કૉક્રોચ જનતા પાર્ટીનો આરોપ : 'દિલ્હી પોલીસ અભિજિત દીપકેને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ આરોપ લગાવ્યો છે કે અભિજિત દીપકેને તેમના વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં નથી આવી રહી.
સીજેપીએ ઍક્સ પર લખ્યું, "દિલ્હી પોલીસ અભિજિત દીપકેને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે. અમારો તેમના સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેમને વકીલો સાથે વાત કરવાની પણ પરવાનગી આપવામાં આવી રહી નથી. આખરે આ સરકાર યુવાનો સાથે આતંકવાદીઓ જેવી વર્તણૂક શા માટે કરે છે?"
"અમે ભારતના સમાન અધિકારો ધરાવતા નાગરિકો છીએ અને બંધારણ દ્વારા મળેલા તમામ અધિકારો અને સુરક્ષાના હકદાર છીએ. દિલ્હી પોલીસ, તમે અભિજિતને ક્યાં લઈ ગયા છો? તમારે અમને તેનો જવાબ આપવો પડશે."
સીજેપીએ વધુમાં લખ્યું, "અભિજિત તો માત્ર હાથમાં તિરંગો લઈને પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. આખરે હાથમાં તિરંગો લઈને ચાલવું અપરાધ કેવી રીતે બની શકે?"
શુક્રવારે સાંજે દિલ્હી પોલીસે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને અટકાયતમાં લીધા હતા.
દીપકે દિલ્હીમાં જે ઘરમાં રોકાયેલા હતા ત્યાંથી જેમ જ તેઓ 'લહેરા દો તિરંગા' માર્ચ માટે હાથમાં તિરંગો લઈને બહાર નીકળ્યા, ત્યારે ત્યાં હાજર એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું, "અમે તમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લઈ રહ્યા છીએ."
દીપકે હાથમાં તિરંગો લઈને કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક તરફ જઈ રહ્યા હતા.
દિલ્હી પોલીસે અભિજિત દીપકે બાદ નેહા બોરાની પણ અટકાયત કરી

ઇમેજ સ્રોત, VATSYAYANA / AFP via Getty Images
દિલ્હી પોલીસે આઈસાનાં પ્રમુખ નેહા બોરાને અટકાયતમાં લીધાં છે. તેમને દિલ્હીના મંડી હાઉસ વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં નેહા બોરા અને તેમના અનેક સાથીઓએ મંડી હાઉસ વિસ્તારમાંથી તિરંગા માર્ચ શરૂ કરી હતી.
પોલીસે નેહા બોરા સાથે આઈસા અને ડાબેરી પક્ષોના અન્ય કાર્યકરોને પણ અટકાયતમાં લીધા છે.
નેહા બોરાના ઍક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે, "નેહાને એકલાં જ અટકાયતમાં લેવામાં આવ્યાં છે અને તેમને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યાં છે. તેમની પાસે તેમનો ફોન નથી. દિલ્હી પોલીસ જણાવે કે નેહા ક્યાં છે. એક વખત ફરી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે, આ અટકાયત નથી."
નેહા બોરા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યાં હતાં.
આ પહેલાં દિલ્હી પોલીસે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને પણ અટકાયતમાં લીધા હતા.
દીપકે દિલ્હીમાં જે ઘરમાં રહી રહ્યા હતા, ત્યાંથી જેમ જ તેઓ સીજેપીના પ્રસ્તાવિત 'લહેરા દો તિરંગા' માર્ચ માટે હાથમાં તિરંગો લઈને બહાર નીકળ્યા, ત્યારે ત્યાં હાજર એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું, "અમે તમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લઈ રહ્યા છીએ."
દીપકે તિરંગો લઈને કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક તરફ જઈ રહ્યા હતા.
'મેં કર્યું શું છે...?', અભિજિત દીપકે જેવા ઘરની બહાર નીકળ્યા કે પોલીસે તેમની અટકાયત કરી

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉક્રોચ જનતા પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેને દિલ્હી પોલીસે હિરાસતમાં લઈ લીધા છે. તેઓ તિરંગા યાત્રા માટે ઘરથી બહાર નિકળ્યા હતા. તેઓ કનૉટ પ્લેસ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની પોલીસે અટકાયત કરી છે.
અભિજિત દિપકેએ આ પહેલાં પોલીસને કહ્યું હતું કે તેઓ એકલા જ છે અને એકલા જ જઈ રહ્યા છે. દીપકે સતત પૂછતા રહ્યા કે તેમણે કર્યું શું છે?
પોલીસે દીપકેને કહ્યું, "અમે તમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લઈ રહ્યા છીએ કારણકે કનૉટ પ્લેસ વિસ્તારમાં કલમ 163 લાગુ છે."
અભિજિત દીપકે એનસીપી શરદ પવાર જૂથના પ્રવક્તા અનીશ ગવાંડેના નિવાસસ્થાને રોકાયેલા હતા.
આ પહેલાં દિલ્હી પોલીસની ટીમે દીપકેને નોટિસ આપી હતી. નવી દિલ્હી વિસ્તારના ડીસીપી સચીન શર્માના જણાવ્યા પ્રમાણે, "નવી દિલ્હી જિલ્લામાં કલમ 163 બીએનએસએસ લાગુ છે. તે અંતર્ગત જે પ્રતિબંધ છે, તે લાગ્યા છે. તેથી તમામ લોકોને અપીલ છે કે તેઓ કાયદાનું પાલન કરે."
"તેમને (અભિજિત દીપકે)ને ડીપી ઍક્ટ અંતર્ગત નોટિસ આપવામાં આવી છે અને તે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે તેઓ કાયદાનું પાલન કરે. તેમને જણાવી દેવામાં આવ્યું છે કે કનૉટ પ્લેસ વિસ્તારમાં બીએનએસએસની કલમ 163 લાગુ છે"
સમાચાર એજન્સી એએનઆઈએ પોલીસ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે નોટિસમાં દિલ્હી પોલીસે અભિજિત દીપકેને કનૉટ પ્લેસ ખાતે 'લહેરા દો તિરંગા' કાર્યક્રમ યોજવાની મંજૂરી ન હોવાનું જણાવ્યું છે.
દીપકેએ આજે સાંજે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 'લહેરા દો તિરંગા' કાર્યક્રમ દ્વારા વિરોધપ્રદર્શન કરવાની અપીલ કરી છે.
'લહરા દો તિરંગા' રેલી અગાઉ અભિજિત દીપકેએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
દીપકેએ દિલ્હીસ્થિતિ કનૉટ પ્લેસ પર શુક્રવારે 'લહરા દો તિરંગા' રેલી કરવાની જાહેરાત કરી હતી. એ દરમિયાન ત્યાંના વેપારી એકમો પર અસર પડવાની વાત સામે આવી હતી.
દીપકેએ શુક્રવારે ઍક્સ પર લખ્યું, "કારોબારને શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનોથી નુકસાન નથી થતું. નુકસાન ત્યારે થાય છે, જ્યારે સરકાર આખા શહેરને બંધ કરવા, ઇન્ટરનેટ સેવાઓ રોકવા અને પોતાના જ નાગરિકોની અવરજવર રોકવાનો નિર્ણય કરે છે અને શહેરને યુદ્ધમેદાનમાં બદલી દે છે."
"સીજેપીની શરૂઆતથી જ અમે એ કહ્યું છે કે અમે હંમેશાં ગાંધીજીના શાંતિ અને અહિંસાના રસ્તા પર ચાલશું અને અમે આ વાયદા પર કાયમ રહ્યા છીએ. અમે મુંબઈ, પુણે, જયપુર, લખનઉ, બૅંગ્લુરુ અને નાગપુરમાં વિરોધપ્રદર્શન કર્યાં છે, એ પૈકી દરેક શાંતિપૂર્ણ પ્રદર્શન રહ્યું છે. જયપુરમાં મારા પર હુમલો કરાયો હતો, પરંતુ ત્યારે પણ મેં જવાબી હુમલો નહોતો કર્યો."
"સરકાર પાસેથી જવાબ માગવો એ અરાજકતા નથી, રસ્તા પર અન્યાય વિરુદ્ધ પ્રદર્શન કરવું એ અરાજકતા નથી અને સરકારી પદો પર બેઠેલા લોકોને સવાલ કરવા એ તો બિલકુલ પણ અરાજકતા નથી. આ લોકશાહીને વ્યક્ત કરવાની સૌથી પાયાની રીતો છે."
અભિજિત દીપકેએ લખ્યું, "આજે જે પાર્ટી સત્તામાં છે, તેણે વિપક્ષમાં રહીને દાયકાઓ સુધી વિરોધપ્રદર્શન કર્યાં, રસ્તા પર ઊતરીને આંદોલન કર્યાં અને એ સમયની સરકારોને સવાલ પૂછ્યા. જો તેમના વિરુદ્ધ પણ આ પ્રકારની પાબંદીઓ લગાવાઈ હોત, તેમને ગભરાવાયા હોત અને પોલીસે કડકાઈ કરી હોત, તો કદાચ આજે સત્તામાં બેઠેલા ઘણા લોકો ક્યારેય આ મુકામ સુધી ન પહોંચી શક્યા હોત."
દીપકેએ કહ્યું કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તે લોકોની વાત સાંભળે, ના કે તેના અવાજને દબાવે.
રાજનાથ સિંહે કહ્યું 'બાંગ્લાદેશની જેમ સરકાર બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે'

ઇમેજ સ્રોત, Debarchan Chatterjee/NurPhoto via Getty Images
ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલાં પ્રદર્શનો વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૉંગ્રેસ અને તેના રાજકીય સહયોગીઓ પર નિશાન સાધ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે યુવાનોની ઊર્જાને રાષ્ટ્રનિર્માણમાં લગાડવાના બદલે તેમને અરાજકતા અને રાજકીય ટકરાવનું મોહરું બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજનાથ સિંહે શુક્રવારે લખનૌમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.
રાજનાથ સિંહે કહ્યું હતું, "દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની છે, તે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એવું લાગે છે કે કૉંગ્રેસ અને તેના રાજકીય સહયોગીઓ સીધા તેમજ પોતાના સમર્થક સંગઠનો મારફતે યુવાનોની ઊર્જાને રચનાત્મક કાર્યો અને રાષ્ટ્રનિર્માણ તરફ દોરવાના બદલે રાજકીય ટકરાવ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
"દેશના યુવાનોને અરાજકતાની રાજનીતિનું મોહરું બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ બાંગ્લાદેશની જેમ સરકાર બદલવા માંગે છે અને એક પ્રેસ વાર્તામાં ખુલ્લેઆમ કહે છે કે તેમને સરકાર બદલવાની પ્રેરણા બાંગ્લાદેશ પાસેથી મળી છે."
"તો બીજું એક જૂથ ખુલ્લેઆમ સરકારને પાડી દેવાની વાત કરે છે. આ સ્પષ્ટ કરે છે કે તેમનો એકમાત્ર અજેન્ડા લોકશાહી સંસ્થાઓને ધ્વસ્ત કરવાનો અને દેશમાં આગ લગાડવાનો છે."
રાજનાથે કહ્યું હતું, "'સરકાર બદલવા' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દર્શાવે છે કે તેમની લડાઈ ચૂંટણી સુધારા, SIR, જ્ઞાનેશકુમાર અથવા દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નથી. તેમની લડાઈ દેશમાં અરાજકતા પેદા કરીને સત્તા મેળવવાની એક સાજિશ છે."
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવએ રાજનાથ સિંહની પ્રેસ કૉન્ફરન્સ પર ટિપ્પણી કરતાં તેને ઉત્તર પ્રદેશની રાજનીતિ સાથે જોડી હતી.
તેમણે ઍક્સ પર લખ્યું હતું, "સાંભળવા મળ્યું છે કે સત્તાધારીઓ તરફથી કોઈ મોટી પ્રેસ કૉન્ફરન્સ થઈ રહી છે."
"લાગે છે કે 'લખનૌ-ઍક્સપ્રેસ'નું એન્જિન ફેલ થઈ ગયું છે, એટલે જ દિલ્હીના એન્જિને લખનૌની કમાન કોઈ બીજી વ્યક્તિને સોંપવાનો આંતરિક નિર્ણય કરી લીધો છે."
અખિલેશે વધુમાં લખ્યું હતું, "આ પ્રેસ કૉન્ફરન્સ તો માત્ર દેખાડો છે, અસલી રમત તો લખનૌના એન્જિનને ખટારા સાબિત કરીને તેને કાયમ માટે હટાવવાની છે. હવે લખનૌવાસીઓની રક્ષા કોણ કરશે?"
અભિજિત દીપકેની જાહેરાત બાદ કનૉટ પ્લેસમાં ભારે સુરક્ષા દળોની તહેનાતી, તસવીરો જુઓ

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 16 ઑક્ટોબરે CJPના તિરંગા ફરકાવવાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે.
દિલ્હી પોલીસના ડીસીપી નેહા યાદવે જણાવ્યું હતું કે CJPએ સોશિયલ મીડિયા અને પ્રેસ કૉન્ફરન્સ દ્વારા લોકોને 16 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યે સેન્ટ્રલ પાર્કમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે એકત્ર થવાની અપીલ કરી છે.
નેહા યાદવે કહ્યું હતું, "વર્તમાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં છે."
આ દરમિયાન કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં કનૉટ પ્લેસમાં દુકાનો બંધ જોવા મળી રહી છે અને ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI
ગાંધીનગરના છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં ફૅક્ટરીમાં વિસ્ફોટ, ચાર કામદારોનાં મોત

ઇમેજ સ્રોત, ians
ગાંધીનગર જિલ્લાની છત્રાલ જીઆઇડીસી ફેઝ-4 વિસ્તારમાં આવેલી એક ફૅક્ટરીમાં ગુરુવારે બપોરે થયેલા વિસ્ફોટમાં ચાર કામદારોનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે. જે. ગઢવીએ જણાવ્યું કે આ ઘટના ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઇડીસી) વિસ્તારમાં આવેલી કોવિકા ડાયઝ ઍન્ડ ઇન્ટરમિડિયેટ્સ નામની ફૅક્ટરીમાં બની હતી. આ કંપની રંગદ્રવ્યોનું ઉત્પાદન અને નિકાસ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર, બોઇલર વેસલની નજીક પાઇપ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટના ચોક્કસ કારણ માટે હાલમાં તપાસ ચાલી રહી છે.
અમેરિકામાં એક પ્રાથમિક શાળામાં 16 વર્ષીય છોકરાનો ગોળીબાર, શિક્ષક અને ત્રણ બાળકનાં મોત

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના ઓરેગન રાજ્યમાં ગુરુવારે એક પ્રાથમિક શાળામાં ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં છે.
સ્થાનિક પોલીસ અનુસાર, મૃતકોમાં ત્રણ બાળકો અને એક શિક્ષક સામેલ છે. અમેરિકામાં બીબીસી સહયોગી સીબીએસના રિપોર્ટ અનુસાર, ઘટના માટે જવાબદાર ગણાવાતો 16 વર્ષીય સંદીગ્ધ છોકરો પણ માર્યો ગયો છે.
ગોળીબારમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. જેમાં સાત વર્ષનું બાળક અને એક શિક્ષક સામેલ છે. બંનેને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે.
પોલીસ અનુસાર, ગુરુવારે બપોરે ઓરેગનના બૅન્ડમાં આવેલા સિલ્વર રેલ ઍલીમેન્ટ્રી શાળામાં ગોળીબારની માહિતી મળી હતી.
જણાવાઈ રહ્યું છે કે એક અજ્ઞાત સંદિગ્ધે પ્રથમ કાર પર ગોળી ચલાવી અને બાદમાં શાળા પરિસરમાં દાખલ થઈ ગયો હતો.
બૅન્ડ પોલીસ પ્રમુખ માઇક ક્રૅન્ઝે જણાવ્યું, "સંદિગ્ધને એક સ્થાનિક નાગરિકે ગોળી મારી હતી."
"એ વ્યક્તિએ સંદિગ્ધને શાળામાં પ્રવેશ કરતા જોયો હતો અને તેનો પીછો કરીને ઇમારતમાં પહોંચી ગયો હતો, જ્યાં બંને વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં સંદિગ્ધ માર્યો ગયો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























