આપણી સૂંઘવાની ક્ષમતા અને મોત વચ્ચે કોઈ સંબંધ છે અને દુર્ગંધની સ્વાસ્થ્ય પર શું અસર થાય?

    • લેેખક, ક્રિસ માર્શલ
    • પદ, બીબીસી, ફ્યુચર
  • વાંચવાનો સમય: 8 મિનિટ

તમારા તરફ આવતી દુર્ગંધ માત્ર તમને ઊબકાં નથી કરાવડાવતી, એ તમારા શરીર અને મગજ બંને પર પણ અસર કરી શકે છે.

ઍલન કોર્નર માટે ઉનાળાના દિવસોમાં પોતાના બગીચામાં પગ મૂકવો પણ અસહ્યનીય થઈ જાય છે, તેને તેઓ 'ખુલ્લા કચરાના ટ્રક પાછળ ચાલવા' જેવું ગણાવે છે.

નિવૃત્ત શિક્ષિકા કોર્નર કહે છે કે ઇંગ્લૅન્ડના વેસ્ટબરી શહેરમાં આવેલા પોતાના ઘરની બધી બારીઓ બંધ કરવા છતાં નજીકના વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવતી ઊબકાં કરાવતી દુર્ગંધથી તે મોટે ભાગે બચી શકતી નથી.

કોર્નરે જણાવ્યું કે, "અમે અમારા બગીચાનો ઉપયોગ નથી કરી શકતા, ન તો ટહેલવા જઈ શકીએ છીએ. એવું લાગે કે જાણે હમણાં ઊલટી થઈ જશે."

ક્યારેક ને ક્યારેક, આપણે બધાએ કચરો ફેંકતી વખતે સડેલા કચરાની દુર્ગંધ અનુભવી હોય છે. કચરાના ઢગલા પાસેથી પસાર થતી વખતે અથવા તો કોઈ ફૅક્ટરીમાંથી આવતી ખરાબ ગંધનો સામનો કર્યો હોય છે.

જરા વિચારો, તમારે નિરંતર આવી જ દુર્ગંધ સાથે રહેવાનું થાય તો શું થાય?

છતાં આપણે આ પ્રકારના 'ગંધ-પ્રદૂષણ'ની સ્વાસ્થ્ય પર થતી અસર પર બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. ખરાબ ગંધને વ્યક્તિગત અથવા તો સાધારણ સમજીને અવગણી દેવામાં આવે છે.

સંશોધનથી જાણવા મળ્યું છે કે લોકો મોટે ભાગે પોતાની સૂંઘવાની ક્ષમતાને જોવા, સાંભળવા, સ્પર્શવા અને સ્વાદ લેવાની ક્ષમતા કરતાં ઓછું મહત્ત્વ આપે છે. અમેરિકાના અમુક કૉલેજ-વિદ્યાર્થીઓએ તો ત્યાં સુધી જણાવ્યું કે તેઓ પોતાની સૂંઘવાની ક્ષમતા ગુમાવવા કરતાં પોતાનો ફોન ગુમાવવો પસંદ કરશે.

આ માત્ર જે લોકો દુર્ગંધ સાથે રહીને અનુભવે છે તે અસુવિધાની વાત નથી. અભ્યાસ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં આવતી અપ્રિય ગંધ માથાનો દુખાવો, ઊબકાં, શ્વાસ લેવામાં તકલીફ કે ઊંઘમાં ખલેલ જેવી આરોગ્યની સમસ્યાઓ સાથે જોડાયેલી હોય છે.

તેની માનસિક અને શારીરિક અસર લાંબા સમય સુધી રહી શકે છે.

ભયજનક ગંધ અને તેનાં જોખમ

સૂંઘવાની ક્ષમતા આંશિક રૂપે એક પ્રારંભિક ચેતાવણીના સંકેત રૂપે વિકસી છે, જેથી આપણે બીમાર પડવાથી કે ચેપ લાગવાથી બચી શકીએ. જે ચીજમાંથી સડેલી દુર્ગંધ આવતી હોય, તેમાં મોટે ભાગે નુકસાનકારક બૅક્ટેરિયા હોય છે.

સ્વીડનના સ્ટોકહોમમાં આવેલી કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં ગંધવિજ્ઞાનના પ્રોફેસર જોહાન લુન્ડસ્ટ્રૉમ કહે છે કે સૂંઘવાની ક્ષમતા આપણી ઇમ્યુન સિસ્ટમનો એક ભાગ છે.

લુન્ડસ્ટ્રૉમ કહે છે, "તે એક રક્ષણાત્મક પ્રણાલીની જેમ કરે છે, જે આપણને પર્યાવરણમાં રહેલા જોખમ વિશે ચેતવણી આપે છે."

તેમના સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે ગંધના સંકેતો નાક દ્વારા અંદર જતાની સાથે લગભગ 300 મિલીસેકન્ડની અંદર મગજમાં પ્રક્રિયા થઈ જાય છે. સંશોધન દરમિયાન ખરાબ ગંધના સંપર્કમાં આવેલા લોકોએ તીવ્ર શારીરિક પ્રતિક્રિયા આપી અને સ્વાભાવિકપણે દુર્ગંધિત સ્થળેથી દૂર જતા રહ્યા.

સૂંઘવાની આ રક્ષણાત્મક પ્રવૃત્તિ કોઈને પણ એવો ભરોસો અપાવવાનું સહેલું કરી દે છે કે અમુક ગંધ ખરાબ હોય છે, ભલે તે સાધારણ રીતે સારી માનવામાં આવતી હોય.

લુન્ડસ્ટ્રૉમ જણાવે છે, "જો આપણે કોઈ ગંધને ઓળખી ન શકીએ તો તે લગભગ હંમેશાં નકારાત્મક અનુભવ બની રહે છે."

દુર્ગંધની સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

સૂંઘવાની ક્રિયા માત્ર જોખમ ઓળખવા સુધી સીમિત નથી. લોકોનાં આરોગ્ય અને જીવન પર પણ ગંધની ઊંડી અસર પડી શકે છે.

વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે કે સુગંધ આપણા માનસિક આરોગ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે તે મગજના એવા ભાગોને સક્રિય કરે છે, જે ભાવનાઓ અને યાદો સાથે જોડાયેલા હોય છે.

એવા પણ દાખલા છે કે ખરાબ ગંધ આપણા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે, જોકે વૈજ્ઞાનિકો હજી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે 'ગંધ-પ્રદૂષણ' અને સીધા શારીરિક પ્રભાવ વચ્ચેનો ચોક્કસ સંબંધ શું છે.

2021ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ખરાબ ગંધથી થતો માથાનો દુખાવો કે ઊલટી જેવાં લક્ષણો પાછળ કેટલાંક જૈવિક કારણો જવાબદાર હોય છે. દાખલા તરીકે, ખરાબ ગંધ 'વેગસ નર્વ'ને સક્રિય કરી શકે છે, જે મગજ અને આંતરડાને જોડતી તંત્રિકા પ્રણાલીનો એક મહત્ત્વનો ભાગ છે.

એના લીધે વ્યક્તિને ઊબકાં આવી શકે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પષ્ટ તારણ સુધી પહોંચવા માટે વધુ સંશોધનની જરૂર છે.

આપણા આરોગ્ય પર પડતો તેનો પ્રભાવ એ વાત પર પણ આધાર રાખે છે કે આપણે તે ગંધને લઈને કેટલા ચિંતિત છીએ.

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલા 'મોનેલ કેમિકલ સેન્સ સેન્ટર'ની મનોચિકિત્સક પામેલા ડાલ્ટન કહે છે, "ગંધનો આરોગ્ય પર પ્રભાવ, વ્યક્તિની જે તે ગંધ પ્રત્યેની નાપસંદગી અથવા ડરથી પડે છે."

તેમણે 32 વર્ષ સુધી ગંધના આરોગ્ય પરના પ્રભાવોનો અભ્યાસ કર્યો છે. તમે જેટલા વધુ કોઈ ગંધને લઈને ચિંતિત થાવ, એટલી જ તે તમારા આરોગ્ય અને જીવન પર વધારે અસર કરે છે.

જીવનશૈલીમાં પરિવર્તન

લાંબા સમય સુધી રહેતી દુર્ગંધ જીવનના ઘણા ભાગોને અસર કરી શકે છે. તે લોકોને જીવનશૈલી બદલવા મજબૂર કરી શકે, જે આગળ જતાં આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેને "મેલએડેપ્ટિવ ઍક્શન" કહેવામાં આવે છે.

દાખલા તરીકે, કોઈ વ્યક્તિ ઉનાળામાં પણ બારીઓ બંધ રાખે, બહાર જઈને કસરત કરવાનું ટાળે અથવા મિત્રો સાથે સમય વિતાવવાથી પણ દૂર રહે.

તેમ છતાં, કેટલાક લોકો માટે હળવી દુર્ગંધ પણ અસહ્ય બની શકે છે. ઉંમર, લિંગ, ઍલર્જી અને ધૂમ્રપાન જેવી જીવનશૈલી સાથે જોડાયેલા વિકલ્પો પણ નક્કી કરે છે કે લોકો ગંધને કેવી રીતે અનુભવે છે. શક્ય છે કે લોકો સમય જતા દુર્ગંધના આદી થઈ જાય, પરંતુ લૅન્ડફિલ જેવી ગંધ સહન કરવી સરળ બને એ જરૂરી નથી.

તેનાથી વિપરીત, સાધારણ અથવા સારી ગંધ પ્રત્યે અભ્યસ્થ થઈ જવું સામાન્ય વાત છે.

લુન્ડસ્ટ્રૉમ કહે છે, "એક વાર તમે કોઈ ગંધને ઓળખી લો અને સમજી લો કે તે તમને નુકસાન નહીં કરે, તો તમે તેને અનુભવવાનું બંધ કરી દો છો."

આ કારણે જ માણસોનું નાક એક ટ્રિલિયન જેટલી ગંધ ઓળખી શકે છે, છતાં લોકો ઘણી વાર ખતરનાક ન હોય તેવી વસ્તુઓની ગંધને નામ આપવામાં મુશ્કેલી અનુભવે છે.

સંશોધનથી જાણવા મળે છે કે આપણામાંથી અડધા કરતાં પણ ઓછા લોકો કૉફી કે વેનિલા જેવી રોજબરોજની ગંધને સાચી રીતે ઓળખી શકે છે.

દુર્ગંધ સામે લડત

ક્યારેક ક્યારેક હવાની દિશા બદલાતા દુર્ગંધ આવતી-જતી રહે છે અથવા કોઈ વિસ્તારના કેટલાક ભાગોમાં જ અનુભવાય છે.

કૅનેડાની યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયામાં પર્યાવરણ મૉડલિંગ અને નીતિ વિષયની ઍસોસિયેટ પ્રોફેસર અમાન્ડા જિયાંગ જણાવે છે કે, "ગંધ ખૂબ જ સ્થાનિક હોઈ શકે છે. હું એક બ્લૉક દૂર રહેતી હોઉં છતાં, સંભવ છે કે મને ખબર પણ ન પડે કે બાજુના વિસ્તારમાંથી સડી ગયેલી માછલી જેવી ગંધ આવે છે."

તેમણે વેન્કુવર શહેરમાં ગંધથી થતા પ્રદૂષણના પ્રભાવ પર અભ્યાસ કર્યો છે. દરેક વ્યક્તિ દુર્ગંધને એકસરખી રીતે અનુભવતી નથી. શહેરોના ઓછી આવકવાળા વિસ્તારો મોટે ભાગે દુર્ગંધવાળા લૅન્ડફિલ સાઇટ્સ અથવા મોટા ઉદ્યોગોની નજીક હોય છે.

યુરોપ અને બ્રિટનમાં થયેલા અભ્યાસો જણાવે છે કે કેટલાક દેશોમાં કચરો સળગાવવાનાં પ્લાન્ટ, લૅન્ડફિલ અને જોખમી કચરાનાં સ્થળોની નજીક ઓછી આવકવાળા લોકોનાં રહેઠાણ હોવાની સંભાવના વધારે હોય છે.

ખરાબ ગંધ અંગેની ફરિયાદો પરિવર્તન લાવી શકે છે. સીવેજ પ્લાન્ટથી લઈને માછલી પ્રોસેસિંગ ફૅક્ટરીઓ સુધી, ઘણી જગ્યાઓને સ્થાનિક લોકોનાં અભિયાન બાદ બંધ કરવી પડી છે.

દુનિયાભરમાં ગંધ-પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પ્રયત્નો વધી રહ્યા છે, જોકે તે દરેક જગ્યાએ સમાન નથી.

દાખલા તરીકે, ચિલીમાં માછલીનો ચારો બનાવતા પ્લાન્ટમાંથી આવતી ગંધ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જ્યારે લિથુઆનિયામાં રહેણાક વિસ્તારોમાં કંપનીઓ દ્વારા પેદા થતી દુર્ગંધની મર્યાદા નક્કી કરવા માટે કડક નિયમો બનાવાયા છે.

ગંધના ફાયદા શું હોય?

જે લોકો એવા ખરાબ ગંધવાળા વિસ્તારોમાં રહેતા હોય તેમના માટે જીવન મુશ્કેલીભર્યું બની શકે છે. પણ એક સકારાત્મક વાત એ છે કે સારી રીતે કામ કરતી સૂંઘવાની ક્ષમતા સારા આરોગ્યનો મહત્ત્વનો ભાગ છે.

સંશોધનથી જાણવા મળે છે કે જેમની સૂંઘવાની ક્ષમતા વધુ સારી હોય, તેઓ ખોરાકનો અને છેક ત્યાં સુધી કે યૌન જીવનનો પણ વધુ સારી રીતે આનંદ લઈ શકે છે.

2018ના એક અભ્યાસમાં 70 વયસ્કો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકોની સૂંઘવાની ક્ષમતા સારી હોય તેમને શારીરિક સંબંધોમાં વધુ સંતોષ મળે છે. આ જ અભ્યાસ મુજબ મહિલાઓએ સંબંધ દરમિયાન વધુ વખત ચરમ સીમાના અનુભવની વાત સ્વીકારી.

પામેલા ડાલ્ટન કહે છે, "મને ખરાબ ગંધથી તકલીફ નથી થતી, કેમ કે તેનો અર્થ એ છે કે મારી સૂંઘવાની શક્તિ સારી રીતે કામ કરી રહી છે."

દુનિયામાં આશરે પાંચ ટકા લોકોમાં સૂંઘવાની ક્ષમતા નથી હોતી. આ સ્થિતિને એનોસ્મિયા કહેવામાં આવે છે. આવા લોકોને અનેક પ્રકારની આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આવા લોકો સાથેની વાતચીતથી જાણવા મળે છે કે તેમને ભૂખ ઓછી લાગે છે અને ખોરાકનો આનંદ ન લઈ શકવાને લીધે તેમના આહારમાં પણ ગરબડ ઊભી થઈ શકે છે.

લુન્ડસ્ટ્રૉમ જણાવે છે, "જો તમે તમારી સૂંઘવાની ક્ષમતા ગુમાવી દો, તો તમને અનુભવાશે કે તમારી ભૂખ ઓછી ગઈ છે."

સંશોધનથી ખ્યાલ આવે છે કે વૃદ્ધોમાં નબળી સૂંઘવાની ક્ષમતાને લીધે 10 વર્ષની અંદર મૃત્યુના જોખમમાં લગભગ 46% સુધી વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિકો હજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવું કેમ થાય છે, જોકે તેનો સંબંધ હૃદયરોગ, અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી મગજની બીમારીઓ સાથે જોડાય છે.

ડાલ્ટન કહે છે, "દાયકાઓ સુધી ગંધ પર સંશોધન કરવાને લીધે મને ખરાબ ગંધથી તકલીફ નથી થતી, કારણ કે તેનો અર્થ એ છે કે મારી સૂંઘવાની શક્તિ સારી રીતે કામ કરી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન