તામિલનાડુના મુખ્ય મંત્રી વિજયની ફિલ્મ 'જનનાયગન' કેવી છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KVN Productions

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

એચ. વિનોથ દિગ્દર્શિત તામિલનાડુના મુખ્ય મંત્રી અને તામિલાડુ વેત્રી કઝગમના નેતા વિજય અભિનીત ફિલ્મ 'જનનાયગન' 23 જુલાઈએ રિલીઝ થઈ ગઈ છે.

વિજય ઉપરાંત ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશરાજ, પૂજા હેગડે, મમિતા બૈજુ, પ્રિયામણિ, સુનીલ અને ગજરાજ જેવાં અનેક જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનય કર્યો છે.

'જનનાયગન'ની વાર્તા શું છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KVN Productions

ફિલ્મનો નાયક વિજય એક કેદી છે. તે જે જેલમાં બંધ છે, ત્યાં કેદ એક વગદાર વ્યક્તિને ભગાડવા માટે ખોટી રીતે જેલમાં રમખાણ કરાવવાનું કાવતરું ઘડવામાં આવે છે.

પરંતુ વિજય આ કાવતરાને નિષ્ફળ બનાવી દે છે.

વિજયે પોલીસને મદદ કરી હોવાથી, ગૌતમ વાસુદેવ મેનન, જેઓ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમને વિજય પ્રત્યે સદ્ભાવ થાય છે અને તે વિજયને મદદ કરે છે.

ત્યાર બાદ એક અકસ્માતમાં ગૌતમ વાસુદેવ મેનનનું મૃત્યુ થાય છે. તેમના નિધન પછી તેમની પુત્રીની ભૂમિકા ભજવતી મમિતા બૈજુને વિજય દત્તક લઈને ઉછેરે છે.

મમિતાના પિતાની ઇચ્છા મુજબ તેને સેનામાં ભરતી કરાવવા માટે વિજય અનેક પ્રયત્નો કરે છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ગુનેગારની ભૂમિકા ભજવતા બૉબી દેઓલ પોતાના અંગત સ્વાર્થ માટે રાજકારણીઓ સાથે મળીને તામિલનાડુને બરબાદ કરવાનું કાવતરું ઘડે છે.

આ બોબી દેઓલ કોણ છે? તેની અને વિજય વચ્ચે ટક્કર કેવી રીતે થાય છે? બોબી દેઓલનાં કાવતરાંને નિષ્ફળ બનાવવા માટે વિજય શું કરે છે? આ જ ફિલ્મની બાકીની વાર્તા છે.

વિજયની આ ફિલ્મ કેવી છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@JanaNayaganFilm

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'માલી મલાર'માં પ્રકાશિત ફિલ્મ સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "દિગ્દર્શક એચ. વિનોથે સંપૂર્ણપણે ચાહકોને ધ્યાનમાં રાખીને એક મનોરંજક વ્યાવસાયિક ફિલ્મ બનાવી છે. તેમણે ઍક્શન, પારિવારિક લાગણી, દેશપ્રેમ અને સામાજિક સંદેશને યોગ્ય પ્રમાણમાં ભેળવીને પટકથાને આગળ વધારી છે. કેટલીક જગ્યાએ પટકથા પરંપરાગત વ્યાવસાયિક ફિલ્મોના ચીલાચાલુ માર્ગે આગળ વધે છે, પરંતુ ફિલ્મની દમદાર ક્ષણો એ ખામી ભુલાવી દે છે."

'દિનામણિ'માં પ્રકાશિત સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, "'જનનાયગન' તેલુગુમાં રિલીઝ થયેલી 'ભગવંત કેસરી'ની 80 ટકા રિમેક છે."

"ફિલ્મની બાકીની વાર્તા દિગ્દર્શક એચ. વિનોથે મુખ્ય મંત્રી વિજયના રાજકીય અને લોકકલ્યાણના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને લખી છે."

'માલી મલાર'ની સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "જેલ અધિકારીની ભૂમિકામાં ગૌતમ વાસુદેવ મેનનનો અભિનય શાનદાર છે."

"પૂજા હેગડે સુંદર નાયિકા તરીકે પડદા પર આવે છે અને ચાલી જાય છે. મમિતા બૈજુ પોતાના ચપળ અભિનયથી ધ્યાન ખેંચે છે."

"ખલનાયકની ભૂમિકામાં બૉબી દેઓલ ધાક જમાવે છે. પ્રિયામણિ, સુનીલ, પ્રકાશરાજ અને ગજરાજ સહિતના તમામ કલાકારોએ ઉત્તમ અભિનય કર્યો છે."

'દિનામણિ'માં પ્રકાશિત સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, "ખલનાયક બૉબી દેઓલનાં દૃશ્યો ઓછાં હોવા છતાં તેનું પાત્ર પ્રભાવશાળી લાગે છે."

"વાર્તાની નાયિકા મમિતા બૈજુએ સારો અભિનય કર્યો છે. આ પ્રકારનાં પાત્રો સ્વીકારીને તેને ખૂબ જ અસરકારક રીતે ભજવવામાં હવે તે પારંગત થઈ ગઈ છે."

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'માં પ્રકાશિત સમીક્ષા જણાવે છે કે, "મમિતા બૈજુએ પોતાનાં દૃશ્યોને વજનદાર બનાવ્યાં છે."

"ફિલ્મમાં સૌથી વધુ લાગણીસભર અભિનય કરનાર કલાકારોમાં પણ તેનો સમાવેશ થાય છે. કાયલની ભૂમિકા ભજવતી પૂજા હેગડેએ પટકથાની જરૂરિયાત જેટલું જ કામ કર્યું છે; તેનાથી વધારે કંઈ કરી બતાવવાની તેના પાત્રમાં ખાસ તક જ નહોતી."

"પ્રકાશરાજ અને ગૌતમ વાસુદેવ મેનનને પડદા પર પૂરતો સમય મળ્યો નથી. છતાં, બંનેએ પોતપોતાનાં સહાયકપાત્રો દ્વારા ફિલ્મને જીવંત બનાવી છે."

'જનનાયગન' ફિલ્મની વાર્તા અને પટકથા કેવી છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@KvnProductions

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે કે, "ફિલ્મનો ઉત્તરાર્ધ શરૂ થતાં જ અત્યાર સુધી આપણે જે વાર્તા જોઈ રહ્યા હતા, તે સાવ જુદી જ ફિલ્મમાં ફેરવાઈ જાય છે."

"પાલક પિતા અને પુત્રીના સંબંધનો મુદ્દો એક બાજુ ધકેલાઈ જાય છે. અત્યાર સુધી અંગત સ્તરે રહેલો સંઘર્ષ અચાનક સમાજિક અને રાષ્ટ્રીય મુદ્દાનું સ્વરૂપ ધારણ કરે છે અને તે પણ અત્યંત અવિશ્વસનીય રીતે."

'જનનાયગન' દિગ્દર્શક અનિલ રવિપુડીની સફળ તેલુગુ ફિલ્મ 'ભગવંત કેસરી'ની રિમેક છે.

બંને ફિલ્મોનો પાયો એકસરખો હોવા છતાં 'જનનાયગન'માં આ વાર્તાને આધુનિક યુદ્ધપદ્ધતિ અને વ્યવસ્થાગત ભ્રષ્ટાચાર પર આધારિત રાજકીય ઍક્શન થ્રિલરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'માં પ્રકાશિત સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "વાર્તાના મૂળ વિચારની વાત કરીએ તો, એક મજબૂત લાગણીસભર વાર્તાને આધાર બનાવીને તેને વધુ વિશાળ ફલક પર વિસ્તારવાનો પ્રયાસ જણાય છે."

"પરંતુ પડદા પર તે એકબીજા સાથે જોડી દેવાયેલી બે જુદી જુદી ફિલ્મો જેવી લાગે છે. આ બંનેમાંથી એક પણ ભાગ સંપૂર્ણપણે અસરકારક સાબિત થતો નથી."

'માલી મલાર'ની સમીક્ષા મુજબ, "કેટલાંક દૃશ્યોમાં પટકથા અગાઉથી અનુમાન કરી શકાય તેવી છે અને તેમાં પરંપરાગત વ્યાવસાયિક ફિલ્મોનાં તત્ત્વોનું પ્રમાણ વધારે છે."

'દિનામણિ'માં પ્રકાશિત સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "મહિલા સશક્તિકરણ, મહિલાઓથી અલગ થવાનો ભય અને અન્યાય સામે ઊભા રહેવાની હિંમત જેવા વિષયો ધરાવતી આ વાર્તામાં હિન્દુ-મુસ્લિમ રમખાણોનાં દૃશ્યો વધારે કાળજીપૂર્વક રજૂ કરવામાં આવ્યાં છે, ભલે તે રાજકારણની વાત કરી રહ્યા હોય."

ફિલ્મનું સંગીત કેવું છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, R.Satish BABU / AFP via Getty Images

'માલી મલાર'ની સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "અનિરુદ્ધનું સંગીત રોમાંચક છે. ખાસ કરીને, 'થલાપતિ કચ્ચેરી' અને 'રાવણન મવંડા' ગીતો રોમાંચ જગાવે છે."

'દિનામણિ'ની સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "સંગીતકાર અનિરુદ્ધ પોતાના પાર્શ્વસંગીતથી અનેક નિર્જીવ દૃશ્યોને પણ માણવાલાયક બનાવે છે."

"ગીતોમાં 'થલાપતિ કચ્ચેરી' દર્શકોને સિસોટીઓ વગાડવા મજબૂર કરે છે."

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત સમીક્ષા મુજબ, "અનિરુદ્ધે પોતાના તરફથી દૃશ્યોમાં વધુ રોમાંચ અને ગતિ ઉમેર્યાં છે."

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ની સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે કે, "અનિરુદ્ધ ફરી એક વાર ફિલ્મના જુદા જુદા ભાગોને જોડતી કડી સાબિત થયો છે."

"તેનું પાર્શ્વસંગીત જ આ ફિલ્મનું સૌથી સુસંગત અને અસરકારક પાસું છે. તે ઢીલાં પડતાં દૃશ્યોને ઊંચાઈ આપે છે."

"શાંત ક્ષણોમાં પટકથા જે લાગણીઓને પૂરતી રીતે વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય, તેમાં તે પોતાના સંગીત દ્વારા ઊંડાણ ઉમેરે છે."

"'ઓરુ પેરે વરલારુ' ગીત પહેલેથી જ વિજયની રાજકીય સફરનું એક પ્રતીક બની ગયું છે."

"ફિલ્મમાં તેના સંદર્ભ સાથે આ ગીત સાંભળીએ ત્યારે તે ફિલ્મની સીમાને વટાવી જતી લાગણી જન્માવે છે."

"જોકે મૂળભૂત રીતે નબળી રીતે રચાયેલાં દૃશ્યોને અનિરુદ્ધ પણ પોતાના સંગીતથી બચાવી શકતો નથી."

'જનનાયગન'ની સિનેમેટોગ્રાફી

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, R.Satish BABU / AFP via Getty Images

'માલી મલાર'માં પ્રકાશિત સમીક્ષા કહે છે કે, "સિનેમેટોગ્રાફર સત્યન સૂર્યને દરેક ઍક્શન દૃશ્યને ભવ્ય રીતે કચકડે કંડાર્યું છે. ખાસ કરીને ફિલ્મનાં પરાકાષ્ઠાનાં દૃશ્યો પોતાની દૃશ્યરચનાને કારણે ફિલ્મનું મોટું જમા પાસું બને છે."

'દિનામણિ'ની સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, "સિનેમેટોગ્રાફી અને સંપાદન દ્વારા વાર્તામાં જરૂરી બધું કરવામાં આવ્યું હોવા છતાં ફિલ્મનો સમયગાળો ત્રણ કલાકથી વધુ હોવાથી તેમનું સ્વતંત્ર યોગદાન ખાસ ધ્યાનમાં આવતું નથી."

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ની સમીક્ષા જણાવે છે કે, "સત્યન સૂર્યનની સિનેમેટોગ્રાફી ખાસ કરીને બહારનાં દૃશ્યો અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પર વધુ આધારિત ન હોય તેવાં લડાઈનાં દૃશ્યોમાં ધ્યાન ખેંચે છે."

"પરંતુ અંદરનાં દૃશ્યો અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા ભાગો નીરસ તથા અધૂરા લાગે છે. પ્રદીપ ઈ. રાઘવનું સંપાદન અસંગત છે. 183 મિનિટની આ ફિલ્મ અત્યંત લાંબી છે."

વિજયનો અભિનય કેવો છે?

VIjay, વિજય તામિલ નાડુના મુખ્ય મંત્રી, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, R.Satish BABU / AFP via Getty Images

'માલી મલાર'ની સમીક્ષા કહે છે કે, "વિજયે એકલે હાથે સમગ્ર ફિલ્મને પોતાના ખભા પર ઉપાડી લીધી છે. આક્રમકતા વ્યક્ત કરવાની હોય કે પુત્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો હોય, બંને સાવ જુદાં રૂપમાં તે જબરદસ્ત પ્રભાવ પાડે છે."

"તેણે બતાવી દીધું કે નૃત્યમાં પણ તે ખૂબ સારો છે. વિજયના ચાહકો માટે આ ફિલ્મ ઉત્સવ સમાન બની રહેશે."

'દિનામણિ'માં પ્રકાશિત સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, "વિજય હસતાં, રડતાં કે મજાક કરતાં જે રીતે અભિનય કરે છે, એવો જ અભિનય આ ફિલ્મમાં પણ જોવા મળે છે. એકંદરે તેને ફિલ્મમાં હજુ વધુ દૃશ્યો મળી શક્યાં હોત."

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'માં પ્રકાશિત સમીક્ષા કહે છે કે, "'જનનાયગન' આપણને યાદ અપાવે છે કે વિજય છેલ્લાં 30 વર્ષથી શા માટે એક મોટા સ્ટાર તરીકે ટકી રહ્યો છે."

"પટકથા દમદાર ન હોય ત્યારે પણ પડદા પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવી રાખે એવું ચુંબકીય આકર્ષણ તેની પાસે છે."

'જનનાયગન' ફિલ્મની નબળાઈઓ શું છે?

'માલીમલાર'માં પ્રકાશિત સમીક્ષા અનુસાર, "કેટલાંક દૃશ્યોમાં પટકથા અગાઉથી અનુમાન કરી શકાય તેવી છે અને તેમાં પરંપરાગત વ્યાવસાયિક સિનેમાનાં તત્ત્વોનું પ્રમાણ વધારે છે."

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ની સમીક્ષા કહે છે કે, "વિજય આના કરતાં વધુ સારી ફિલ્મનો હકદાર હતો. સેન્સરના પ્રમાણપત્રનો સંઘર્ષ, અદાલતી કેસ, ફિલ્મ લીક થવાની ઘટના અને ફિલ્મને 'એ' પ્રમાણપત્ર મળવા જેવી બાબતો વચ્ચે આ ફિલ્મ જોવા માટે છ મહિના સુધી રાહ જોનારા તેના ચાહકો પણ આના કરતાં વધુ સારી ફિલ્મના હકદાર હતા."

"આ ઉપરાંત, 'થીરન' દ્વારા પોતે બુદ્ધિશાળી અને વાસ્તવિકતાની નજીક હોય એવી ફિલ્મ બનાવી શકે છે તે સાબિત કરનારા એચ. વિનોથે આ બધું ધ્યાનમાં રાખીને વધુ સારી કામગીરી કરવી જોઈતી હતી."

'માલી મલાર'માં પ્રકાશિત સમીક્ષા કહે છે કે, "'જનનાયગન' વિજયના ચાહકો માટે દમદાર મનોરંજનની મહેફિલ છે, જ્યારે પારિવારિક દર્શકો માટે લાગણીસભર વ્યાવસાયિક ફિલ્મ છે."

"ઍક્શન, લાગણી, દેશપ્રેમ, અનિરુદ્ધનું સંગીત અને વિજયની સ્ક્રીન પરની હાજરી આ બધું મળીને ફિલ્મને ઉત્સવ જેવી બનાવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન