IVFથી હંમેશાં જોડિયાં કે ત્રણ બાળકો જ જન્મે છે? જાણો 12 સવાલોના જવાબ

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઓમકાર કરંબેલકર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 11 મિનિટ

દરેક દંપતીનું સપનું હોય છે માતા-પિતા બનવું, પરંતુ કેટલાંક દંપતીઓ માટે આ સપનું સાકાર કરવું ખૂબ મુશ્કેલ હોય છે.

દુનિયાભરમાં વંધ્યત્વને સ્વાસ્થ્યની એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અનેક દંપતીઓ માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું છે.

આઈવીએફ એક એવી પ્રક્રિયા છે, જેમાં મહિલાના શરીરમાંથી અંડાણુ અને પુરુષના શુક્રાણુ મેળવી પ્રયોગશાળામાં ગર્ભનું પ્રારંભિક સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ તૈયાર થયેલા ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

આઈવીએફને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો અને ગેરસમજો છે. શું આઈવીએફ કરાવવાથી હંમેશાં જોડિયાં કે ત્રણ બાળકો જ જન્મે છે? ઉંમર, મેદસ્વિતા, ધૂમ્રપાન કે તણાવ આઈવીએફની સફળતાને કેટલી અસર કરે છે?

એક આઈવીએફ ચક્રનો ખર્ચ કેટલો છે અને તેની સફળતાની શક્યતાઓ કેટલી હોય છે?

આધુનિક ટેકનૉલૉજીને કારણે આઈવીએફની સફળતાનો દર સતત વધી રહ્યો છે, પરંતુ આ બાબતમાં દરેક દંપતીનો અનુભવ અલગ હોઈ શકે છે.

આ લેખમાં આપણે સંતાનપ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા લોકોના મનમાં ઊઠતા આવા જ અનેક મહત્ત્વના પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીશું.

આઈવીએફ ક્યારે કરાવવું પડે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફ હકીકતમાં કુદરતી ગર્ભધારણથી અલગ હોય છે (પ્રતીકાત્મક તસવીર)

આઈવીએફ સારવાર વિશે વિચારતાં પહેલાં વંધ્યત્વનાં કારણો સમજવાં જરૂરી છે.

કેટલાંક દંપતીઓમાં મહિલાની ફેલોપિયન ટ્યૂબમાં સમસ્યા હોઈ શકે છે, તો કેટલાક કિસ્સાઓમાં ઍન્ડોમેટ્રિયોસિસ અથવા વધતી ઉંમર સંતાન ન થવાનું કારણ હોઈ શકે છે.

બીજી તરફ, કેટલાક કિસ્સાઓમાં પુરુષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા, તેમની ઓછી ગતિશીલતા અથવા નબળી ગુણવત્તા જેવાં કારણો સામે આવે છે.

તેથી આઈવીએફ માત્ર મહિલા સાથે સંકળાયેલી સારવાર નથી, પરંતુ બંને જીવનસાથીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઘણી વાર પુરુષોની તપાસ મોડી કરવામાં આવે છે, જેના કારણે સારવારનો સમયગાળો અને ખર્ચ બંને વધી શકે છે.

આઈવીએફ શું છે અને તે કુદરતી ગર્ભધારણથી કેવી રીતે અલગ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફ ટેકનૉલૉજીમાં પ્રયોગશાળામાં ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર)

કુદરતી ગર્ભધારણમાં મહિલાના અંડાણુ અને પુરુષના શુક્રાણુ મહિલાના શરીરની અંદર સામાન્ય રીતે ફેલોપિયન ટ્યૂબમાં મળે છે.

આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)માં આ પ્રક્રિયા શરીરની બહાર પ્રયોગશાળામાં કરવામાં આવે છે.

મહિલાના અંડાશયમાંથી અંડાણુઓ કાઢવામાં આવે છે. ત્યારબાદ પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં તેમને શુક્રાણુઓ સાથે સંયોજિત કરવામાં આવે છે.

તેમાંથી વિકસિત થયેલા ભ્રૂણને થોડા દિવસો પછી મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

સામાન્ય રીતે એક વર્ષ સુધી નિયમિત પ્રયાસ કરવા છતાં કુદરતી રીતે ગર્ભધારણ ન થાય, અથવા મહિલાની ઉંમર 35 વર્ષથી વધુ હોય અને છ મહિના સુધી પ્રયાસ કરવા છતાં ગર્ભધારણ ન થાય, ત્યારે આઈવીએફ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ ઉપરાંત ફેલોપિયન ટ્યૂબ બંધ હોય, પુરુષમાં ગંભીર પ્રકારનું વંધ્યત્વ હોય, વંધ્યત્વનું કારણ સ્પષ્ટ ન હોય અથવા અન્ય સરળ સારવારો સફળ ન થઈ હોય, તો આઈવીએફ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

કયાં કારણોસર દંપતીને આઈવીએફની જરૂર પડે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આજના સમયમાં સંતાનની ઇચ્છા ધરાવતાં દંપતીઓ માટે આઈવીએફ એક મોટો આધાર છે (પ્રતીકાત્મક તસવીર)

આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. આ વિષય પર નવી મુંબઈના વાશીમાં આવેલી ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના વડા અને નિયામક ડૉ. પ્રશાંત ભામરેએ બીબીસી મરાઠીના પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા હતા.

ડૉ. ભામરેના જણાવ્યા પ્રમાણે, આઈવીએફ સાથે સંકળાયેલા લગભગ એક તૃતીયાંશ કિસ્સાઓમાં કારણ મહિલાઓ સાથે સંબંધિત હોય છે, લગભગ એક તૃતીયાંશ કિસ્સાઓમાં કારણ પુરુષો સાથે સંબંધિત હોય છે, જ્યારે બાકીના કિસ્સાઓમાં બંનેને સમસ્યા હોય છે અથવા વંધ્યત્વનું કારણ સ્પષ્ટ નથી હોતું.

તેમણે આઈવીએફની જરૂર પડવાનાં મુખ્ય કારણો આ પ્રમાણે જણાવ્યાં:

  • અગાઉ થયેલા ચેપ અથવા શસ્ત્રક્રિયાને કારણે ફેલોપિયન ટ્યૂબ બંધ થઈ જવી કે તેને નુકસાન થવું.
  • અંડાણુ બહાર આવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી સમસ્યાઓ.
  • ઍન્ડોમેટ્રિયોસિસ.
  • વધતી ઉંમર સાથે અંડાણુઓની સંખ્યા અથવા ગુણવત્તામાં ઘટાડો થવો.
  • શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી અથવા તેમની ગતિશીલતા ઓછી હોવી.
  • ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ અથવા પોલિપ જેવી સમસ્યાઓ હોવી.
  • તમામ તપાસ કરાવ્યા પછી પણ વંધ્યત્વનું ચોક્કસ કારણ જાણવા ન મળવું.

આઈવીએફની પ્રક્રિયા કેવી હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફના તમામ પ્રારંભિક તબક્કા પૂર્ણ થયા પછી ગર્ભાવસ્થાની તપાસ કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પગલું 1 – અંડાશયને ઉત્તેજિત કરવું

લગભગ 8થી 12 દિવસ સુધી દરરોજ હોર્મોનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે, જેથી સામાન્ય રીતે બનતા એક અંડાણુને બદલે અનેક અંડાણુ વિકસી શકે. અલ્ટ્રાસાઉન્ડ અને લોહીની તપાસ દ્વારા તેમના વિકાસ પર નજર રાખવામાં આવે છે.

પગલું 2 – અંડાણુ કાઢવાં

જ્યારે ફૉલિકલ સંપૂર્ણપણે વિકસિત થઈ જાય, ત્યારે 'ટ્રિગર' ઇન્જેક્શન આપવામાં આવે છે. તેના લગભગ 36 કલાક પછી અલ્ટ્રાસાઉન્ડની મદદથી અને હળવી બેભાન અવસ્થામાં અંડાણુ કાઢવામાં આવે છે. આ ટૂંકી ડે-કેર પ્રક્રિયા હોય છે.

પગલું 3 - ગર્ભાધાન

પ્રયોગશાળામાં અંડાણુ અને શુક્રાણુને સંયોજિત કરવામાં આવે છે. શુક્રાણુની ગુણવત્તાના આધારે પરંપરાગત આઈવીએફ અથવા આઈસીએસઆઈ (એક અંડાણુમાં એક જ શુક્રાણુ દાખલ કરવાની ટેકનૉલૉજી)નો ઉપયોગ કરવામાં આવે છે.

પગલું 4 – ભ્રૂણનો વિકાસ

ફળદ્રુપ અંડાણુઓને 3થી 5 દિવસ સુધી પ્રયોગશાળામાં વિકસાવવામાં આવે છે અને તેમના વિકાસ પર સતત નજર રાખવામાં આવે છે.

પગલું 5 – ભ્રૂણનું પ્રત્યારોપણ

એક ભ્રૂણ (ક્યારેક તબીબી જરૂરિયાત પ્રમાણે બે ભ્રૂણ)ને પાતળી કેથેટરની મદદથી ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય છે અને સામાન્ય રીતે પીડારહિત હોય છે.

પગલું 6 – ગર્ભાવસ્થાની તપાસ

ભ્રૂણના પ્રત્યારોપણના લગભગ બે અઠવાડિયાં પછી લોહીની તપાસ દ્વારા ગર્ભધારણ થયું છે કે નહીં તે જાણી શકાય છે.

શું આઈવીએફથી મહિલા કે બાળકને કોઈ જોખમ અથવા આડઅસર થઈ શકે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, ગર્ભવતી (પ્રતીકાત્મક તસવીર)

આ પ્રશ્નના જવાબમાં ડૉ. પ્રશાંત ભામરેએ કહ્યું, "હોર્મોનની સારવાર દરમિયાન કેટલીક મહિલાઓનું પેટ ફૂલેલું લાગી શકે છે, મનોદશામાં ફેરફાર થઈ શકે છે અથવા ઇન્જેક્શન આપેલી જગ્યાએ થોડી તકલીફ થઈ શકે છે."

"આ સામાન્ય અને કામચલાઉ આડઅસરો છે. કેટલીક મહિલાઓને ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ (ઓએચએસએસ) થઈ શકે છે, પરંતુ તેના પર નજર રાખવામાં આવે છે અને તેની સારવાર પણ કરવામાં આવે છે."

તેમણે વધુમાં કહ્યું, "બાળકની વાત કરીએ તો અત્યાર સુધી થયેલાં મોટાં સંશોધનો દર્શાવે છે કે આઈવીએફથી જન્મતાં મોટા ભાગનાં બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે. જોકે કુદરતી ગર્ભધારણની સરખામણીએ સમય પહેલાં બાળકનો જન્મ થવાનું અથવા જન્મ સમયે તેનું વજન ઓછું હોવાનું જોખમ થોડું વધી શકે છે."

"પરંતુ આ જોખમ મુખ્યત્વે વંધ્યત્વનાં મૂળ કારણો અને એક કરતાં વધુ ભ્રૂણ ધરાવતી ગર્ભાવસ્થા સાથે સંકળાયેલાં હોય છે, આઈવીએફની પ્રક્રિયા સાથે નહીં. સારવાર શરૂ કરતાં પહેલાં દંપતીને આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે."

આઈવીએફની સફળતાનો દર કેટલો છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફની સફળતા અનેક બાબતો પર આધાર રાખે છે (પ્રતીકાત્મક છબી)

ડૉ. પ્રશાંત ભામરેના જણાવ્યા પ્રમાણે, આઈવીએફની સફળતાનો દર દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે. એવો કોઈ એક આંકડો નથી, જે દરેકને એકસરખી રીતે લાગુ પડતો હોય.

આઈવીએફની સફળતા આ બાબતો પર આધાર રાખે છે:

• મહિલાની ઉંમર (આ સૌથી મહત્ત્વનું પરિબળ છે. 35 વર્ષની ઉંમર પછી અને ખાસ કરીને 40 વર્ષ પછી સફળતાની શક્યતા ઘટવા લાગે છે.)

• અંડાશયની ક્ષમતા.

• શુક્રાણુઓની ગુણવત્તા.

• ગર્ભાશય અને હોર્મોનનું સ્વાસ્થ્ય.

• ભ્રૂણની ગુણવત્તા.

• વંધ્યત્વનું મૂળ કારણ.

શું ગર્ભધારણમાં વિલંબ કરવાથી આઈવીએફની શક્યતા વધી જાય છે?

વધતી ઉંમર સાથે પ્રજનનક્ષમતા સંબંધિત સારવારની જરૂરિયાત વધી શકે છે, પરંતુ આ સવાલનો જવાબ એટલો સીધો નથી.

પહેલાંની સરખામણીએ આજે ઘણા લોકો જીવનમાં મોડાં માતા-પિતા બનવાનો નિર્ણય લઈ રહ્યા છે.

તેનાં અનેક કારણો છે. અભ્યાસ પૂરો કરવામાં સમય લાગે છે, કારકિર્દી ઘડવામાં સમય લાગે છે અને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં પણ સમય લાગે છે.

આ ઉપરાંત આર્થિક અને ભાવનાત્મક રીતે તૈયાર હોવું પણ જરૂરી છે.

આવી સ્થિતિમાં ત્રીસીના મધ્ય સુધી .પહોંચતાં-પહોંચતાં ઘણી વાર લોકોના મનમાં એક પ્રશ્ન થવા લાગે છે: "શું મેં બહુ મોડું કરી નાખ્યું છે? શું હવે મારે આઈવીએફની જરૂર પડશે?"

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, લોકોને મનમાં ઘણી વાર પ્રશ્ન થાય છે કે શું ગર્ભધારણમાં વિલંબ કરવાથી આઈવીએફની જરૂર પડવાની શક્યતા વધી જાય છે? (પ્રતીકાત્મક તસવીર)

આ પ્રશ્નનો જવાબ મુંબઈની જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના આસિસ્ટેડ રિપ્રોડક્શન ઍન્ડ જસલોક ફર્ટિલિટી વિભાગનાં નિયામક ડૉ. ફિરોઝા પરીખે આપ્યો.

ડૉ. પરીખ કહે છે, "આ સવાલનો ટૂંકો જવાબ એ છે કે ગર્ભધારણમાં વિલંબ કરવાથી વંધ્યત્વની સારવાર અને ખાસ કરીને આઈવીએફની જરૂર પડવાની શક્યતા વધી શકે છે."

તેઓ કહે છે, "પરંતુ એવું નથી કે 35 વર્ષની ઉંમર થતાંની સાથે જ પ્રજનનક્ષમતા અચાનક ખતમ થઈ જાય છે. તેમાં ધીમે-ધીમે ફેરફાર થાય છે, જે દરેક વ્યક્તિમાં અલગ હોય છે. અને તે સમગ્ર પ્રજનનક્ષમતાનો માત્ર એક ભાગ છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી પ્રજનનક્ષમતા ઘટવા લાગે છે. (પ્રતીકાત્મક તસવીર)

તેમણે વધુમાં કહ્યું, "સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી પ્રજનનક્ષમતા ઘટવા લાગે છે. લગભગ 34 વર્ષની ઉંમરે આ ફેરફાર વધુ સ્પષ્ટ દેખાય છે અને 40 વર્ષ પછી તેમાં ઝડપથી ઘટાડો થાય છે. જોકે 34 વર્ષ એવી કોઈ ચોક્કસ મર્યાદા નથી, જેને પાર કરતાં અચાનક બધું બદલાઈ જાય."

"36 વર્ષની એક સ્વસ્થ મહિલા થોડા મહિનામાં કુદરતી રીતે ગર્ભવતી થઈ શકે છે. જ્યારે તેનાથી નાની ઉંમરની મહિલાને ફેલોપિયન ટ્યૂબમાં અવરોધ, એન્ડોમેટ્રિયોસિસ, અંડોત્સર્જન સંબંધિત સમસ્યાઓ અથવા પુરુષને લગતાં કારણોને લીધે ગર્ભધારણમાં મુશ્કેલી પડી શકે છે."

ગર્ભાવસ્થા દરમિયાન પણ ઉંમર મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

માતાની વધતી ઉંમર સાથે હાઈ બ્લડ પ્રેશર, સગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ અને કેટલીક અન્ય જટિલતાઓનું જોખમ વધી જાય છે.

જોકે તેનો અર્થ એવો નથી કે સ્વસ્થ ગર્ભાવસ્થા શક્ય નથી. તેનો અર્થ માત્ર એટલો જ છે કે ગર્ભધારણ પહેલાં યોગ્ય આયોજન કરવું અને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી કાળજી રાખવી વધુ જરૂરી બની જાય છે.

શું મોડેથી ગર્ભધારણ કરવાનો અર્થ આઈવીએફ કરાવવું જ પડે એવો થાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,

આ પ્રશ્નના જવાબમાં ડૉ. ફિરોઝા પરીખ કહે છે, "ના. મોડેથી ગર્ભધારણનું આયોજન કરતી ઘણી મહિલાઓ કુદરતી રીતે ગર્ભવતી થઈ જાય છે અને તેમને ક્યારેય આઈવીએફની જરૂર પડતી નથી."

"કેટલાક કિસ્સાઓમાં યોગ્ય સમયે શારીરિક સંબંધ બાંધવા, થાઇરૉઇડ અથવા અંડોત્સર્જનને લગતી સમસ્યાઓની સારવાર કરાવવા કે પસંદગીના કેટલાક કિસ્સાઓમાં ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન એટલે (આઈયુઆઈ) જેવી સરળ તબીબી સહાય મેળવવી જ પૂરતી હોય છે."

તેમણે કહ્યું, "આઈવીએફની સલાહ ત્યારે જ આપવામાં આવે છે, જ્યારે તે કોઈ ચોક્કસ સમસ્યાનો સૌથી યોગ્ય ઉપાય હોય અથવા અન્ય સરળ સારવારથી સફળતા મળવાની શક્યતા ઘણી ઓછી હોય."

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, કેટલાક કિસ્સાઓમાં આઈવીએફનાં એક કરતાં વધુ ચક્રો કરાવવાં પડી શકે છે (પ્રતીકાત્મક તસવીર)

ડૉ. પરીખે એક મહત્ત્વની વાત જણાવતાં કહ્યું, "આઈવીએફ અસરકારક જરૂર છે, પરંતુ એ કોઈ 'ટાઇમ મશીન' નથી. જરૂર પડશે ત્યારે પાછળથી આઈવીએફ કરાવી લઈશું, તેથી ગર્ભધારણને ગમે તેટલા લાંબા સમય સુધી ટાળી શકાય એવું માનવું યોગ્ય નથી."

ડૉ. પરીખના જણાવ્યા પ્રમાણે, "આઈવીએફે પ્રજનન ચિકિત્સાના ક્ષેત્રમાં ક્રાંતિ જરૂર લાવી છે, પરંતુ તેની સફળતા આજે પણ ઘણી હદ સુધી મહિલાનાં અંડાણુઓની ઉંમર અને ગુણવત્તા પર આધાર રાખે છે."

ઉંમર વધવાની સાથે અંડાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમનું સફળતાપૂર્વક ફલન થવાની શક્યતા પણ ઓછી થતી જાય છે.

ઉપયોગમાં લઈ શકાય તેવાં ભ્રૂણ ઓછાં બને છે અને રંગસૂત્રને લગતી અસામાન્યતાઓનું જોખમ વધી જાય છે.

આવી સ્થિતિમાં કેટલાક દર્દીઓને આઈવીએફનાં એક કરતાં વધુ ચક્ર કરાવવાં પડી શકે છે, જ્યારે કેટલાકને છેવટે દાતાના અંડાણુનો વિકલ્પ અપનાવવો પડી શકે છે.

શું વંધ્યત્વ માત્ર મહિલાઓની જ સમસ્યા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, સંતાન ન થવા પાછળ પુરુષોને લગતી સમસ્યાઓ પણ જવાબદાર હોઈ શકે છે (પ્રતીકાત્મક તસવીર)

એ એક મોટી ગેરસમજ છે કે વંધ્યત્વ માત્ર મહિલાઓ સાથે સંકળાયેલી સમસ્યા છે.

વાસ્તવમાં મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષોને લગતાં કારણો પણ એટલાં જ જવાબદાર હોય છે. તેથી પ્રજનનક્ષમતાનું મૂલ્યાંકન કરતી વખતે બંને જીવનસાથીની તપાસ કરવી અત્યંત જરૂરી છે.

થાણેની કિમ્સ હૉસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગનાં વડા ડૉ. વિદ્યા શેટ્ટી કહે છે, "પુરુષોની પ્રજનનક્ષમતા પણ એટલી જ મહત્ત્વની છે. વંધ્યત્વના લગભગ અડધા કિસ્સાઓમાં માત્ર પુરુષોને લગતાં કારણો અથવા બંને જીવનસાથી સાથે સંકળાયેલાં કારણો સામે આવે છે."

તેમણે વધુમાં કહ્યું, "તેથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે ત્યારે સૌપ્રથમ વીર્યની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. જો તપાસમાં કોઈ સમસ્યા સામે આવે અથવા અંડકોષની શસ્ત્રક્રિયા, ચેપ, અંડકોષનું નીચે ન ઊતરવું, કીમોથેરપી કે શારીરિક સંબંધોને લગતી સમસ્યાઓનો ભૂતકાળ રહ્યો હોય, તો આગળની તપાસ વહેલી તકે કરાવવી જોઈએ."

"માત્ર મહિલાની તપાસ કરવાને બદલે બંને જીવનસાથીનું એકસાથે મૂલ્યાંકન કરવામાં આવે તો સારવાર વધુ અસરકારક બને છે."

શું આઈવીએફથી જોડિયાં કે ત્રણ બાળકો જન્મે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આધુનિક ટેકનૉલૉજીને કારણે હાલના સમયમાં આઈવીએફ દ્વારા જોડિયાં કે ત્રણ બાળકો જન્મવાના કિસ્સાઓમાં ઘટાડો થયો છે (પ્રતીકાત્મક તસવીર)

એ સૌથી મોટી ગેરસમજ છે કે આઈવીએફ કરાવવાથી હંમેશાં જોડિયાં કે ત્રણ બાળકો જ જન્મે છે.

ડૉ. વિદ્યા શેટ્ટી કહે છે, "પહેલાં ગર્ભધારણની શક્યતા વધારવા માટે ગર્ભાશયમાં એક કરતાં વધુ ભ્રૂણ પ્રત્યારોપિત કરવામાં આવતાં હતાં. પરંતુ હવે ભ્રૂણની પસંદગી માટેની આધુનિક ટેકનૉલૉજીની મદદથી ઘણા દર્દીઓમાં સફળતાની શક્યતા ઘટાડ્યા વિના માત્ર એક સ્વસ્થ ભ્રૂણનું પ્રત્યારોપણ કરવું શક્ય બન્યું છે."

તેમણે કહ્યું, "તેના કારણે જોડિયાં કે ત્રણ બાળકો ધરાવતી ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે."

આઈવીએફ માટે જીવનશૈલી કેવી હોવી જોઈએ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફ માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ ઘણા લોકો માટે એ એક ભાવનાત્મક સફર પણ હોય છે (પ્રતીકાત્મક તસવીર)

ડૉ. વિદ્યા શેટ્ટીના મતે, આઈવીએફ માટેની તૈયારી સારવાર શરૂ થાય એ પહેલાંથી જ શરૂ કરી દેવી જોઈએ.

તેમણે કહ્યું, "બંને જીવનસાથીએ પોતાનું વજન સ્વસ્થ મર્યાદામાં જાળવવું જોઈએ, સંતુલિત આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ, દારૂનું સેવન મર્યાદિત રાખવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ."

તેમણે વધુમાં કહ્યું, "જો ડાયાબિટીસ, થાઇરૉઇડની સમસ્યા કે હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હોય તો સારવાર શરૂ કરતાં પહેલાં તેમને નિયંત્રણમાં લાવવી જરૂરી છે. ડૉક્ટરે સૂચવેલી દવાઓ સમયસર લેવી તેમજ નક્કી કરેલી તમામ તપાસ અને ફૉલો-અપ પૂરાં કરવાં પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે."

આઈવીએફ માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ ઘણા લોકો માટે એ એક ભાવનાત્મક યાત્રા પણ હોય છે.

આ સારવાર દરમિયાન હોર્મોનનાં ઇન્જેક્શન, વારંવાર સ્કેન, વિવિધ તબીબી પ્રક્રિયાઓ અને લાંબી પ્રતીક્ષાનો સામનો કરવો પડે છે. તેથી તણાવ અનુભવવો સ્વાભાવિક છે. આ દરમિયાન દંપતી આશા, ચિંતા અને નિરાશા જેવી અનેક લાગણીઓમાંથી પસાર થઈ શકે છે.

શારીરિક તૈયારી જેટલી જરૂરી છે, એટલી જ મહત્ત્વપૂર્ણ માનસિક તૈયારી પણ છે. વાસ્તવિક અપેક્ષાઓ રાખવી, એકબીજા સાથે ખુલ્લા મને વાત કરવી, કોઈ પણ શંકા હોય તો ડૉક્ટરની સલાહ લેવી અને જરૂર જણાય ત્યારે પરામર્શ મેળવવો આ સમગ્ર સફરને સરળ બનાવી શકે છે.

ભારતમાં આઈવીએફનો ખર્ચ કેટલો થાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, આઈવીએફ કરાવવામાં કેટલો ખર્ચ થશે એ અનેક બાબતો પર આધાર રાખે છે

આઈવીએફ કરાવવામાં કેટલો ખર્ચ થશે એ અનેક બાબતો પર આધાર રાખે છે.

આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આઈવીએફ શરૂ કરતાં પહેલાં દંપતીને તેના સંભવિત ખર્ચ અને સારવાર દરમિયાન થનારા વધારાના ખર્ચ વિશે જાણકારી હોવી જરૂરી છે.

ડૉ. વિદ્યા શેટ્ટી કહે છે, "ભારતમાં આઈવીએફના એક ચક્રનો સરેરાશ ખર્ચ દોઢ લાખથી અઢી લાખ રૂપિયા સુધીનો હોય છે. સારવાર કેન્દ્ર અને દરેક વ્યક્તિના ચોક્કસ કેસ પ્રમાણે આ ખર્ચ અલગ-અલગ હોઈ શકે છે."

"આ ઉપરાંત પ્રજનનક્ષમતા વધારતી દવાઓ, આઈસીએસઆઈ જેવી પ્રક્રિયાઓ, ભ્રૂણને ફ્રીઝ કરવા, તેના સંગ્રહની ફી અને કેટલાક કિસ્સાઓમાં આનુવંશિક તપાસ માટે પણ વધારાનો ખર્ચ થઈ શકે છે."

તેઓ કહે છે, "કેટલાંક દંપતીઓને આઈવીએફનાં એક કરતાં વધુ ચક્રની જરૂર પડી શકે છે. તેથી સારવાર શરૂ કરતાં પહેલાં સંભવિત ખર્ચ અને વધારાની સંભવિત પ્રક્રિયાઓ વિશે પોતાના ડૉક્ટર સાથે વિગતવાર ચર્ચા કરવી જરૂરી છે."

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈવીએફની સારવારને દર્દીની વ્યક્તિગત જરૂરિયાતો પ્રમાણે વધુ અનુકૂળ બનાવવામાં આવી રહી છે.

ભ્રૂણના સંવર્ધનની અદ્યતન ટેકનૉલૉજી, બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર, વિટ્રિફિકેશન જેવી ભ્રૂણને ફ્રીઝ કરવાની આધુનિક પદ્ધતિઓ અને અત્યાધુનિક પ્રયોગશાળાની સુવિધાઓને કારણે ગર્ભધારણની સફળતાના દરમાં સુધારો થયો છે.

પસંદગીના કેટલાક દર્દીઓમાં પ્રી-ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ (પીજીટી) દ્વારા ભ્રૂણમાં રહેલી કેટલીક આનુવંશિક ખામીઓને અગાઉથી ઓળખી શકાય છે.

ટેકનૉલૉજીના આ વિકાસને કારણે હવે દરેક દંપતીની જરૂરિયાત અનુસાર સારવારનું આયોજન કરવું શક્ય બન્યું છે.

જીવનશૈલીમાં કોઈ મહત્ત્વનો ફેરફાર કરવાનો હોય, આહારમાં બદલાવ કરવાનો હોય, દવાઓ શરૂ કરવાની હોય કે નિયમિત કસરત કરવાની હોય તો આ બધું ડૉક્ટર અને યોગ્ય લાયકાત ધરાવતા પ્રશિક્ષકોની સલાહથી જ કરવું જોઈએ.

પોતાના શરીર અને તેને લગતાં લક્ષણોની ડૉક્ટર પાસે યોગ્ય તપાસ કરાવીને તેમની સલાહ પ્રમાણે જ જીવનશૈલીમાં ફેરફાર કરવો યોગ્ય છે.

ડૉક્ટરની સલાહ વિના પોતાની રીતે સારવાર કરવાનું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન