You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુમાં નવ પોલીસવાળાને ફાંસીની સજા, કસ્ટોડિયલ ડૅથનો 'રેરેસ્ટ ઑફ ધ રેર' મામલો શું છે?
સાથનકુલમ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રના કસ્ટોડિયલ ડેથના કેસમાં મદુરાઈની કોર્ટે નવ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે તથા તેમને ભારે દંડ કર્યો છે.
કોરોનાકાળ દરમિયાન 19 જૂન 2020ના રોજ થૂથુકુડી જિલ્લાના સાથનકુલમ ખાતે વેપારી જયરાજ તથા તેમના દીકરા બૅનિક્સને પોલીસ લઈ ગઈ હતી. બીજા દિવસે તેમને કોવિલપટ્ટી સબજેલમાં ધકેલી દેવાયા હતા. 22 જૂનની રાત્રે નવ વાગ્યા આસપાસ બૅનિક્સનું મૃત્યુ થયું હતું અને બીજા દિવસે વહેલી સવારે જયરાજ મૃત્યુ પામ્યા હતા.
આને કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મદુરાઈ હાઇકોર્ટની બેન્ચે આ ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને જિલ્લા પોલીસને આ કેસમાં રિપોર્ટ આપવા કહ્યું હતું. એ પછી સીબીઆઈને કેસની તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સાથનકુલમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીધરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ સિવાય સબ-ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણન, રઘુ ગણેશ, હેડ કૉન્સ્ટેબલ મુરુગન, કૉન્સ્ટેબલ સામીદુરાઈ, મુથુરાજા, ચેલ્લાદુરાઈ, થોમસ ફ્રાન્સિસ, વેયલુમુથુ તથા પાલદુરાઈ સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને મદુરાઈ સૅન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ઑગસ્ટ-2020માં પાલદુરાઈનું કોવિડ-19ને કારણે મૃત્યુ થયું હતું.
'માનવીય ગરિમાનો ભંગ થયો'
સીબીઆઈએ મદુરાઈના ફર્સ્ટ ઍડિશનલ સેશન્સ જજ સમક્ષ બે તબક્કામાં 2,427 પાનાનું આરોપનામું દાખલ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ જામીન અરજી કરી હતી, જેને અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસમાં 23મી માર્ચે સુનાવણી પૂરી થઈ હતી અને જજ મુથુકુમારે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમને સોમવારે સજા સંભળાવી હતી.
જજ મુથુકુમારે ચુકાદામાં કેટલાક અવલોકન કર્યાં હતાં. તેમણે અવલોક્યું હતું, "તેમણે હત્યાના ઇરાદે આ બધું કર્યું હતું. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દોષિતોને મહત્તમ સજા આપવાની માગ કરી હતી. આ ઘટના માનવીય ગરિમાનું હનન છે."
"તેમને સુધાર અને પ્રાયશ્ચિત કરવાની તક મળી હતી. કોરોનાકાળ દરમિયાન તેમણે (પિતા-પુત્રે) દુકાન ખુલ્લી રાખી હતી એટલે તેમની ઉપર હુમલો કર્યો હતો. જો મદ્રાસ હાઇકોર્ટે આ કેસને જાતે હાથ ન ધર્યો હોત, તો તેમના મૃતદેહોની જેમ આ કેસને પણ દફનાવી દેવાયો હોત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમણે નિ:શસ્ત્ર લોકો ઉપર હુમલો કર્યો હતો. તેમને માફ ન કરી શકાય. તેમની ઉંમર અને પારિવારિક સ્થિતિને જોઈને ઓછી સજા આપવાની કોઈ જરૂર નથી. તેમણે સભાનતામાં આ બધું કર્યું છે. તેઓ ભણેલા-ગણેલા છે. જે લોકોની ફરજ લોકોનું રક્ષણ કરવાની છે, તેમણે જ લોકો ઉપર હુમલો કર્યો છે. આ તો 'વાડ જ ચીભડાં ગળે' જેવો ઘાટ છે."
"બૅનિક્સનાં માતાના દર્દને કોઈ દૂર નહીં કરી શકે. આખો પરિવાર વિખેરાઈ ગયો છે, એટલે તેમના માટે જનમટીપ પૂરતી નહીં હોય." જજે આ ઘટનાને 'રેરેસ્ટ ઑફ ધ રેર' ગણાવી હતી અને સજાની જાહેરાત કરતી વેળાએ કહ્યું, "તેમને લાગતું હતું કે આ પ્રકારનો ગુનો આચરીને તેઓ 14 વર્ષમાં બહાર આવી જશે, પરંતુ આ કોર્ટ તેમને છોડવા માટે તૈયાર નથી."
સજાની વિગતો
તમામ આરોપીઓને ડબલ મર્ડર કેસમાં ફાંસીની સજા તથા જેલની સજા ફટકારવામાં આવી છે.
સજાનામા મુજબ, મુખ્ય આરોપી ઇન્સ્પેક્ટર શ્રીધરને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. આ સિવાય તેને અલગ-અલગ કલમોની જોગવાઈ હેઠળ જેલની સજા ફટકારવામાં આવી છે. તેને રૂ. 24 લાખ 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
બીજા ક્રમાંકના આરોપી બાલકૃષ્ણનને, ત્રીજા આરોપી રવિ ગણેશ, હેડ કૉન્સ્ટેબલ મુરુગનને અલગ-અલગ જોગવાઈઓ હેઠળ જેલની સજા ફટકારવામાં આવી છે, તથા ફાંસીની સજા કરવામાં આવી છે.
એસઆઈ બાલકૃષ્ણનને 16 લાખ 80 હજારનો, રવિ ગણેશને રૂ. પાંચ લાખ 20 હજારનો, હેડ કૉન્સ્ટેબલ મુરુગનને એક લાખ 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. સામીદુરાઈને રૂ. પાંચ લાખ 60 હજાર, મુથુરાજાને ત્રણ લાખ 20 હજાર, ચેલ્લાદુરાઈને 14 લાખ 40 હજાર, આઠમા આરોપી થોમસ ફ્રાન્સિસને રૂ. 10 લાખ 54 હજાર તથા નવમા આરોપી વેયલુમુથુને રૂ. 10 લાખ 54 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
બૅનિક્સનાં બહેનનું શું કહેવું છે?
ચુકાદા બાદ પત્રકારો સાથે વાત કરતા બૅનિક્સનાં બહેને કહ્યું, "વર્ષ 2020માં મારા પિતા તથા ભાઈને ઉઠાવી લેવાયા હતા અને તપાસના નામે તેમની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાના છ વર્ષ પછી અમને આશા હતી કે અદાલત અમારી સાથે ઇન્સાફ કરશે, આજે અમને ન્યાય મળ્યો છે." તેમણે કહ્યું હતું કે આજે સામાન્ય લોકોને ન્યાય મળ્યો છે.
તેમણે ઉમેર્યું, "કોઈપણ પીડિત પરિવારે એ ન વેઠવું પડે, જે અમે ભોગવ્યું છે. આજનો ચુકાદો આવો જ એક ચુકાદો છે. જો દોષિતો અપીલ કરશે, તો પણ અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમને આશા છે કે અમે જ્યાં જઈએ, ત્યાં પીડિતોને ન્યાય મળશે."
ચુકાદા પછી જજે કહ્યું હતું, "અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન