You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં એક મહિનામાં ઓરીથી 100 બાળકોનાં મૃત્યુ, રોગચાળો કેમ ફાટી નીકળ્યો?
- લેેખક, કોહ વી તથા બીબીસી બાંગ્લા
- વાંચવાનો સમય: 4 મિનિટ
બાંગ્લાદેશમાં ઓરી ફાટી નીકળવાના કારણે 100થી વધુ લોકોનાં મોતની આશંકા છે, જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થાય છે. જે આ દેશના તાજેતરના ઇતિહાસમાં ઓરીની સૌથી ઘાતક લહેર સાબિત થઈ શકે છે. આને પગલે સરકારે તાત્કાલિક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 15 માર્ચથી 7,500થી વધુ ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ શંકાસ્પદ કેસોમાંથી 900થી વધુ કેસો ઓરીના છે તેની પુષ્ટિ થઈ છે, જે 2025ની સરખામણીમાં તીવ્ર વધારો દર્શાવે છે; ત્યારે 2025ના વર્ષ દરમિયાન ફક્ત 125 ઓરીના કેસ નોંધાયા હતા.
આ વચ્ચે દેશમાં રવિવારથી રસીકરણની ઝુંબેશ શરૂ થઈ છે. વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુ.એચ.ઓ.) અનુસાર,2024માં વિશ્વભરમાં ઓરીના 11 મિલિયન કેસ નોંધાયા હતા, જે 2000માં ત્રણ કરોડ આઠ લાખ હતા. આમ, વિશ્વભરમાં ઓરીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ડબલ્યુ.એચ.ઓ.એ રસીકરણ દરમાં ઘટાડો થતાં વિશ્વના કેટલાક ભાગોમાં ઓરી ફરી સક્રિય થવાની ચેતવણી આપી છે. મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' અનુસાર, 2024 અને 2025માં વિશ્વમાં છેલ્લાં 20 વર્ષથી વધુ સમયમાં સૌથી વધુ ઓરીનો ફેલાવો જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશી તંત્રનું શું કહેવું છે?
17 કરોડ લોકોની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં, નવ મહિનાની ઉંમરનાં બાળકોને નિયમિત ઓરીની રસી આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં અચાનક ફાટી નીકળેલા પ્રકોપથી તેના કાર્યક્રમમાં રહેલી ખામીઓ છતી થઈ છે, જેનાથી ચિંતા વધી છે.
આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શહરયાર સજ્જાદે બીબીસી બાંગલાને જણાવ્યું હતું કે, તાજેતરમાં ચેપગ્રસ્ત થયેલા લોકોમાંથી લગભગ એક-તૃતીયાંશ નવ મહિનાથી ઓછી ઉંમરનાં બાળકો હતાં.
સજ્જાદે જણાવ્યું કે, પહેલાં કોવિડને કારણે અને પછી "રાજકીય પરિસ્થિતિ"ને કારણે 2020થી કોઈ ખાસ ઓરી રસીકરણ ઝુંબેશ ચાલી નથી. બાંગ્લાદેશમાં 2024માં રાજકીય ઉથલપાથલ થઈ હતી, જ્યારે મોટા પાયે સરકાર વિરોધીપ્રદર્શનોએ તત્કાલીન શાસક શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધી હતી.
હસીનાની હકાલપટ્ટી પછી એક વચગાળાની સરકારે સત્તા સંભાળી અને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જ દેશે નવી સરકારની પસંદગી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સજ્જાદે જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલમાં ઓરી રસીકરણ ઝુંબેશ યોજાવાની હતી, "પરંતુ તે થઈ નહીં".
બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ખરીદી સંબંધી સમસ્યાઓને કારણે ઓરી સહિતની રસીઓની અછત સર્જાઈ છે. બાંગ્લાદેશમાં ઘણા લોકોએ રસીની અછત માટે ભૂતપૂર્વ વચગાળાની સરકારને દોષિત ઠેરવી છે, જેણે નવી રસી પ્રાપ્તિ પ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું.
ઓરી શું છે?
ઓરી એ હવા દ્વારા ફેલાતો અત્યંત ચેપી રોગ છે, જે ગંભીર પરિણામો લાવી શકે છે અને તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
ઓરીનાં સામાન્ય લક્ષણો:
- ઊંચો તાવ આવવો
- આંખોમાં દુખાવો થવો, આંખ લાલ થઈ તેમાંથી પાણી આવવું
- ખાંસી
- છીંકો આવવી
ડબલ્યુ.એચ.ઓ.ના મતે, 2024માં વિશ્વભરમાં ઓરીના કારણે અંદાજે 95,000 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગનાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો હતાં. રસીકરણ દ્વારા ઓરીને અટકાવી શકાય છે - પરંતુ રોગને ફેલાતો અટકાવવા માટે 95% વસ્તીને રસી આપવી જરૂરી છે.
બાંગ્લાદેશમાં ઓરીના કેસોમાં વધારો કેમ થયો છે?
બાંગ્લાદેશમાં યુનિસેફના પ્રતિનિધિ રાણા ફ્લાવર્સે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હાલ ચાલી રહેલા ઓરીના પ્રકોપથી હજારો બાળકો, ખાસ કરીને સૌથી નાનાં અને સૌથી સંવેદનશીલ બાળકો જોખમમાં મુકાઈ રહ્યાં છે. જેઓ હજુ સુધી નિયમિત રસીકરણ માટે લાયક નથી, તેમને ચેપ લાગવો વધારે ચિંતાજનક છે."
નિયમિત રસીકરણ ઉપરાંત, બાંગ્લાદેશ દર ચાર વર્ષે ખાસ ઓરી રસીકરણ ઝુંબેશ ચલાવે છે. પરંતુ આ ઝુંબેશો યોજના મુજબ ચાલી નથી. યુનિસેફે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓરીનું પુનરુત્થાન "સામાન્ય રીતે માત્ર એક પરિબળને કારણે નથી, તેને બદલે આ એકથી વધુ સમસ્યાઓનું પરિણામ છે."
"બાંગ્લાદેશમાં ઉચ્ચ રોગપ્રતિકારક કવરેજનો મજબૂત ઇતિહાસ છે, પરંતુ નાના વિક્ષેપો પણ સમય જતાં રોગપ્રતિકારક શક્તિમાં ધીમે-ધીમે ઘટાડો કરવા તરફ દોરી શકે છે."
યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે રહીને, બાંગ્લાદેશે ઓરી અને રૂબેલા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. રૂબેલા એ ઓરી જેવાં જ લક્ષણો ધરાવતો પણ તેનાથી પ્રમાણમાં હળવો રોગ છે. રવિવારથી શરૂ થયેલી આ ઝુંબેશ બાંગ્લાદેશના 30 ઉપ-જિલ્લા સ્તરે ચલાવવામાં આવી છે, જેમાં છ મહિનાથી પાંચ વર્ષની વયનાં 12 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે.
યુનિસેફના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ "જે બાળકો નિયમિત રસીકરણ ચૂકી ગયાં છે અને ગંભીર બીમારી માટે સૌથી વધુ સંવેદનશીલ છે, તેમને પ્રાથમિકતા આપશે." યુનિસેફે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ગીચ વસ્તી ધરાવતું પાટનગર ઢાકા અને રોહિંગ્યા શરણાર્થી શિબિરો ધરાવતા ગીચ વિસ્તાર કોક્સબજાર પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રસીકરણ ઝુંબેશ ઉપરાંત, આરોગ્ય અધિકારીઓ માહિતીપત્રિકા (ઇન્ફોગ્રાફિક્સ) પણ પ્રકાશિત કરી રહ્યા છે જે લોકોને ઓરીના રોગને કેવી રીતે ઓળખવો અને અટકાવવો તે બાબતે જાણકારી આપે છે.
વિશ્વભરમાં ઓરીના રોગની સ્થિતિ
છેલ્લા બે દાયકામાં, વૈશ્વિક સ્તરે ઓરીના કેસ અને તેનાથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
ડબલ્યુ.એચ.ઓ.એ રસીકરણ દરમાં ઘટાડો થતાં વિશ્વના કેટલાક ભાગોમાં ઓરી ફરી સક્રિય થવાની ચેતવણી આપી છે. મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' અનુસાર, 2024 અને 2025માં વિશ્વમાં છેલ્લાં 20 વર્ષથી વધુ સમયમાં સૌથી વધુ ઓરીનો ફેલાવો જોવા મળ્યો હતો.
એશિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં તેમજ યુરોપ, અમેરિકા અને યુકેમાં ઓરીના કેસોમાં વધારો થયો છે, જ્યાં ખાસ કરીને રોગચાળા પછી રસીઓ સામે શંકા વધી રહી છે. ફેબ્રુઆરીમાં, ઉત્તર લંડનની કેટલીક શાળાઓમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેના કારણે આરોગ્ય અધિકારીઓએ માતા-પિતાને તેમનાં બાળકોને રસી અપાવવાનું યાદ અપાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન