You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય કંપનીઓએ અમેરિકામાં 20 અબજ ડૉલરનું રોકાણ કર્યું, માર્કો રુબિયોનો દાવો – ન્યૂઝ અપડેટ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાત વિશે માહિતી આપી છે.
માર્કો રુબિયોએ કહ્યું, "આજે અમારી ખૂબ જ અર્થપૂર્ણ બેઠક થઈ. અમેરિકા જે રીતે ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રને જુએ છે, તેમાં ભારતની ભૂમિકા કેન્દ્રસ્થાને છે અને તે માત્ર 'ક્વાડ' મારફતે જ નહીં પરંતુ દ્વિપક્ષીય સ્તરે પણ છે."
તેમણે આગળ કહ્યું, "તમે તેને તે 20 અબજ ડૉલરના રોકાણના રૂપમાં પણ જોઈ શકો છો, જે ભારતીય કંપનીઓએ અમેરિકામાં કર્યું છે. તમે તેને 'પૅક્સ સિલિકા'માં તેમની ભાગીદારી અને અન્ય તકોમાં પણ જોઈ શકો છો."
ઉલ્લેખનીય છે કે રુબિયો ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક માટે 23 થી 26 મે સુધી ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીનો પ્રવાસ કરશે.
વીનેશ ફોગાટને એશિયન ગેમ્સનાં ટ્રાયલ્સમાં ભાગ લેવા મળી અનુમતિ
દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે ભારતીય પહલવાન વીનેશ ફોગાટને એશિયન ગેમ્સનાં સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે અનુમતિ આપી છે.
ન્યૂઝ વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, હાઇકોર્ટે ભારતીય કુસ્તી મહાસંઘની નીતિને 'ભેદભાવપૂર્ણ' ગણાવી છે.
કોર્ટે કહ્યું, "ભારતીય કુસ્તી મહાસંઘ (ડબ્લ્યુએફઆઈ)ની સિલેક્શન પૉલિસી સ્પષ્ટ રીતે ભેદભાવપૂર્ણ છે અને તે ડબ્લ્યુએફઆઈને ફોગાટ જેવાં પ્રખ્યાત ખેલાડીઓ પર વિચાર કરવાનો કોઈ અધિકાર આપતી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તેમણે માતૃત્વ અવકાશ (મૅટરનિટી લીવ)ને કારણે રમતમાંથી બ્રેક લીધો હોય."
કોર્ટે કહ્યું કે "કોઈ મહિલા સાથે મૅટરનિટી લીવ લેવાના કારણે ભેદભાવ કરી શકાય નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયા ની બેન્ચે આદેશમાં જણાવ્યું કે વીનેશ ફોગાટે વર્ષ 2025માં સબએડિકલ માટે અરજી કરી હતી અને તેથી તે વર્ષમાં કોઈપણ ચૅમ્પિયનશિપ અથવા સ્પર્ધામાં ભાગ લઈ શકી નહોતી, કારણ કે તેમણે જુલાઈ 2025માં તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.
2026 એશિયન ગેમ્સ માટે 30 અને 31 મેના રોજ ટ્રાયલ્સ યોજાનાર છે.
આ પહેલાં 11 મેના રોજ વીનેશ ફોગાટ ઉત્તર પ્રદેશના ગોંડા પહોંચ્યાં હતાં અને ભારતીય કુસ્તી મહાસંઘ (ડબ્લ્યુએફઆઈ)ના અધિકારીઓ પાસેથી ત્યાં યોજાનાર નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અનુમતિ માગી હતી.
ત્વિષા શર્માના પતિ સમર્થસિંહને ભોપાલ કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા
ત્વિષા શર્માના મોતના મામલે ભોપાલની જિલ્લા અદાલતે શુક્રવારે આરોપી અને ત્વિષાના પતિ સમર્થસિંહને સાત દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
અદાલતે તેમને 23 મે થી 29 મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે અને સાથે સાથે ત્વિષાના પરિવારની માંગ સ્વીકારીને કોર્ટે સમર્થસિંહનો પાસપૉર્ટ પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
ત્વિષાના પરિવાર તરફથી વકીલ શુભાંક દીક્ષિતે બીબીસીને જણાવ્યું, "અદાલતે પોલીસની માંગ પર સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે."
આ અગાઉ શુક્રવાર, 22 મેના રોજ આરોપી સમર્થસિંહને જબલપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ભોપાલ પોલીસ કમિશનર સંજયકુમારે તેની પુષ્ટિ કરતાં કહ્યું હતું, "પોલીસ ટીમ તેમને કસ્ટડીમાં લઈને ભોપાલ લઈ જઈ રહી છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે."
બીજી તરફ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ત્વિષા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરાવવાનો આદેશ આપ્યો છે.
ત્વિષાના પિતા નવનિધિ શર્માની અરજી પર સુનાવણી કરતાં અદાલતે કહ્યું હતું કે મહિલાનું મૃત્યુ લગ્નના છ મહિનાની અંદર થયું હોવાથી "તમામ શંકાઓ દૂર કરવા" માટે શક્ય તેટલું વહેલું બીજું પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવવું જોઈએ.
હાઇકોર્ટે એમ્સ દિલ્હીના નિયામકને નિષ્ણાતોની ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે રાજ્ય સરકાર નિષ્ણાતોને ખાસ વિમાન દ્વારા ભોપાલ લાવવાની વ્યવસ્થા કરશે અને પોસ્ટમૉર્ટમ ભોપાલમાં જ કરવામાં આવશે.
ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું : સર્જિયો ગોર
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે થયેલી બેઠક અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જાણકારી આપી છે.
સોશિયલ મીડિયા પર સર્જિયો ગોરે કહ્યું, "વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ થવું ખૂબ જ સારું લાગ્યું."
તેમણે જણાવ્યું, "અમે સુરક્ષા, વેપાર અને મહત્ત્વપૂર્ણ ટૅક્નૉલૉજી ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહકારને વધુ મજબૂત બનાવવા માટેના રસ્તાઓ પર ચર્ચા કરી, આ એવાં ક્ષેત્રો છે જે બંને દેશોને મજબૂત બનાવે છે. ભારત અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે."
બીજી એક પોસ્ટમાં સર્જિયો ગોરે કહ્યું, "વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ આવવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં લખ્યું, "અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનું સ્વાગત કરીને મને આનંદ થાય છે. અમે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વૈશ્વિક કલ્યાણ માટે મળીને કામ કરવાનું ચાલુ રાખશે."
આઇપીએલ : પંજાબ કિંગ્સ માટે આજે 'કરો યા મરો', લખનઉ સામે જીતે તો પણ જોખમ યથાવત્ રહેશે
લગભગ બે માસ પહેલાં 28 માર્ચના રોજ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મૅચ સાથે દસ ટીમો વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2026ના ખિતાબ માટે જંગ શરૂ થયો હતો.
હવે જ્યારે આ સિઝન તેના અંતિમ પડાવની નિકટ પહોંચી છે ત્યારે સતત સાત મૅચો સુધી અજેય રહીને સિઝનની શરૂઆત કરનારી પંજાબ કિંગ્સની ટીમ મુશ્કેલીમાં જણાઈ રહી છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઝર્સ હૈદરાબાદની ટીમો 18 પૉઇન્ટ સાથે પહેલાંથી પ્લેઑફમાં સ્થાન બનાવી ચૂકી છે.
હવે પંજાબ કિંગ્સે ચોથા સ્થાન માટે રાજસ્થાન રૉયલ્સ, કોલકાતા નાઇટરાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સના પડકારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
તેનું કારણ છે શરૂઆતની સફળતા બાદ આ ટીમ પોતાની પાછલી છ મૅચો હારી ચૂકી છે અને 13 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે.
શનિવારે લખનૌ સુપરજાયન્ટ્સ સાથેનો મુકાબલો પંજાબ કિંગ્સ માટે ખરાખરીનો જંગ સાબિત થશે, આ મુકાબલામાં તેનું પ્રદર્શન પ્લે ઑફમાં તેનું ભાવિ નક્કી કરશે.
જો પંજાબ કિંગ્સ આ મૅચમાં જીતી જાય તો પણ ટીમનું પ્લે ઑફમાં પ્રવેશ સુનિશ્ચિત નહીં થાય, રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ જીત બાદ પણ તેને પ્લે ઑફની રેસમાં બહાર ફેંકી શકે છે.
આ મૅચ શનિવારે સાંજે લખનૌના ભારતરત્ન શ્રીઅટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે રમાશે.
ચોમાસું ક્યાં પહોંચ્યું, ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે?
ભારતમાં ચોમાસું ધીમેધીમે આગળ વધી રહ્યું છે અને ગતિવિધિ પણ ઝડપથી બદલાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, નૈર્ઋત્યનું (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આજે, 23 મે 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન સમુદ્રના મોટા ભાગના વિસ્તારોમાં આગળ વધી ગયું છે.
એટલે કે આગામી દિવસોમાં ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ રહેશે એવું લાગી રહ્યું છે.
આગામી 3થી 4 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં નૈર્ઋત્યના ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રવર્તી રહી છે.
સ્કાયમેટ વેધર અનુસાર, 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની શકે છે અને એ અનુસાર, આગામી 24-48 કલાક સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 23 મેના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગરહવેલી વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતા છે.
અભિજિત દીપકેએ જણાવ્યું- સરકારે કૉક્રોચ જનતા પાર્ટીની વેબસાઇટ બંધ કરી દીધી
'કૉક્રોચ જનતા પાર્ટી' (સીજેપી) ના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે સીજેપીની વેબસાઇટ બંધ કરી દેવાઈ છે.
અભિજિત દીપકેએ શનિવારના પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું કે, "સરકારે અમારી લોકપ્રિય વેબસાઇટને બંધ કરી દીધી છે."
"અમારી વેબસાઇટ પર 10 લાખ કૉક્રોચ સભ્યો બન્યા હતા. 6 લાખ કૉક્રોચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગવાળી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા."
તેમણે લખ્યું કે, "સરકાર કૉક્રોચથી આટલી ડરેલી કેમ છે? પરંતુ આ તાનાશાહ વલણ ભારતના યુવાનોની આંખો ખોલી રહ્યું છે. અમારો ગુનો માત્ર એટલો છે કે અમે અમારા માટે સારા ભવિષ્યની માગ કરી રહ્યા છીએ. પરંતુ અમને આટલી સરળતાથી ખતમ નહીં કરી શકાય. અમે અત્યારે નવું ઘર બનાવી રહ્યા છીએ. કૉક્રોચ ક્યારેય નથી મરતા."
આની પહેલાં અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે સીજેપીનું ઇન્સ્ટાગ્રામ પેજ હૅક થઈ ગયું છે, ઍક્સ એકાઉન્ટ પર પણ રોક લગાવી દીધી છે.
'કૉક્રોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હૅક થયું',અભિજિત દીપકેએ શું જણાવ્યું?
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજિત દીપકે જણાવ્યું કે સીજેપીનું ઇન્સ્ટાગ્રામ પેજ હૅક થઈ ગયું છે.
અભિજિત દીપકેએ પોતાના ઍક્સ ઍકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "પોતાના કોઈ પણ પ્લૅટફૉર્મ પર અમારું ઍક્સેસ નથી. આ પોસ્ટ પછી જે પણ પોસ્ટ થશે, તેને કૉક્રોચ પાર્ટીનું આધિકારિક નિવેદન ન માનવામાં આવે."
તેમણે લખ્યું કે, "કૉક્રોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હૅક થઈ ગયું છે. મારું પર્સનલ ઍકાઉન્ટ હૅક થયું છે. બૅકઅપ ઍકાઉન્ટ પણ હટાવી દેવાયું છે."
કૉક્રોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર 2.17 કરોડ ફૉલોઅર્સ થઈ ગયા છે જે સત્તાધારી ભાજપના ફૉલોઅર્સ કરતા બે ગણા છે.
ચીન: કોલસાની ખાણમાં વિસ્ફોટથી 90 લોકોનાં મોત
ચીનમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં આશરે 90 લોકોનાં મોત થયાં છે. આ માહિતી ચીનના સરકારી મીડિયાએ આપી છે.
શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7:29 વાગ્યે વિસ્ફોટ થયો હતો, ખાણમાં 247 કામદારો કામ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો કે, "શાંક્સી પ્રાંતમાં તોંગઝોઉ ગ્રૂપની ખાણમાં ગૅસ વિસ્ફોટથી થયેલા અકસ્માતમાં 90 લોકોનાં મોત થયાના અહેવાલ છે."
આ દુર્ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ઘાયલોની સારવાર કરાઈ રહી છે અને બાકીના લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
તેમણે દુર્ઘટનાના કારણની તપાસ કરવા અને જવાબદારોને જવાબદાર ઠેરવવાની વાત કરી છે.
PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, આ ફેરફાર મુજબ હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઑથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે.
એટલે કે આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કર્યું હોય.
ખેતી નિયામક કચેરીએ જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ચાલુ વર્ષ 2026-27 માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવાઈ છે.
પ્રેસ રિલીઝ અનુસાર, ગુજરાતના ખેડૂતોએ આગામી 30 જૂન સુધીમાં e-KYC કરાવી લેવું પડશે.
e-KYC કેવી રીતે કરવું?
ફેસ ઑથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઑફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ ઍપ દ્વારા ફેસ ઑથેન્ટિકેશન કરાવી શકાશે
બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન: નજીકના કૉમન સર્વિસ સેન્ટર (CSC) અથવા 'ઇ-ગ્રામ' કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે
PM કિસાન મોબાઇલ ઍપ (જાતે): લાભાર્થી પોતે પોતાની મોબાઇલ એપમાં 'Beneficiary' તરીકે લોગીન કરી પોતાના આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઑથેન્ટિકેશન કરી શકે છે. આ રીતથી એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે
ભારતમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, 10 દિવસમાં ત્રીજી વાર વધ્યા
ભારતમાં શનિવારે એટલે કે 23 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99.51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે અને ડીઝલ પ્રતિ લિટર 92.49 રૂપિયા થયું છે.
15 મેથી અત્યાર સુધીમાં આ ત્રીજી વાર ભાવ વધ્યા છે. સતત થતા આ ભાવવધારા પાછળ મધ્યપૂર્વનું તણાવ પણ કારણભૂત છે, જેના કારણે ભારતમાં ઑઇલ પુરવઠામાં અવરોધ આવ્યો છે.
અગાઉ આ મહિના 15 મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો હતો. એ પછી 19 મેના રોજ અંદાજે 90 પૈસાનો બીજી વાર વધારો થયો હતો.
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર આઠ અબજ ડૉલર ઓછો થયો
મધ્યપૂર્વમાં ચાલતાં સંઘર્ષ દરમિયાન ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (ફૉરેક્સ રિઝર્વ) ઓછો થયો છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર 8.094 અબજ (અમેરિકન ડૉલર) ઘટીને હવે 688.894 અબજ (અમેરિકન ડૉલર) પર આવી ગયો છે.
સમાચાર એજન્સી પીટીઆઇએ ભારતીય રિઝર્વ બૅન્કના હવાલાથી જણાવ્યું કે આ ઘટાડો 15 મેના રોજ સપ્તાહના અંતમાં થયો છે.
જોકે તેના અગાઉ 8 મેના રોજ સપ્તાહના અંતમાં ફૉરેક્સ રિઝર્વ 6.295 અબજથી (અમેરિકન ડૉલર) વધીને 696.988 અબજ (અમેરિકન ડૉલર) થઈ ગયો હતો.
હકીકતમાં આ વર્ષે ફૉરેક્સ રિઝર્વ 27 ફેબ્રુઆરીએ સૌથી ઊંચા સ્તરે (728.494 અબજ અમેરિકન ડૉલર) પહોંચી ગયો હતો.
પરંતુ ત્યાર બાદ મધ્યપૂર્વમાં સંઘર્ષ શરૂ થયા બાદ અનેક અઠવાડિયાં સુધી તેમાં ઘટાડો થયો છે. આ દરમિયાન રૂપિયા પર દબાણ વધ્યું છે અને આરબીઆઇએ ડૉલર વેચીને વિદેશી મુદ્રા બજારમાં દખલ દેવી પડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન