'હું હવે ખૂલીને રમીશ...' કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી રેકૉર્ડ બનાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી વનડેમાં આઠ વિકેટે આસાન જીત મેળવી છે.
કેરળના તિરુવનંતપુરમમાં રમાયેલી આ મૅચમાં ભારતે 50 બૉલ બાકી રહેતાં જ વેસ્ટ ઇન્ડીઝે આપેલો 296 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
મૅચમાં ભારત તરફથી કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી બંનેએ શાનદાર સદી ફટકારી હતી.
શુભમન ગિલે 110 રન અને વિરાટ કોહલીએ 139 રન ફટકાર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝે શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી અને જસ્ટિન ગ્રીવ્ઝે પણ સદી ફટકારી હતી.
આ મૅચમાં વિરાટ કોહલીએ પણ અનેક રેકૉર્ડ્ઝ સ્થાપિત કર્યા હતા.
કુલદીપ યાદવે કરી કમાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે આ વનડેમાં ટૉસ જીતીને બૉલિંગ લીધી હતી. જોકે, વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી હતી.
જૉન કૅમ્પબેલ અને જસ્ટીન ગ્રીવ્ઝની જોડીએ 135 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસ્ટીન ગ્રીવ્ઝે 108 બૉલમાં 101 રન બનાવ્યા હતા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતના પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રારે 10 ઓવરો 60-60 રન આપ્યા હતા.
જોકે, કુલદીપ યાદવે ઓપનિંગ જોડી તોડી હતી અને મૅચમાં કુલ ચાર વિકોટ ઝડપી હતી.
તેમની બૉલિંગને કારણે વેસ્ટ ઇન્ડીઝનો રનરેટ ઘટ્યો હતો અને મૅચ પર ભારતનું નિયંત્રણ વધ્યું હતું.
કુલદીપ યાદવે 12મી વખત વનડેમાં ચાર વિકેટ લીધી હતી. 10 ઓવરોમાં તેમણે માત્ર 40 રન આપ્યા હતા અને પ્લૅયર ઑફ ધ મૅચ બન્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝની ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં સાત વિકેટે 295 રન બનાવી શકી હતી.
ગિલ અને કોહલીની ધમાલ

ઇમેજ સ્રોત, Getty Images
296 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતની ટીમને રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ સારી શરૂઆત અપાવી હતી.
રોહિત શર્મા 32 રન બનાવીને આઉટ થયા હતા. એ પછી શુભમન અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી.
શુભમન ગિલે તેમની કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. તેમણે 67મી ઇનિંગમાં જ આ સફળતા હાંસલ કરી છે.
કોહલીએ પણ દબાણ વિના સામે છેડે જબરદસ્ત બેટિંગ કરી હતી અને 88 બૉલમાં 139 રન ફટકાર્યા હતા.
ભારતે આસાનીથી તેમના કારણે 42મી ઓવરમાં જ મૅચ જીતી લીધી હતી.
મૅચ પછી શુભમન ગિલે કહ્યું હતું કે, "જ્યારે તમે તેમના જેવા ખેલાડી સાથે રમો છો ત્યારે ભાગીદારી બનાવવી એટલી મુશ્કેલ નથી."
વિરાટ કોહલીએ બનાવ્યા અનેક રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ અને ટી20માંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ વનડેમાં તેમનો રેકૉર્ડ્ઝ બનાવવાનો સિલસિલો ચાલુ છે.
કોહલીએ આ મૅચમાં તેમની 55મી વનડે સદી નોંધાવી હતી.
તેમણે આ સાથે જ વનડેમાં 15000 રન પૂરા કર્યા છે અને તેઓ આમ કરનાર સચીન તેંડુલકર પછી બીજા ખેલાડી બન્યા છે.
કોહલીએ સૌથી ઝડપી 15000 રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. તેમણે માત્ર 303 ઇનિંગ્સમાં આ રેકૉર્ડ બનાવ્યો છે.
તેમણે એક દેશનાં મેદાનોમાં વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો સચીન તેંડુલકરનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. તેમણે ભારતમાં 128 ઇનિંગ્સમાં 7006 રન બનાવ્યા છે જ્યારે સચીને 160 ઇનિંગ્સમાં 6976 રન બનાવ્યા હતા.
કોહલીએ એક દેશમાં સૌથી વધુ સદી ફટકારવાના સચીનના રેકૉર્ડની પણ બરાબરી કરી છે. તેમણે ભારતની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 42 સદી ફટકારી છે.
કોઈ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવામાં પણ કોહલી વનડેમાં પહેલા નંબરે છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે 10-10 સદી ફટકારી છે.
કોહલીએ આ મૅચમાં તેમની સ્ટાઇલથી થોડા વિપરીત જઈને વધુ છગ્ગા ફટકાર્યા હતા.
તેમણે આ વનડેમાં નવ છગ્ગા ફટકાર્યા હતા, જે તેમણે કારકિર્દીમાં કોઈ એક વનડે મૅચમાં ફટકારેલા સૌથી વધુ છગ્ગા છે.
અહીં ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી પહેલાં જ કોહલીએ કહ્યું હતું કે તેમણે ખુદને વાયદો કર્યો છે કે તેઓ વધુ ખૂલીને રમશે અને લોકોને શું આશા છે તેની ચિંતા નહીં કરે.
શુભમન ગિલે પણ મૅચ પછી કહ્યું હતું કે, "તેઓ અદ્ભુત બેટિંગ કરી રહ્યા છે અને હવે તેઓ રમતને વધુ માણી રહ્યા હોય એવું લાગે છે. સ્વતંત્રતાથી રમી રહ્યા છે અને રમતનો આનંદ લઈ રહ્યા છે. મને લાગે છે કે આ તેમની બેટિંગની અસર છે. જ્યારે તેઓ રમે છે ત્યારે મૅચ જીતીને લાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























