ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ગુજરાતીઓને ટ્રમ્પનો ઝાટકો, અમેરિકાનો નવો નિયમ, 'પહેલા યુએસ છોડો, પછી જ એન્ટ્રી'

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે અમેરિકામાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે, જે હાલનાં વર્ષોમાં કાયદેસર ઇમિગ્રેશન પર કરવામાં આવેલું સૌથી મોટું નિયંત્રણ પૈકીનું એક માનવામાં આવે છે.

યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી કે ગ્રીન કાર્ડ માટે મોટા ભાગના અરજદારોને હવે દેશમાં (અમેરિકામાં) તેમની અરજીઓ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

અમુક કિસ્સાઓમાં અધિકારીઓ પાસે વિવેકાધિકાર રહેશે, બધા ગ્રીન કાર્ડ અરજદારોએ તેમના મૂળ દેશમાંથી યુએસ દૂતાવાસમાં જઈને અરજીઓ કરવાની રહેશે.

યુએસસીઆઇએસના પ્રવક્તા ઝેક કાહલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આ નીતિ આપણી ઇમિગ્રેશન સિસ્ટમને કાયદેસર રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે, ન કે તેમાં ખામીઓ પેદા કરે છે. જ્યારે વિદેશી નાગરિકો તેમના ગૃહ-વતનમાંથી રહેઠાણ માટે અરજી કરે છે, ત્યારે એવા લોકોને શોધવા અને બહાર કાઢવાની જરૂરિયાત ઘટાડે છે, જેઓ નિવાસ મળ્યું ન હોવા છતાં પણ ગેરકાયદેસર અમેરિકામાં રહેવાનું પસંદ કરે છે."

સક્રિય અને નિવૃત્ત ઇમિગ્રેશન અધિકારીઓ બંનેએ બીબીસીના યુએસ ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે શુક્રવારે જારી કરાયેલા આ આદેશનાં દૂરગામી પરિણામો આવવાની શક્યતા છે.

ગયા વર્ષ સુધી રિપબ્લિકન અને ડેમૉક્રેટિક બંને સરકારો હેઠળ યુએસસીઆઇએસમાં વરિષ્ઠ હોદ્દા પર સેવા આપનારા માઇકલ વાલ્વર્ડે જણાવ્યું હતું કે આ જાહેરાત "દર વર્ષે લાખો પરિવારો અને નોકરીદાતાઓની યોજનાઓને અવરોધશે."

વાલ્વર્ડે સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે "આ એક અભૂતપૂર્વ નિર્ણય છે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર ઇમિગ્રેશનને નોંધપાત્ર રીતે મર્યાદિત કરશે."

"જે લોકોએ નિયમોનું ઇમાનદારીથી ચુસ્ત રીતે પાલન કર્યું છે તેઓ હવે ભારે અનિશ્ચિતતાનો સામનો કરે છે," તેમણે જણાવ્યું.

ઘણા ઇમિગ્રન્ટ્સ માટે તેમના મૂળ દેશમાં પાછા ફરવાથી તેમના માટે યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરવાનું મુશ્કેલ અથવા અશક્ય બની શકે છે. તેમાંથી મોટા ભાગના લોકોએ અમેરિકા છોડવું પડશે.

અમેરિકાની નવી પૉલિસીની શું અસર થશે?

અત્યાર સુધી વિવિધ પ્રકારના વિઝાવાળા મોટા ભાગના બિન-નિવાસી ઇમિગ્રન્ટ્સ "સ્ટેટસમાં બદલાવ" માટે અરજી કરી શકતા હતા, જે તેમને અમેરિકા છોડ્યા વિના રહેઠાણ માટે અરજી કરવાની અને તેને પ્રાપ્ત કરવાની સવલત મળી શકતી હતી. તેનાથી તેઓ તેમની નોકરીઓ અથવા પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકતા હતા અને પરિવારોનું ભરણ-પોષણ પણ કરી શકતા હતા.

હવે યુએસસીઆઈએસએ તેની નવી પૉલિસી જાહેર કરી છે. તે અંતર્ગત હવે ઇમિગ્રન્ટ્સ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તમામ મામલાની તપાસ કરીને એ નક્કી કરે કે ગ્રીન કાર્ડના અરજદારને અમેરિકામાંથી જ અરજી કરવાની અનુમતિ આપવી કે નહીં.

કેટલાક અપવાદોને બાદ કરતાં અરજદારોએ તેમના જ દેશમાં પરત ફરવાનું જોખમ વધી ગયું છે. માત્ર હિંસા કે ઉત્પીડનને કારણે શરણાર્થી તરીકે આવેલા અરજદારો જ અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડની અરજી કરી શકે તેવી છૂટ આ નવી પૉલિસી અંતર્ગત આપવામાં આવી છે. અને તે પણ જો તેઓ આ માટે વિનંતી કરે અને તેમની વિનંતીને સંબંધિત મંત્રાલયના અધિકારીઓ તેને માન્ય રાખે તો.

જોકે, નીતિના અપવાદોનું સ્પષ્ટ વિવરણ આપવામાં આવ્યું નથી. પરંતુ એ ચોક્કસ છે કે નવી પૉલિસીથી એ ખબર પડે છે કે તથાકથિત 'બેવડા ઉદ્દેશ' ધરાવતા વિઝા ધારક, જેવા કે ઉચ્ચ અને કુશળ શ્રમિકો માટે એચ-1B વિઝાધારકો સામાન્ય પ્રક્રિયાથી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે.

જો બાઇડન વહીવટ હેઠળના ભૂતપૂર્વ વરિષ્ઠ યુએસસીઆઇએસ અધિકારી ડૉગ રૅન્ડે સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે આ ફેરફારો લાખો કેસોને અસર કરી શકે છે, કારણ કે દર વર્ષે આશરે પાંચ લાખ લોકો 'સ્ટેટસ ઍડજસ્ટમેન્ટ' પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ મેળવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થી વિઝા અને અન્ય કામચલાઉ વિઝા પર દેશમાં રહેતા અમેરિકન નાગરિકોના ઇમિગ્રન્ટ જીવનસાથીઓ આ ફેરફારોથી સૌથી વધુ પ્રભાવિત થશે.

તેમના મતે, "મુખ્ય અસર એ દેખાય છે કે મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો માટે તે લોકો સાથે આગળ વધવાનું મુશ્કેલ અથવા અશક્ય બનાવશે જેમના સાથે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હોય અને જેઓ અહીં કાયદેસર આવ્યા હોય."

રેન્ડે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા છોડવા માટે મજબૂર થયેલા અનેક લોકો વિદેશમાં ફસાઈ શકે છે.

અધિકારીઓને કાર્યવાહી કરવા મળેલા વિવેકાધિકારથી અનિશ્ચિતતા પેદા થઈ છે.

શરણાર્થીઓ અને અન્ય ઇમિગ્રન્ટ જૂથોને સેવાઓ પૂરી પાડતી સંસ્થા એચઆઇએએસએ રૉયટર્સને જણાવ્યું હતું કે યુએસસીઆઇએસ માનવતસ્કરી, દુર્વ્યવહાર અને ત્યજી દેવાયેલાં બાળકોને તેમના રહેઠાણની અરજી પ્રક્રિયા કરવા માટે એ દેશમાં પાછા ફરવાનું દબાણ કરી રહ્યા છે, જ્યાંથી તેઓ ભાગીને આવ્યા હતા.

આ શુક્રવારે જાહેર કરાયેલી નવી નીતિઓ અન્ય ઇમિગ્રેશન પ્રતિબંધોમાં સામેલ થઈ ગઈ છે, જેને ટ્રમ્પે ગયા વર્ષે તેમના વહીવટની શરૂઆતથી પ્રોત્સાહન આપ્યું હતું.

અમેરિકાએ અંદાજે 39 દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ કે નિયંત્રણો લાદ્યાં છે, જેમાંથી મોટા ભાગના આફ્રિકા અને એશિયાના છે અને રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણસર રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.

આ વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રે 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા પણ સ્થગિત કરી છે, એવી દલીલ આપી હતી કે તેઓ આર્થિક બોજ બની શકે છે. વિદેશ વિભાગે એક લાખથી વધુ વિદ્યાર્થી વિઝા રદ પણ કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન