ચાર્લી ચૅપ્લિનની ફિલ્મ : અંધ યુવતી અને બેઘર યુવાનની કહાણીનું એ અંતિમ દૃશ્ય જે અમર થઈ ગયું

ચાર્લી ચૅપ્લિન

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, ગ્રેગરી વેકમેન
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

'સિટી લાઇટ્સ' ચાર્લી ચૅપ્લિનની એક ક્લાસિક સાયલન્ટ કૉમેડી ફિલ્મ છે. રિલીઝ થયાનાં 95 વર્ષ પછી પણ આ ફિલ્મને અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે.

લાઇફ સામયિકે 1966માં ચાર્લી ચૅપ્લિનને સવાલ કર્યો હતો કે તમને તમારી ફિલ્મો પૈકીની કઈ ફિલ્મ સૌથી વધુ ગમે છે. તેમણે 'સિટી લાઇટ્સ'નું નામ આપ્યું હતું.

જોકે, પોતાના અભિનયને વધુ મહત્ત્વ આપ્યા વિના ચાર્લી ચૅપ્લિને કહ્યું હતું, "મને લાગે છે કે તે એક ઉત્તમ, સારી ફિલ્મ છે."

ફિલ્મનો પ્રીમિયર શો 1931ની 30 જાન્યુઆરીએ લૉસ એન્જલસ થિયેટરમાં યોજાયો હતો. ફિલ્મ રિલીઝ થયા પછી ફિલ્મ પ્રેમીઓ અને ફિલ્મ નિર્માતાઓએ આ સાયલન્ટ કૉમેડી ફિલ્મનાં ખૂબ વખાણ કર્યાં હતાં.

આ ફિલ્મમાં ચાર્લી ચૅપ્લિને એક ગરીબ અને બેઘર યુવાનનું પાત્ર ભજવ્યું હતું, જે એક અંધ છોકરી (વર્જિનિયા ચેરિલ)ના પ્રેમમાં પડે છે. કન્યા તેને કરોડપતિ સમજી બેસે છે.

બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે 1952માં સર્વકાલીન મહાન ફિલ્મોની પ્રથમ યાદી પ્રકાશિત કરી હતી.

એ યાદીમાં 'સિટી લાઇટ્સ' ચાર્લી ચૅપ્લિનની ફિલ્મ 'ગોલ્ડ રશ' (1925) સાથે બીજા સ્થાને હતી.

સ્ટેનલી કુબ્રિક, ઓર્સન વેલ્સ અને આન્દ્રે તાર્કોવસ્કી જેવા ધુરંધરોએ આ ફિલ્મને તેમની પ્રિય ફિલ્મો પૈકીની એક ફિલ્મ ગણાવી હતી.

'ધ નાઇટ ઑફ ધ હન્ટર'ના પટકથા લેખક જેમ્સ એગ્રેએ લખ્યું હતું કે આ ફિલ્મ "અભિનયનો સર્વોત્તમ નમૂનો અને ફિલ્મોમાં સર્વોચ્ચ ક્ષણ" છે.

એ છેલ્લું, અમર દૃશ્ય ક્યું છે?

 ચાર્લી ચૅપલિન, હોલીવુડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ ક્ષણ સિટી લાઇટ્સ ફિલ્મના અંતે આવે છે. ફૂલો વેચતી છોકરી હવે જોઈ શકે છે.

બેઘર યુવાન તેને ફરી મળે છે. તેને પ્રેમથી નિહાળે છે. એ જ સમયે દૃશ્ય ધીમે ધીમે અંધકારમાં ઓગળી જાય છે.

આ દૃશ્ય એકદમ શુદ્ધ, એકદમ લાગણીસભર, એકદમ હૃદયસ્પર્શી અને બહુ માર્મિક છે. તેને સિનેમાના ઇતિહાસમાં ફિલ્મનો સર્વોત્તમ અંત વારંવાર કહેવામાં આવે છે.

સિટી લાઇટ્સ રિલીઝ થયાને 95 વર્ષ થઈ ગયાં હોવાં છતાં તેનો પ્રભાવ એટલો જબરો છે કે અનેક ફિલ્મોમાં તેની સૂક્ષ્મ કલાકારી અને ઍક્ટિંગ પાવરની પુનરાવૃત્તિનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સિટી લાઇટ્સ ફિલ્મની એ છેલ્લી પળને કૅપ્ચર કરવામાં વર્ષો સુધી ક્રિએટિવ મહેનત કરવી પડી છે. ફિલ્મનો છેલ્લો સીન પરફેક્ટ બૅકડ્રૉપને લીધે આટલો દમદાર બન્યો છે.

અંધ યુવતીને તેના ઍપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવશે, એવી ખબર બેઘર, ભટકતા યુવાનને પડે છે ત્યારે તે રસ્તા પર ઝાડૂ મારવાનું કામ કરે છે. પછી બૉક્સર પણ બને છે.

આખરે તેને એક શરાબી કરોડપતિ પાસેથી પૈસા મળે છે. કરોડપતિ ભાનમાં આવે છે ત્યારે એ તેને ભૂલી જાય છે અને યુવાન પર પૈસા ચોરવાનો આરોપ મૂકે છે.

પોતાની ધરપકડ થાય એ પહેલાં યુવાન તે પૈસા ફૂલવાળી યુવતીને આપી દે છે. તેમાંથી યુવતી તેનું ભાડું આપી શકે છે અને પોતાના અંધત્વની સારવાર માટે ડૉક્ટરને દેખાડી શકે છે.

થોડા મહિના પછી યુવાન જેલમાંથી મુક્ત થાય છે. પછી તેને ખબર પડે છે કે પેલી અંધ યુવતીને ફરી દૃષ્ટિ મળી ગઈ છે અને હવે તે ફૂલો વેચવાની દુકાન સફળતાપૂર્વક ચલાવે છે.

યુવાન ફાટેલાં કપડાંમાં તેની દુકાન બહાર આવે છે. યુવતી આખરે તેને ઓળખી લે છે ત્યારે તેના ચહેરા પર અત્યંત આત્મિયતાનો, પ્રેમનો ભાવ ઊમટે છે. યુવાન પણ હસે છે અને ફિલ્મનો અંત આવે છે.

'એ ખૂબ જ શુદ્ધ હતું'

સિટી લાઇટ્સ, ચાર્લી ચૅપલિન, હોલીવૂડ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચાર્લ્સ માર્લેન્ડે બીએફઆઈ ક્લાસિક્સ નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં તેમણે સિટી લાઇટ્સ ફિલ્મનાં વખાણ કર્યાં છે.

તેઓ માને છે કે ફિલ્મનો છેલ્લો સીન એક ફિલ્મસર્જક તરીકેના ચાર્લી ચૅપ્લિનના પરમ કૌશલ્યનું એક પરફેક્ટ ઉદાહરણ છે.

તેમણે બીબીસીને કહ્યું હતું, "તેમને ખબર હતી કે સીન કેવી રીતે ફ્રેમ કરવાનો છે, જેથી મજબૂત ઇમોશનલ ઇમ્પેક્ટ સર્જાઈ શકે. કૅમેરા મીડિયમ-ડિસ્ટન્સ શૉટથી ક્લોઝ-અપ સુધી જાય છે."

તેમના જણાવ્યા મુજબ, ચાર્લી ચૅપ્લિને એક વાર કહ્યું હતું કે તેઓ કૉમેડી માટે લૉન્ગ શૉટ અને ટ્રેજેડી તથા ડ્રામા માટે ક્લોઝ-અપ શૂટ કરતા હતા.

તેમણે કહ્યું હતું, "પછી સાઉન્ડટ્રૅકની વાત આવે છે. એ બહુ જ કૉમ્પ્લેક્સ, ઇમોશનલ છે. સાઉન્ડટ્રેક તે સીન પ્રત્યે ઇન્ટેલેક્ચ્યુઅલ રિસ્પૉન્સ પેદા કરે છે."

ચાર્લી ચૅપ્લિન અને શેરિલની ઍક્ટિંગ વિના આ બધું વ્યર્થ હતું. શેરિલે 'સિટી લાઇટ્સ' સાથે ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

છેલ્લા દૃશ્યમાં ઇમોશન દર્શાવવા માટે ડાયલોગના અનેક ટેક લીધા બાદ ચૅપ્લિનને લાગ્યું હતું કે તેઓ અતિરેક કરી રહ્યા છે.

તેઓ ઓવરઍક્ટિંગ કરતા હતા અને ઓવર ઇમોશનલ હતા. તેથી ચૅપ્લિને નક્કી કર્યું હતું કે બેઘર યુવાન શેરિલને વધારે લાગણી સાથે નિહાળે.

માર્લેન્ડના જણાવ્યા મુજબ, આ દૃશ્યના શૂટિંગનું વર્ણન એક સમયે આ રીતે કરવામાં આવ્યું હતું.

"અભિનય ન કરવાની સુંદર અનુભૂતિ. પોતાની લાગણીથી અલગ થઈને કોઈ ત્રીજી વ્યક્તિના દૃષ્ટિકોણથી નિહાળવું. તેની સામે થોડી શરમ અનુભવવી."

"તેને ફરીથી મળીને આનંદિત થવું. લાગણીશીલ થયા વિના માફી માંગવી."

"આ મુખ્ય વાત હતી. યુવાન તેને નિહાળી રહ્યો છે અને વિચારે છે કે યુવતી શું વિચારી રહી છે. બહુ નિર્મળ દૃશ્ય હતું."

ચૅપ્લિનનો શાનદાર અભિનય અને કળાત્મક ઊંચાઈ

જેફરી વેન્સ 'ચૅપ્લિન જીનિયસ ઑફ ધ સિનેમા' પુસ્તકના લેખક છે.

સિટી લાઇટ્સ ફિલ્મ રિલીઝ થયાનાં અનેક વર્ષો પછી શેરિલે જેફરી વેન્સને જણાવ્યું હતું કે ચૅપ્લિનની ત્વચા અગાઉ સૂકી રહેતી હતી, પરંતુ તેઓ અપેક્ષિત અભિનયની નજીક પહોંચી રહ્યા હતા તેમ તેમ તેમની હથેળીમાં ભીનાશ અનુભવાતી હતી.

વેન્સે બીબીસીને કહ્યું હતું, "તેમની સાથે કશું અસામાન્ય થતું હોય એવું તેને લાગતું હતું. તેઓ જે ઇચ્છતા હતા એ તેઓ તેમને આપી રહ્યા હતા."

"તેઓ અલગ રીતે પ્રતિક્રિયા આપતા હતા. ખુદને અભિવ્યક્ત કરતા હતા. તેઓ પાત્ર અનુસાર પ્રતિક્રિયા આપી રહ્યા હતા."

સિટી લાઇટ્સ ફિલ્મનો પ્રભાવ દાયકાઓ સુધી પ્રબળ રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે ચૅપ્લિને તે સીન, તેના છેલ્લા હિસ્સા સુધી પહોંચે એ પહેલાં જ ખતમ કરી નાખ્યો હતો.

રોમેન્ટિક લોકો કહી શકે કે ફૂલો વેચતી યુવતીએ બેઘર યુવક ખરાબ દેખાતો હોવા છતાં અને પૈસાની કમી હોવા છતાં તેણે કરેલાં કામોને માટે તેને અપનાવી લીધો.

અલબત, બીજા લોકો માને છે કે તેમની સાથેના તેના સંબંધનો કોઈ સુખદ, સુંદર અંત થવાની કોઈ આશા ન હતી.

વેન્સ કહે છે, "એ રોમેન્ટિક છે, એવું મને જરાય લાગતું નથી. દૃષ્ટિ પાછી મળ્યા પછી તમે એ યુવતીનો અહંકાર જોઈ શકો છો."

"તે અરીસામાં જુએ છે. પોતાના વાળ ઓળે છે. તે એવું વિચારીને નિરાશ થાય છે કે યુવાન તેણે વિચાર્યું હતું એટલો શ્રીમંત માણસ નથી."

"તે નિરાશ થાય છે. એ પહેલીવાર બેઘર યુવાનને જુએ છે ત્યારે મનોમન સ્મિત કરે છે. તેને દયાથી પૈસા આપે છે."

અત્યંત આનંદ, ડર, શરમથી ઉત્તેજના સુધી એ છેલ્લી પળોમાં ચૅપ્લિનનું પર્ફોર્મન્સ બહુ જ લેયર્ડ છે.

તે એટલું બહુઆયામી અને સૂક્ષ્મ છે કે આગળ શું થયું એ નક્કી કરવાનું કામ દર્શકો પર છોડી દે છે.

સિટી લાઇટ્સ ફિલ્મના સર્વોત્તમ દૃશ્ય પર અનેક ફિલ્મોમાં સીન દર્શાવાયા

પિક્સર્સ મૉન્સ્ટર્સ, ઇન્ક ફિલ્મનો અંત પણ સિટી લાઇટ્સ ફિલ્મને એનિમેટેડ સ્વરૂપમાં વંદન કરે છે.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પિક્સર્સ મૉન્સ્ટર્સ, ઇન્ક ફિલ્મનો અંત પણ સિટી લાઇટ્સ ફિલ્મને એનિમેટેડ સ્વરૂપમાં વંદન કરે છે.

ફિલ્મ ઇતિહાસમાં શ્રેષ્ઠ અંતિમ દૃશ્યના ખિતાબ માટે ઘણા દાવેદારો છે.

પ્લૅનેટ ઑફ ધ એપ્સ ફિલ્મમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું દૃશ્ય, ધ ગ્રેજ્યુએટ ફિલ્મમાં ધીમે ધીમે સમજાતો અર્થ, બુચ કેસિડી ઍન્ડ સન્ડન્સ કિડ્સ ફિલ્મની છેલ્લી ફ્રીઝ-ફ્રેમ, ધ ગૉડફાધર ફિલ્મમાં દરવાજો બંધ થવાની ક્ષણ અને સનસેટ બુલેવર્ડ ફિલ્મમાં નોર્મા ડેસમન્ડ દ્વારા ક્લોઝ-અપની વિનંતી.

આ બધાં ઉલ્લેખને પાત્ર છે, પરંતુ અન્ય ફિલ્મોમાં સિટી લાઇટ્સની અંતિમ દૃશ્યની જેટલી વખત પુનરાવૃત્તિ થઈ છે, તેટલી આ દૃશ્યોની થઈ નથી.

ધ 400 બ્લોઝ, ધિઝ ઇઝ ઇંગ્લૅન્ડ, ગૉન ગર્લ અને મૂનલાઇટ જેવી વૈવિધ્યસભર ફિલ્મો ચૅપ્લિનની ઋણી છે, કારણ કે તે દરેકમાં પાત્રો કૅમેરામાં જોતા હોય છે.

કેટલીક ફિલ્મોએ આ બાબતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે.

વુડી એલનની મૅનહટન (1979) ફિલ્મના અંતમાં પાત્ર તેની ગર્લફ્રેન્ડ યુવતી નિહાળે છે અને પોતે છ મહિના માટે લંડન જઈ રહી છે, એવું ગર્લફ્રેન્ડ તેને જણાવે છે ત્યારે તે ઉદાસીભર્યું સ્મિત કરે છે.

એક વર્ષ પછી ધ લૉન્ગ ગુડ ફ્રાઇડે ફિલ્મમાં ડિરેક્ટર જૉન મેકેન્ઝીએ બૉબ હૉપકિન્સના ગૅન્ગસ્ટર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેને આઈઆરએસના હત્યારાઓ પકડી લીધો છે અને તેનું મોત થવાનું છે એવી ખબર પડે છે ત્યારે તેના મનમાં અનેક પ્રકારની લાગણી ઊમટે છે.

પિક્સર્સ મૉન્સ્ટર્સ, ઇન્ક ફિલ્મનો અંત પણ સિટી લાઇટ્સ ફિલ્મને એનિમેટેડ સ્વરૂપમાં વંદન કરે છે.

સલી અને બ્રૂના બેડરૂમમાં પોર્ટલ તૂટી જાય છે ત્યારે સલી અને બ્રૂ કાયમ માટે અલગ થઈ જાય છે. એ પળે સલી અને બ્રૂને સાથે દેખાડવાને બદલે, આપણને જોવા મળે છે કે સલી પોતાનો દરવાજો ખોલીને ચારે તરફ જોઈ રહી છે. બૂ "કિટી" બોલે છે અને સ્મિત કરતી દેખાય છે.

અનેક વખત થતું હોય છે તેમ, એ ક્ષણો બહુ ટૂંકી હોવાને કારણે કે બહુ લાંબી હોવાને કારણે વધારે પ્રભાવશાળી બની જાય છે, પરંતુ તેને કંડારવા માટે કલાકોની સર્જનાત્મકતા, કૌશલ્ય અને ટેલેન્ટ જરૂરી હોય છે. તેને સાકાર કરવામાં ક્યારેક લાખો ડૉલર્સનો ખર્ચ થાય છે. પછી તેને પડદા પર સાકાર કરવામાં આવે છે.

આ બાબત ખાસ કરીને સિટી લાઇટ્સ માટે સાચી હતી. સિટી લાઇટ્સ ચૅપ્લિનની સૌથી મોંઘી ફિલ્મ હતી.

તેના નિર્માણમાં 15 લાખ ડૉલરનો ખર્ચ થયો હતો. (આજના મૂલ્યના હિસાબે લગભગ 30 લાખ ડૉલર)

આટલું જ નહીં, કથાને ડેવલપ કરવામાં, તેના ફિલ્માંકનમાં અને પોતાની ફિલ્મ અપેક્ષા અનુસારની બનશે, એવી આશામાં તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી.

સિટી લાઇટ્સ માટે ચૅપ્લિને કરી હતી ખાસ તૈયારીઓ

સિટી લાઇટ્સનું શૂટિંગ 1928ની 27 ડિસેમ્બરે શરૂ થયું હતું.

એ સમયે ચૅપ્લિન વિશ્વની સૌથી પ્રખ્યાત વ્યક્તિ હતા. લંડનમાં ગરીબી અને ગંદકીમાંથી બહાર આવ્યા પછી તેઓ કરોડપતિ બન્યા હતા. ફિલ્મો પર તેમનું સંપૂર્ણ સર્જનાત્મક નિયંત્રણ હતું.

તે એટલું પ્રબળ હતું કે પહેલી બોલતી ફિલ્મ ધ જેઝ સિંગર 14 મહિના પહેલાં રિલીઝ થઈ ગઈ હતી.

હોલીવૂડને હવે મૂક ફિલ્મોમાં રસ નહોતો. જોકે, ચૅપ્લિનનો આગ્રહ હતો કે સિટી લાઇટ ફિલ્મમાં એકેય સંવાદ ન હોવો જોઈએ.

જેફ્રી વેન્સે કહ્યું હતું, "બેઘર, ભટકતો યુવાન મૂક ફિલ્મનું પાત્ર છે, એ બાબતે ચૅપ્લિનને કોઈ શંકા ન હતી, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તેમણે એક પરિપૂર્ણ ફિલ્મ બનાવવી પડશે. તે પ્રેક્ષકો મૂક ફિલ્મોને સ્વીકારે તેનો એકમાત્ર માર્ગ છે."

સિટી લાઇટ્સને શક્ય તેટલી દોષરહિત બનાવવા માટે ચૅપ્લિન એટલા ચિંતિત હતા કે તેમણે નિર્માણ પૂર્વેનાં કામોમાં એક વર્ષ વિતાવ્યું હતું. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર, 1930 સુધી ચાલ્યું હતું.

રીટેકનો વર્લ્ડ રેકૉર્ડ અને ઇતિહાસ સર્જક અંત

ગરીબ, બેઘર યુવાન ફૂલ વેચતી યુવતીને પહેલીવાર મળે છે ત્યારે યુવતી તેને ભૂલથી કરોડપતિ માની લે છે.

આ દૃશ્યનું ફિલ્માંકન કરવામાં ચૅપ્લિનને એટલી મુશ્કેલી થઈ હતી કે એક દૃશ્ય માટે સૌથી વધુ રીટેકનો ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ આજે પણ એ દૃશ્યના નામે છે. તેમણે એ દૃશ્ય 342 વખત શૂટ કર્યું હતું.

ચૅપ્લિને સર્જનાત્મકતા માટે કરેલી બધી મહેનત સાર્થક સાબિત થઈ હતી.

સિટી લાઇટ્સ ફિલ્મે તેના નિર્માણ ખર્ચ કરતાં ત્રણ ગણી કમાણી બૉક્સ ઑફિસ પર કરી હતી. ફિલ્મનાં ભારોભાર વખાણ થયાં હતાં.

વિવેચકોએ તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, પરંતુ સમય જતાં ફિલ્મની પ્રતિષ્ઠા, ફિલ્મોની દુનિયામાં તેનું સ્થાન વધારે ઊંચું થયું હતું.

એ પછીના દાયકાઓમાં મૉર્ડન ટાઇમ્સ ફિલ્મના તીક્ષ્ણ વ્યંગ, ધ ગ્રેટ ડિક્ટેટર ફિલ્મનો ઉત્સાહી અંત અને ધ ગોલ્ડ રશ ફિલ્મમાંના અદ્વિતીય વિનોદી દૃશ્યો કળાકૃતિ જેવા હોવા છતાં સિટી લાઇટ્સ ચાર્લી ચૅપ્લિનની ચિરસ્થાયી અને પ્રેક્ષકોની પ્રિય ફિલ્મ બની છે.

વેન્સે કહ્યું હતું, "ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓ અને શેક્સપિયરનાં નાટકોની જેમ, ચૅપ્લિનની ફિલ્મોની લોકપ્રિયતામાં વધઘટ થતી રહે છે, પરંતુ સિટી લાઇટ્સના સૌંદર્યમાં સાદગી છે. ચેપ્લિન જાણતા હતા કે સાદગી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે."

સિટી લાઇટ્સની કાવ્યાત્મકતા અને શક્તિ તેના અંતિમ દૃશ્યમાં શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત થાય છે. એ દૃશ્યમાં આશાવાદી, બેઘર યુવાન હસતો અને ભવિષ્યનું સ્વપ્ન નિહાળતો જોવા મળે છે.

લગભગ 100 વર્ષ અને હજારો ફિલ્મો પછી પણ અન્ય કોઈ ફિલ્મનો અંત સિટી લાઇટ્સના અંતની બરોબરી કરી શક્યો નથી.

વેન્સે કહ્યું હતું કે, "તેથી જ ચૅપ્લિન જીનિયસ હતા. તેથી જ તેઓ અદ્વિતીય હતા, અન્યો કરતા આગળ હતા અને અલગ જ કેલિબરના ફિલ્મસર્જક હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન