સુરતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે પૅકેજ જાહેર કર્યું, કેટલી સહાય મળશે? – ન્યૂઝ અપડેટ

હર્ષ સંઘવી સુરતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે પૅકેજ જાહેર કર્યું, કેટલી સહાય મળશે? – ન્યૂઝ અપડેટ Surat flood bbc gujarati gujarat

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

સુરતમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે લોકોને ઘણું નુકસાન થયું હતું.

હવે ગુજરાત સરકારે તેમના માટે પૅકેજની જાહેરાત કરી છે.

હર્ષ સંઘવીએ જે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, "આમાં લારી, નાની કે મોટી કૅબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય મળશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું રિટર્ન ભરેલું હોય તેવા દુકાનધારકોને એક લાખની રોકડ સહાય ચૂકવાશે."

સરકારે કોને કેટલી સહાય આપવાનું કહ્યું?

ઇમેજ સ્રોત, Guj info.

ઇમેજ કૅપ્શન, સરકારે કોને કેટલી સહાય આપવાનું કહ્યું?

ગુજરાત સરકારના માહિતી વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર, આ સહાય મેળવવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. જે લોકોએ ત્રિમાસિકનું રિટર્ન ભરેલું હોય તેવા અસરગ્રસ્તો વ્યાજ સહાય મેળવવા માટેની અરજી ઠરાવ જાહેર થયાના છ માસ સુધીમાં કરી શકશે.

આ સિવાય સરકારે સુરતના અસરગ્રસ્ત રહેણાક અને કૉમર્શિયલ વિસ્તારોમાં એક વર્ષ માટે વેરા માફ કરવાનો નિર્ણય પણ કર્યો છે.

લારી, રેકડી ધારકોને 7,500ની રોકડ સહાય મળશે એવું કહેવાયું છે. નાની કૅબિન ધરાવનારને 25 હજાર અને મોટી કૅબિન ધરાવનારને 50 હજારની સહાય મળશે.

અમેરિકાના હુમલામાં સાત લોકો માર્યા ગયા, ઈરાની સેનાનો દાવો

અમેરિકાના હુમલામાં સાત લોકો માર્યા ગયા, ઈરાની સેનાનો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સિસ્તાન-બલૂચિસ્તાનના બંપુર ક્ષેત્રમાં એક સૈન્ય ઠેકાણા પર થયેલા અમેરિકાના હુમલામાં સાત લોકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે.

સેનાના જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે સવારે અમેરિકાની સેનાએ બંપુરમાં ઈરાની સેનાના સૈનિકોના આવાસીય ક્ષેત્રને લગભગ 13 જેટલી મિસાઇલો વડે નિશાન બનાવ્યું.

બીબીસીની ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનશહરની 388મી બ્રિગેડના સાત જવાનોનાં મોત થયાં.

ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં, ઈરાની મીડિયાએ ફારસની ખાડી તથા હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલા બંપુર સહિત કેટલાંક તટીય શહેરોમાં વિસ્ફોટના સમાચાર આપ્યા હતા.

આ દાવા પર હાલ અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે કુવૈત પર મિસાઇલ વડે હુમલો કર્યો

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સે કુવૈત પર મિસાઇલ વડે હુમલો કર્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)એ કુવૈતમાં અમેરિકાનાં ઠેકાણાં પર હુમલો કર્યો છે.

આઇઆરજીસીએ કહ્યું કે તેણે કુવૈતમાં મિસાઇલ અને ઍર ડિફેન્સ રડાર અને મિસાઇલ લૉન્ચ પૅડને તબાહ કરી નાખ્યાં છે.

આઇઆરજીસીએ કહ્યું કે દક્ષિણ ઈરાનનાં અનેક ઠેકાણાં પર અમેરિકાએ હુમલો કર્યો છે. તેમાં હોવેઝે શહેરમાં એક ઘઉંનું ગોડાઉન અને ઇલમના દેહલોરાનમાં એક મિનરલ વૉટર ફૅક્ટરીને નિશાન બનાવી છે.

અગાઉ ઈરાની મીડિયાએ કુવૈત પર ડ્રોન હુમલાના સમાચાર આપ્યા હતા અને કહ્યું હતું કે હુમલાનો જવાબ આપવા માટે દેશે પોતાની સુરક્ષાપ્રણાલીને સક્રિય કરી દીધી છે.

દિલ્હી હાઇકોર્ટે સોનમ વાંગચુકના અનશન મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો

 સોનમ વાંગચૂક, બીબીસી ગુજરાતી, દિલ્હી જંતરમંતર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હી હાઇકોર્ટે બુધવારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની 'જીવ બચાવવા માટે સરકારની ત્વરિત દખલગીરી'ની માગ કરતી જનહિતની અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે જવાબ માગ્યો છે.

વાંગચુક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠા છે.

કાયદાના મામલાના સમાચાર અને વિશ્લેષણ આપતી વેબસાઇટ બાર ઍન્ડ બૅન્ચ અનુસાર સામાજિક કાર્યકર અને વકીલ રાકેશ કુમારે આ જાહેરહિતની અરજી કરી છે.

સૈનીએ કહ્યું કે, "એક સામાજિક અને માનવ અધિકાર કાર્યકર પોતાના મૌલિક અધિકારનો ઉપયોગ કરીને સરકારના એક અલોકપ્રિય અને વ્યાપક રૂપથી ટીકાનો સામનો કરી રહેલા નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર દેશ સામે એક રીતે પોતાનો જીવ આપી રહ્યા છે."

અદાલતે મામલાની ગંભીરતા અને તત્કાળ સુનાવણીની જરૂરિયાતને જોતાં કહ્યું કે આ અરજી પર ગુરુવાર, 16 જુલાઈના સુનાવણી કરશે.

હાઇકોર્ટની બૅન્ચે કહ્યું કે, "કેન્દ્ર સરકાર તરફથી કોઈ હાજર નથી. અમે અરજી પર સુનાવણી કરી રહ્યા છીએ. અમે આવતી કાલે જ આ મામલાને સૂચિબદ્ધ કરીશું અને કેન્દ્ર સરકારને નિર્દેશ લેવાનું કહીશું."

અમદાવાદ વિમાન દુર્ઘટના : તપાસ રિપોર્ટનો ફાઇનલ ડ્રાફ્ટ ક્યાં સુધી તૈયાર થશે, AAIBએ શું જણાવ્યું

અમદાવાદમાં ઍર ઇન્ડિયા ફ્લાઇટ

ઇમેજ સ્રોત, BASIT ZARGAR/Middle East Images/AFP via Getty Images

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અમદાવાદમાં ઍર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ-171 ક્રૅશ મામલે ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ દુર્ઘટનાની તપાસના રિપોર્ટનો ફાઇનલ ડ્રાફ્ટ ઑક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ શકે છે.

આ દુર્ઘટનામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

અદાલતમાં દાખલ એક વિગતવાર ઍફિડેવિટમાં એએઆઈબીએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સાથે જોડાયેલી આ ગંભીર દુર્ઘટના માત્ર ઘરેલુ તપાસનો વિષય નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય તપાસનો વિષય છે. શિકાગો કન્વેન્શન અને ઇન્ટરનૅશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશના ઍનેક્સ-13 હેઠળના નિયમો દ્વારા સંચાલિત છે.

ઍનેક્સ-13 હેઠળ ઍરક્રાફ્ટ દુર્ઘટનાની તપાસ માટે પ્રમાણભૂત કાર્યપદ્ધતિનો ઉલ્લેખ છે.

ઍફિડેવિટમાં જણાવાયું છે કે, શિકાગો કન્વેન્શનના આર્ટિકલ 26 અનુસાર જે દેશમાં વિમાન દુર્ઘટના બને છે તે દેશની જવાબદારી છે કે દુર્ઘટનાની પરિસ્થિતિની તપાસ શરૂ કરે. જ્યારે ઍનેક્સ-13 તથા ઍરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઑફ ઍક્સિડન્ટ્સ ઍન્ડ ઇન્સિડન્ટ્સ) રૂલ્સ, 2025 મુજબ વિમાનનું રજિસ્ટ્રેશન કરનાર દેશ, ઑપરેટરનો દેશ, જ્યાં વિમાનની ડિઝાઇન તૈયાર થઈ હોય તે દેશ અને ઉત્પાદન કરનાર દેશને પણ તપાસમાં ભાગ લેવાનો અધિકાર અને જવાબદારી છે. આ દેશોના અધિકૃત પ્રતિનિધિઓ અને ટેક્નિકલ નિષ્ણાતો તપાસ પ્રક્રિયાનો ભાગ બને છે.

એએઆઈબીએ ઍફિડેવિટમાં કહ્યું છે કે, "આ કારણોસર અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન ક્રૅશની તપાસ માત્ર કોઈ એક દેશની ઘરેલુ કે સ્થાનિક પ્રક્રિયા નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સંધિઓના નિયમો હેઠળ ચાલતી સુનિયોજિત તપાસ છે. દુર્ઘટના જ્યાં બની હોય તે દેશ અન્ય સંબંધિત દેશો સાથે સંકલન કરીને તપાસ કરે છે, કારણ કે તે દેશોનો વિમાન, ઑપરેટર, ડિઝાઇન અથવા ઉત્પાદન સાથે કાયદેસર સંબંધ હોય છે."

"વિમાન દુર્ઘટનાની તપાસનો એકમાત્ર હેતુ હવાઈ સુરક્ષામાં સુધારો કરવો અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવાનો છે. આ તપાસનો હેતુ કોઈ વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી નક્કી કરવાનો અથવા નાગરિક કે ફોજદારી દોષ નિર્ધારિત કરવાનો નથી."

એએઆઈબીએ જણાવ્યું કે હાલની દુર્ઘટનાની ગંભીરતા, વ્યાપ અને જટિલતાને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

ઍફિડેવિટ મુજબ, બાકીની બાહ્ય પ્રક્રિયાઓ સમયસર પૂરી થાય તો તપાસની મુખ્ય કામગીરી અંદાજે છ અઠવાડિયાં પૂરી થઈ શકે છે. ત્યાર પછી વિશ્લેષણની પ્રક્રિયા પૂરી કર્યા બાદ અંતિમ રિપોર્ટનો ડ્રાફ્ટ ઑક્ટોબર મહિના સુધી તૈયાર થવાની શક્યતા છે.

ફિફા વર્લ્ડકપમાં સ્પેને ફ્રાન્સ હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં તેણે ફ્રાન્સની ટીમને શાનદાર રીતે માત આપી છે

ઇમેજ સ્રોત, Patrick T. Fallon / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં તેણે ફ્રાન્સની ટીમને શાનદાર રીતે માત આપી છે

ફિફા વર્લ્ડકપ ફૂટબૉલમાં સ્પેને ફ્રાન્સ હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં તેણે ફ્રાન્સની ટીમને શાનદાર રીતે માત આપી છે.

સ્પેને ખેલ પર નિયંત્રણ રાખ્યું હતું અને મિકેલ ઓયારઝાબાલ અને પેદ્રો પોરોના ગોલની મદદથી રવિવારે થનારી ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

પ્રથમ હાફ દરમિયાન સ્પેનને પેનલ્ટી મળી. ફ્રાન્સના લેફ્ટ-બૅક લુકાસ દિન્યેની ભૂલને કારણે ફૉરવર્ડ લામિન યામાલને રમત સમયે જોરદાર ધક્કો લાગ્યો અને રેફરીએ પેનલ્ટી આપી દીધી.

ઓયારઝાબાલે આત્મવિશ્વાસ સાથે પેનલ્ટીને ગોલ પોસ્ટમાં મોકલી દીધી. સરસાઈ મળતા સ્પેને મૅચ પર પોતાની પકડ વધુ મજબૂત જમાવી લીધી.

પ્રથમ હાફમાં ફીકેના પ્રદર્શનની આશા હતી કે ફ્રાન્સ બીજા હાફમાં જોરદાર વાપસી કરશે, પણ થયું ઊલટું. સ્પેને ફરી વાર મૅચ પર પોતાની પકડ જમાવી લીધી.

પેદ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર વન-ટૂ રમત રમી અને પછી નજીકની પોસ્ટ પાસે બીજો ગોલ કરી દીધો.

સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવ્યું છે. હવે સ્પેનનો મુકાબલો ફાઇનલમાં આર્જેટિના અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચના વિજેતા સાથે થશે.

સ્પેનની જીત થતા આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. જ્યારે ફ્રાન્સના ફૂટબૉલપ્રેમીઓમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો છે.

જમીની હુમલા અંગે ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપી છે

ઇમેજ સ્રોત, ge

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપી છે

હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજો પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યાના માત્ર 24 કલાકમાં યૂ-ટર્ન લીધા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપી છે.

ફોક્સ ન્યૂઝના સંવાદદાતા ટેરી યિંગસેટ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન વાતચીતના ટેબલ પર નહીં આવે, તો અમેરિકન સૈન્ય આવતા અઠવાડિયે દેશના પાવર પ્લાન્ટ અને પુલો પર બૉમ્બમારો કરશે.

જમીની અભિયાનની શક્યતા વિશેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "હું તેના વિશે કંઈ કહેવા માગતો નથી, પરંતુ જો મને લાગે છે કે કહેવું યોગ્ય હશે, તો હું કહી દઉં છું. ક્યારેક જમીની અભિયાનની જરૂર પડે છે, પરંતુ અન્ય લોકો પણ છે જે અમારા માટે જમીની અભિયાન ચલાવશે."

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો, બાદમાં ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીને બંધ કરી દીધી છે.

વિશ્વનો અંદાજે 25 ટકા ઑઇલ અને એલએનજીનો 20 ટકા પુરવઠો આ જળમાર્ગમાંથી પસાર થાય છે.

ભારતે ઇંગ્લૅન્ડ સામે પહેલી વનડે જીતી, શુભમન ગિલ અને અક્ષર પટેલની શાનદાર ઇનિંગ

શુભમન ગિલે બાજી સંભાળી અને 75 બૉલમાં 11 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 80 રન કર્યા હતા.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શુભમન ગિલે 75 બૉલમાં 80 રન કર્યા હતા

ભારતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચમાં છ વિકેટે જીતી મેળવી છે. મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 258 રન કર્યા હતા.

જવાબમાં ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની મદદથી ચાર ઓવર પહેલાં મૅચ જીતી લીધી.

આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

ભારતની શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા માત્ર 11 રન કરી શક્યા, જ્યારે વિરાટ કોહલી પણ 5 રન કરી શક્યા હતા.

જોકે ત્યાર બાદ બેટિંગમાં આવેલા શુભમન ગિલે બાજી સંભાળી અને 75 બૉલમાં 11 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 80 રન કર્યા હતા.

વૉશિંગ્ટન સુંદરે પણ અર્ધ સદી ફટકારીને અણનમ 52 રન કર્યા હતા.

ઑલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલે 52 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 57 રન કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન