કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપના નેતાઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI/FB
કેરળના ઇદુક્કીમાં એક ચૂંટણીસભાને સંબોધિત કરતાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
જોકે, આ ચૂંટણીસભામાં તેમણે ગુજરાત અને ગુજરાતીઓ વિશે આપેલા નિવેદનથી વિવાદ થયો છે.
તેમના નિવેદન પછી ભાજપના નેતાઓએ સતત કૉંગ્રેસ અને ખડગે પર પ્રહારો કર્યા હતા.
આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે કેરળના ઇડુક્કીમાં ચૂંટણીસભાને સંબોધી હતી.
આ સભામાં તેમણે કહ્યું હતું કે, "મોદીજી, તમે કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ ચતુર છે, તેઓ ભણેલા છે. મોદીજી, વિજયન તમે બંને ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો, પણ કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો."
ખડગેએ કહ્યું હતું કે, "મોદીજી હંમેશાં કહેતા રહે છે કે મારી 56 ઇંચની છાતી છે. તમારી છાતીનું શું મહત્ત્વ છે? જાવ અને દરજીને કહો તો તમારા માટે માપનું સારું જૅકેટ બનાવી આપશે."
જોકે, મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને ભાજપના નેતાઓએ તેને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું અને પ્રહારો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકોના સંદર્ભે આપેલાં નિવેદનો અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ટિપ્પણી 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે."
તેમણે કહ્યું હતું કે, "આવાં નિવેદનો કૉંગ્રેસની સંકીર્ણ વિચારસરણીને દર્શાવે છે. ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કૉંગ્રેસ અસહજતા અનુભવી રહી છે."
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "ગુજરાતની ધરતીએ દેશને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આપ્યા. જે ગુજરાતની ધરતીએ સૌથી લોકપ્રિય પીએમ મોદી આપ્યા, વિકાસનું નવું મોડલ દુનિયાને દેખાડ્યું, એવા ગુજરાતના છ કરોડ ગુજરાતીઓનું અપમાન?"
તેમણે કહ્યું હતું કે, "કૉંગ્રેસને ગુજરાત સાથે આટલી નફરત કેમ છે? વારંવાર તમે ગુજરાતની જનતાને નિશાન કેમ બનાવો છો?"
"ગુજરાતની જાગૃત જનતાએ હંમેશાં તમને નકાર્યા છે અને આગળ પણ નકારતી રહેશે. ગુજરાત તમને માફ નહીં કરે"
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
કેરળમાં તો આગામી 9 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે જ્યારે ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે.
ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને અન્ય જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે.
આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે.
ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. એવામાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભાજપના નેતાઓ એક પછી એક નિવેદન આપી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























