અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી, જેડી વેન્સ ઇસ્લામાબાદથી અમેરિકા જવા રવાના

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વૅન્સે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહી છે અને કોઈ સહમતિ સાધી શકાય નથી.
ઍરફોર્સ 2માં બેસીને વેન્સ અમેરિકા પરત ફરવા રવાના થઈ ગયા છે.
જેડી વેન્સે કહ્યું હતું કે ઈરાનની અણુક્ષમતાઓને અટકાવવી અમારું 'મુખ્ય ધ્યેય' છે.
વેન્સે કહ્યું હતું કે અમે લવચિક થઈને સારા ઈરાદા સાથે વાટાઘાટો માટે અહીં આવ્યા હતા. વેન્સે કહ્યું હતું કે અમે ઈરાનને છેલ્લી અને સારી ઑફર આપી છે, હવે તેની ઉપર છે કે તેનો સ્વીકાર કરવો છે કે નહીં.
બીજી બાજુ, ઈરાને પણ નિવેદન બહાર પાડીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
ઈરાનના કહેવા પ્રમાણે, અમે અહીં ખુલ્લા મને આવ્યા હતા. પરંતુ અમેરિકાએ "વધુ પડતી અને ગેરકાયદેસર વિનંતીઓ" કરવાનું ટાળવું જોઈએ. સાથે અમેરિકાએ ઈરાનનાં "કાયદેસરનાં હક્કોનો અને હિતોનો સ્વીકાર" કરવો જોઈએ.
જેડી વેન્સે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Jacquelyn Martin via Getty
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈપણ સમજૂતી થઈ નથી.
ઇસ્લામાબાદમાં યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, "પાકિસ્તાને વાતચીત કરાવવામાં શ્રેષ્ઠ કામ કર્યું જેથી કોઈ સમજૂતી થઈ શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેન્સે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તથા સેનાધ્યક્ષ ફિલ્ડ માર્શલ આસિમ મુનિરની પણ પ્રશંસા કરી હતી.
તેમણે ઉમેર્યું, "અમે છેલ્લા 21 કલાકથી આ પ્રક્રિયામાં જોડાયેલા છીએ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી."
તેમણે જણાવ્યું, "અમે અમારી મર્યાદાઓ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે અમારી શરતો સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. વાતચીતમાં જે કોઈ ખામીઓ રહી, તેની જવાબદારી પાકિસ્તાનની નથી. તેમણે ઉત્તમ કામ કર્યું."
આ પહેલાં શનિવારે શરૂ થયેલી ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળો વચ્ચેની ઇસ્લામાબાદ વાતચીત રાત સુધી ચાલી હતી. પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે.
બીબીસીના સંવાદદાતા ક્રિસ્ટલ હેઝ અનુસાર, ઇસ્લામાબાદના સમય પ્રમાણે સવારે 4 : 50 વાગ્યા સુધી વાતચીત ચાલુ રહી. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાતચીત 16 કલાકથી વધુ સમય થઈ હતી.
આ વાતચીત પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની સેરેના હોટલમાં ચાલી રહી હતી.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘઈએ ઍક્સ પર માહિતી આપી હતી કે પાકિસ્તાનના સદ્ભાવપૂર્ણ પ્રયાસો અને મધ્યસ્થતાના સહયોગથી સવારથી શરૂ થયેલી કઠિન વાતચીત અત્યાર સુધી કોઈ વિક્ષેપ વિના ચાલુ છે. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે અનેક સંદેશાઓ અને લખિત મુસદ્દાની આપલે થઈ છે.
ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ ચર્ચાઓ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ, પરમાણુ મુદ્દા, યુદ્ધથી થયેલા નુકસાન માટેના વળતર, પ્રતિબંધો દૂર કરવાના મુદ્દા અને સમગ્ર વિસ્તારમાં યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવાના વિષય પર ચર્ચા થઈ છે.
આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે ઈરાન સાથે સમજૂતી થાય કે ન થાય, તેનાથી તેમને "કોઈ ફરક પડતો નથી."
ત્યાં તરફ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૅંક્રોએ જણાવ્યું છે કે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિને આ "અવસરનો લાભ લેવા" અને "કાયમી રીતે તણાવ ઘટાડવાનો માર્ગ શોધવા"ની અપીલ કરી છે.
મૅંક્રોએ ઍક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે તેમણે મસૂદ પેઝેશ્કિયન સાથે વાત કરી હતી અને તમામ દેશોને સામેલ કરતા પ્રદેશીય સુરક્ષા ગૅરંટી ધરાવતા કરાર પર ભાર મૂક્યો હતો. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવાની માંગ કરી અને લેબનાન સહિત યુદ્ધવિરામના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.
ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Atta Kenare via Getty Images
ટ્રમ્પે ફરીથી પોતાનો એ દાવો પુનરાવર્તિત કર્યો કે અમેરિકા ઈરાનની વાયુસેના, નૌસેના અને નેતૃત્વને નષ્ટ કરી ચૂક્યું છે અને હવે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસો કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે અમેરિકા આ કામ એવા દેશો માટે કરી રહ્યું છે જે "ભયભીત, નબળા અથવા સસ્તા છે. અમને નાટોમાંથી કોઈ મદદ મળી નથી."
ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત વિશે ટ્રમ્પે કહ્યું હતું, "જુઓ શું થાય છે, પરંતુ મને તેની કોઈ ચિંતા નથી."
પાકિસ્તાનમાં વાતચીત ચાલુ હોવા દરમિયાન ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે વાટાઘાટો ઘણા કલાકોથી ચાલી રહી છે અને તેમને ઇસ્લામાબાદની વાતચીત અંગે સતત અહેવાલો મળી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું, "જે પણ થાય, અમે જીતીશું. અમે એ દેશને સંપૂર્ણ રીતે હરાવી દીધો છે."
હોર્મુઝમાં અમેરિકી નૌસેનાનું ડિસ્ટ્રૉયર

ઇમેજ સ્રોત, Israeli Prime Minister's Office
અમેરિકાના સેન્ટકૉમે ઍક્સ પર દાવો કર્યો છે કે અમેરિકી નૌસેના હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ બૉમ્બ (માઇન્સ) દૂર કરવાની તૈયારી કરી રહી છે અને બે જહાજો ત્યાંથી પસાર થઈ ચૂક્યાં છે.
સેન્ટકૉમે લખ્યું,
"અમેરિકી દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માઇન્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકી નૌસેનાના બે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર—યુએસએસ ફ્રેંક ઈ-પિટરસન અને યુએસએસ માઇકલ મર્ફી—હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયાં છે."
સેન્ટકૉમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે કહ્યું, "આજે અમે એક નવો માર્ગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને જલ્દી જ આ સુરક્ષિત માર્ગને દરિયાઈ ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવશે, જેથી વ્યાવસાયિક જહાજોની અવરજવર નિર્વિઘ્ન બની શકે."
જોકે, ઈરાને આ દાવાને નકારી કાઢ્યો છે. ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, સશસ્ત્ર દળોના મુખ્યાલયના પ્રવક્તાએ કહ્યું, "સેન્ટકૉમના કમાન્ડરનો આ દાવો સંપૂર્ણપણે નકારવામાં આવે છે. કોઈપણ જહાજના પસાર થવાનો નિયંત્રણ ઇસ્લામિક રિપબ્લિક ઈરાનની સેનાના હાથમાં છે."
લેબનોન મુદ્દે નેતન્યાહૂએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં સૌથી મોટી અડચણ બનેલા લેબનોનના મુદ્દે ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમણે લેબનોન સાથે શાંતિ વાટાઘાટોને મંજૂરી આપી છે.
વાસ્તવમાં, ઈરાનની શરત હતી કે યુદ્ધવિરામમાં લેબનોનનો પણ સમાવેશ થવો જોઈએ.
નેતન્યાહૂએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં લેબનોને અનેક વખત વાતચીત શરૂ કરવા માટે સંપર્ક કર્યો છે.
તેમણે જણાવ્યું, "અમને બે શરતો જોઈએ છે. હિઝ્બુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં આવે અને આવનારી પેઢીઓ સુધી ટકી રહે એવી વાસ્તવિક અને ટકાઉ શાંતિ સંમતિ થાય."
બન્ને દેશોના અમેરિકા ખાતેના રાજદૂતો આગામી અઠવાડિયે વૉશિંગ્ટનમાં મળવા માટે સંમત થયા છે, જ્યાં યુદ્ધવિરામની જાહેરાત કરવાનો પ્રયાસ થશે.
જોકે, તેમણે સંકેત આપ્યો કે ઈરાન વિરુદ્ધ અભિયાન હજુ પૂરૂં થયું નથી.
"અમે હજી પણ તેમની સામે લડી રહ્યા છીએ. હજી ઘણું કામ બાકી છે."
તેમણે કહ્યું કે ઈરાન પાસે હજી પણ સંવર્ધિત સામગ્રી (યુરેનિયમ) છે, જેને દૂર કરવી આવશ્યક છે.
અડધી સદી પછી અમેરિકા–ઈરાનની આમને-સામને વાતચીત

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામાબાદમાંથી બીબીસીનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લીઝ ડૂસેટના જણાવ્યા મુજબ, લગભગ 50 વર્ષની દુશ્મનાવટ અને બે યુદ્ધો પછી અમેરિકા અને ઈરાન આમને-સામને બેઠા રહીને વાતચીત કરી.
આને એક મોટો ફેરફાર માનવામાં આવે છે, જે બન્ને પક્ષો તરફથી ઉચ્ચસ્તરીય હાજરી અને ચર્ચા કરવાની તૈયારીને કારણે શક્ય બન્યો હતો.
ઈરાની પ્રતિનિધિમંડળ એવા સમયે ઇસ્લામાબાદ પહોંચ્યું, જ્યારે તેણે કૂટનીતિ પ્રત્યે ભારે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષ અને આ વર્ષની શરૂઆતમાં અમેરિકા સાથેની તેની વાતચીત યુદ્ધના કારણે તૂટી ગઈ હતી.
આ કારણસર ઈરાને વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ, ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે સીધી વાતચીતની શરત મૂકી હતી. એટલે આ ચર્ચામાં વેન્સ અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
2015માં જ્યારે ઈરાન અને વૈશ્વિક શક્તિઓ વચ્ચે પરમાણુ સમજૂતી થઈ હતી, ત્યારે તેને પૂર્ણ થવામાં 18 મહિના લાગ્યા હતા.
ટ્રમ્પ ઝડપથી પરિણામ મેળવવા પર ભાર મૂકવા માટે જાણીતા છે.
આ તો માત્ર શરૂઆત છે, પરંતુ વર્તમાન તણાવભર્યા માહોલમાં આ શરૂઆત પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































