ફારસી રાજાઓએ જ્યારે ગ્રીક પર આક્રમણ કરીને નગરો તબાહ કર્યાં અને સિકંદરે 'બદલો' લીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે, પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યનાં મૂળ યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલાં હતાં. આ સિરીઝ તેના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત પાંચ લેખ પ્રગટ થશે. પહેલા લેખમાં આપણે જોયું હતું કે પર્શિયન સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો અને ફારસી રાજાઓએ તેમના સામ્રાજ્યને યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી કેવી રીતે વિસ્તાર્યું? આ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
પહેલા લેખમાં આપણે જોઈ ગયા કે યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી લંબાયેલા વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા પર્શિયન સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો અને તેના કયા મહાન રાજાઓએ કેવી રીતે રાજ કર્યું? આજે બીજા લેખમાં આપણે જોઈશું કે ફારસી રાજાઓએ ગ્રીક પર કેવી રીતે આક્રમણ કર્યું અને સિકંદરે તેનો કેવી રીતે 'બદલો' લીધો?
આપણે જોઈશું કે કેવી રીતે ફારસી રાજાઓએ ગ્રીક પર આક્રમણ કર્યું અને ઍથેન્સનાં નગરો તબાહ કર્યાં. જવાબમાં સિકંદરે કેવી રીતે પર્શિયાની રાજધાનીને સળગાવી દીધી અને તેના પર કબજો કર્યો?
આપણે જોયું કે સાઇરસ ધ ગ્રેટે પર્શિયાને કેવી રીતે મહાન બનાવ્યું અને સાઇરસના પુત્ર કમ્બિસસ (કમ્બોજિયા)એ મિસ્ર (ઇજિપ્ત) પર ચઢાઈ કરીને તેનો મહત્તમ હિસ્સો કબજે કરી લીધો. તેમની સામે વિદ્રોહ થયો. ત્યાર બાદ ડેરિયસ કે ડેરિયસ ઉર્ફે દારા પ્રથમનું રાજ્ય આવ્યું.
ઇજિપ્તવાસીઓ અને અસિરિયન પાસે કુરિયર સેવાઓ હતી, પણ પર્શિયનોએ વિશ્વને 'રિલે અને પોસ્ટ ઑફિસનું પ્રથમ નેટવર્ક' આપ્યું હતું.
આ એ સમય હતો જ્યારે સામ્રાજ્યનું નેતૃત્વ દારા દ્વારા કરવામાં આવતું હતું.
ઇતિહાસકારો અનુસાર, સંદેશવાહકો ઘોડા પર લાંબા અંતરની મુસાફરી કરતા અને આરામ કરવા માટે બનાવવામાં આવેલાં સ્થળોએ પહોંચતા હતા. બીજા દિવસે સવારે, તેઓ નાસ્તો કરતા, બીજો ઘોડો લેતા અને તેમની મુસાફરી ચાલુ રાખતા.
જવાહરલાલ નહેરુ 'વિશ્વ ઇતિહાસની ઝલક' પુસ્તકમાં લખે છે, "દારાનું સામ્રાજ્ય માત્ર ક્ષેત્રફળમાં નહીં, પરંતુ સંગઠનમાં પણ મોટું હતું. તે ઠેઠ એશિયા માઇનર (તુર્કી)થી લઈને સિંધ નદી (હિંદુસ્તાન) સુધી ફેલાયેલું હતું. મિસ્ર (ઇજિપ્ત) અને કેટલાંક યુનાની શહેરો તેના તાબામાં હતાં. આ વિસ્તૃત સામ્રાજ્યમાં સારા રસ્તાઓ બનેલા હતા, શાહી ટપાલ વ્યવસ્થા લાગુ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નહેરુએ વિવિધ જેલોમાંથી તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીને પત્રો લખ્યા હતા, જેમાં દુનિયાના ઇતિહાસ તથા સામ્રાજ્યોની કહાણી વર્ણવી છે. આ પત્રોનું એક સંકલન કરીને 'વિશ્વ ઇતિહાસની ઝલક' પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં પર્શિયન સામ્રાજ્યની 'મહાનતા અને તેમના પતન'ની કહાણીની ઝલક પણ આપી છે.
ઈ.સ. પૂર્વે 512માં દારાએ યુરોપમાં અભિયાન ચલાવ્યું. ગ્રીક સાથેની તેમની લડાઈનું વર્ણન યુનાની ઇતિહાસકાર હેરોડોટસે કર્યું છે.
જોકે, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમણે યુનાનીઓ પ્રત્યે પક્ષપાત કર્યો છે. ઈરાનીઓનો પહેલો હુમલો નિષ્ફળ રહ્યો. ઈ.સ. પૂર્વે 490 વર્ષ પહેલાં ઈરાનીઓનો બીજો હુમલો કર્યો. આ હુમલો ઍથેન્સની નજીક સમુદ્ર રસ્તે હતો.
આ વખતે ઈરાની સેના સમુદ્રના રસ્તે આવી હતી. જોકે, દારા ગ્રીક લોકોને હરાવવામાં અસફળ રહ્યા. મૅરેથૉનના યુદ્ધમાં ઍથેન્સવાસીઓએ દારાને સખત પરાજય આપ્યો. તેઓ આ પરાજયથી પરેશાન નહોતા થયા, તેમણે ત્રીજા હુમલાની તૈયારી કરી, પરંતુ તે પહેલાં તેમનું મૃત્યુ થયું.
દારાની જગ્યાએ તેમના પુત્ર જૅરેક્સિઝ (ઝેરેક્સેસ) સત્તા પર આવ્યા.
જૅરેક્સિઝની ગ્રીક પર ચઢાઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૅરેક્સિઝ મોટી સેના લઈને એશિયા માઇનર પાર કરીને યુરોપ પહોંચ્યા, પરંતુ તેમનાં સમુદ્ર જહાજો મોટા વાવાઝોડાનો ભોગ બન્યાં.
થર્મોપોલીના યુદ્ધમાં સ્પાર્ટાના સેનાપતિ લિયોનિડસે પર્શિયાની સેનાને જોરદાર ટક્કર આપી, પરંતુ જૅરેક્સિઝની સેનાને તેઓ વધારે રોકી ન શક્યા. યુનાની લોકો ઈરાની સેનાની સામેથી ખસી ગયા અને કેટલાંક શહેરોમાં જૅરૅક્સિઝની સેનાને વિજય પણ મળ્યો. ઈરાની લોકો જે શહેરોમાં ગયા તે શહેરોને તેમણે બાળી નાખ્યાં એવો ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે.
જોકે, યુનાની નૌસેના હારી નહોતી. તેમણે સૅલિમિસ ટાપુ પાસે જોરદાર ટક્કર આપી અને જૅરેક્સિઝની નૌસેનાનાં મોટાં જહાજોને નષ્ટ કરી નાખ્યાં. જૅરેક્સિઝ હારીને ઈરાન પરત ફર્યા.
જવાહરલાલ નહેરુ લખે છે, "મેરૅથૉન અને સૅલિમિસની લડાઈ બાદ તેમના પતનની શરૂઆત થઈ ચૂકી હતી."
હેરોડોટસના લખ્યા પ્રમાણે, "કોઈ પણ રાષ્ટ્રને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. પહેલા તેને સફળતા મળે છે. પછી સફળતાના અભિમાનમાં અન્યાય અને ઉદ્વંડતા શરૂ થાય છે. પછી આ બુરાઈઓના ફળસ્વરૂપે તેનું પતન થાય છે."
જૅરેક્સિઝ માર્યા ગયા પછીના શાસકોના સમયમાં ઈરાની સામ્રાજ્ય પતનના આરે આવીને ઊભું રહ્યું.
આમ છતાં, ઈરાનીઓનો દબદબો બીજાં 150 વર્ષો સુધી રહ્યો. બાદમાં યુનાનીઓ મજબૂત થયા ગયા. ઈ.સ. પૂર્વે 356માં મેસિડોનિયામાં મહાન સિકંદરનો જન્મ થયો.
સિકંદરે દારા ત્રીજાને હરાવી પર્શિયા કબજે કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકારો નોંધે છે કે અંતમાં ઈરાની ચરિત્ર એટલું 'પતિત' થઈ ગયું કે ગાદી માટે એક અધિકારીઓ યુનાન કે જેમના પરંપરાગત દુશ્મનો હતા, તેમની મદદ માગી હતી.
સિકંદર બાદશાહ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. તેમણે પિતા ફિલિપ દ્વારા સુસંગઠિત સેનાને લઈને પોતાના જૂના દુશ્મન ઈરાન પર હુમલો કરવાનું (કે બદલો લેવાનું) મન બનાવ્યું.
સિકંદરે મિસ્ર (ઇજિપ્ત) જીતી લીધું, તે વખતે મિસ્ર ઈરાની બાદશાહ દારા ત્રીજાના હાથમાં હતું. દારા ત્રીજો જૅરેક્સિઝના ઉત્તરાધિકારી હતા. દારાને બીજા હુમલામાં પણ સિકંદરે હરાવ્યા. ઇતિહાસકારો નોંધે છે કે સિકંદરે દારાને ત્રણ વખત હરાવ્યા હતા. ગ્રેનૅક્સ નદી પાસે થયેલી લડાઈમાં, ઇસસ ખાતેની લડાઈમાં અને આર્બેલાના મેદાનમાં. ઈ.સ. પૂર્વે 330માં સિકંદરે આ મહાન ગણાતા પર્શિયન સામ્રાજ્યના અસ્તિત્વને ખતમ કરી નાખ્યું.
ઇસસની લડાઈમાં દારાની જ્યારે હાર થઈ ત્યારે દારા તૃતીય તેમનાં માતા, રાણી, બહેન, શહેજાદા અને બે શહેજાદીને મૂકીને ભાગી ગયા હતા. ચોથી લડાઈમાં તેઓ પોતાના જ ખાસ મનાતા માણસો દ્વારા માર્યા ગયા.
જવાહરલાલ નહેરુ લખે છે, "સિકંદરે દારાના વિશાળ મહેલને એ કહીને તબાહ કરીને સળગાવી નાખ્યો, કે જૅરેક્સિઝે ઍથેન્સને જે પ્રકારે સળગાવ્યું હતું તેનું આ પરિણામ છે."
સિકંદરે પર્શિયાની રાજધાનીને સળગાવી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
પારસી ઇતિહાસકાર પાલોનજી બરજોરજી દેસાઈ તેમના પુસ્તક 'તારીખે શહાને ઈરાન'માં લખે છે, "દારા (ત્રીજો) પર તહોમત મુકાયા છે, પણ તે જેટલો કમભાગ્ય હતો તેટલો હિચકારો ન હતો. તેનું લશ્કર નામનું જ મોટું હતું, પરંતુ કવાયત વગરનું હતું. સરદારો અંકુશ વગરના હતા અને તેઓ લોભી અને મોજી થઈ ગયા હતા. કુસંપ વધી ગયો હતો."
સિકંદરે પર્શિયાની રાજધાની પર્સેપોલિસને સળગાવી નાખી. મોટા-મોટા મહેલોનો નાશ કર્યો.
"દુશ્મનોએ શહેરને આગ અને લૂંટથી ખુવાર કરી નાખ્યું. જાનમાલ માટે જેઓ સામે થયા તેની કત્લેઆમ ચલાવી. ઓરતોને ગુલામ બનાવાઈ અને તેમને વેચવા કાઢી. દારાના મોત બાદ દેશમાં અફરાતફરી મચી ગઈ. પાદશાહી ખાનદાનીમાં કોઈ એવો નહોતો જે દુશ્મનનો મુકાબલો કરી શકે," પાલોનજી બરજોરજી દેસાઈ લખે છે.
ઇતિહાસકારો નોંધે છે કે સિકંદરને સમજાયું કે પારસ કે ફારસ સામ્રાજ્યને પોતાના આધીન રાખવું હશે તો અહીંના લોકોને પોતાના પક્ષે કરવા પડશે. તેમણે બલ્ખ કે બૅક્ટ્રિયનના એક રાજવી પરિવારની કુંવરી રોક્સાના (રોશનક) સાથે લગ્ન કર્યાં. જોકે, ફારસી લેખક ફિરદૌસી કહે છે કે સિકંદરે દારાનાં પુત્રી સાથે પણ લગ્ન કર્યાં હતાં તેનું નામ સ્તેતીરા હતું. સિકંદરે સ્તેતીરાની અન્ય એક બહેન પેરિસાઇટિસ સાથે પણ લગ્ન કર્યાં હતાં.
પાલોનજી દેસાઈ પ્રમાણે, "તેનો હાથ પકડીને સિકંદરે પોતાના લશ્કરી વડાઓ અને અમલદારોને એ દાખલો આપ્યો, જેથી ઈરાની ઓરતો સાથે શાદી કરીને ઈરાનમાં જ ઠરીઠામ થવાની તેમને લાલચ થાય."
"સિકંદર આમ જ કરાવવા માગતો હતો, કારણ કે તે ઈરાનમાં પોતાનો તખ્ત સ્થાપવા માગતો હતો અને ત્યાંથી જ યુનાનનું શાસન સંચાલિત કરવા માગતો હતો," એમ પાલોનજી દેસાઈ લખે છે.
બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર અને પૉલિટિકલ ઍડિટર ઍન્ડ્ર્યૂ મર્ર તેમના પુસ્તક "અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ"માં લખે છે, "ગ્રીક-રોમન ઇતિહાસકાર આર્રિયને સિકંદરના જીવન પર ઘણું લખ્યું છે.
તેમના જણાવ્યા પ્રમાણે, એક ભવ્ય સમૂહલગ્ન સમારંભનું આયોજન પર્શિયનની જૂની રાજધાની સૂસામાં થયું હતું. તેમાં તેણે દારાની સૌથી મોટી પુત્રી સાથે લગ્ન કર્યું અને તેની અન્ય બહેનનું લગ્ન તેના સેનાપતિ હેફેસ્ટિયન સાથે કર્યું. (હેફેસ્ટિયનનો ઉલ્લેખ કેટલાક ઇતિહાસકારોએ સિકંદરના પુરુષ પ્રેમી તરીકે પણ કર્યો છે) જેથી બંનેનાં સંતાનો પિતરાઈ બને. આખો સમારંભ પર્શિયન પરંપરા પ્રમાણે હતો."
સિકંદરના મોત બાદ પર્શિયાનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
સિકંદરે ઈરાનીઓને ગ્રીક સંસ્કૃતિ નીચે લાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાં તેમને બહુ ઓછી સફળતા મળી. દરમિયાન ઘણા બળવા થયા, કાવતરાં રચાયાં. ઈ.સ. પૂર્વે 323માં સિકંદરનું મૃત્યુ થયું પછીનાં 40 વર્ષમાં ઈરાનમાં આંતરિક કલહ, રમખાણો અને ખટપટ ચાલતાં રહ્યાં.
સિકંદરના મૃત્યુ પછી તેનું સામ્રાજ્ય ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયું હતું. જેમાં સેલ્યૂકસને હિંદુકુશથી લઈને એશિયા માઇનરનો ભાગ મળ્યો. તેમણે સ્થાપેલા સામ્રાજ્યને સેલ્યુસિડ વંશ કહે છે. ઈ.સ. પૂર્વે 312થી ઈ.સ. પૂર્વે 63 સુધી તેનો સમય ગણાય છે. ત્યાર પછી મધ્ય એશિયાની એક જાતિ પાર્થિયાએ સેલ્યુસિડના રાજાઓને ભગાડ્યા.
પાર્થિયન વંશનું ઈરાન પર શાસન રહ્યું, જેને આર્સાસિડ સામ્રાજ્ય પણ કહેવામાં આવે છે. દરમિયાન પાર્થિયનો અને રોમનો વચ્ચે યુદ્ધો ચાલતાં રહ્યાં. પાર્થિયનોમાં વંશવિગ્રહ પણ થયો, વારસદારો પરસ્પર ઝઘડવા લાગ્યા તેને કારણે તેમને રોમનો કરતાં વધારે ખતરો ગૃહયુદ્ધથી પેદા થયો.
જોકે, પાર્થિયનોએ રોમનોને હરાવ્યા હતા અને જ્યાં સુધી પાર્થિયનો ઈરાનમાં સત્તા પર હતા ત્યાં સુધી રોમનો તેમને પૂર્ણ રીતે જીતી શક્યા નહોતા. અઢી સદી સુધી તેઓ ઈરાન પર શાસન કરતા રહ્યા.
આખરે ઇસ્તાખરના શાસક અર્દેશર પ્રથમે પાર્થિયનો સામે બળવો કર્યો અને ઈરાન પર કબજો કરીને ઈ.સ. 224માં સાસાનિયન વંશની સ્થાપના કરી.
હવે પછીના લેખમાં આપણે જોઈશું કે વિશ્વના ત્રણ ખંડો સુધી ફેલાયેલા પર્શિયન સામ્રાજ્યને આરબોએ કેવી રીતે ધમરોળ્યું? કેવી રીતે જરથોસ્તી ધર્મ પાળતા પારસીઓએ તેમના વતનને છોડીને ભાગી જવું પડ્યું અને ઈરાનમાં ઝોરોસ્ટ્રિયનની જગ્યાએ ઇસ્લામનો ઝંડો કેવી રીતે લહેરાયો?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































