શરાબી : 'મૂંછેં હો તો નથ્થુલાલ જૈસી...' અમિતાભની હાથની ઈજા જ્યારે સ્ટાઇલ બની ગઈ

અમિતાભ બચ્ચન અને શરાબી ફિલ્મનું ઇલસ્ટ્રેશન
ઇમેજ કૅપ્શન, ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા
    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"મારાં લગ્નના દિવસે મેં સફેદ સૂટ-પૅન્ટ પહેર્યાં હતાં અને મારો જમણો હાથ મારા પૅન્ટના ખિસ્સામાં હતો. હકીકતમાં હું 'શરાબી' ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સ્ટાઇલની કૉપી કરતો હતો."

કાનિશ સાહિમ 'શરાબી' સાથે સંકળાયેલી પોતાની યાદોને ફેસબુક પર કંઈક આ રીતે વ્યક્ત કરે છે.

18 મે 1984એ રિલીઝ થયેલી ફિલ્મ 'શરાબી'ને 40 વર્ષ પૂરાં થઈ ગયાં. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને વિકી નામના દારૂડિયાનો રોલ કર્યો હતો.

"રાયસાહબ અમરનાથ કપૂર… વિકી આજ યતીમ હો ગયા. ઉસકે સર સે ઉસકે બાપ કા સાયા ઉઠ ગયા. આજ મેરા બાપ મર ગયા."

'શરાબી' ફિલ્મમાં વિકી એટલે કે અમિતાભ બચ્ચન જે હાવભાવ અને કટુતાથી પોતાના જીવતા પિતા અમરનાથ કપૂર એટલે કે પ્રાણને આ વાત કહે છે, તેનાથી તમને સમજાય છે કે ફિલ્મનું નામ ભલે 'શરાબી' છે, પણ હકીકતમાં તે પિતા-પુત્રના સંબંધની ગૂંચવાયેલી કહાણી છે.

અમિતાભ બચ્ચન અને પ્રકાશ મહેરા

80ના દાયકામાં અમિતાભ અને દિગ્દર્શક પ્રકાશ મહેરા બંને શિખર પર હતા. એ દિવસોમાં અમિતાભ બચ્ચન વર્લ્ડ ટૂર પર હતા.

બંને વિમાનમાં ન્યૂ યૉર્કથી ત્રિનિદાદ જતા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર જણાવ્યું હતું, "પ્રકાશ મહેરાએ સૂચવ્યું હતું કે આપણે પિતા-પુત્રના સંબંધ પર ફિલ્મ બનાવવી જોઈએ, જેમાં પુત્ર દારૂડિયો હોય. આમ, ફિલ્મની કલ્પના એટલાન્ટિક મહાસાગરની ઉપર લગભગ 35,000 ફૂટની ઊંચાઈએ થઈ હતી."

અગાઉ બંને 'જંજીર', 'હેરા-ફેરી', 'ખૂન પસીના', 'મુકદ્દર કા સિકંદર', 'લાવારિસ', 'નમક હલાલ' બનાવી ચૂક્યા હતા.

અમિતાભને હાથમાં વાગ્યું અને એ સ્ટાઇલ બની

અમિતાભ બચ્ચન
ઇમેજ કૅપ્શન, ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિલ્મ 'શરાબી'માં અમિતાભ બચ્ચનની એ સ્ટાઇલ ખૂબ પ્રખ્યાત થઈ હતી જેમાં તેઓ ઘણી વાર એક હાથ પૅન્ટના ખિસ્સામાં રાખે છે અને બીજા હાથે અભિનય કરે છે.

હકીકતમાં, એ સ્ટાઇલ નહોતી, પરંતુ એ દિવસોમાં અમિતાભ બચ્ચનનો હાથ દિવાળીમાં બૉમ્બ ફૂટવાથી ખૂબ જ દાઝી ગયો હતો.

ફિલ્મ 'શરાબી'ના ગીત 'દે દે પ્યાર દે'ના શૂટિંગ વિશે જયા પ્રદાએ ટીવી શો ઇન્ડિયન આઇડલમાં જણાવ્યું હતું, "અમિતાભ બચ્ચન ખરેખર લેજેન્ડ છે. 'શરાબી' વખતે તેમનો હાથ દાઝી ગયો હતો, પરંતુ અમિતજીએ દાઝી ગયેલો હાથ, એક સ્ટાઇલની રીતે, એ હાથને ખિસ્સામાં રાખીને, એક રૂમાલ સાથે ગીતને શૂટ કર્યું."

પોતાની એક ટ્વિટમાં અમિતાભે લખ્યું હતું, "માનવશરીરનાં અંગોમાંથી આંગળીઓને રીસ્ટ્રક્ચર કરવી ખૂબ મુશ્કેલ કામ છે. દિવાળીમાં બૉમ્બ ફૂટવાથી મારો હાથ ખૂબ જ ઘાયલ થઈ ગયો હતો. મારા અંગૂઠાને આંગળીની જેમ હલાવવા માટે પણ મને બે મહિના લાગ્યા હતા."

'શરાબી'ની સફળતા વિશે ફિલ્મ સમીક્ષક અર્ણવ બેનરજી કહે છે, "કેટલાક અપવાદોને બાદ કરી દઈએ તો, એ દિવસોમાં સામાન્ય રીતે, જ્યાં સુધી વિલન કે વૅમ્પ કોઈ કાવતરું કરીને પિવડાવી ન દે ત્યાં સુધી હીરોને વધારે પડતા દારૂડિયા તરીકે નહોતા બતાવાતા."

"હીરો, નૈતિક રીતે સીધો-સાદો હતો, તે ગીત ગાતો હતો, સમાજ અને પરિવાર માટેની પોતાની જવાબદારીઓ નિભાવતો હતો. 'શરાબી'માં એ વાત અલગ હતી કે હીરો દારૂડિયો હતો, જેને સારી વાત નથી મનાતી. તેમ છતાં, 'શરાબી'માં પબ્લિકની સિમ્પથી હીરોની સાથે હતી, કેમ કે, તે દરેક સમયે નશામાં ડૂબેલો રહેતો હોવા છતાં, દરેક સ્તરે માનવીય દેખાતો હતો."

અમિતાભનું સ્ટારડમ

'શરાબી' એક એવા ધનિક, બગડેલા પરંતુ દયાળુ છોકરાની કહાની હતી, જેની પાસે બાપની અપાર સંપત્તિ છે, પરંતુ બાપનો પ્રેમ નથી. જોકે, તેઓ જીવન અને પોતાની જાત પર હસવાનું નથી ભૂલ્યા.

આ રોલમાં ભરપૂર ટ્રૅજડી છે, ઇમોશન છે, ડ્રામા છે, કૉમેડી છે, એવા ભારેખમ ડાયલૉગ છે, જેના પર તાળીઓ વાગે, એવી લાગણીશીલ પળ છે જે હૃદયને સ્પર્શી જાય. ઍક્ટિંગનાં આટલાં બધાં પાસાંને ભેગાં કરીને પાત્રમાં એકસાથે રજૂ કરવાં એ જ અમિતાભની આ રોલમાં ખૂબી હતી.

ફિલ્મ સમીક્ષક અર્ણવ બેનરજી કહે છે કે 'શરાબી' એવી ફિલ્મ હતી, જેમાં અમિતાભના રોલમાં નૅગેટિવ અને પૉઝિટિવ બંને શેડ હતા.

જો તમે અમિતાભની ફિલ્મોના ફૅન છો તો તેમણે કદાચ ઘણી ઉત્તમ કહાણીઓ અને પાત્રોમાં કામ કર્યું છે. 'શરાબી'માં ન તો કોઈ કમાલની સિનેમૅટોગ્રાફી છે, ન કોઈ સબપ્લૉટ છે, જૂના ઢાળનું સ્ક્રીનપ્લે છે જેમાં મેલોડ્રામા છે. પરંતુ વન મૅન શોની જેમ અમિતાભ પોતાના દમ પર આ ફિલ્મને ઉપર લઈ જાય છે.

'શરાબી' એ અર્થમાં પણ ખાસ છે, કેમ કે તેઓ રાજકારણમાં ગયા તે પહેલાંની એ સમયની અમિતાભની છેલ્લી હિટ ફિલ્મોમાંની એક છે.

કિશોરકુમારે ટેબલ પર પડીને ગાયું... ઇન્તેહા હો ગઈ...

અમિતાભ બચ્ચન
ઇમેજ કૅપ્શન, ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા

જો 80નો દાયકો અમિતાભનો હતો, તો કિશારકુમારનો પણ હતો. તેનું અનુમાન તમે એના પરથી કરી શકો છો કે જ્યારે 1985માં ફિલ્મફેર નૉમિનેશન જાહેર થયાં, તેમાં બેસ્ટ સિંગરમાં ચારેય નૉમિનેશન કિશારકુમારના નામનાં હતાં.

બધાં નૉમિનેશન 'શરાબી'નાં ચારે ગીત માટે હતાં – 'દે દે પ્યાર દે', 'મંઝિલેં અપની જગહ હૈ', 'લોગ કહતે હૈ' અને 'ઇન્તેહા હો ગઈ' ગીતનાં.

પોતાની યૂટ્યૂબ ચૅનલમાં ગાયિકા આશા ભોંસલેએ જણાવ્યું હતું, "પ્રકાશ મહેરા, બપ્પી લહેરી… અમે બધા લોકો સ્ટુડિયોમાં બેસીને ગીતની ચર્ચા કરતાં હતાં. પ્રકાશ મહેરાએ જણાવ્યું કે ગીતમાં હીરોએ દારૂ પીધો છે. ત્યારે કિશોરદા બોલ્યા, જ્યારે માણસ દારૂ પીએ છે ત્યારે સીધો ઊભો નથી રહી શકતો, તે આડો પડી જાય છે. હું પણ સૂઈને ગીત ગાઈશ. એક લાંબું ટેબલ લેતા આવો."

"અને કિશોરદા ટેબલ પર ખરેખર સૂઈ ગયા અને હાથ પર માથું ટેકવીને ગીત રેકૉર્ડ કરવા લાગ્યા. આ ગીતમાં તેઓ ગાય છે, 'ઇન્તેહા હો ગઈ, ઇન્તજાર કી… હાય'. આ 'હાય'એ આખું ગીત બદલી નાખ્યું. એ 'હાય'માં જે એક્સ્પ્રેશન કિશોરદાએ ઉમેર્યો, તેનાથી તો લાગે છે ખરેખર તેમણે પીધો હતો."

બપ્પી લહેરી અને અમેરિકી બૅન્ડ

ફિલ્મનાં ગીતોની વાત થાય છે તો સંગીત નિર્દેશક બપ્પી લહેરીને શરાબી માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો અને ગીતકાર અંજાન પણ ફિલ્મનાં ગીતો માટે પ્રખ્યાત થયા હતા.

'ઇન્તેહા હો ગઈ' ગીતમાં એક ભાગ છે, જેમાં હીરોઇન જયા પ્રદા સીડીઓ પરથી દોડતાં આવે છે. એ ભાગની ધૂનને જો તમે સાંભળશો તો તમને અમેરિકન બૅન્ડના એક ગીત રનર જેવી તેની ધૂન લાગશે. 'ધ થ્રી ડિગ્રીઝ' નામનું આ બૅન્ડ કેટલીક અમેરિકન મહિલાઓએ સાથે મળીને બનાવ્યું હતું. 'ધ રનર' નામનું ગીત 1978માં આવ્યું હતું.

1984માં આવેલી 'શરાબી'નું બીજું એક પ્રખ્યાત ગીત છે – 'જહાં ચાર યાર'. જો તમે 1980માં આવેલી બાંગ્લાદેશી ફિલ્મ 'કોશાઈ'નું ગીત 'બૉન્ધૂ તીન દિન' સાંભળ્યું છે, જેને રુના લૈલાએ ગાયું હતું, તો 'જહાં ચાર યાર'ની ધૂન બિલકુલ તેના જેવી છે.

બાંગ્લાદેશી ગીતની ધૂન ત્યાંના વરિષ્ઠ સંગીત નિર્દેશક અલાઉદ્દીને બનાવી હતી. બીબીસી બાંગ્લા સાથેની વાતચીતમાં અલાઉદ્દીનાં પુત્રીએ કહ્યું કે તેમના પિતાની આ મૌલિક ધૂન છે.

'શરાબી'માં અમિતાભ માટે કાદર ખાનના ડાયલૉગ્સ

લોકોને શેમાં રસ પડશે તે જાણનાર-સમજનાર કાદર ખાને 'શરાબી'માં એવા સંવાદ લખ્યા જેના માટે તાળીઓ પડે અને કેટલાક એવા જે હૃદયસ્પર્શી હોય.

જેમ કે, જ્યારે દારૂના નશામાં અમિતાભ બચ્ચન પોતાના પિતા પ્રાણને કહે છે, "આપને મુઝે વો સબ કુછ દિયા જિસે બાઝાર સે ખરીદ કર ઘર મેં સજાયા જા સકતા હૈ. મગર વો સુખ નહીં દિયા જિસે દિલ મેં સજાયા જા સકે." એટલે તમે સિનેમાહૉલમાં તાળીઓનો અંદાજ બાંધી શકો છો.

"આજ ઇતની ભી મયસ્સર નહીં મયખાને મેં, જિતની હમ છોડ દેતે થે પૈમાને મેં.", "જિનકા અપના દિલ ટૂટા હોતા હૈ વો ઔરોં કે દિલ નહીં તોડા કરતે." આવા સંવાદો 'શરાબી'માં ખૂબ જ છે.

કાદર ખાને અમિતાભની ઘણી હિટ ફિલ્મોના ડાયલૉગ લખ્યા છે, જે આજે પણ પ્રખ્યાત છે.

'મૂંછે હો તો નથ્થુલાલ જૈસી...'

અમિતાભ બચ્ચન
ઇમેજ કૅપ્શન, ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા

સંવાદોની સાથોસાથ 'શરાબી'માં બીજાં રસપ્રદ પાત્રોએ પણ ફિલ્મને રોમાંચક બનાવી. ફિલ્મનું પ્રખ્યાત પાત્ર હતું નથ્થુલાલનું, જેને અભિનેતા મુકરીએ ભજવ્યું હતું.

'મૂંછેં હોં તો નત્થુલાલ જૈસી હોં' – આ ડાયલૉગ આજે પણ તમને મીમ્સમાં જોવા મળી આવશે. ઠીંગણા કદના અને બેસ્ટ કૉમિક ટાઇમિંગવાળા મુકરી એક ઘડાયેલા કલાકાર હતા, જેઓ બચ્ચનની સાથે લગભગ 10 ફિલ્મોમાં જોવા મળ્યા.

પિતા (પ્રાણ)ના પ્રેમથી વંચિત વિકીને ફિલ્મમાં જે વ્યક્તિ ઉછેરે છે, એટલે કે મુંશીજી, એ રોલમાં ઓમપ્રકાશે પણ ફિલ્મમાં અમિતાભને સંપૂર્ણ સાથ આપ્યો. એક અક્કડ પિતા તરીકે પ્રાણના અભિનયનાં લોકોએ વખાણ કર્યાં.

એ સમયે, અભિનેત્રી જયા પ્રદા 'સરગમ', 'કામચોર' અને 'તોહફા' પછી પ્રખ્યાત થઈ ચૂક્યાં હતાં. ફિલ્મમાં એક ખુદ્દાર [સ્વમાની] કલાકાર તરીકે જયા પ્રદાની ઘણી પ્રશંસા થઈ. જેમ કે, જ્યારે અમિતાભ બચ્ચન પૈસાથી જયા પ્રદાના શોની બધી ટિકિટ ખરીદીની એકલા જોવા આવે છે, ત્યારે તો જયા સ્પષ્ટ કહે છે – કલાકાર માત્ર પ્રશંસાનો ભૂખ્યો હોય છે, પૈસાનો નહીં.

લેખ પૂરો કરતાં પહેલાં ફિલ્મનો એક એવો ભાગ જે મને ખૂબ જ ગમે છે. 'શરાબી'માં પોતાનાં દુઃખને વિકી એટલે કે અમિતાભ બચ્ચન ઘણી વાર પોતાની શાયરીમાં વર્ણવે છે. જોકે, વિકીના ગુરુ મુંશીજી એટલે કે ઓમપ્રકાશને હંમેશાં લાગે છે કે અમિતાભની શાયરીમાં 'વજન' નથી/ ખાસ દમ નથી.

વારંવાર ટોકવાના લીધે એક દિવસ અમિતાભ ફરિયાદ કરે છે, "શાયરી મેં રદીફ પકડતે હૈં તો કાફિયા તંગ પડ જાતા હૈ. કાફિયે કો ઢીલ દેતે હૈં તો વજન કમ પડ જાતા હૈ. યે વજન મિલતા કહાં હૈ?"

એ સમયે ઉર્દૂ શાયરી અને ગઝલોની સૂક્ષ્મતાથી અજાણ્યા મારા માટે શરાબીનો આ ડાયલૉગ શેર-શાયરી, રદીફ અને કાફિયા જેવા શબ્દો સાંભળવાનો પહેલો પ્રસંગ હતો.

એ 'શરાબી' જ હતી, જેના દ્વારા મેં નાની ઉંમરે જાણ્યું કે રદીફ શું છે અને ગઝલની દરેક પંક્તિના છેડે આવતી એકસરખી વાતને રદીફ કહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન