પીએમ મોદીએ મહિલા અનામત બિલ અંગે શું કહ્યું? ન્યૂઝ અપડેટ

પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ માટે સંસદ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનવા જઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, X/BJP4India

વાંચવાનો સમય: 3 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર કહ્યું છે કે દેશની સંસદ એક નવો ઇતિહાસ રચવાની નજીક છે.

પીએમ મોદીએ સોમવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'નારીશક્તિ વંદન સંમેલન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, "રાજ્ય વિધાનસભાઓથી લઈને દેશની સંસદ સુધી આવનારી 16થી 18 એપ્રિલે દાયકાઓની રાહ પછીના પરિણામનો સમય આવી રહ્યો છે. 2023માં નવા સંસદમાં અમે નારીશક્તિ વંદન અધિનિયમના રૂપમાં પહેલું પગલું ભર્યું હતું."

"સંસદના બજેટ સત્રની એક ખાસ બેઠક 16 એપ્રિલથી યોજાવા જઈ રહી છે, જેથી તેનો સમયસર અમલ થાય અને મહિલાઓની ભાગીદારી આપણી લોકશાહીને મજબૂત બનાવી શકે."

તેમણે કહ્યું, "હું ખૂબ જ જવાબદારી સાથે કહી રહ્યો છું કે, આ 21મી સદીના મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક છે."

પીએમ મોદીએ કહ્યું, "સંસદ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનવા જઈ રહ્યો છે. આજે મહિલાઓની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. અમારી યોજનાઓએ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવી છે."

સુરેન્દ્રનગર : રાજકોટથી બહુચરાજી તરફ જતાં સંઘને નડ્યો અકસ્માત, સાતનાં મોત

સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી હતી

ઇમેજ સ્રોત, sachin

સુરેન્દ્રનગરનાં ઇનચાર્જ એસપી વેદિકા બિહાનીએ મીડિયાને જણાવ્યું હતું, રાજકોટથી બહુચરાજી તરફ 500 લોકોનો સંઘ સહિત જઈ રહ્યો હતો, છારદ ગામે તેઓ રાત્રિરોકાણ કરવાના હતા, ત્યારે 13 અપ્રિલે સવારે 1થી 2 વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.

પોલીસ જણાવ્યું હતું, એ સમયે રસ્તા પર જતી વખતે ટ્રક નીચે આવી જતાં છ લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

"આ સિવાય રસ્તા પર ટાયર બદલાવવા એક ટ્રક ઊભી હતી તેના ડ્રાઇવરનું પણ મોત થયું. એમ કુલ સાત લોકોનાં મોત થયાં હોવાની પોલીસ દ્વારા પૃષ્ઠિ થઈ છે."

પોલીસનું કહેવું છે, એક ટ્રકચાલક ટાયર બદલતો હતો તેની બાજુમાંથી લોકો ચાલતાં આગળ વધતાં હતા અને લોકો પર સામેથી આવતા અન્ય એક ટ્રકની નીચે આવી ગયા હતા.

પોલીસે કહ્યું કે "આ રાજકોટથી આવી રહેલા આ ટ્રકમાં રહેલા કપાસ ભરેલો હતો, ટ્રકચાલક હાલ પોલીસની કસ્ટડીમાં છે, મૃતક બધા રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે."

એસપી વેદિકા બિહાનીના જણાવ્યા અનુસાર, આ સિવાય 3થી 4 લોકોને ઈજા પહોંચી છે.

ઈરાને કહ્યું કે 'અમેરિકા સાથે કરાર થવાનો હતો, પછી....'

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, સારી નિયતને સારી નિયત મળે છે, અને અને દુશ્મનીને દુશ્મની.

ઇમેજ સ્રોત, Noushad Variyattiyakkal/SOPA Images/LightRocket via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ઈરાનના વિદેશમંત્રીએ હવે કહ્યું છે કે, તેઓ એક સમજૂતીથી થોડા જ દૂર હતા.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું" છેલ્લા 47 વર્ષમાં સૌથી ઉચ્ચસ્તરીય મહત્ત્વપૂર્ણ વાટાઘાટ થઈ. ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે સારા ઇરાદા સાથે અમેરિકા સાથે વાત કરી."

"પરંતુ જ્યારે 'ઇસ્લામાબાદ સમજૂતી' બસ થવાની તૈયારીમાં હતી, ત્યારે અમારી સમક્ષ વધુ માગણીઓ મૂકવામાં આવી, બદલાતી શરતો અને નિયંત્રણો મૂકવામાં આવ્યાં."

અમેરિકા પર કટાક્ષ કરતા તેમણે લખ્યું, "કોઈ બોધપાઠ ન મળ્યો. સારી નિયતને સારી નિયત મળે અને દુશ્મનીને દુશ્મની મળે છે."

ઉલ્લેખનીય છે કે, યુદ્ધનો અંત લાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો.

આ પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે, હવે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજની નાકાબંધી કરશે.

હંગેરીમાં 16 વર્ષ પછી વિક્ટર ઓરબાનનું શાસન સમાપ્ત

ઓરબાનની ફિદેઝ પાર્ટીને 55 બેઠકો મળી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Balint Szentgallay/NurPhoto via Getty Images

હંગેરીમાં વિક્ટર ઓરબાનનું શાસન 16 વર્ષ પછી સમાપ્ત થયું છે. લગભગ 98% મતોની ગણતરી સાથે પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે તિસા પાર્ટી 138 બેઠકો જીતી રહી છે.

199 બેઠકોવાળી સંસદમાં ઓરબાનની 'ફિદેઝ પાર્ટી'ને 55 બેઠકો મળી છે અને અતિ-જમણેરી પાર્ટી 'અવર હોમલૅન્ડ'ને 6 બેઠકો મળી છે.

ઓરબાનને હરાવનાર તિસા પાર્ટીના નેતા પીટર મેગ્યારે ડેન્યુબ નદીના કિનારે એકઠી થયેલી ભીડને કહ્યું, "આપણે સાથે મળીને હંગેરિયન સરકારને પાડી દીધી છે."

તેમણે એમ પણ કહ્યું કે, વિક્ટર ઓરબાને તેમને ફોન કરીને જીત બદલ અભિનંદન આપ્યાં હતાં.

બીજી તરફ, ઓરબાને પોતાના સમર્થકોને કહ્યું, "પરિણામો સ્પષ્ટ અને પીડાદાયક છે. અમારે 25 લાખ લોકોનો આભાર માનવો જોઈએ, જેમણે અમને ટેકો આપ્યો. આવનારા દિવસોમાં બધું સારું થઈ જશે."

બંધારણમાં સુધારો કરવા માટે પીટર માગ્યારને 133 બેઠકોની જરૂર હતી.

ઇમેજ સ્રોત, Ferenc ISZA / AFP via Getty Images

માગ્યારે કહ્યું છે કે, તેઓ ઓરબાનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોને ઉલટાવી દેશે. તેમણે "શિક્ષણ અને આરોગ્યમાં સુધારો કરવા, ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા, ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવા અને એનઇઆર તરીકે ઓળખાતી સિસ્ટમને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, જેનાથી ઓરબાનના સમર્થકોને ફાયદો થયો અને સરકારી સંસાધનોનો બગાડ થયો."

બંધારણમાં સુધારો કરવા માટે માગ્યારેને 133 બેઠકોની જરૂર હતી, પરંતુ તાજેતરનાં પરિણામો સૂચવે છે કે, તિસા પાર્ટી 138 બેઠકો જીતી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન