્કાઇવમાં તેની નોંધ છે.
તેમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છેઃ
"વકીલ જેનારો ગજાર્દો વેરા 1857 પહેલાંથી પોતાના અને પોતાના પૂર્વજોના કબ્જા સહિત, પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ એવા આ અવકાશી પદાર્થની માલિકી ધરાવે છે."
"આ અવકાશી પદાર્થનો વ્યાસ 3,475.00 કિલોમીટર છે અને તેને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે."
"અને તેની સીમા ગોળાકાર હોવાથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં બાહ્ય અવકાશ છે."
"તેઓ તેમનું રહેઠાણ 1, ઓરિએન્ટ સ્ટ્રીટ, 1270 પર સ્થાપિત કરે છે અને તેઓ અપરિણીત છે. જેનારો ગજાર્દો વેરા. આઇડી નંબર 1,487,45-K. નુનોઆ. તાલ્કા, સપ્ટેમ્બર 25, 1954."
જોકે, જેનારોનો કિસ્સો એક મજાકનું જ પરિણામ છે.
જેનારોએ સ્વયં અમેરિકન અખબાર ધ ઇવનિંગ ઇન્ડિપેન્ડન્ટને 1969માં જણાવ્યું હતું કે, તેઓ સ્થાનિક સંગઠનઃ તાલ્કા સોશિયલ ક્લબમાં પ્રવેશવા માગતા હોવાથી તેમને ચંદ્ર જોઈતો હતો.
તેમનાં નિવેદનો પ્રમાણે, ક્લબના નિયમો અનુસાર, સોસાયટીના સભ્યોએ કોઈ મિલકતની માલિકી સાબિત કરવી પડતી હતી.
સંસાધનોનો અભાવ હોવા છતાં શહેરના ધનપતિઓને એક છત્ર હેઠળ લાવતી સોસાયટીનો ભાગ બનવા માટે ઉત્સુક વકીલે ચંદ્ર ખરીદી લેવાનું નક્કી કર્યું.
તેમણે અમેરિકન અખબારને કહ્યું હતું કે, તેમાં તેમને એક ડૉલરનો ખર્ચ થયો હતો.
આકાશી વ્યવસાયઃ
હોપે તેમનો આંતરગ્રહીય રિયલ એસ્ટેટનો વ્યવસાય ચાલુ રાખ્યો છે, તેમ છતાં, નિષ્ણાતો કહે છે કે, ચંદ્ર કોઈની માલિકીનો નથી. અને કાયદેસર રીતે તો નહીં જ.
1967ની આંતરરાષ્ટ્રીય સંધિ પણ એ પ્રસ્થાપિત કરે છે કે, આ અવકાશનું સંશોધન અને તેનો ઉપયોગ તમામ દેશો માટે લાભકારી અને હિતકારી હોવો જોઈએ.
તે પછી શું કોઈ વ્યક્તિ સ્વયંને ચંદ્રની માલિક જાહેર કરી શકે?
"ના," એમ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા ખાતે કાયદાનાં પ્રોફેસર તથા આંતરરાષ્ટ્રીય કાયદાનાં નિષ્ણાત ક્લેર ફિન્કેલસ્ટેઇને અમેરિકાના પબ્લિક રેડિયો નેટવર્ક સાથે સંકળાયેલી ન્યૂઝ વેબસાઇટ WHYને 2019માં જણાવ્યું હતું.
જોકે, જ્યારે અવકાશમાં સંસાધનોના સંશોધન જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓની વાત આવે, ત્યારે જવાબ એટલો સ્પષ્ટ નથી હોતો.
લંડનની બિરબેક કૉલેજમાં પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર ઇયાન ક્રૉફર્ડે 2016માં પ્રકાશિત એક લેખ માટે બીબીસીને જણાવ્યું હતું, "અવકાશમાં ખાનગી કંપનીઓ દ્વારા ખનનનાં કામકાજો હાથ ધરવા અંગે આંતરરાષ્ટ્રીય કાયદામાં અસ્પષ્ટતા પ્રવર્તે છે."
તેમણે કહ્યું હતું, "આઉટર સ્પેસ ટ્રિટીની સમીક્ષા કરીને તેને અપડેટ કરવાની જરૂર છે."
પણ ત્યાં સુધી તો, અને અવકાશના કાયદા પ્રમાણે, ચંદ્ર કોઈનો નથી અને સાથે જ, તે તમામ લોકોનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































