મહિલાએ ઊભા-ઊભા પ્રસૂતિ કરાવવી જોઈએ કે નહીં, માતા અને બાળક માટે વધુ શું સારું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લ્યૂસી શૅરિફ
- વાંચવાનો સમય: 6 મિનિટ
મહિલાઓ માટે સામાન્યપણે સૂવાની સ્થિતિમાં જન્મ આપવો વધુ ખતરનાક છે, તો પછી આમ શા માટે કરવામાં આવે છે?
તેનું કારણ ફ્રાન્સની એક વ્યક્તિ છે, જેણે નક્કી કર્યું કે, પ્રસૂતિ કરાવનારા પુરુષ ડૉક્ટરો માટે તે સ્થિતિ વધુ સાનુકૂળ છે.
હજ્જારો વર્ષોથી વિશ્વભરની મહિલાઓ સામાન્ય રીતે સીધા (ટટ્ટાર) રહીને જ બાળકને જન્મ આપતી આવી હતી.
પછી તે ક્લિયોપેટ્રાની જેમ ઘૂંટણીયે બેસીને હોય, બર્થિંગ સ્ટૂલ (ખાસ પ્રકારનાં સ્ટૂલ) અને ખુરશીનો ઉપયોગ હોય કે પછી ઉભડક બેસીને હોય.
વાસ્તવમાં ઉભડક બેસવાથી પેડુનો ઘેરાવો ઓછામાં ઓછો 2.5 સેમી (એક ઇંચ) જેટલો વધી શકે છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળની મદદ મળવાથી શિશુને જન્મ આપવાનું સરળ થઈ જાય છે.
તો પછી વર્તમાન સમયમાં શા માટે ઘણી મહિલાઓ સૂઈને બાળકને જન્મ આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં ઍક્ટિવ બર્થ સેન્ટરનાં સ્થાપક તથા પ્રસૂતિ અંગેના માતાના અનુભવને નિયંત્રિત કરવાના પ્રકારો વિશે પુસ્તક લખનારાં લેખિકા જેનેટ બાલાસ્કસ કહે છે, "પ્રસવ પ્રક્રિયાની શારીરિક પ્રક્રિયાઓ વિશે વ્યાવસાયિકો તથા ગર્ભવતી મહિલાઓમાં વ્યાપક સ્તરે અજ્ઞાન પ્રવર્તે છે."
1982માં, બાલાસ્કસે "ઍક્ટિવ બર્થ મેનિફેસ્ટો" પ્રકાશિત કર્યો હતો, જે તેમના સંગઠનનો મુખ્ય સિદ્ધાંત બની ગયો.
તે મેનિફેસ્ટોમાં લખ્યું છે, "હજ્જારો વર્ષોથી સમગ્ર વિશ્વની મહિલાઓ પ્રસવ પીડા સહન કરી રહી છે અને કોઈને કોઈ સ્વરૂપે સીધા કે વાંકા વળવાની સ્થિતિમાં બાળકને જન્મ આપે છે. કોઈપણ વંશ કે સંસ્કૃતિ હોય... સીધી સ્થિતિમાં જ જન્મ આપવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાલાસ્કસ કહે છે કે, ઔદ્યોગિક ક્રાંતિ પછી વિકસિત દેશોમાં પ્રસૂતિ વખતે મોટાભાગની મહિલાઓને સૂવાની સ્થિતિમાં રાખવામાં આવે છે.
આ અંગે તેઓ કહે છે, "આ પ્રથા અતાર્કિક છે અને તેના કારણે પ્રસૂતિ બિનજરૂરી રીતે જટિલ અને ખર્ચાળ બની રહે છે. તેના કારણે આ કુદરતી પ્રક્રિયા તબીબી ઘટનામાં ફેરવાઈ જાય છે અને પ્રસવ પીડામાંથી પસાર થઈ રહેલી મહિલા એક નિષ્ક્રિય દર્દી બની જાય છે."
"બીજી કોઈ પ્રજાતિ આટલા મહત્ત્વના સમયે આવી પ્રતિકૂળ સ્થિતિ અપનાવતી નથી."
અન્ય નિષ્ણાતો પણ આ વાત સાથે સંમત છે.
વાસ્તવમાં સૂતાં-સૂતાં બાળકને જન્મ આપવો એ "પ્રમાણમાં આધુનિક ઘટના છે," એમ ઑસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીનાં મિડવાઇફરી (પ્રસૂતિ વિજ્ઞાન)નાં પ્રોફેસર હૅન્ના ડાહલેને 2013માં ધ કન્વર્ઝેશન માટેના એક અભિપ્રાય લેખમાં લખ્યું હતું.
ગર્ભાવસ્થાને 'બીમારી' ગણવી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં 300થી 400 વર્ષોથી જ મહિલાઓમાં ચત્તા સૂઈને બાળકને જન્મ આપવાનું પ્રમાણ વધ્યું છે. તેનું શ્રેય તેઓ ફ્રાન્કોઈઝ મૌરિસો નામની ફ્રાન્સની વ્યક્તિને આપી શકે છે.
તેમણે દાવો કર્યો હતો કે, સૂવાની સ્થિતિ ગર્ભવતી મહિલાઓ માટે વધુ સાનુકૂળ રહેશે અને તેની સંભાળ લઈ રહેલા પુરુષ તબીબ માટે પણ વધુ સુવિધાજનક રહેશે (તે સમયે દાયણની જગ્યાએ પુરુષ સર્જનોને પ્રસવ ચિકિત્સામાં સામેલ કરવાની ગતિવિધિ ચાલી રહી હતી).
મૌરિસો ગર્ભાવસ્થાને એક બીમારી તરીકે જોતા હતા. મૌરિસે 1668માં લખેલા પુસ્તક ધ ડિસીઝિસ ઑફ વિમેન વિથ ચાઇલ્ડ ઍન્ડ ઇન ચાઇલ્ડ-બેડમાં સલાહ આપી હતીઃ "સૌથી શ્રેષ્ઠ અને સલામત પ્રકાર એ છે કે, પ્રસૂતિ પથારીમાં જ થઈ જાય, જેથી પછીથી પથારીમાં પાછાં લઈ જવાની અગવડતા કે તકલીફ ટાળી શકાય."
જોકે, કેટલાક વિદ્વાનો દલીલ કરે છે કે, જન્મ આપવાની સ્થિતિમાં આ પરિવર્તન ફ્રાન્સની જ અન્ય વ્યક્તિને કારણે આવ્યું હોઈ શકે છે, જે મૌરિસોના સમકાલીન જ હતા - રાજા લૂઈ ચૌદમા.
"લૂઈ ચૌદમાને મહિલાઓને જન્મ આપતી જોવામાં આનંદ મળતો હતો, પણ પ્રસૂતિ બર્થિંગ સ્ટૂલ પર થતી, ત્યારે તેમને સરખું દેખાતું ન હોવાથી તેમણે પલંગ પર સૂઈને પ્રસૂતિ કરવાની નવી પદ્ધતિને ઉત્તેજન આપ્યું હતું," એમ અમેરિકા સ્થિત મૅરીલૅન્ડની મૅકડેનિયલ કૉલેજનાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર લૉરેન ડંડેસે 1987માં જન્મ આપવાની સ્થિતિના વિકાસ પરના તેમના શોધપત્રમાં લખ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
વધુમાં તેમણે ઉમેર્યું હતું, "રાજાની નીતિ કેટલી પ્રભાવશાળી હતી, તે તો જાણી શકાયું નથી, પણ રાજવી પરિવારના વ્યવહારનો જનતા ઉપર અમુક અંશે પ્રભાવ જરૂર પડ્યો હશે."
"વળી, બદલાવ માટેની લૂઈ ચૌદમાની માગણી અને પ્રસૂતિ સમયની સ્થિતિ બદલવાની ઘટના એક જ સમયકાળમાં આકાર પામી હતી અને કદાચ આ પરિવર્તનમાં તેનો પ્રભાવ પડ્યો હોઈ શકે છે."
મહિલાઓ ચત્તી સૂઈને બાળકને જન્મ આપે, તે પ્રથા ચાહે ગમે તે રીતે શરૂ થઈ હોય, પણ તે ચલણ કાયમી થઈ ગયું, જેની પ્રસૂતિના અનુભવ ઉપર ઘણી નકારાત્મક અસર પડી.
બાલાસ્કસ કહે છે, "પ્રસૂતિ હવે સંસ્થાગત થઈ ગઈ છે અને ઘરે પ્રસૂતિ જેવા વિકલ્પો (જે શારીરિક કે કુદરતી પ્રસૂતિ ઇચ્છતી ઘણી મહિલાઓ માટે) વધુ સુવિધાજનક છે, પણ આ પ્રકારની પ્રસૂતિનું પ્રમાણ ઘટી રહ્યું છે."
વિજ્ઞાન દ્વારા સિદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
હજ્જારો વર્ષોથી મહિલાઓ સીધા ઊભા રહેવાની સ્થિતિમાં જ બાળકને જન્મ આપતી હતી, તેનું મુખ્ય કારણ સરળ છેઃ ગુરુત્વાકર્ષણ.
બાળકે જન્મ નળી દ્વારા નીચેની તરફ જવાનું હોય છે અને તે પ્રક્રિયામાં ગુરુત્વાકર્ષણ લાભદાયક છે.
એવું જોવામાં આવ્યું છે કે, મહિલાઓને તેમની સ્થિતિમાં છોડી દેવામાં આવે, તો તેઓ પ્રસૂતિ દરમિયાન સહજપણે જ આગળની તરફ નમે છે - પાછળની તરફ નહીં અને તેઓ ઉભડક બેસે છે, હાથ અને ઘૂંટણના જોરે આગળ નમે છે કે પછી નીચી, મજબૂત વસ્તુનો સહારો લે છે.
2013માં 5,200 કરતાં વધુ મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા 25 અભ્યાસોની સમીક્ષામાં નોંધ્યું હતું કે, જે મહિલાઓ પથારીમાં સૂતાં રહેવાને બદલે સીધી અને ગતિશીલ સ્થિતિમાં જન્મ આપે, તેમના માટેનાં અન્ય મહત્ત્વનાં પરિણામોમાં સિઝેરિયનથી જન્મના પ્રમાણમાં ઘટાડો, પીડામાંથી રાહત માટે ઍપિડ્યૂરલનો ઓછો ઉપયોગ અને તેમનાં બાળકોને નિયોનેટલ યુનિટમાં દાખલ કરવાની શક્યતામાં ઘટાડાનો સમાવેશ થાય છે.
સમીક્ષામાં નોંધવામાં આવ્યું હતું કે, ઊંચું જોખમ ધરાવનારી મહિલાઓ માટે વધુ અભ્યાસો હાથ ધરાય, તે જરૂરી છે - વળી, કેટલાક અભ્યાસોમાં સીધી સ્થિતિમાં પ્રસૂતિના કિસ્સામાં લોહીનો વધુ સ્રાવ થયો હોવાનું જોવા મળ્યું હતું.
સીધી સ્થિતિમાં પ્રસૂતિ કરવાથી પ્રસવ પીડાનો સમય પણ ઘટતો હોવાનું જાણવા મળ્યું હતું.
ડાહલેને 2013માં લખ્યું હતું, "ઊભી સ્થિતિમાં પ્રસૂતિ કરવાથી અને ઊભી સ્થિતિમાં બાળકને જન્મ આપવાથી માતા અને શિશુ, બંનેને ફાયદો થાય છે." તેમણે વધુ કાર્યક્ષમ સંકુચન, માતાને ઓછી પીડા, ચીપિયા, વેક્યૂમ અને ચીરાનો ઓછો ઉપયોગ તથા એરોર્ટા (મુખ્ય ધમની દબાતી ન હોવાને કારણે) ગર્ભાશયમાં બાળકને વધુ સારી રીતે ઑક્સિજન મળવા સહિતના સંખ્યાબંધ ફાયદાની યાદી રજૂ કરી હતી.
2011માં ડાહલેન અને તેમનાં સાથીઓએ પ્રસૂતિ દરમિયાન મહિલાએ અપનાવેલી સ્થિતિ ઉપર બર્થ સેટિંગની અસર થાય છે કે કેમ, તે સમજવા માટે મહિલાઓ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.
તેમણે બે સેટિંગની સરખામણી કરી - એક તો બર્થ સેન્ટર્સ, જ્યાં બૉલ, બર્થ સ્ટૂલ અને બિન બૅગ્ઝ જેવાં સહાયક સાધનો મોજૂદ હતાં, અને બીજા ડિલિવરી વૉર્ડ્ઝ, જ્યાં માત્ર હૉસ્પિટલના મેડિકલ બેડનો જ વિકલ્પ હતો.
તેમણે જોયું કે, ડિલિવરી વૉર્ડની સરખામણીમાં બર્થ સેન્ટરની મહિલાઓ પ્રસૂતિના પ્રથમ અને બીજા તબક્કામાં ઊભી સ્થિતિ અપનાવે, તેવી શક્યતા વધુ હતી - બર્થ સેન્ટર્સમાં 82 ટકા મહિલાઓએ ઊભી સ્થિતિ અપનાવી હતી, જ્યારે ડિલિવરી વોર્ડમાં 25 ટકા મહિલાઓએ આ સ્થિતિ અપનાવી હતી.
બાલાસ્કસ કહે છે, પશ્ચિમી દેશોમાં હવે "ઍક્ટિવ બર્થ"ની સંકલ્પના અંગે જાગૃતિ ફેલાઈ છે - આ અભિગમ પ્રસૂતિ દરમિયાન મુક્તપણે અને સહજ રીતે હલન-ચલન કરવાની માતાની ક્ષમતાને ઉત્તેજન આપે છે.
અને સાથે જ, મશીનો કે મૉનિટર સાથે જોડાયેલાં રહીને ચત્તાં સૂઈ રહેવાને બદલે ટટ્ટાર રહેવાની સ્થિતિ અપનાવવાની સલાહ આપે છે. જોકે, તેઓ કહે છે કે, સિઝેરિયનનો દર ચિંતાજનક હદે વધી રહ્યો છે.
તેઓ ઉમેરે છે, "બ્રિટનમાં સક્રિય જન્મ (ઍક્ટિવ બર્થ)ને લીધે મેટર્નિટી સેવાઓમાં પરિવર્તન આવ્યું છે, જેમકે, દાયણ દ્વારા સંચાલિત બર્થ સેન્ટર્સનો વિકલ્પ." તેઓ નોંધે છે કે, આ કેન્દ્રો સામાન્યપણે હૉસ્પિટલોની અંદર જ આવેલાં હોય છે અને મહિલાઓને હલન-ચલનની સ્વતંત્રતા અને બર્થ પૂલ (પાણીમાં જન્મ આપવા માટેનો પૂલ)ની સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરાયાં હોય છે. 50 વર્ષ પહેલાં આવું નહોતું.
બ્રિટનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હૅલ્થ ઍન્ડ કેર ઍક્સેલન્સ (નાઇસ)ની માર્ગદર્શિકા એવી સલાહ આપે છે કે, પ્રસૂતિ દરમિયાન મહિલાઓને "ચત્તા અથવા તો આંશિક ચત્તા સૂઈ રહેવાની સલાહ ન આપવી જોઈએ અને તેમને આરામદાયક લાગે, તેવી સ્થિતિ અપનાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ."
હંમેશાંની માફક, જ્ઞાન એ શક્તિ છે અને મહિલાઓ તેમની પ્રસૂતિના વિકલ્પો વિશે જેટલી વધુ જાગૃત બનશે, તેટલી જ તેઓ તેમના માટે સાચી પસંદગી કરવા માટે સક્ષમ બનશે.
કૅનેડાની મૅકમાસ્ટર યુનિવર્સિટી ખાતે મિડવાઇફરી ઍજ્યુકેશન પ્રોગ્રામ ચલાવતાં તેમજ જન્મ અંગે ઘણાં પેપર્સ લખનારાં આઇલીન હટને જણાવ્યું હતું, "લોકપ્રિય સાહિત્ય, ટીવી અને ફિલ્મોમાં પ્રસૂતિના ચિત્રણ પર નજર નાખશો, તો તરત સમજાશે કે, પ્રસૂતિની પ્રક્રિયાને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે."
"આ સ્થિતિમાં સાચી માહિતી પૂરી પાડવી મદદરૂપ થઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































