You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ છેક ઈરાનમાં પહાડોમાં સંતાયેલા પોતાના સૈનિકને કેવી રીતે બચાવી લીધો?
- લેેખક, ગેબ્રિએલા પોમેરૉય
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમેરિકન સેનાએ એક નાટ્યાત્મક ઢબે યોજેલા મિશનથી ઈરાનમાં તેના એક ફાઇટર જેટના ગુમ થયેલા ક્રૂ મેમ્બરને બચાવી લીધો છે.
આ ફાઇટર જેટને ઈરાન દ્વારા ત્યાંના એક દૂરના વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યું હતું.
આ બધું કેવી રીતે થયું તે હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ દુશ્મનના પ્રદેશમાં ફસાયેલા ઍરમૅનને બચાવવાની કામગીરી અત્યંત જટિલ હતી.
અમેરિકન મીડિયા અનુસાર, આ મિશનમાં અમેરિકન ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરની સાથે ઘણા સ્પેશિયલ ફોર્સના સૈનિકોએ પણ જોડાયા હતા.
આમાં અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રવિવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું , "અમે ઈરાનના પર્વતો વચ્ચે ખૂબ અંદર એક ગંભીર રીતે ઘાયલ અને અત્યંત બહાદુર એફ-15 ક્રૂ મેમ્બરને બચાવ્યો છે."
પરંતુ ઍરમૅનની મુશ્કેલીઓ શુક્રવારે શરૂ થઈ, જ્યારે સમાચાર આવ્યા કે દક્ષિણ ઈરાન પર ઊડતું એક એફ-15 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું છે.
આ વિમાનમાં એક વેપન્સ સિસ્ટમ ઑફિસર અને એક પાઇલટ સવાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં 20 વર્ષમાં આ પહેલી ઘટના હતી, જ્યારે કોઈ અમેરિકન ફાઇટર પ્લેનને દુશ્મનના ગોળીબારમાં તોડી પાડવામાં આવ્યું હોય.
આ એફ-15ઇ સ્ટ્રાઇક ઇગલમાં સવાર બંને અમેરિકન આર્મી અધિકારીઓ વિમાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા.
પાઇલટને તે જ દિવસે બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ અન્ય ક્રૂ મેમ્બર ગુમ હતો.
ઈરાને જીવતો પકડવા માટે ઈનામની જાહેરાત કરી હતી
આ પછી, અમેરિકાએ તેને શોધવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું.
ઈરાને આ અમેરિકન ક્રૂ મેમ્બરને જીવતો પકડવા બદલ 66,000 ડૉલર (લગભગ રૂ. 62 લાખ)નું ઈનામ પણ જાહેર કર્યું.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા કેટલાક વીડિયોમાં ઘણા સશસ્ત્ર નાગરિકો તેમને શોધી રહ્યા હતા. જોકે, બીબીસી આ વીડિયોની સ્વતંત્ર રીતે પૃષ્ઠી કરી શક્યું નથી.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમીન પર ઊતર્યા પછી અધિકારી પાસે તેમના રક્ષણ માટે ફક્ત એક હેન્ડગન હતી.
આવી પરિસ્થિતિ માટે વાયુસેનાને અગાઉથી તાલીમ આપવામાં આવે છે. આમાં તેમના બીકન સિગ્નલને ચાલુ કરવા, ઊંચા સ્થાન પર પહોંચવા, પોતાને છુપાવવા અને સંદેશાવ્યવહાર સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
અમેરિકાના મીડિયાના અહેવાલો અનુસાર, ઍરમૅન પર્વતની એક તિરાડમાં છુપાઈ ગયા અને બીકનનો ઉપયોગ મર્યાદિત કર્યો, કારણ કે તેમને ડર હતો કે ઈરાન તેના સિગ્નલને અટકાવી શકે છે.
આ પછી તેમણે પોતાની બચાવ ટીમના આવવાની રાહ જોઈ હોવાનું કહેવાય છે.
એક ભ્રામક અભિયાન પણ ચલાવ્યું
ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકન મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સીઆઇએએ બચાવ કામગીરીમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
અમેરિકન ગુપ્તચર એજન્સીએ પહાડની એક તિરાડ સુધી ઍરમૅનનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું અને આ માહિતી પેન્ટાગનને આપી.
ટ્રમ્પે કહ્યું કે, બચાવ કામગીરીની યોજના બનાવી રહેલા અમેરિકન અધિકારીઓ તેમના સ્થાન પર "24 કલાક" નજર રાખી રહ્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું, "આપણા દુશ્મનો પણ અમારા અધિકારીને શોધી રહ્યા હતા અને દર કલાકે તેમની નજીક આવી રહ્યા હતા."
અહેવાલો અનુસાર, સીઆઇએએ એક ભ્રામક અભિયાન પણ ચલાવ્યું અને ઈરાનમાં એવા સમાચાર ફેલાવ્યા કે અમેરિકી દળોને બીજો ઍરમૅન પહેલાંથી જ મળી ગયો છે.
'અમેરિકાએ અનેક વિમાનો મોકલ્યાં'
ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકાની સેનાએ તેમને પાછા લાવવા માટે વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રોથી સજ્જ ડઝનબંધ વિમાનો મોકલ્યાં હતાં.
અહેવાલો અનુસાર, જેમ જેમ અમેરિકન સ્પેશિયલ ફોર્સ ફસાયેલા અધિકારી તરફ આગળ વધ્યા, તેમ તેમ ઈરાની સૈનિકોને તેમના સ્થાનથી દૂર રાખવા માટે બૉમ્બમારો અને હથિયારો દ્વારા ફાયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો.
અમેરિકાના મીડિયાએ એ પણ અહેવાલ આપ્યો છે, બચાવ ટીમને બહાર કાઢવા માટે મોકલવામાં આવેલા બે ટ્રાન્સપૉર્ટ વિમાનો ઈરાનની અંદરના દૂર આવેલા બેઝ પરથી ઉડાન ભરી શક્યાં ન હતાં.
પાછળથી તે દુશ્મનના હાથમાં ન જાય તે માટે તેનો નાશ કરવામાં આવ્યો. ત્યાર બાદ સ્પેશિયલ ફોર્સ ત્રણ વધારાનાં વિમાનો સાથે પહોંચી અને ક્રૂને બહાર કાઢ્યા.
બીબીસી વેરિફાઇડ દ્વારા પુષ્ટિ કરાયેલા વીડિયો અને ફોટામાં મધ્ય ઈરાનના પર્વતીય વિસ્તારમાં વિમાનનો ધુમાડાના ગોટેગોટા નીકળતો કાટમાળ જોવા મળ્યો હતો.
આ સ્થળ ઇસ્ફહાન શહેરથી લગભગ 50 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હોવાનું કહેવાય છે.
ઈરાની સેનાનું કહેવું છે કે આ કાર્યવાહી દરમિયાન, બે અમેરિકાના સી-130 લશ્કરી ટ્રાન્સપૉર્ટ વિમાનો અને બે બ્લેક હૉક હેલિકૉપ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.
સૈન્યે દાવો કર્યો હતો કે "દક્ષિણ ઇસ્ફહાનના એક ઍરપૉર્ટ પર હાથ ધરવામાં આવેલા અમેરિકાના ભ્રામક અને ફરાર થઈ જવાના મિશનને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું."
ઈરાનના રાજ્ય મીડિયાએ રવિવારે જણાવ્યું હતું, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)ના સૈનિકોએ ઇસ્ફહાન ઉપર એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું, જે ગુમ થયેલા ઍરમૅનને શોધી રહ્યું હતું.
જોકે, ઇસ્ફહાન નજીક બનેલી ઘટનાઓના બંને દાવાને બીબીસી સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.
મધરાતે ઑપરેશન પાર પાડ્યું
અધિકારીઓ અનુસાર, બચાવકાર્ય અમેરિકન સમય મુજબ મધરાત પહેલાં પૂર્ણ થયું અને ઍરમૅનને સારવાર માટે કુવૈત લઈ જવાયો હતો.
ટ્રમ્પે કહ્યું, "અધિકારી ગંભીર રીતે ઘાયલ છે, પરંતુ તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે."
અમેરિકન અધિકારીઓએ બચાવ સમયે ઍરમૅનનું ચોક્કસ સ્થાન અથવા ઓળખ જાહેર કર્યાં નથી.
ભૂતપૂર્વ અમેરિકન આર્મી ઑફિસર અને નિવૃત્ત નેવી ઍડમિરલ વિલિયમ ફેલને બીબીસીને જણાવ્યું હતું કે બચાવકાર્યનો સમય કદાચ અમેરિકાના પક્ષમાં ગયો.
તેમણે કહ્યું, "અંધારું અમારા લોકો માટે વધુ સારું છે, કારણ કે તેઓ રાત્રે કામ કરવા માટે ટેવાયેલા હોય છે."
ફેલને કહ્યું કે દુશ્મનના પ્રદેશ પર ઉડાન ભરતી વખતે "તમારે હંમેશાં તૈયાર રહેવું પડે છે કે તમે પણ આગામી લક્ષ્ય બની શકો છો."
રવિવારે ઇસ્ટર્ન ડેલાઇટ ટાઇમ એટલે કે ઇડીટી (અમેરિકન સમયાનુસાર) મુજબ, 12 વાગ્યા પહેલાં અમેરિકન મીડિયાએ સમાચાર આપ્યા કે બીજો પાઇલટ મળી ગયો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકા "ક્યારેય એક અમેરિકન સૈનિકને પાછળ છોડશે નહીં."
'મિશન નિષ્ફળ ગયું': ઈરાન
તે જ સમયે, ઈરાને ભાર દઈને કહ્યું કે આ ઓપરેશન નિષ્ફળ ગયું.
ઈરાનના મુખ્ય લશ્કરી કમાન્ડના પ્રવક્તા ઇબ્રાહીમ ઝોલ્ફાઘરીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ઘણાં અમેરિકાનાં લશ્કરી વિમાનોને ઇમરજન્સી લૅન્ડિંગ કરવી પડી હતી.
તેમણે કહ્યું, "યુદ્ધ અને આક્રમણની જાળમાં ફસાયેલા અજ્ઞાની અમેરિકાના રાષ્ટ્રપતિને આખરે સમજાયું છે કે, કોઈ પણ જમીની કાર્યવાહી, આક્રમણને અપમાનજનક નિર્ણાયક હારનો સામનો કરવો પડશે."
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાઇલટને બચાવી લેવામાં આવ્યો હોવાની જાહેરાત બાદ, ઈરાની અધિકારીઓ અને સરકારી ટીવી વારંવાર "મિશન નિષ્ફળ" હોવાની વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે.
કેટલાક અમેરિકાના વિશ્લેષકો કહે છે, ઈરાનની અંદર એફ-15ઇને તોડી પાડવું અને ત્યાર બાદ અનેક બચાવ વિમાનોનો નાશ કરવો એ અમેરિકન એર પાવરની મર્યાદાઓ દર્શાવે છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના ભૂતપૂર્વ કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ બીબીસીની અમેરિકન સહયોગી સીબીએસને જણાવ્યું, "આ મિશનમાં અમે ખરેખર કેટલાંક વિમાન ગુમાવ્યાં છે, પરંતુ આવી પરિસ્થિતિમાં તમારે દરરોજ તે નુકસાન સહન કરવા માટે તૈયાર રહેવું પડશે."
તેમણે સીબીએસના ફેસ ધ નેશનમાં કહ્યું, "વિમાન બનાવવામાં એક વર્ષ લાગે છે, પરંતુ એક લશ્કરી પરંપરા બનાવવામાં 200 વર્ષ લાગે છે જ્યાં તમે ક્યારેય કોઈ સૈનિકને પાછળ ન છોડી શકો."
બીબીસી ફારસી સેવાના ઘોંચેહ હબીબીઆઝાદ દ્વારા વધારાનું રિપોર્ટિંગ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન