ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું પડ્યું, ક્યાં ભયંકર આંધી-તોફાન આવવાની શક્યતા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન સમાચાર, હવામાન, ચોમાસું, ગુજરાતમાં ચોમાસાનું આગમન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત સહિત દેશભરમાં હાલ ચોમાસાની રાહ જોવાઈ રહી છે અને ચોમાસું હજી કેરળ સુધી પહોંચ્યું નથી.

28 મેના રોજ ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા પૂર્વાનુમાન અનુસાર ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે. ચોમાસું 27 મેના રોજ આગળ વધ્યું હતું પરંતુ ત્યાર બાદ 28 મેના રોજ તેમાં કોઈ પ્રગતિ થઈ નથી.

નોંધનીય છે કે ભારતમાં કેરળમાં ચોમાસાના આગમનને દેશમાં ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ બેસે છે.

જોકે, આ વખત ભારતના હવામાન વિભાગે કેરળમાં ચોમાસું 26 મેની આસપાસ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી હતી, જોકે, તેમાં ચાર દિવસ જેટલી ત્રુટી પણ રખાઈ હતી.

હવે હવામાન વિભાગે તેના બુલેટિનમાં ચોમાસાની આગેકૂચ અંગે લેટેસ્ટ માહિતી આપી છે.

ભારત તરફ આવતું ચોમાસું ક્યાં પહોંચ્યું, ગુજરાતમાં મોડું પહોંચશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન સમાચાર, હવામાન, ચોમાસું, ગુજરાતમાં ચોમાસાનું આગમન

ઇમેજ સ્રોત, IMD

ભારતના હવામાન વિભાગે 28 મેના રોજ જાહેર કરેલા બુલેટિન મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ચોમાસું અરબી સમુદ્રના વધારે કેટલાક ભાગો, લક્ષદ્વીપના કેટલાક વધારે વિસ્તારો તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગામી 2-3 દિવસમાં આગળ વધે તે માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે પરંતુ કેરળમાં ક્યારે પહોંચશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

સ્કાયમેટના જી. પી. શર્માના જણાવ્યા પ્રમાણે ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત તેની શરૂઆત પણ હજી થોડી મોડી થાય તેવી શક્યતા છે.

ચોમાસું કેરળમાં શરૂ થાય તે માટે કેટલાક ચોક્કસ માપદંડ છે અને તે માપદંડો પૂરા થાય તે બાદ જ ચોમાસાના આગમાનની જાહેરાત કરવામાં આવે છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું 1 જૂનની આસપાસ અથવા તે બાદ કેરળ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ જો સ્થિતિ સારી રહી તો ચોમાસું જલદી પ્રગતિ કરશે. જો હવામાનનાં પરિબળો અનુકૂળ નહીં હોય તો ગુજરાત સુધી પહોંચવામાં સમય લાગે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે 28 મેના રોજ બપોરના 12 વાગ્યાના પોતાના ગુજરાત માટેના બુલેટિનમાં આગળ લખ્યું છે કે ઉત્તર પાકિસ્તાન અને તેની આપસાના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમી ઉપર અપર ઍર સાયક્લૉનિક સર્કુલેશનરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જળવાયેલું છે.

પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમી હવાઓ જળવાયેલી છે.

ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન સમાચાર, હવામાન, ચોમાસું, ગુજરાતમાં ચોમાસાનું આગમન

ઇમેજ સ્રોત, Getty Images

આગામી દિવસોમાં ગુજરાતમાં હવે ચોમાસું પહોંચે એ પહેલાં જ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં પૂર્વ રાજસ્થાન પર એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાતને થશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 મેથી 3 જૂન સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાન સાથે વરસાદ થશે.

આ દિવસો દરમિયાન રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગુજરાતમાં હજી ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જશે. જોકે, આ વરસાદ રાજસ્થાન પર બનનારી સિસ્ટમને કારણે પડશે.

આ વરસાદનો રાઉન્ડ પૂરો થાય અથવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થોડો ચાલુ હોય ત્યારે કદાચ ચોમાસું પહોંચે એવી શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં ફૂંકાશે તોફાની પવન, ક્યાં પડશે ભારે વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન સમાચાર, હવામાન, ચોમાસું, ગુજરાતમાં ચોમાસાનું આગમન

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

30 મે માટે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટેનો ઍલર્ટ જાહેર કર્યો છે, જે પ્રમાણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

31 મેની આગાહી મુજબ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લા માટે વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

તેમજ આ જ દિવસ માટે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

1 જૂનના રોજ દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ મેઘગર્જના, વીજળી સહિત 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં વિભાગે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.

આ ઉપરાંત વિભાગે દાહોદ, મહીસાગર, અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ માટેની ચેતવણી પણ જાહેર કરી છે, જે માટે યેલો ઍલર્ટ જાહેર કરાયો છે.

2 જૂન માટેની આગાહી મુજબ બનસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદનાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી છે.

આ ઉપરાંત આ જ દિવસે છોટા ઉદેપુર અને બોટાદનાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જે માટે યેલો ઍલર્ટ પણ જાહેર કરાયો છે.

3 જૂનની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન