You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થોડી મિનિટોના અંતરે જન્મેલી જોડિયાં બહેનોના અલગ-અલગ પિતા, આ રીતે સામે આવ્યું સત્ય
- લેેખક, જેની ક્લીમન
- પદ, પ્રેઝન્ટર, ધ ગિફ્ટ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
જોડિયાં બહેનો મિશેલ તથા લેવિનિયાની વચ્ચે કાયમ ખાસ પ્રકારનું જોડાણ રહ્યું છે.
જોકે, સપ્ટેમ્બર 2022માં ડીએનએ પરીક્ષણ પરિણામ સાથેના ઇમેલ પર ક્લિક કર્યું ત્યારે લેવિનિયા ગભરાઈ ગયાં હતાં.
તેઓ કહે છે, "મારા મનના અજાણ્યા ખૂણામાં એ વાત કદાચ પહેલેથી જ હતી."
તેમના ટેસ્ટ રિઝલ્ટ્સમાં એવી આશ્ચર્યજનક હકીકત બહાર આવી હતી કે એકસમાન ન દેખાતી જોડિયાં બહેનો લેવિનિયા અને મિશેલના પિતા એક નથી.
તેમનાં માતાને કુદરતી રીતે ગર્ભાધાન થયું હતું. બન્ને એક જ ગર્ભાશયમાં સાથે પાંગર્યાં હતાં અને એક જ માતાની કૂખે તેમનો થોડી મિનિટોના અંતરે જન્મ થયો હતો, પરંતુ તેઓ સાવકી બહેનો છે.
મિશેલ અને લેવિનિયાનું અસ્તિત્વ હેટરોપેટર્નલ સુપરફેક્યુન્ડેશન નામની એક અતિ દુર્લભ જૈવિક પ્રક્રિયાને આભારી છે. આ પ્રક્રિયા તે માટે મહિલાએ એક જ સાયકલ દરમિયાન વધારે એગ્સ ઉત્પન્ન કરવાં જરૂરી હોય છે.
એગ્સ વિવિધ પુરુષોના શુક્રાણુઓ દ્વારા સફળતાપૂર્વક ફળદ્રુપ કરવાં જરૂરી હોય છે અને તેના પરિણામે સર્જાયેલી ગર્ભાવસ્થા દરમિયાન એ ટકી રહે તે પણ જરૂરી હોય છે.
વિશ્વભરમાં આવી ઘટનાના આશરે 20 જ કેસ નોંધાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી રેડિયો ફોરની ધ ગિફ્ટ શ્રેણી માટે આ વિશે મહિનાઓ સુધી સંશોધન કર્યા પછી મને જાણવા મળ્યું હતું કે યુનાઇટેડ કિંગ્ડમમાં અલગ અલગ પિતા ધરાવતા જોડિયાં બાળકો માત્ર લેવિનિયા અને મિશેલ જ છે.
લેવિનિયા માટે તે ખુલાસો ખૂબ જ ભયાનક હતો. તેમનું બાળપણ અલગ અલગ ઘરોમાં અને બાળસંભાળ ગૃહોમાં પસાર થયું હતું.
આ નૉન-આઇડેન્ટિકલ ટ્વિન્સને એકમેકનો સધિયારો જ હતો.
લેવિનિયા કહે છે, "મારી એકમાત્ર ચીજ હતી અને તે મિશેલ હતી."
"એકમાત્ર વસ્તુ હતી, જેના વિશે મને ખાતરી હતી અને તે મિશેલ હતી અને પછી એવું પણ રહ્યું નહીં."
લેવિનિયાએ તેમની જોડિયાં બહેનને આ સમાચાર આપવા માટે ફોન કર્યો ત્યારે મિશેલને કંઈક ભળતી જ અનુભૂતિ થઈ હતી.
મિશેલ કહે છે, "મને કોઈ આશ્ચર્ય થયું ન હતું. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આવું પણ થઈ શકે છે."
"આ બહુ જ અજબ, બહુ જ અનોખું અને બહુ જ દુર્લભ છે, પરંતુ સમજી શકાય તેવું છે."
'અમે એકબીજા માટે સર્વસ્વ હતાં'
મિશેલ અને લેવિનિયાને 1976માં જન્મ આપ્યો ત્યારે તેમનાં માતા 19 વર્ષનાં હતાં અને તેમની હાલત નાજુક હતી.
મિશેલ કહે છે, "મારી મમ્મી સાથે તેમના સાવકા પિતાએ દુર્વ્યવહાર કર્યો હતો. મારી મમ્મીનું આખું બાળપણ ફૉસ્ટર કેર અને ચિલ્ડ્રન્સ હોમમાં પસાર થયું હતું. ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં એવી રીતે પસાર થયું હતું."
આ જોડિયાં બહેનો તેમનાં મમ્મીને સવાલ કરતા કે તેમના પિતા કોણ છે ત્યારે તેમનાં માતા કહેતાં હતાં કે તમારા પિતાનું નામ જેમ્સ છે. મિશેલ કહે છે, "પિતાને અમે ક્યારેય જોયા નથી."
બન્ને બહેનોનાં બાળપણ દરમિયાન માતા પણ તેમનાથી દૂર રહ્યાં હતાં. બન્ને બહેનો પાંચ વર્ષની થઈ ત્યારે તેમના માતાને લંડનની એક યુનિવર્સિટીમાં ભણવાની તક મળી હતી.
તેમણે તેમના આ સંતાનોને નોટિંઘમમાં તેમની બેસ્ટ ફ્રેન્ડનાં માતાના ભરોસે છોડી દીધાં હતાં. જોડિયાં બહેનો તેમને દાદી કહેતી હતી.
લેવિનિયા કહે છે, "દાદીનો સ્વભાવ કડક હતો. તેઓ બહુ લાગણીશીલ, બહુ પ્રેમાળ ન હતાં. મારો એકમાત્ર સહારો મિશેલ હતી."
મિશેલના કહેવા મુજબ, તેમની જોડિયાં બહેન સાથે હતી ત્યાં સુધી તેઓ સલામતી અનુભવતા હતાં. "અમે બન્ને વિરુદ્ધ આખી દુનિયા જેવી પરિસ્થિતિ હતી."
દસ વર્ષની વયે બન્ને છોકરીઓ તેમની મમ્મી પાસે લંડન ચાલી ગઈ હતી, પરંતુ થોડાં વર્ષોમાં લેવિનિયા અને મિશેલને ફરી દૂર, તેમનાં મમ્મીના કોઈ જૂના ફૉસ્ટર હોમમાં રહેવા માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. મમ્મી તેમને દૂર શા માટે રાખવા ઇચ્છતાં હતાં એ લેવિનિયા અને મિશેલને સમજાતું ન હતું.
લેવિનિયા કહે છે, "શારીરિક અને ભાવનાત્મક એમ બન્ને રીતે મમ્મી અમારાથી કાયમ દૂર હતી."
ડીએન ટેસ્ટિંગમાં શું સામે આવ્યું?
બાળપણના મોટાભાગના હિસ્સા દરમિયાન દૂર રહ્યા પછી છોકરીઓ તરુણ વયની થઈ ત્યારે જેમ્સ તેમની જિંદગીમાં પાછા આવ્યા હતા. લેવિનિયા તેમને શોધી કાઢવામાં સફળ થયાં હતાં.
જેમ્સમાં પોતાની ઝલક દેખાય છે એવું મિશેલને લાગ્યું હતું, પરંતુ એ તેમના પિતા છે તેની ખાતરી તેમને ક્યારેય થઈ ન હતી. તેમના મનમાં ઊંડેઊંડે કેટલીક શંકા હતી.
2021ના અંત સુધીમાં તેમનાં મમ્મીને ડિમેન્શિયા થયો હતો અને એ પછી તેઓ તેમના સવાલના જવાબ આપી શકે તેમ ન હતાં.
મિશેલે જેમ્સનો એક ફોટોગ્રાફ જોયો એ પછી તેમને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે જેમ્સ તેમના પિતા હોઈ જ શકે નહીં.
મિશેલ કહે છે, "મને વિચાર આવતો હતો કે તેઓ મારા જેવા જરાય દેખાતા નથી. તેથી મેં મારા માટે એક ડીએનએ ટેસ્ટ કિટ ખરીદી હતી."
કોઈ વ્યક્તિ ડીએનએ ટેસ્ટ કરાવે ત્યારે તેના તથા તેના પરિવાર વિશેનું સત્ય જાણવા મળે છે, પરંતુ મિશેલે સૅમ્પલને વિશ્લેષણ માટે મોકલ્યું ત્યારે તેમણે એ વિચાર્યું ન હતું કે તેના પરિણામની લેવિનિયા પર કેવી અસર થશે.
રિઝલ્ટ 2022ની 14 ફેબ્રુઆરીએ આવ્યું હતું અને એ જ દિવસે મિશેલ તથા લેવિનિયાનાં મમ્મીનું અવસાન થયું હતું.
જેમ્સનું નામ મિશેલના પૈતૃક વંશમાં ન હતું. એ તેના પિતા ન હતા.
અઠવાડિયું તપાસ કર્યા પછી મિશેલે શોધી કાઢ્યું હતું કે તેના પિતા ઍલેક્સ હતા.
ઍલેક્સ, તેમનાં મમ્મીની ફ્રેન્ડનો ભાઈ હતો. મિશેલે ઍલેક્સના પરિવારના કેટલાક સભ્યોનો સંપર્ક સાધ્યો હતો.
તેમણે મિશેલને જણાવ્યું હતું કે ઍલેક્સ વર્ષોથી દારૂ તથા ડ્રગ્સનો વ્યસની છે અને શેરીઓમાં રખડતો રહે છે.
મિશેલ અને લેવિનિયા ઓલિવિન નામની એક મહિલાને મળ્યાં. તેઓ માનતા હતાં કે ઓલિવિન તેમની ફર્સ્ટ કઝીન છે. મિશેલને તેમની સાથે સંબંધ હોવાનું લાગ્યું હતું.
લેવિનિયાએ પણ ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. તેને મિશેલથી અલગ પરિણામ મળવાની આશા ન હતી, પરંતુ ઍલેક્સના પરિવારને પોતાનો પરિવાર ન માનવાની વ્યાકૂળતા તેના મનમાં વધી રહી હતી. તેને દૂર કરવા કશુંક કરવું જરૂરી હતું.
તેઓ કહે છે, "હું ખાતરી કરવા ઈચ્છતી હતી."
લેવિનિયાએ પોતાનું રિઝલ્ટ ખોલ્યું અને ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. પોતે જેને જોડિયાં બહેન માનતી હતી એ વાસ્તવમાં સાવકી બહેન છે એવું જાણવા મળ્યું ત્યારે લેવિનિયા ભાંગી પડ્યાં હતાં. બહુ ગુસ્સે પણ થયાં હતાં.
"મને મિશેલ પર ગુસ્સો આવ્યો હતો, કારણ કે તેણે મારી પાસે આ બધું કરાવ્યું હતું અને હું સચ્ચાઈને સદંતર સ્વીકારવા ઇચ્છતી ન હતી."
વધુ ખુલાસા થવાના બાકી હતા.
લેવિનિયાએ તેમના રિઝલ્ટ્સનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે જેમ્સ તેમના પિતા પણ નથી.
બંને બહેનોના પિતાની શોધ
પોતાના પિતા કોણ છે એ જાણવામાં લેવિનિયાને જરાય રસ ન હતો, પરંતુ મિશેલ જવાબ મેળવવા કૃતનિશ્ચય હતા.
પોતાની જોડિયાં બહેનના રિઝલ્ટ્સની તપાસ કરતાં મિશેલને આર્થર મળી આવ્યા હતા, જે લેવિનિયાના અસલી પિતા હતા.
તેમને મળવા માટે બન્ને જોડિયાં બહેનો વેસ્ટ લંડનમાંના તેમના ઘરે પહોંચી હતી.
લેવિનિયા કહે છે, "આર્થર થોડા ગભરાયેલા હતા, પરંતુ તેમનો સ્વભાવ જોશીલો હતો. બિલકુલ મારા જેવો." એ મુલાકાતના અંતે તેમણે આર્થરના ગાલ પર પપ્પી કરી હતી.
"હું જાણે કે તેમના ભણી ખેંચાઈ રહી હોઉં એવી ઉત્કટ લાગણી થતી હતી. તેથી એવું કર્યું."
એ પછી લેવિનિયા અને આર્થર વચ્ચે ગાઢ સંબંધ બંધાયો છે. તેઓ મહિનામાં અનેકવાર એકમેકને મળે છે અને મિશેલ મોટાભાગે તેમની સાથે જ હોય છે.
લેવિનિયા કહે છે, "મને મારું સ્થાન મળી ગયું હોય એવું લાગે છે અને એ સ્થાન મારા પિતા સાથે છે."
આર્થરે મિશેલને પણ કહી દીધું છે કે એ તેને પિતાજી કહીને બોલાવી શકે છે.
પછી એક મુલાકાત દરમિયાન જોડિયાં બહેનોએ આર્થરને પૂછ્યું હતું કે અમારો જન્મ કેવી રીતે થયો હતો એ તમે જાણો છો?
મિશેલ કહે છે, "આર્થરે કહ્યું હતું કે તમારી મમ્મીએ મારો દરવાજો ખખડાવ્યો હતો. એ બહુ પરેશાન હતાં. રડતાં હતાં. તેઓ આર્થર પાસે ગયાં હતાં, કારણ કે તેઓ અસલામતી અનુભવતાં હતાં અને આઘાતમાં હતાં."
મિશેલ અને લેવિનિયાનાં માતાનું અવસાન થયું છે. તેથી ખરેખર શું થયું હતું તે જાણી શકાયું નથી, પરંતુ આર્થરનું કહેવું છે કે જોડિયા બહેનોનાં માતાએ મુશ્કેલ સમયમાં તેમની મદદ લીધી હતી.
મિશેલને પણ તેના બાયોલૉજિકલ પિતા ઍલેક્સ મળવાની તક મળી. એ મુલાકાત પરિવારના કેટલાક સભ્યોને કારણે શક્ય બની હતી. મિશેલ વિશે એ લોકોને જાણવા મળ્યું પછી આવું થયું હતું.
મિશેલ કહે છે, "તેઓ ડ્રગ્સના નશામાં હતા."
બન્નેના ચહેરામહોરા વચ્ચેની સમાનતાને નકારી શકાય તેમ ન હતું.
મિશેલ કહે છે, "તેઓ મારા છે, હું તેમની છું, પરંતુ તેમની સાથે જીવન પસાર કરવું જોઈએ, એવું મને લાગ્યું નહીં. હું તો બસ જાણવા ઇચ્છતી હતી."
પોતાની દીકરીઓના પિતા અલગ-અલગ છે, એવી શંકા મિશેલ અને લેવિનિયાનાં મમ્મીને ક્યારેય પડી હતી કે કેમ એ વાત બન્ને જોડિયાં બહેનો ક્યારેય નહીં જાણી શકે.
લેવિનિયા કહે છે, "આ વાતે તેઓ જરૂર દ્વિધામાં મૂકાયાં હશે. તેમણે કશુંક જોયું હશે. કશુંક અનુભવ્યું હશે."
મિશેલ કહે છે, "મને લાગે છે કે મમ્મી એ વાત જાણતી હશે, પરંતુ તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરતી રહી હશે."
એકમેક જેવો દેખાવ ન ધરાવતાં જોડિયાં બહેનો તરીકે લેવિનિયા અને મિશેલ તેમની વચ્ચેના ફરકથી સારી રીતે વાકેફ છે.
તેમના ડીએનએ ટેસ્ટમાં બહાર આવેલી હકીકતે તેમની વચ્ચેના ફરકને સ્પષ્ટ કરી દીધા છે, પરંતુ તેમની વચ્ચેનો સંબંધ કાયમ અદ્વિતીય રહેશે.
લેવિનિયા કહે છે, "આ એક ચમત્કાર છે. અમારી વચ્ચે અતૂટ નિકટતા કાયમ જળવાઈ રહેશે."
"એ મારી ટ્વિન સિસ્ટર છે. તેને કોઈ નકારી શકે નહીં," મિશેલ માથું હલાવતાં કહે છે.
ફોટોગ્રાફી- એમા લિંચ/બીબીસી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન