ન્યૂઝીલૅન્ડમાં એવું તે શું થયું કે ત્યાંના લોકો દેશ છોડવા લાગ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અતાહુઅલ્પા અમેરિસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- વાંચવાનો સમય: 7 મિનિટ
માત્ર એક જ વર્ષમાં ન્યૂઝીલૅન્ડના 70,000 કરતાં વધુ નાગરિકો દેશ છોડીને જઈ ચૂક્યા છે.
સંખ્યા સામાન્ય લાગતી હોવા છતાં આ પ્રમાણ દક્ષિણ-પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુ દેશની કુલ વસતીના 1.4 ટકા જેટલું છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલૅન્ડમાં અંદાજે 51 લાખ લોકો વસે છે.
દાયકાઓમાં ન્યૂઝીલૅન્ડમાંથી થયેલું આ ઘણું મોટું સ્થળાંતર છે અને તેના કારણે દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સામાન્યતઃ સ્થળાંતરિતો યુરોપ કે અમેરિકા જેવાં દૂરનાં સ્થળો પસંદ કરતાં નથી. તેને બદલે તેઓ પ્રમાણમાં ટૂંકી ફ્લાઇટનો વિકલ્પ અપનાવે છે અને ઐતિહાસિક રીતે તેમના મુખ્ય ગંતવ્ય સ્થળ રહેલા ઑસ્ટ્રેલિયામાં વસી જાય છે.
આ ઘટના તો નવી નથી, પણ તેની તીવ્રતા અને સંદર્ભ જરૂર નવાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
દાયકાઓથી ન્યૂઝીલૅન્ડમાં નાગરિકોની સંખ્યામાં સાધારણ સ્તરે ચોખ્ખી ખોટ (નેટ લૉસ - દેશ છોડનારા અને દેશમાં આવી રહેલા લોકો વચ્ચેનું સંતુલન) નોંધાતી રહી હતી, જે મુખ્યત્વે ઇમિગ્રન્ટ્સના આગમન સાથે સરભર થઈ જતી હતી.
જોકે, છેલ્લાં બે વર્ષમાં નબળા શ્રમબજાર અને આર્થિક ગતિહીનતાની વ્યાપક ધારણાની વચ્ચે દેશ છોડી જવાના પ્રમાણમાં અચાનક જ ઉછાળો આવ્યો છે.
ઑસ્ટ્રેલિયા સાથે તુલના કરતાં ત્યાંની માથાદીઠ જીડીપી ઊંચી છે, વેતનો ઊંચાં છે અને ત્યાં વધુ તકો રહેલી છે. અને આથી રોજબરોજની વાતચીતમાં સોશિયલ મીડિયા પર અને ન્યૂઝીલૅન્ડનાં અખબારોની હેડલાઇનમાં આ સરખામણી સર્વવ્યાપી થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને અગાઉ, ન્યૂઝીલૅન્ડનો કોઈ યુવાન સ્થળાંતર કરીને પાડોશના દેશમાં થોડાં વર્ષો માટે નસીબ અજમાવવા જતો હતો. પણ આજે, વધુને વધુ અનુભવી વર્કરો પાછા ફરવાની સ્પષ્ટ યોજના વિના જ દેશમાંથી ઉચાળા ભરી રહ્યા છે.
કેટલાક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ સ્વરૂપમાં આવેલું પરિવર્તન તથા દેશાંતરની વધી રહેલી સંખ્યા પરથી એવો સંકેત મળે છે કે, ન્યૂઝીલૅન્ડે એક સામાન્ય સ્થળાંતર ચક્ર કરતાં વધુ ગંભીર અસરોનો સામનો કરવો પડી શકે છે.
ન્યૂઝીલૅન્ડમાં શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ આંકડાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે, ન્યૂઝીલૅન્ડવાસીઓની આ હિજરત એક અસાધારણ તબક્કે પહોંચી ચૂકી છે.
નૅશનલ સ્ટેટિસ્ટિક્સ એજન્સી સ્ટેટ્સ એનઝેડના આંકડા પ્રમાણે, મહામારી પહેલાં ન્યૂઝીલૅન્ડે નાગરિકોની - પ્રમાણમાં સ્થિર ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે વર્ષે 3,000 લોકોની આસપાસ હતી.
ઑક્ટોબર, 2025માં પૂરા થયેલા 12 માસના ગાળામાં 71,000 કરતાં વધુ ન્યૂઝીલૅન્ડવાસીઓ દેશ છોડીને જતા રહ્યા હતા, જ્યારે આશરે 26,000 લોકો દેશમાં પરત ફર્યા હતા, જેના કારણે 45,000 નાગરિકોની ચોખ્ખી ખોટ નોંધાઈ હતી.
તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ વૈશ્વિક નાણાકીય કટોકટીનાં છેલ્લાં બે વર્ષ (2011-2012)માં જોવા મળેલી સ્થળાંતરની ચરમસીમાને લગતું છે. તે સમયે વાર્ષિક નકારાત્મક સ્થળાંતર સંતુલન 40,000 લોકો કરતાં વધારે થઈ ગયું હતું.
જોકે, તે વધારો કામચલાઉ નીવડ્યો હતો અને વિશ્વભરના દેશોએ તે સમયે જોયેલી કપરી સ્થિતિના પરિણામે હતો.
વિશ્લેષકો નોંધે છે કે, તફાવત એ છે કે આ સ્થિતિએ હવે કાયમી સ્વરૂપ ધારણ કરી લીધું છેઃ દેશમાંથી ઉચાળા ભરી જવાનો દર ઊંચો છે અને તે ધીમો પડવાના કોઈ સંકેત દેખાતા નથી.
ન્યૂઝીલૅન્ડની મેસી યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ પૌલ સ્પૂનલી દેશાંતર કરનારા લોકોની વધી રહેલી સંખ્યાને "ચિંતાજનક" ગણાવે છે. તેમના મત અનુસાર, તે આંકડો વૈશ્વિક નાણાકીય કટોકટીના અંતના સમયગાળાને મળતો આવતો હોવા છતાં, હવે ત્યાં વસનારા વધુને વધુ વિદેશીઓ પણ દેશ છોડીને જઈ રહ્યા છે, જેના કારણે "આ પ્રવાહ ધીમો પડવાના કોઈ સંકેતો દેખાતા નથી."
તાજેતરનાં વર્ષોના સત્તાવાર ડેટા પ્રમાણે, ન્યૂઝીલૅન્ડ છોડીને જતા રહેનારા લોકો પૈકીના 60 ટકા લોકો ઑસ્ટ્રેલિયામાં જઈને વસે છે.
7,00,000 કરતાં વધુ ન્યૂઝીલૅન્ડવાસીઓ (કુલ વસતીના આશરે 13 ટકા) હાલ તસ્માન સમુદ્ર પાર તેમના વિશાળ પાડોશી દેશમાં રહે છે. આ સંખ્યામાં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા પણ ન્યૂઝીલૅન્ડની નાગરિકતા ધરાવનારા આશરે એક લાખ લોકોનો પણ સમાવેશ થાય છે.
સમાજશાસ્ત્રી ફ્રાન્સિસ કોલિન્સે 1-ન્યૂઝને જણાવ્યું હતું, "ત્યાં (ઑસ્ટ્રેલિયામાં) સામાજિક જોડાણો ધરાવનારા ઘણા લોકો માટે આ એક મોટું આકર્ષણ છે."
વધુમાં, નાગરિકોનું દેશ છોડીને જવાનું વલણ નબળા પડી રહેલા ચોખ્ખા ઇમિગ્રેશનના સંદર્ભમાં થઈ રહ્યું છે. બિન-નાગરિકોનું થઈ રહેલું આગમન દેશવાસીઓના પ્રસ્થાનની અસર ઘટાડવામાં મદદરૂપ થઈ રહ્યું હોવા છતાં, કુલ ચોખ્ખું સ્થળાંતર મહામારી પછી નોંધાયેલા ઊંચા સ્તરની તુલનામાં સારું એવું ઘટી ગયું છે.
તેના પરિણામે ન્યૂઝીલૅન્ડનો વસ્તી વધારાનો દર 2023માં 2.3 ટકા હતો, તે 2025માં ઘટીને માત્ર 0.7 ટકાએ પહોંચી ગયો હતો.
લોકો શા માટે ન્યૂઝીલૅન્ડ છોડીને જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડમાંથી થઈ રહેલા સ્થળાંતર પાછળનું મોટું કારણ આર્થિક પરિબળોને આભારી છે.
બીબીસીની સ્પેનિશ ભાષાની સર્વિસ બીબીસી ન્યૂઝ મુંડોને સ્પૂનલીએ જણાવ્યું હતું, "દેશ છોડી જવાનું મુખ્ય કારણ શ્રમ બજારની અસ્થિરતા છે, જેમાં બેકારી દર 5.3 ટકા (લગભગ એક દાયકામાં સૌથી ઊંચો) છે. વળી, જાહેર ક્ષેત્રે નોકરીઓમાં પણ નોંધપાત્ર સ્તરે કાપ મૂકવામાં આવ્યો છે."
આ પરિસ્થિતિ શિથિલ અર્થવ્યવસ્થાને કારણે વધુ વણસી રહી છે. સત્તાવાર અંદાજ પ્રમાણે 2026માં જીડીપી વૃદ્ધિ એક ટકાની આસપાસ રહેશે. સાથે જ, ખરીદ શક્તિ પણ ઘટી રહી છે, મૂળભૂત ચીજો અને આવાસોની કિંમતોની સામે વેતનમાં ધીમો વધારો થઈ રહ્યો છે. તેના કારણે પરિવારો પરનું દબાણ વધી રહ્યું છે.
પરિણામે, ન્યૂઝીલૅન્ડવાસીઓ હવે અન્ય દેશોમાં ઉત્તમ પગાર, ચોક્કસ ક્ષેત્રો અને નોકરીદાતાઓ દ્વારા કરવામાં આવતી સક્રિય ભરતીઓ તેમજ સ્થળાંતરના ખર્ચને આવરી લેવા જેવાં પ્રોત્સાહનો તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યા છે, એમ સ્પૂનલીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું, "અન્ય એક પરિબળ વિશાળ દેશોમાં રહેલી શ્રમ બજારની સ્થિરતા છે. વળી, તેમાં નોકરીના પ્રકારના સંદર્ભમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ હોય છે અને કારકિર્દી આગળ ધપવાની શક્યતા પણ રહે છે."
ન્યૂઝીલૅન્ડના લોકો ઑસ્ટ્રેલિયાને શા માટે પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ કરીને ઑસ્ટ્રેલિયા નોકરીવાંછુ માટે વધુ આકર્ષક સ્થિતિ ઑફર કરે છે, તેનું શ્રમ બજાર ગતિશીલ છે, બેકારી દર નીચો છે અને સરેરાશ વેતનો પણ સારાં એવાં ઊંચાં છે.
આટલું ઓછું હોય એમ, ત્યાં કામની સ્થિતિ પણ ઉત્તમ હોય છે, જેમ કે, વીકેન્ડ અને રજાઓમાં કામ કરવા બદલ તથા ઓવરટાઇમ બદલ વધારાનું વળતર મળે છે. ન્યૂઝીલૅન્ડના કાયદામાં આવા લાભની બાંહેધરી નથી.
તેનું એક બંધબેસતું ઉદાહરણ આરોગ્ય તકેદારીના ક્ષેત્રનું છે. સીક પ્લૅટફૉર્મના ડેટા પ્રમાણે, ઑસ્ટ્રેલિયામાં રજિસ્ટર્ડ નર્સનો સરેરાશ વાર્ષિક પગાર 85,000થી 90,000 ઑસ્ટ્રેલિયન ડૉલર જેટલો હોય છે. હજુ ગયા વર્ષે જ, ન્યૂઝીલૅન્ડની 10,000 નર્સોએ પાડોશી દેશમાં કામ કરવા માટે નોંધણી કરાવી હતી.
સુરક્ષા બળોની સ્થિતિ પણ આવી જ છે. જાન્યુઆરી, 2023 અને એપ્રિલ, 2025ની વચ્ચે ન્યૂઝીલૅન્ડ પોલીસ દળના 212 અધિકારીઓએ ઑસ્ટ્રેલિયન એજન્સીઓ પાસેથી ખરાઈની વિનંતી મળ્યા પછી રાજીનામાં આપી દીધાં હતાં. અમુક કિસ્સાઓમાં આ એજન્સીઓ મફત રહેઠાણ કે સબસિડીઓ ઉપરાંત વર્ષે 75,000 અમેરિકન ડૉલરથી પણ ઊંચો પગાર ઑફર કરે છે.
આ સિવાય, ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રે ગયા વર્ષે બે ટકા કરતાં વધુ વૃદ્ધિ સાધતાં અને કૌશલ્યયુક્ત શ્રમિકોની અવિરત માગ જાળવી રાખતાં ખનન અને બાંધકામ જેવાં ક્ષેત્રોનું પણ ઘણું આકર્ષણ છે.
ન્યૂઝીલૅન્ડ છોડીને કોણ જઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડ છોડી જનારા લોકોનું સ્વરૂપ પણ હવે બદલાઈ ગયું છે.
ન્યૂઝીલૅન્ડમાં પરંપરાગત રીતે હજુ હમણાં જ હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરનારા યુવાનો કે પછી યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ સ્નાતકની પદવી મેળવનારા યુવાનો નસીબ અજમાવી જોવા થોડાં વર્ષો માટે વિદેશની વાટ પકડતા હતા.
પણ વર્તમાન સમયમાં દેશ છોડી જનારા મોટા ભાગના લોકો 20થી 30 વર્ષના વયજૂથના છે.
મેસી યુનિવર્સિટીના સ્પૂનલી જણાવે છે, "આ સૂચવે છે કે આ લોકો થોડા સમય માટે ન્યૂઝીલૅન્ડના શ્રમબજારમાં કામ કરવાનો અનુભવ મેળવી ચૂક્યા છે."
"અમુક ઇમિગ્રન્ટ સમુદાયોમાં, દેશમાં આવનારા લોકો કરતાં દેશ છોડી જનારા લોકોની સંખ્યા વધારે હોય છે. ઉદાહરણ તરીકે, બ્રિટનના ઇમિગ્રન્ટ્સના કિસ્સામાં આવું બને છે," એમ સ્પૂનલીએ જણાવ્યું હતું.
આ જૂથમાં વિદેશમાં (ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં) રહેનારા પરિવારજનો સાથે ફરી જોડાવા ઇચ્છતા નિવૃત્તોનો પણ સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
વ્યાપક સ્તર પર, આ પૅટર્ન વસ્તીને લગતી એક અનોખી વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. વિદેશમાં વસતા 8,00,000 કરતાં વધારે ન્યૂઝીલૅન્ડના નાગરિકો અને તેમનાં બાળકો ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશોમાં વસ્તીના કદના પ્રમાણમાં વિદેશોમાં વસતા સૌથી મોટા સમુદાયોમાંનો એક છે.
આ સંદર્ભમાં સ્પૂનલી ટીકા કરે છે કે, "ન્યૂઝીલૅન્ડ સરકારને વિદેશમાં વસતા પોતાના સમુદાય સાથે જોડાવામાં કે તેમના અનુભવ અને સંપર્કોનો ફાયદો ઉઠાવવામાં રસ હોય એમ લાગતું નથી."
લાંબા ગાળાની અસરો વિશે નિષ્ણાતોનું માનવું છે કે અનુભવી વર્કરોની સતત રવાનગી માનવ મૂડીની ખોટ, નીચી ઉત્પાદકતા અને નબળી આર્થિક વૃદ્ધિમાં પરિણમી શકે છે.
ન્યૂઝીલૅન્ડ સરકારે પ્રતિભાઓને દેશમાં જ રહેવામાં મદદ કરવા માટે કર લાભ અને નિયમનકારી ફેરફારો સહિતના સુધારાઓ કરવાનું વચન આપ્યું છે, તેમ છતાં આ પગલાં કૌશલ્યયુક્ત વિદેશી વર્કરોને આકર્ષવા અને તેમને જાળવી રાખવા પર વધુ કેન્દ્રિત છે.
કોઈ પણ સ્થિતિમાં ન્યૂઝીલૅન્ડનું નાજુક અર્થતંત્ર અને તેની સામે ઑસ્ટ્રેલિયાના પ્રમાણમાં ઊંચા પગાર તથા ઊજળી તકો સહિતનાં પરિબળો બીજા દેશોમાં નવી ક્ષિતિજોની શોધમાં જઈ રહેલા યુવાનોના પ્રવાહને પાછો વાળવા સામે મહત્ત્વપૂર્ણ પડકારો સર્જે છે.
ન્યૂઝીલૅન્ડમાં કેટલા ભારતીયો?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લે વર્ષ 2022માં ન્યૂઝીલૅન્ડમાં વસતિગણતરી કરવામાં આવી હતી. જે મુજબ, ત્યાં બે લાખ 92 હજાર જેટલા ભારતીયો રહે છે. જેમની સરેરાશ ઉંમર 32.4 વર્ષ (38.1ની રાષ્ટ્રીય સરેરાશની સામે) હતી. અડધોઅડધનો જન્મ વિદેશમાં થયો હતો અને તેમને દેશમાં આવ્યાને 10 વર્ષ કે કરતાં ઓછો સમય થયો હતો. ન્યૂઝીલૅન્ડમાં વસતા ભારતીયોમાંથી લગભગ 73 ટકાનો જન્મ વિદેશમાં થયો હતો. એટલે કે મહદંશે તેઓ ભારતમાંથી ન્યૂઝીલૅન્ડ પહોંચ્યા હતા. ભારતીય મૂળના લોકોમાં બહુમતીઓમાં ગુજરાતીઓ અને પંજાબીઓને સમાવેશ થાય છે.
આ બાબતમાં રાષ્ટ્રીય સરેરાશ 28.8 ટકા હતી. મતલબ કે ન્યૂઝીલૅન્ડના દર 100 રહીશમાંથી 29 વિદેશી કે વિદેશી મૂળના છે.
ન્યૂઝીલૅન્ડની વસતિની સરેરાશ આવક 41 હજાર 500 ડૉલર છે, જ્યારે ભારતીય સમૂહની સરેરાશ આવક 51 હજાર 600 જેટલી છે.
42.7 ટકા ભારતીય કે ભારતીય મૂળના લોકો પોતાનું ઘર ધરાવે છે, જ્યારે દેશમાં આ રાષ્ટ્રીય સરેરાશ 51.3 ટકાની છે.
21.4 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સામે 51.9 ટકા ભારતીય મૂળના લોકો એક કરતાં વધુ ભાષા બોલી શકે છે. ન્યૂઝીલૅન્ડની સરેરાશ 54 ટકા વસતિ સ્કૂલ કરતાં વધુની શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જ્યારે ભારતીયો માટે આ સરેરાશ 65.8 ટકાની છે.
વસતિગણતરી કરનારી એજન્સીનું કહેવું છે કે વ્યક્તિ પોતાની જાતને એક કરતાં વધુ ઍથનિક ગ્રૂપના સભ્ય તરીકે ઓળખાવી શકે છે. જોકે, રહીશોને તેમના વતનની પેટાઓળખના આધારે વર્ગિકૃત કરવામાં નથી આવતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































