સુદાનનાં એ 'અદૃશ્ય' બાળકોની કહાણી જે યુદ્ધ વચ્ચે જન્મ્યાં, તેમની કોઈ ઓળખ નથી

માતા પોતાના બાળકના પિતાનું નામ આપી ન શકે, તો ઘણી વાર તે બાળકનું જન્મનું પ્રમાણપત્ર મેળવી શકતી નથી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, માતા પોતાના બાળકના પિતાનું નામ આપી શકતી નથી, ન તો તે બાળકનું જન્મનું પ્રમાણપત્ર મેળવી શકે છે.
    • લેેખક, એથર શલાબી
    • પદ, બીબીસી અરબી સેવા
    • લેેખક, પેટ્રિશિયા વ્હાઇટહોર્ન
    • પદ, બીબીસી આફ્રિકા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ચેતવણી: આ અહેવાલમાં કેટલીક બાબતો એવી છે, જે કેટલાક વાચકોને અસ્વસ્થ કરી શકે છે.

સુદાનની એક 17 વર્ષની યુવતી પોતાના હાથમાં એક નાનકડા બાળકને લઈને ઊભી છે. ઉંમર કરતાં ઘણી વધારે ગંભીરતા તેના ચહેરા પર દેખાય છે. બાળકના ભાવિની ચિંતા પણ તેના મનમાં છે.

"મારા આ દીકરાનો ન કોઈ પિતા છે, નથી તેના જન્મનું પ્રમાણપત્ર અને ન રાષ્ટ્રીય ઓળખ નંબર," અમીરા (ઓળખ છુપાવવા માટે નામ બદલ્યું છે) બીબીસીને કહે છે.

બાળક તરફ જોતાં તે ધીમા અવાજે બોલે છે- જાણે કે સુદાનમાં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી પોતાની જિંદગીમાં શું બની ગયું છે એ સમજવાનો તે હજી પ્રયાસ કરી રહી હોય.

તે અને તેનો પરિવાર અલ-ફાશેરના પૂર્વ ભાગમાં રહેતાં હતાં. એપ્રિલ 2023થી સુદાનની સેના અને અર્ધલશ્કરી સંગઠન રૅપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે સત્તા માટે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ દરમિયાન આરએસએફે અલ-ફાશેર શહેરને ઘેરી લીધું હતું.

પશ્ચિમ સુદાનનો દારફુર વિસ્તાર અલ-ફાશેર સેનાનો છેલ્લો ગઢ હતો. પરંતુ 18 મહિના સુધી ચાલેલી ઘેરાબંધી અને લડાઈ બાદ, ગયા ઑક્ટોબરમાં શહેર પર આર.એસ.એફ. અને તેની સાથે સંકળાયેલાં સશસ્ત્ર આરબ જૂથોએ કબજો કરી લીધો.

શહેરમાં ફસાયેલા હજારો નાગરિકો માટે સ્થિતિ ભયાનક હતી—સતત બૉમ્બમારો, અથડામણો અને ખોરાકની અછતને કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.

'દરરોજ તેમાંથી એક માણસ મારા પર બળાત્કાર કરતો'

ફરિયાદ કરવાથી બાળકની જન્મનોંધણી કરાવવાનો રસ્તો સરળ બની શકે છે તેમ છતાં મહિલાઓ જાતીય હુમલાની ફરિયાદ કરતાં અચકાય છે.

ઇમેજ સ્રોત, Fairfax Media via Getty Images

ઇમેજ કૅપ્શન, ફરિયાદ કરવાથી બાળકની જન્મનોંધણી કરાવવાનો રસ્તો સરળ બની શકે છે તેમ છતાં મહિલાઓ જાતીય હુમલાની ફરિયાદ કરતાં અચકાય છે.

આખરે, 2025ની શરૂઆતમાં, અમીરા અને તેના પરિવારે વધુ સુરક્ષિત સ્થળની શોધમાં ત્યાંથી ભાગી જવાનો નિર્ણય લીધો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ શહેરની દક્ષિણ-પશ્ચિમ તરફના એક રસ્તેથી તેઓ ભાગી રહ્યાં હતાં ત્યારે આરએસએફના ત્રણ સશસ્ત્ર માણસોએ તેનું અપહરણ કરીને તેને બંધક બનાવી રાખી હતી, એમ અમીરા કહે છે.

"તેમણે મારી આંખે પટ્ટી બાંધી દીધી અને અલ-ફાશેરની દક્ષિણે આવેલા તાબિત વિસ્તારમાં લઈ ગયા. મને બે મહિના સુધી એક ઓરડામાં પૂરી રાખી. દરરોજ તેમાનામાંથી એક જણ વારાફરતી મારી સાથે બળાત્કાર કરતો," તે ધીમા અવાજે કહે છે.

કેટલાંક અઠવાડિયાં સુધી બંધક રહ્યા બાદ તેને ખબર પડી કે પોતે ગર્ભવતી છે. તેની તબિયત પણ ખૂબ બગડી ગઈ.

અમીરા કહે છે કે એ લોકો તેનાથી છૂટકારો મેળવવા માગતા હતા. એટલે જ્યાંથી ઉઠાવી ગયા હતા, એ જ વિસ્તારની નજીક તેને છોડી ગયા.

અલ-ફાશેરમાંથી ભાગી રહેલા કેટલાક લોકોની મદદથી તે સારવાર માટે પહોંચી શકી.

થોડા મહિના પછી, આર.એસ.એફ.ના નિયંત્રણ હેઠળ ન હોય એવા એક માનવતાવાદી સહાય કેન્દ્રમાં આવેલી હૉસ્પિટલમાં તેણે બાળકને જન્મ આપ્યો. આ હૉસ્પિટલ ઇન્ટરનૉશનલ મેડિકલ કૉર્પ્સ દ્વારા ચલાવવામાં આવે છે.

ત્યાં તેને સુદાનની એક રાહત સંસ્થા નાદા અલ-અઝહર ફાઉન્ડેશન ફૉર ડિઝાસ્ટર પ્રિવેન્શન ઍન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (નાદા) તરફથી પણ કેટલીક મદદ મળી.

આ સંસ્થા તેના પરિવારને શોધી કાઢવામાં પણ સફળ રહી. તેનો પરિવાર એવા એક શરણાર્થી કૅમ્પમાં પહોંચી ગયો હતો, જ્યાં અલ-ફાશેરમાંથી ભાગી આવેલા લાખો લોકો આશ્રય લઈ રહ્યા છે.

પરિવાર ફરી વાર ભેગો થઈ શક્યો એ તેમના માટે મોટી રાહત હતી. પરંતુ તેમની મુશ્કેલીઓ હજી પૂરી થઈ નથી. તેમાંની એક મુશ્કેલી એ છે કે બાળકને જન્મ આપ્યાને આઠ મહિના થઈ ગયા હોવા છતાં અમીરા પોતાના દીકરાના જન્મની નોંધણી કરાવી શક્યાં નથી.

"જન્મની જાણ કરતું પ્રમાણપત્ર હૉસ્પિટલમાંથી મેળવવા માટે પણ એવી માહિતી જોઈએ, જે મારી પાસે નથી," અમીરા કહે છે. બાળકના પિતા વિશે તેઓ કોઈ માહિતી આપી શકતાં નથી.

આ માહિતીના અભાવે તે પોતાના બાળકની સત્તાવાર નોંધણી કરાવી શકતાં નથી.

'આ રીતે કેટલાં બાળકો જન્મ્યાં તેનો આંકડો નથી'

"હું તેને રસી પણ અપાવી શકતી નથી, કે નર્સરી યા શાળામાં દાખલ પણ કરાવી શકતી નથી," તે કહે છે.

"મને તેના ભવિષ્યની ચિંતા થાય છે, કારણ કે તેની ક્યાંય નોંધણી થઈ નથી. મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. હું તેની સારવાર કે સંભાળનો ખર્ચ ઉઠાવી શકતી નથી. ફરી હિંસાનો ભોગ બનવાનો ડર હોવાથી હું કામ કરવા પણ જઈ શકતી નથી."

નાદાના જણાવ્યા મુજબ, અમીરાની આ કહાણી કોઈ એકલદોકલ ઘટના નથી. પરંતુ સુદાનના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળતી આ એક સામાન્ય સ્થિતિ છે.

નાદાના પ્રોટેક્શન પ્રોગ્રામ્સના ડિરેક્ટર અબુ બકર યુસિફ યાકૂબ સમજાવે છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ઘણાં બાળકો મુશ્કેલ સંજોગોમાં જન્મી રહ્યાં છે. ઘણી વાર તેમના પિતાની કોઈ માહિતી પણ હોતી નથી. તેથી તેમના જન્મની નોંધણી કરાવી શકાતી નથી.

"બાળકની નોંધણી માટે તેની ઓળખની માહિતી, રાષ્ટ્રીય નંબર અને જન્મનું પ્રમાણપત્ર જરૂરી છે. પરંતુ પિતા હાજર ન હોય અથવા તેમની કોઈ માહિતી ન હોય, ત્યારે આ પ્રક્રિયા ખૂબ મુશ્કેલ બની જાય છે," તેઓ અલ-ફાશેરથી બીબીસીને કહે છે.

"મોટાભાગે માતા એકલી હોય છે. કેટલીક વાર તો તે પોતેય હજી બાળક હોય છે અને તેને પણ સંભાળની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તેના માટે પોતાના બાળકની સંભાળ રાખવી મુશ્કેલ બની જાય છે.

"આ ઉપરાંત, જરૂરી રસી સમયસર ન મળવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. બાળકના જન્મથી જ રસીકરણ શરૂ થાય છે અને શરૂઆતનાં વર્ષો સુધી ચાલે છે."

તેઓ ચેતવણી આપે છે કે આ સમસ્યાની અસર માત્ર બાળકનાં શરૂઆતનાં વર્ષો પૂરતી મર્યાદિત નથી રહેતી. આગળ જતાં તેના શિક્ષણ પર પણ અસર પડે છે અને પુખ્ત વયે મુસાફરી કરવામાં કે સરકારી દસ્તાવેજો મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

બળાત્કારના પરિણામે સુદાનમાં કેટલાં બાળકો જન્મ્યાં છે, તેનો ચોક્કસ આંકડો મેળવવો સરળ નથી.

નાદાનાં ડિરેક્ટર જનરલ શાઝા અહમદના જણાવ્યા મુજબ, આમ થવાનું કારણ સામાજિક કલંક છે. તેથી આવા કિસ્સાઓની સાચી સંખ્યા નોંધાતી નથી.

"આવા જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓ તેની જાણ કરવામાં સંકોચ અનુભવે છે," તેઓ સુદાનના પૂર્વ ભાગમાં સેનાના નિયંત્રણ હેઠળના શહેર પૉર્ટ સુદાનથી બીબીસીને કહે છે.

"દુર્ભાગ્યે, આ બાળકોની મોટા ભાગની માતાઓ પોતે પણ બાળકીઓ હોય છે—18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ. તેથી તેઓ જાતે કોર્ટ કે પોલીસ પાસે જઈ શકતી નથી. તેમની સાથે વાલી હોવા જરૂરી છે."

આવાં બાળકોની એક આખી પેઢી ઊભી થઈ રહી છે

તેઓ જણાવે છે કે તેમની સંસ્થામાં નોંધાયેલા 90 ટકા કિસ્સાઓમાં પરિવારો મહિલાઓ પર થયેલા એવા જાતીય હુમલાની સત્તાવાર ફરિયાદ નોંધાવવા તૈયાર નથી, જેના કારણે તેઓ ગર્ભવતી બની હતી.

"સુદાનની એક મહિલા તરીકે, બળાત્કારના પરિણામે જન્મેલાં બાળકોને લઈને મારી સૌથી મોટી ચિંતા એ છે કે આપણી સામે એવી આખી પેઢી ઊભી થઈ રહી છે, જે કલંક, જોખમ અને ભય વચ્ચે જીવન જીવશે." અહમદ કહે છે.

"આ બાળકોને સમાજ તરફથી આદર નહીં મળે. તેમની સુખાકારીનું યોગ્ય ધ્યાન નહીં રખાય અને સૌથી મોટી વાત એ છે કે તેમને જરૂરી સેવાઓ કે તેમના હકો પણ નહીં મળે."

અહમદના મતે, આ બાળકોને સમાજમાં સંપૂર્ણ હક અને માનવગૌરવ ધરાવતા લોકો તરીકે જોવામાં આવતા નથી. જો કે, સુદાનના કાયદા મુજબ દરેક બાળકને પોતાની ઓળખ મેળવવાનો અધિકાર છે.

સુદાનનાં વકીલ માજિદા ઇદ્રીસ સમજાવે છે કે 2010નો ચાઇલ્ડ ઍક્ટ લગ્ન વિના જન્મેલાં બાળકોની પણ નોંધણી કરવાની મંજૂરી આપે છે.

પરંતુ તેના માટે માતાએ પોતાના પર થયેલા જાતીય હુમલાની ફરિયાદ નોંધાવવી જરૂરી છે. ફરિયાદ નોંધાય એટલે બાળકની નોંધણીની પ્રક્રિયા શરૂ થાય છે.

ફરિયાદ નોંધાયા પછી દસ્તાવેજો તૈયાર કરવા માટે મામલાને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે. ત્યાર પછી તેને સિવિલ રજિસ્ટ્રીમાં મોકલવામાં આવે છે, જ્યાં બાળકની નોંધણી માતાના નામે થાય છે અને નિયમ મુજબ તેને સંપૂર્ણ કાયદેસર નામ આપવામાં આવે છે.

પરંતુ ઇદ્રીસ કહે છે કે યુદ્ધ દરમિયાન વાસ્તવિક સ્થિતિ સાવ અલગ છે. ખાસ કરીને દારફુરમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સરકારી સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સિવિલ રજિસ્ટ્રીની કચેરીઓ બંધ થઈ ગઈ છે. પરિણામે હજારો બાળકોની જન્મનોંધણી થઈ શકી નથી.

"દસ્તાવેજો ન હોવાનો અર્થ માત્ર એક કાગળ ન હોવો એટલો જ નથી. તેનો અર્થ એ પણ છે કે બાળકને શિક્ષણ, આરોગ્યસંભાળ અને કાયદેસર ઓળખ મેળવવાના અધિકારથી વંચિત રાખવો." તેઓ બીબીસીને કહે છે.

આ વકીલનું કહેવું છે કે પહોંચવું શક્ય હોય એવા વિસ્તારોમાં સિવિલ રજિસ્ટ્રીની કચેરીઓ ફરી શરૂ કરવી અને કાયદાકીય પ્રયાસો વધારવા અત્યંત જરૂરી છે, જેથી બાળકોને પોતાની ઓળખ અને કાયદેસર માન્યતાનો અધિકાર મળી શકે.

અમીરા અને તેનું બાળક હજી દારફુરમાં જ છે અને તેથી તેમની સ્થિતિ વહીવટી રીતે અનિશ્ચિત છે.

અમીરાનાં માતા માને છે કે પોતાના પૌત્રના દસ્તાવેજો ન હોવાની ચિંતા તો છે. પરંતુ અત્યારે તો પરિવાર ફરી એકબીજાને મળી શક્યો એની ખુશી છે.

નાદાએ અમીરાને માનસિક અને ભાવનાત્મક મદદ માટેની બેઠકો કરવા ઉપરાંત અન્ય સલાહ પણ આપી છે. તેનાથી પરિવારને થોડી રાહત મળી છે.

"તેને મળી નહોતી ત્યાં સુધી હું ખૂબ ચિંતામાં હતી. મેં ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું," અમીરાની માતાએ બીબીસીને કહ્યું.

"અમારી દીકરી પાછી મળી એ ઈશ્વરનો ચમત્કાર જ હતો. તેને ફરી અમારી વચ્ચે જોઈને અમને જે ખુશી થઈ છે, એ માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન