પ્રયાગરાજમાં મળ્યા એ ચિહ્નો શું સરસ્વતી નદીનાં છે, સંશોધકોએ શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ નજીક ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો જ્યાં સંગમ થાય છે, તે ત્રિવેણી સંગમ વિશે વર્ષોથી અનેકવિધ માન્યતાઓ પ્રચલિત છે.

ગંગા અને યમુના નદીઓ ત્યાં જોઈ શકાય છે, પણ સરસ્વતી નદી ત્યાં દેખાતી નથી. ઘણા લોકો એવું માને છે કે, સરસ્વતી નદી જમીનની અંદર વહે છે.

જોકે, હૈદરાબાદ સ્થિત નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)એ દાવો કર્યો છે કે અમુક હજાર વર્ષો પૂર્વે ગંગા અને યમુના નદીઓની વચ્ચે વહેનારી અને હવે અસ્તિત્વ ન ધરાવતી નદીની ઓળખ કરી લીધી છે.

વિજ્ઞાનીઓએ આ 'પ્રાચીન' નદી પ્રયાગરાજ પાસેથી શોધી કાઢી છે.

એનજીઆરઆઈના વિજ્ઞાની સુભાષ ચંદ્રએ બીબીસીને જણાવ્યું હતું, "અમારું માનવું છે કે, તે નદી આશરે દસ હજાર વર્ષો પૂર્વે વહેતી હશે. આ અંગે હજુ પૂર્ણ અભ્યાસ કરવાની જરૂર છે."

200 કિલોમીટર લાંબા નદીના પ્રવાહનાં ચિહ્નો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Subhashchandra/NGRI

એનજીઆરઆઈએ નદીના પ્રવાહની પેટર્નની ઓળખ કરવા માટે બે તબક્કામાં સરવે હાથ ધર્યો હતો.

પ્રથમ તબક્કામાં તેમણે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ (કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ)ની મદદથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમથી 1200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સરવે હાથ ધર્યો હતો.

આ નદીના 14 કિલોમીટરના ભાગમાં એક 'પ્રાચીન' નદીનાં ચિહ્નો જોવા મળ્યાં છે.

તે પછી એનજીઆરઆઈ પાસેથી મળેલા ભંડોળની મદદથી નદીના 14 કિલોમીટરથી 45 કિલોમીટર સુધીના પ્રવાહ પર સંશોધન કરવામાં આવ્યું હતું.

તે પછી બીજા તબક્કામાં નૅશનલ મિશન ફૉર ક્લીન ગંગા (નમામિ ગંગે) પ્રોજેક્ટે 45 કિલોમીટરથી 200 કિલોમીટર સુધીના નદીના માર્ગોની ઓળખ કરવા માટે નાણાંકીય સહાય પૂરી પાડી હતી.

સુભાષ ચંદ્રએ જણાવ્યું હતું, "અમે બે તબક્કામાં સરવે હાથ ધર્યો હતો - પ્રયાગરાજથી કૌશાંબી સુધી અને કૌશાંબીથી કાનપુર સુધી."

"પહેલો સરવે 2018માં કરવામાં આવ્યો હતો અને તે પછી અમે 2021માં નમામિ ગંગે પ્રોજેક્ટની મદદથી ફરી વખત સરવે હાથ ધર્યો હતો."

પ્રારંભિક સરવેમાં ઓળખ કરાયેલો 45 કિલોમીટર લાંબો 'નદી પ્રવાહ'નો માર્ગ 2021માં પ્રકાશમાં આવ્યો હતો અને તાજેતરના સરવેમાં એમ જાણવા મળ્યું હતું કે, નદી ત્યાંથી 200 કિલોમીટર સુધી વહે છે.

સુભાષ ચંદ્રએ જણાવ્યું હતું કે, આ અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યો છે.

શું તે સરસ્વતી નદી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Subhashchandra/NGRI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે, સરસ્વતી નદી સૌથી પવિત્ર છે. ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે.

સરસ્વતી નદી અત્યારે ભારતમાં ક્યાંયે જોવા મળતી નથી. તે નદી શા માટે દેખાતી નથી? બીબીસીએ અગાઉ તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પરનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

જોકે, એનજીઆરઆઈ દ્વારા ઓળખ કરવામાં આવેલો 'પ્રાચીન' નદી પ્રવાહ હવે ગંગા અને યમુના નદીઓના મધ્ય ભાગમાં જોવા મળે છે.

સુભાષ ચંદ્રએ બીબીસીને વર્ણવ્યું હતું કે, આ નદીના સગડ પ્રયાગરાજથી લઈને કાનપુર સુધીના ઉપરના પ્રદેશોમાં 200 કિલોમીટર સુધી મળી આવ્યા છે.

તેમણે કહ્યું હતું, "આ પ્રાચીન નદી ગંગા અને યમુના નદીની માફક વળાંકો લઈને વહેતી હતી. ઉદાહરણ તરીકે, ફતેહપુર નજીક ગંગા અને યમુના નદીઓનો પ્રવાહ એકદમ વળાંક લે છે. ત્યાં આ પ્રાચીન નદીનો પ્રવાહ પણ વળાંક લેતો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે."

વિજ્ઞાનીઓએ પૃથ્વીની સપાટીથી 10થી 15 મીટરની ઊંડાઈ પર તેનાં ચિહ્નોની ઓળખ કરી છે.

જોકે, તે નદી સરસ્વતી હતી કે કેમ, તેની સુભાષ ચંદ્રએ પુષ્ટિ કરી ન હતી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "અમે તેને પ્રાચીન નદી કહીએ છીએ. તે સરસ્વતી નદી જ છે કે કેમ, તેના અભ્યાસો કરવાના હજી બાકી છે. અમે અત્યારે તે એ વિગતોમાં નહીં પડીએ."

એનજીઆરઆઈ દ્વારા જારી કરવામાં આવેલો નકશો આ 'પ્રાચીન' નદીને યમુનામાં ભળતી દર્શાવે છે.

તો, આ નદીને યમ નદીની સહાયક નદી શા માટે ન ગણવી જોઈએ? એવો સવાલ બીબીસીએ સુભાષ ચંદ્રને કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "તે સહાયક નદી નથી, બલ્કે સંપૂર્ણ જુદી જ નદી છે. આ નદી ગંગા અને યમુના નદીઓ જેવાં જ પરિમાણો (ઊંડાઈ, પહોળાઈ અને કદ) ધરાવે છે. પ્રવાહ પણ એ જ પેટર્નને અનુસરે છે."

સુભાષ ચંદ્રએ કહ્યું હતું કે, જેવી રીતે ગંગા નદીનો 'મુખ્ય' જળપ્રવાહ ગંગોત્રીમાંથી અને યમુના નદીનો મુખ્ય જળપ્રવાહ યમુનોત્રીમાંથી આવે છે, તે રીતે, આ પ્રાચીન નદીનું ઉદ્ગમ સ્થાન નક્કી કરવા માટે આગળ વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

સરસ્વતી નદી કયાં કારણોસર અદૃશ્ય થઈ ગઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Subhashchandra/NGRI

વૈજ્ઞાનિકોઓને જાણવા મળ્યું છે કે, નવી ઓળખાયેલી નદીનો પટ કેટલાક વિસ્તારોમાં તો ચારથી પાંચ કિલોમીટર પહોળો છે.

આ કામગીરી માટે જિયોફિઝિયોલૉજિકલ (હેલિબોર્ન) સરવે હાથ ધરવામાં આવ્યો હતો.

તેમાં, નદી વહેતી હોય, તે સમયે બનતી કાંપવાળી માટી અને રેતીની ઓળખ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોને નદી અદૃશ્ય થઈ જવા માટે 'ટેક્ટૉનિક ગતિવિધિ'ની અસરનું કારણ પણ જવાબદાર હોવાની આશંકા છે.

તેમણે કહ્યું હતું, "ફતેહપુર ખાતે ગંગા અને યમુના નદીઓ વળાંક લઈને પાછી વહે છે, તે પાછળનું એક કારણ ટેક્ટૉનિક પ્લેટ્સની ગતિવિધિ પણ હોઈ શકે છે."

"મૂળભૂત રીતે અમે માનીએ છીએ કે, નદીના વિલુપ્ત થઈ જવા માટે આ સ્થિતિ પણ કારણભૂત છે."

પ્રયાગરાજથી 26 કિલોમીટર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

આ 'પ્રાચીન' નદીનાં ચિહ્નો ત્રિવેણી સંગમ વિસ્તારથી આશરે 26 કિલોમીટરના અંતરે મળી આવ્યાં છે, જે વર્તમાન સમયમાં પ્રયાગરાજ પાસે છે.

સુભાષ ચંદ્રએ સમજાવ્યું હતું કે, "પ્રયાગરાજમાં જ્યારે સરવે કરવામાં આવ્યો, ત્યારે ઇમારતો તથા વીજ લાઇનોને કારણે ઘણાં ઓછાં ચિહ્નો મળી શક્યાં હતાં. એટલે કે તે નાનાં ઝરણાં સ્વરૂપે જોવા મળ્યાં હતાં."

"તે નાની જળધારાઓ પણ હોઈ શકે. જ્યાં પણ ખાલી જગ્યા હતી, ત્યાં તે જળધારાઓ મળી આવી હતી."

"પ્રયાગરાજના ભારદ્વાજ આશ્રમમાં પણ તેનાં ચિહ્નો મળ્યાં હતાં. પણ સમગ્ર શહેરનું સર્વેક્ષણ કરીને તેમજ ડ્રિલિંગ કરીને જ અમને નદીના પ્રવાહ વિશે સ્પષ્ટતા મળશે."

તેઓ કહે છે કે, "જો ભવિષ્યમાં હિમાલય સુધી સરવે કરવામાં આવે, તો નદીનું ઉદ્ગમ સ્થાન તથા પ્રવાહ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા મળી જશે."

શું દર વખતે સરકાર બદલાવાની સાથે સરસ્વતી નદીનું સ્વરૂપ પણ બદલાઈ જાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સરસ્વતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, ISRO

આ 'પ્રાચીન' નદી સરસ્વતી હોવાની એનજીઆરઆઈએ પુષ્ટિ કરી નથી, પણ સરસ્વતી નદીનો પ્રવાહ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ભૂતકાળમાં વિવિધ પ્રસંગો પર સરસ્વતી નદીનાં ચિહ્નો પર અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે.

1999થી 2004 સુધી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનું શાસન હતું.

તત્કાલીન સાંસ્કૃતિક બાબતોના મંત્રી જગમોહને સરસ્વતી નદીને શોધી કાઢવા માટેનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

2004માં સત્તા પર આવેલી યુપીએ સરકારે તે પ્રોજેક્ટ આગળ ન વધાર્યો, કારણ કે, સરસ્વતી નદીના અસ્તિત્વનો કોઈ પુરાવો નહોતો અને તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી જયપાલ રેડ્ડીએ સંસદમાં આ વાત જણાવી હતી.

2006માં સાંસ્કૃતિક બાબતો પરની સંસદીય સમિતિના અધ્યક્ષ સીપીઆઈ(એમ)ના સીતારામ યેચુરી હતા.

તેઓ એ વાતને લઈને નારાજ હતા કે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે આ પ્રોજેક્ટમાં યોગ્ય પ્રક્રિયા અનુસરી નહોતી.

2009માં યુપીએ બીજી ટર્મ માટે સત્તા પર આવ્યા પછી ભાજપના સભ્ય પ્રકાશ જાવડેકર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, ઇસરોએ ભૂગર્ભમાં રહેલા એક પ્રાચીન જળ સ્રોતની શોધ કરી છે, જે સંભવતઃ વેદિક યુગની સરસ્વતી નદી છે.

મે, 2014માં એનડીએ સત્તા પર આવ્યા પછી ઇસરોએ તે જ વર્ષના નવેમ્બર માસમાં સરકારને 76 પાનાંનો અહેવાલ સુપરત કર્યો હતો.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રિમોટ સેન્સિંગ અને ભૌગોલિક માહિતીના આધારે સરસ્વતી નદી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, અને રાજસ્થાન થઈને વહે છે અને પછી કચ્છના રણમાં ભળી જાય છે.

સુભાષ ચંદ્રએ જણાવ્યા મુજબ, "હું કહી શકું છું કે, અમે જે પ્રાચીન નદીની ઓળખ કરી છે, તે સરસ્વતી છે કે નહીં, તેના કરતાં આ નદીને પુનર્જીવિત (રિચાર્જ) કરવાથી ભવિષ્ય બહેતર રહેશે."

એવું જણાવવામાં આવ્યું હતું કે, રિચાર્જિંગને લીધે ગંગા તથા યમુના નદીઓનાં ભૂગર્ભ જળની સપાટી પણ વધશે અને પાણી શુદ્ધ થશે.

તેમણે કહ્યું હતું કે, પ્રાચીન નદીને રિચાર્જ (પુનર્જીવિત) કરવા માટે છ સ્થળોએ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે અંતમાં કહ્યું હતું કે, "આ માટેનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે અને તેનું કામ ટૂંક સમયમાં પુરજોશમાં ચાલુ થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન