ઇ20 પેટ્રોલથી કાર અને બાઇકનાં એન્જિનને નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ચના શુક્લા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ભારતમાં પેટ્રોલ સાથે બાયોફ્યૂઅલ વધુ પ્રમાણમાં ભેળવવાના સરકારના નિર્ણયથી વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને તેઓ આ પ્લાન સામે સવાલ ઊઠાવી રહ્યા છે, કારણ કે, બજારનાં મોટા ભાગનાં વાહનો હજુ સુધી નવા ઇંધણથી ચાલે, એ પ્રમાણેની બનાવટ નથી ધરાવતાં.
ભારત દુનિયાનું સૌથી મોટું દ્વિચક્રી વાહનોનું બજાર અને ત્રીજું સૌથી વિશાળ કાર બજાર છે. હાલ તે આયાતી ક્રૂડઑઇલ પરની તેની નિર્ભરતા ઘટાડવા અને કાર્બન ઉત્સર્જનને ડામવા માટેની કોશીશ કરી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ સ્વરૂપે તેણે શેરડી અને મકાઈ જેવા પાકમાંથી બનેલા ઇથેનોલને 2000ના દાયકાના મધ્ય ભાગથી પેટ્રોલ સાથે મિક્સ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈને બળતણના આ મિશ્રણમાં ધીમે-ધીમે ઇથેનોલની માત્રા વધારવામાં આવી રહી છે.
મોટા ભાગનાં વાહનો 10 ટકા ઇથેનોલનું મિશ્રણ ધરાવતા પેટ્રોલનો ઉપયોગ થઈ શકે, એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ વર્ષે એપ્રિલ માસમાં જ્યારે ભારતે ઇથેનોલનું 20 ટકા મિશ્રણ ધરાવતા પેટ્રોલ વેરિયન્ટ (જે ઇ20 તરીકે ઓળખાય છે)ને તમામ પેટ્રોલ પમ્પો પર ફરજિયાત ઇંધણ બનાવી દીધું, ત્યારે ફરિયાદો વધી ગઈ હતી.
જોકે, ઇથેનોલ વિનાનું શુદ્ધ પેટ્રોલ (પ્યોર ગૅસોલિન) હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ, તેની કિંમત ઇ20 ઇંધણ કરતાં જે-તે રાજ્ય મુજબ 40થી 50 ટકા જેટલી ઊંચી હોય છે. મોટા ભાગના કારચાલકો એ વાતથી અજાણ છે કે, આ પ્રકારનું વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ છે અથવા તો તેઓ તે શુદ્ધ ઇંધણ મેળવવાની માગણી કરી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કારચાલકો સોશિયલ મીડિયા પર તેમનાં વાહનોનાં એન્જિનમાં ઘસારો, ઓછા માઇલેજ અને નબળા પર્ફોર્મન્સની ફરિયાદો કરી રહ્યા છે.
વાહનોચાલકોનું પ્રદર્શન અને સરકારનો રદિયો

ઇમેજ સ્રોત, Reuters
હજુ ગયા અઠવાડિયે દિલ્હીમાં ઘણા કારચાલકોએ વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો હતો. ટીવીની ડિબેટમાં વિરોધ પક્ષ કૉંગ્રેસનું સમર્થન કરનારા એક બિઝનેસમેન દ્વારા યોજવમાં આવેલા આ વિરોધપ્રદર્શનમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સરકારે મનસ્વીપણે ઇ20 ઇંધણ લાગુ કરી દીધું હતું, જેના કારણે વાહનોનો મેન્ટેનન્સ ખર્ચ ઘણો વધી ગયો છે અને લોકોને પેટ્રોલ પમ્પો પર આ ઇંધણ ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આ ફરિયાદને "ગેરમાર્ગે દોરનારી" અને "સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી ખોટી માહિતી" ગણાવીને ફગાવી દીધી છે.
ગયા મહિને જારી કરવામાં આવેલા એક નિવેદનમાં સરકારે કહ્યું હતું કે, આ ઇંધણ સઘન પરીક્ષણ પછી જ રજૂ કરવામાં આવ્યું હતું અને તેનાથી એન્જિનોને કોઈ નુકસાન નહીં થાય. આ ઉપરાંત સરકારે ઇ20 પેટ્રોલના ફાયદા વિશે ખુલાસો પણ કર્યો છે અને સોશ્યલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે ઇ20 પેટ્રોલ પ્રોજેક્ટના સમર્થનમાં વાત કરવા માટે નિષ્ણાતો અને ઓટો ઉત્પાદકોને મેદાનમાં ઉતાર્યા છે.
ગયા સપ્તાહના અંતમાં, અસાધારણ ઐક્ય દર્શાવતાં છ અગ્રણી ઓટો ઉત્પાદકોએ સંયુક્તપણે એક પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો. ઓટો કંપનીઓએ કહ્યું હતું કે, વર્ષોના ટેસ્ટિંગ કે વાહનોના મેન્ટેનન્સના ડેટા પરથી એવો કોઈ પુરાવો મળ્યો નથી કે, ફરજિયાત 20 ટકા ઇથેનોલના મિશ્રણથી વાહનોને વ્યાપક સ્તરે નુકસાન પહોંચ્યું હોય.
ઇથેનોલથી માઇલેજ ઘટે?

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતની અગ્રણી કારઉત્પાદક કંપની મારુતિ સુઝુકીના કૉર્પોરેટ બાબતોના સિનિયર ઍક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું, "મારુતિએ ઇ20 ઇંધણ માટે ડિઝાઇન ન કરવામાં આવ્યાં હોય, એવાં 1.5 કરોડ કરતાં વધુ જૂનાં વાહનોની સર્વિસ કરી છે, પણ એ વાહનોમાં ઇંધણને લગતી કોઈ સમસ્યા જોવા મળી નથી."
જોકે, ઇથેનોલ પેટ્રોલ કરતાં ઓછી ઊર્જા ધરાવતું હોવાને લીધે ઓટો ઉત્પાદકો એ વાત સ્વીકારે છે કે, જ્યારે ઇ20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે માઇલેજ અથવા તો વાહનની ઊર્જા કાર્યક્ષમતામાં ત્રણ ટકાથી સાડા ત્રણ ટકા સુધીનો ઘટાડો થાય છે. જોકે, કેટલાક અંદાજો સૂચવે છે કે, કાર્યક્ષમતામાં થતો વાસ્તવિક ઘટાડો ચારથી 12 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે.
વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, સરકારનો જૈવિક ઈંધણ (બાયૉફ્યૂઅલ)ને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ ક્રૂડઑઇલની આયાતનો ભારતનો ખર્ચ ઘટાડવાના, ખેડૂતોની આજીવિકામાં સુધારો કરવાના અને કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાના આશય સાથે લાગુ કરવામાં આવી રહ્યો છે. શેરડી અને મકાઈ જેવા દેશી પાકોમાંથી બનાવવામાં આવતું ઇથેનોલ પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
સરકારી ડેટા દર્શાવે છે કે, આ કાર્યક્રમે તે પૈકીના વ્યાપક લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.
ભારત જે ક્રૂડઑઇલનો વપરાશ કરે છે, તેનો મોટાભાગનો જથ્થો આયાત કરીને મેળવે છે. ઈરાન યુદ્ધ દરમિયાન વૈશ્વિક ઑઇલ બજારોમાં વિક્ષેપ સર્જાવાને કારણે સ્થાનિક ધોરણે વધુ ઇંધણનું ઉત્પાદન કરવાની જરૂરિયાત પ્રબળ બની છે.
ઈન્ડોનેશિયા અને વિયેટનામ સહિતના ઑઇલની આયાત કરનારા અન્ય એશિયન દેશો પણ ઇથેનોલ મિક્સ કરેલા અને ફ્લેક્સ-ફ્યૂઅલ કાર્યક્રમોનું વિસ્તરણ કરવાના તેમના પ્રયાસો વધારી રહ્યા છે.
વાહનચાલકોમાં બીક?
ભારતીય અધિકારીઓ ઘણી વખત જેને મોડેલ તરીકે ટાંકે છે, તે બ્રાઝિલે ધીમે-ધીમે ઇથેનોલને ફરજિયાત બનાવતાં પહેલાં આશરે ચાર દાયકામાં એવાં વાહનો વિકસાવ્યાં હતાં, જે ઇથેનોલ માટે અનુકૂળ હોય. ત્યાંના ગ્રાહકો ઇ27 પેટ્રોલ કે 100 ટકા શુદ્ધ ઇથેનોલ વચ્ચે પસંદગી કરી શકે છે. ત્યાંના પેટ્રોલ પમ્પની કિંમતો જોતાં ઇથેનોલ મોટા ભાગે સૌથી સસ્તું ઇંધણ હોય છે.
ભારતે ઘણા ટૂંકા ગાળામાં, માત્ર ત્રણ જ વર્ષમાં સમાન પરિવર્તન આણ્યું છે. સરકારે 2022માં મિશ્રણનો વપરાશ 10 ટકા હતો, તે વધારીને 20 ટકા ફરજિયાત કરી દીધો છે, જે તેના ટાર્ગેટ વર્ષ કરતાં પાંચ વર્ષ વહેલો (2025 સુધીમાં) છે. તો આલોચકો કહે છે કે, ભારત ઇથેનોલનું મિશ્રણ વધારવાની નવી ટૅકનોલોજી તરફ વળતાં પહેલાં ઓટો ઉપાદક કંપનીઓ અને વાહન ચાલકોને પૂરતો સમય આપવાની વૈશ્વિક પ્રણાલી અપનાવવાનું ચૂકી ગયું છે.
ઑટોમોટિવ રિસર્ચ ફર્મ મોબિલિટી ગ્લોબલના ડિરેક્ટર પુનીત ગુપ્તાએ કહ્યું હતું કે, ભારતીય માર્ગો પર દોડનારાં 75 ટકા કરતાં વધુ વાહનો ઇ20 સાથે સુસંગત નથી.
ગયા વર્ષે થોમસ રૉઇટર્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં પણ સમાન તારણ પ્રગટ થયું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લાં 15 વર્ષોમાં વેચાયેલાં કુલ પૈકીનાં ફક્ત 20 ટકા જેટલાં નવાં પેટ્રોલ વાહનો જ ઇ20 ઇંધણ પર દોડવા માટેની ટૅકનોલોજી ધરાવતાં હતાં.
આ ઝડપી પરિવર્તનને કારણે ખાસ કરીને 2023 પહેલાંના અને ઓછી માત્રામાં ઇથેનોલના મિશ્રણ માટેની ડિઝાઇન ધરાવનારાં વાહનોના માલિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તેમને એવી બીક છે કે, આ ઇંધણને કારણે એન્જિનમાં કાટ લાગશે અને વાહનનું પર્ફોર્મન્સ ઓછું થઈ જશે.
તાજેતરના મહિનાઓમાં આ વિશેની ફરિયાદો વધી ગઈ છે. ગયા સપ્તાહે દિલ્હીના વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારા લોકોએ ઇ20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછીની અસરોના તેમને થયેલા અનુભવો વિશે વાત કરી હતી.
મિકૅનિકોએ શું કહ્યું?
બીબીસીએ મુંબઈમાં ઘણા કાર અને ટુ-વ્હીલર સર્વિસ સેન્ટર્સ અને મિકેનિકો સાથે વાતચીત કરી હતી. તેમાંથી કેટલાકે કહ્યું હતું કે, હજી સુધી તેમની સામે કોઈ સમસ્યા આવી નથી, જ્યારે અન્ય લોકોએ કહ્યું હતું કે, તેમના મતે, તેમનાં વાહનોના રિપેરિંગનું કેટલુંક કામ ઇથેનોલના ઊંચા પ્રમાણ સાથે સંબંધિત હતું.
ટુ-વ્હીલરનાં એન્જિનોનું રિપેરિંગ કરતો વર્કશોપ ચલાવતા મહમ્મદ આરિફ જણાવે છે, "છેલ્લા એક વર્ષમાં મેં એવી ઘણી બાઇકનું રિપેરિંગ કર્યું છે, જેના કાર્બોરેટરમાં ઇંધણનો કચરો જમા થવાની સમસ્યા સર્જાઈ હતી. આ પાછળનું મુખ્ય કારણ પેટ્રોલમાં ઇથેનોલની ઊંચી માત્રા છે."
કચરાનો આ જમાવ વાહનનું પર્ફોર્મન્સ ઘટાડી દે છે અને તે માટે કાર્બોરેટરને વારંવાર સાફ કરવું પડે છે, જેના કારણે ગ્રાહકો માટે મેન્ટેનન્સનો ખર્ચ વધી જાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
કાર સર્વિસ સેન્ટર ચલાવતા બેસિલ જેકોબે કહ્યું હતું, "ગ્રાહકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે, તેમનાં વાહનોનું માઇલેજ ઘણું ઓછું થઈ ગયું છે. તેના લીધે, તેમણે વારંવાર પેટ્રોલ ભરાવવું પડે છે. ઇથેનોલના ઉત્પાદનનો ખર્ચ નીચો હોવા છતાં તેનો લાભ ગ્રાહકો સુધી પસાર કરવામાં આવતો નથી. ઇ20 પેટ્રોલ હજુયે જૂના ભાવે જ વેચવામાં આવી રહ્યું છે."
તેમણે ઉમેર્યું હતું, "ગ્રાહકો પ્રત્યેક લીટરે સમાન કિંમત ચૂકવે છે, પણ તેમને ઓછું માઇલેજ મળે છે."
કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આની અસરો કદાચ તરત દેખાશે નહીં, પણ ઇ20 પેટ્રોલનો અમુક મહિનાઓ સુધી સતત વપરાશ કર્યા પછી વાહનોના ભાગો ઝડપથી ઘસાઈ શકે છે.
ઑટોકાર ઇન્ડિયા સામયિકના તંત્રી હોર્મસ સોરાબજીએ બીબીસીને જણાવ્યું હતું, "આની અસર ધીમી હશે. 10,000થી 20,000 કિલોમીટરના વપરાશ પછી ફ્યૂઅલ ડિલીવરી સિસ્ટમ્સમાં કાટ લાગવાની શક્યતા છે. પણ જો કારની બરાબર જાળવણી કરવામાં આવે, તો કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં." સાથે જ તેમણે એમ પણ નોંધ્યું હતું કે, સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ અતિશયોક્તિભરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ઇથેનોલ ભેજને આકર્ષિત કરવાનો ગુણધર્મ ધરાવે છે. સમય વીતવા સાથે આ ભેજ ઇંધણમાંથી છૂટો પડીને ખવાણ (કાટ)નું નિમિત્ત બની શકે છે.
સોરાબજીએ આગળ જણાવ્યું હતું, "તેના લીધે એન્જિનની અંદર જમા થયેલો જૂનો કચરો છૂટો પડી શકે છે અને કેટલીક વખત ફ્યૂઅલ પમ્પ અને ઇન્જેક્ટર જામ થઈ શકે છે. તેના પરિણામે ઝડપી ઘસારો, વારંવાર રિપેરિંગની જરૂરિયાત સર્જાવી અને ઉમેરારૂપ પાર્ટ્સને બદલવાની જરૂરિયાત ઉદ્ભવી શકે છે. જોકે, લાંબા ગાળે તે ખર્ચ એટલો ઊંચો હોતો નથી."

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ લોકલસર્કલ્સે 2023ના વર્ષ પહેલાં પેટ્રોલ વાહનોની ખરીદી કરનારા 44,000 કરતાં વધુ લોકોનો એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે, વાહનોના અસામાન્ય ભાગોમાં ઘસારો થવાની કે રિપેરિંગની જરૂરિયાત વધી ગઈ હોવાનું જણાવનારા વાહન ચાલકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
જોકે, વાહનોને નુકસાન થઈ રહ્યું હોવાની વાહન ચાલકોની ફરિયાદોનું સમર્થન કરતા કે પછી હાથ ધરવામાં આવેલાં વ્યાપક પરીક્ષણોમાં કોઈ નુકસાન જોવા ન મળ્યાની સરકાર અને ઓટો ઉત્પાદક કંપનીઓની ખાતરી પુરવાર કરતા કોઈ વૈજ્ઞાનિક અભ્યાસો જાહેર સ્તરે ઉપલબ્ધ નથી. પુરાવાના આ અભાવને લીધે લોકોની મૂંઝવણ વધી ગઈ છે.
ઉદ્યોગના એક વરિષ્ઠ નિષ્ણાતે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, "જો તમે લોકો પર આ ઇંધણ બળજબરીથી લાગુ કરવા જઈ રહ્યા છો, તો તમારે એ સાબિત કરવું પડશે કે, તે સલામત છે. માઇલેજમાં ઘટાડો થવાનો નક્કી જ છે. આથી, આ ઇંધણની કિંમત ઓછી હોવી જોઈતી હતી અને આ ઇંધણને એક વિકલ્પ સ્વરૂપે રજૂ કરવો જોઈતો હતો, તેને ફરજિયાત નહોતો બનાવવો જોઈતો."
વાહનની વૉરન્ટી તથા ઇન્શ્યોરન્સ ક્ષેત્રે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે આ મુદ્દો વધુ ગૂંચવાયો છે. હજુ પણ એ અસ્પષ્ટ છે કે, ઇ20 ઇંધણ પર ચાલે, એવી ડિઝાઇન ન ધરાવનારાં વાહનોને ઇંધણ સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં ઇન્સ્યૉરન્સ હેઠળ કવર કરવામાં આવશે કે નહીં.
ગુપ્તા એવો સવાલ કરે છે કે, જો ઇ20 મિશ્રિત પેટ્રોલના લાંબા ગાળાના ઉપયોગ પછી ફ્યૂઅલ પમ્પ અથવા તો ફ્યૂઅલ લાઇન્સ નિષ્ફળ જાય, તો તેવા કિસ્સામાં જાહેર સ્તરે ઇ20નું સમર્થન કરનારી ઓટો ઉત્પાદક કંપનીઓ શું વોરન્ટી ક્લેઇમ્સ સ્વીકારશે ખરી?
ગયા મહિને જ્યારે ખાનગી વીમા કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે પહેલી વખત તેના બ્લૉગ પર નોંધ્યું હતું કે, ઇ20-સુસંગત ટૅકનોલોજી ન ધરાવનારાં વાહનોમાં આ ઇથેનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ કરવો એ "લાપરવાહી" ગણાશે અને તેના કારણે ઇન્શ્યોરન્સના ક્લેઇમ્સ નકારવામાં આવી શકે છે - એ પછી આ ગૂંચવાડો વધી ગયો હતો.
જોકે, કંપનીએ પછીથી તેનું વલણ બદલી નાખ્યું હતું અને કહ્યું હતું કે, ઇ20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે પણ ઓટો ઇન્શ્યોરન્સ પોલિસી "પૂર્ણપણે માન્ય" ગણવામાં આવશે. જોકે, નિષ્ણાતો નોંધે છે કે, ઇન્શ્યોરન્સ સામાન્યપણે માત્ર અકસ્માતને કારણે થયેલા નુકસાનને જ કવર કરે છે, ઇંધણને કારણે થતા સામાન્ય ઘસારાને નહીં.
કિંમત અને ખર્ચને વિશેષ મહત્વ આપતા ભારતીય બજારમાં વાહન માલિકો માટે આ મિશ્ર ઇંધણ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























