ક્રૂડઑઇલનો વેપાર અમેરિકન ડૉલરમાં જ કેમ થાય અને જેણે પણ સિસ્ટમને પડકાર ફેંક્યો એના કેવા હાલ થયા?

બીબીસી ગુજરાતી પેટ્રોડૉલર અમેરિકન ડૉલર ક્રૂડ ઑઇલ વેપાર ઈરાન અમેરિકા
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા તેને લગભગ પાંચ અઠવાડિયાં જેટલો સમય થઈ ગયો છે. આ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો બંધ થઈ જવાથી દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગૅસની અછત સર્જાઈ છે.

મધ્યપૂર્વના આ યુદ્ધના કારણે ક્રૂડઑઇલના ભાવ ફરી એક વખત ચર્ચામાં છે. ક્રૂડઑઇલના ભાવે તાજેતરમાં રેકૉર્ડ સપાટી બનાવી હતી અને ઘણા દેશો માટે આ ભાવે ક્રૂડ ખરીદવું મોંઘું પડી રહ્યું છે, કારણ કે અમેરિકન ડૉલર પણ મોંઘો થયો છે. તેના કારણે એવો સવાલ પણ થાય છે કે ક્રૂડઑઇલનો વેપાર માત્ર અમેરિકન ડૉલરમાં જ કેમ કરવામાં આવે છે?

ડૉલર માટે અગાઉ કેવી સિસ્ટમ હતી?

બીબીસી ગુજરાતી પેટ્રોડૉલર અમેરિકન ડૉલર ક્રૂડ ઑઇલ વેપાર ઈરાન અમેરિકા
ઇમેજ કૅપ્શન, મોટા યુદ્ધ શરૂ થતા જ ઑઇલના ભાવ ભડકે બળે છે અને આયાતકાર દેશોના ચલણનું અમેરિકન ડૉલર સામે ધોવાણ થાય છે

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભયંકર નાણાકીય અસ્થિરતાની સ્થિતિ પેદા થઈ, ત્યારે જુલાઈ 1944માં અમેરિકા સહિત 44 સાથી દેશોના પ્રતિનિધિઓ અમેરિકામાં ન્યુ હેમ્પશાયર ખાતે બ્રેટન વૂડ્સની એક હોટલમાં મળ્યા. તેમણે ચલણ માટે એક નવી સિસ્ટમ અપનાવી જેને 'બ્રેટન વૂડ્સ સિસ્ટમ' તરીકે ઓળખવામાં આવી.

તે મુજબ અમેરિકન ડૉલરના ભાવ સોનાના આધારે નક્કી કરવામાં આવ્યા. તેમાં એક ઔંસ સોનાનો ભાવ 35 ડૉલર નક્કી થયો. મહત્ત્વની વાત એ હતી કે અમેરિકન ડૉલર એ સોનાનું પીઠબળ ધરાવતી એકમાત્ર કરન્સી હતી અને બાકીના બધા દેશો પાસે રિઝર્વ તરીકે સોનાના બદલે અમેરિકન ડૉલર હતા. તેના કારણે ડૉલર એ ગ્લોબલ કરન્સી બની ગઈ. 1971 સુધી આ સિસ્ટમ અમલમાં રહી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે અમેરિકાએ એટલા બધા ડૉલર છાપ્યા હતા કે બૅન્કિંગ માટે તેની પાસે પૂરતું સોનું ન હતું. તેના કારણે 1971માં આ સિસ્ટમનો અંત આવ્યો.

ક્રૂડઑઇલનો વેપાર ડૉલરમાં કેમ થવા લાગ્યો?

બીબીસી ગુજરાતી પેટ્રોડૉલર અમેરિકન ડૉલર ક્રૂડ ઑઇલ વેપાર ઈરાન અમેરિકા
ઇમેજ કૅપ્શન, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન સાથે સાઉદી અરેબિયાના કિંગ ફૈઝલ

વિશ્વમાં ક્રૂડઑઇલનો વેપાર અમેરિકન ડૉલરમાં જ કરવાની 'પેટ્રોડૉલર સિસ્ટમ' લાગુ થઈ, તે અગાઉ બ્રેટન વૂડ્સ સિસ્ટમથી બધો વેપાર થતો હતો. 1971માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડનેખતમ કરવાનો નિર્ણય લીધો. એટલે કે ડૉલર છાપવા માટે હવે ગોલ્ડનો ટેકો હોવો જરૂરી ન હતો.

ત્યાર પછી 1974માં અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે એક વ્યૂહાત્મક કરાર કર્યો. આ મુજબ સાઉદી અરેબિયાના ઑઇલના ભાવ યુએસ ડૉલરના આધારે નક્કી કરવાના હતા અને ડૉલરમાં જ તેનું વેચાણ થવાનું હતું. તેના બદલામાં અમેરિકાએ સાઉદી અરેબિયાને સુરક્ષાની ખાતરી આપી. થોડા જ સમયમાં પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠન ઓપેકે પણ ડૉલરના આધારે ઑઇલનો વેપાર કરવાનું નક્કી કર્યું.

પેટ્રોડૉલર સિસ્ટમ લાગુ કરવામાં અમેરિકાને મોટો ફાયદો હતો કારણ કે ઑઇલ એ દુનિયામાં સૌથી મહત્ત્વની અને સૌથી વધારે વેપાર થતી કોમોડિટી ગણાય છે. કોઈ પણ દેશે ક્રૂડઑઇલ ખરીદવું હોય તો તેના માટે અમેરિકન ડૉલરની જરૂર પડે. ઑઇલના નિકાસકાર દેશોને ઑઇલના વેચાણમાંથી જે ડૉલર મળતાં તેને અમેરિકન ટ્રેઝરી બૉન્ડમાં રોકવામાં આવતા, જેને પેટ્રોડૉલર રિસાઇક્લિંગ કહેવામાં આવે છે.

સાદી ભાષામાં કહીએ તો અખાતના દેશોને અમેરિકાએ સૈન્ય રક્ષણ આપ્યું અને તેના બદલામાં અમેરિકાને ઍનર્જીની બાબતમાં સુરક્ષા મળી. ઑઇલનો વેપાર ડૉલરમાં થયો, આ અબજો ડૉલર રિસાઇકલ થઈને પાછા અમેરિકન શસ્ત્રો અને ટેક્નૉલોજીની ખરીદી માટે ઠાલવવામાં આવ્યા તથા અમેરિકન શૅર અને બૉન્ડમાં મૂડીરોકાણ થયું. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, કતાર, ઓમાન અને બહેરિન - આ પાંચેય દેશો પોતાની કરન્સીને ડૉલર મુજબ સેટ કરે છે.

તાજેતરમાં કેટલાક દેશોએ ચાઈનીઝ યુઆન જેવી કરન્સીમાં ઑઇલના સોદા કરવાની શક્યતા ચકાસી હતી, પરંતુ પ્રભુત્વ તો ડૉલરનું જ છે.

સદ્દામ હુસૈન, ગદ્દાફીએ જ્યારે પેટ્રોડૉલરને પડકાર ફેંક્યો

બીબીસી ગુજરાતી પેટ્રોડૉલર અમેરિકન ડૉલર ક્રૂડ ઑઇલ વેપાર ઈરાન અમેરિકા
ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાના ભૂતપૂર્વ શાસક નિકોલસ માદુરોએ ડૉલર સિવાયની કરન્સીમાં ઑઇલના વેપાર માટે પ્રયાસ કર્યા હતા.

આટલાં વર્ષો દરમિયાન કેટલાક કિસ્સા એવા પણ બન્યા છે, જ્યારે કોઈએ પેટ્રોડૉલરને પડકાર ફેંક્યો હોય અને અલગ સિસ્ટમ લાગુ કરવા પ્રયાસ કર્યો હોય, પરંતુ તેમાં સફળતા નથી મળી.

ઉદાહરણ તરીકે, વર્ષ 2000માં ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને યુએનના 'અનાજના બદલામાં ઑઇલ' પ્રોગ્રામ હેઠળ ઑઇલના વેચાણ સામે ડૉલરના બદલે યુરો લેવાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજના લાંબો સમય ચાલી નહીં. 2003માં અમેરિકાએ સદ્દામ હુસૈનના શાસનને ઉથલાવી નાખ્યું અને પછી ફરીથી ઇરાકી ક્રૂડઑઇલના સોદા ડૉલરમાં થવા લાગ્યા.

તેવી જ રીતે લીબિયાના શાસક મુઅમ્માર ગદ્દાફીએ પણ એક આફ્રિકન કરન્સીની હિમાયત કરી હતી જેનાથી ક્રૂડ ઑઇલ સહિતની ચીજોના સોદા થઈ શકે. પરંતુ લીબિયાની સિવિલ વૉરમાં ગદ્દાફીની પણ હત્યા કરવામાં આવી.

તાજેતરમાં બહુ ચર્ચામાં આવેલા વેનેઝુએલાના શાસક નિકોલસ માદુરોએ પણ ડૉલર સિવાયની કરન્સીમાં ક્રૂડ ઑઇલના સોદા કરવાની હિમાયત કરી હતી. પરંતુ જાન્યુઆરીમાં ટ્રમ્પ સરકારે તેમને પકડી લીધા હતા અને હાલમાં તેઓ અમેરિકાના કબજામાં છે.

ડૉલરનું સ્થાન ચાઈનીઝ યુઆન લેશે?

બીબીસી ગુજરાતી પેટ્રોડૉલર અમેરિકન ડૉલર ક્રૂડ ઑઇલ વેપાર ઈરાન અમેરિકા
ઇમેજ કૅપ્શન, કેટલાક દેશો ડૉલર સિવાયની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે, છતાં ઑઇલના વેપારમાં ડૉલરનું પ્રભુત્વ છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાન યુદ્ધના કારણે તાજેતરમાં જે સ્થિતિ સર્જાઈ છે તે પેટ્રોડૉલર માટે જોખમી માનવામાં આવે છે. દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ચીને પોતાના ચલણ યુઆનને ગ્લોબલ કરન્સી બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે અને ડૉલરના પ્રભુત્વને પડકાર ફેંકી રહ્યું છે.

જર્મનીની ડોએચ્ચ બૅન્કનાં સ્ટ્રેટેજિસ્ટ મલ્લિકા સચદેવાએ , "આ યુદ્ધના કારણે પેટ્રોડૉલરના પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે અને તે પેટ્રોયુઆનની શરૂઆત હોઈ શકે છે." કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને તેમણે લખ્યું છે કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી કેટલાંક ઑઇલ-જહાજોને પસાર થવા દે છે અને તેના બદલામાં યુઆનમાં પેમેન્ટ સ્વીકારે છે.

1974માં સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે પેટ્રોડૉલરના કરાર કર્યા હતા, પરંતુ આટલાં વર્ષોમાં ચિત્ર ઘણું બદલાઈ ગયું છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયા અત્યારે અમેરિકા કરતાં ચીનને ચાર ગણું વધારે ઑઇલ વેચે છે.

ગલ્ફના દેશો સાઉદી અરેબિયા અને યુએઈ ઉપરાંત ચીન, હૉંગ કૉંગ અને થાઈલૅન્ડ હાલમાં એમબ્રિજ તરીકે ઓળખાતી એક સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, જેમાં ડૉલર સિવાયની કરન્સીમાં વેપાર થઈ શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન