અક્ષર પટેલ ઇંગ્લૅન્ડ સામે બન્યા મૅન ઑફ ધ મૅચ, મેદાન પર તેમના મગજમાં શું ચાલતું હતું?

અક્ષર પટેલ, ઇંગ્લૅન્ડ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારત ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વનડે મૅચ જીતી ગયું છે. મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 258 રન કર્યા હતા અને જવાબમાં ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની મદદથી ચાર ઓવર પહેલાં જ મૅચ જીતી લીધી.

આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

ભારતની શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા માત્ર 11 રન કરી શક્યા, જ્યારે વિરાટ કોહલી પણ 5 રન કરી શક્યા હતા.

જોકે ત્યાર બાદ બેટિંગમાં આવેલા શુભમન ગિલે બાજી સંભાળી અને 75 બૉલમાં 11 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 80 રન કર્યા હતા.

વૉશિંગ્ટન સુંદરે પણ અર્ધ સદી ફટકારીને અણનમ 52 રન કર્યા હતા.

ઑલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલે 52 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 57 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડે ટી20 સિરીઝમાં ભારતની ટીમને 4-0થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વખતની ભારતીય ટીમ કોઈ અલગ અંદાજમાં દેખાતી હતી.

259 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતાં શુભમન ગિલે સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. જોકે ભારત લક્ષ્યથી 99 રન દૂર હતું અને તેની ચાર વિકેટ પડી ગઈ હતી અને ગિલ રિટાયર્ડ હર્ટ થઈ ગયા હતા, પરંતુ આની અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર પર કોઈ અસર ન થઈ. અક્ષરે આ મૅચમાં આક્રમક બૅટ્સમૅનની ભૂમિકા ભજવી હતી, જ્યારે સુંદરે એક છેડો જાળવી રાખ્યો હતો. અને આમ ભારત 28 બૉલ બાકી રહેતા મૅચ જીતી ગયું.

અક્ષરે 52 બૉલમાં માત્ર 57 રન જ નહીં, પરંતુ ચાર વિકેટ પણ લીધી. ઇંગ્લૅન્ડ કદાચ 290 સુધી પહોંચી શક્યું હોત, પરંતુ અક્ષર પટેલે ડોસનને ડીપ સ્ક્વેર લૅગ પર પુલ શૉટ રમવા માટે મજબૂર કર્યા, જ્યાં તેમનો કૅચ થયો. ત્યાર બાદ ડાબોડી સ્પિનર અક્ષરે નીચલા ક્રમના બૅટ્સમૅનોને ઝડપથી આઉટ કરીને મૅચને પૂરી કરી નાખી.

ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં અક્ષર પટેલ છવાઈ ગયા

અક્ષર પટેલ, ઇંગ્લૅન્ડ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Maynard Manyowa/News Images/NurPhoto via Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અક્ષર પટેલ પોતાની છેલ્લી વનડે મૅચ સિડનીમાં રમ્યા હતા. એ મૅચમાં તેમણે સારી બૉલિંગ કરી હતી, છતાં રવીન્દ્ર જાડેજા અને પછી હર્ષ દુબેને મહત્ત્વ આપવામાં આવ્યું અને અક્ષર પટેલને પડતાં મુકાયા હતા.

એવામાં ટીમમાં સ્થાન મેળવવા માટે ચાલતી પ્રતિસ્પર્ધાને જોતાં આ મૅચ અક્ષર પટેલ માટે મહત્ત્વપૂર્ણ હતી. એક નાની સ્પર્ધા વૉશિંગ્ટન સુંદર સાથે પણ હતી.

તામિલનાડુના આ ઑલરાઉન્ડરને કેએલ રાહુલ પહેલાં બેટિંગ માટે મોકલવામાં આવ્યા, જેથી ટોચના પાંચ બૅટ્સમૅનમાં સતત જમણેરી બૅટ્સમૅનનો ક્રમ તૂટી શકે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં આ ભૂમિકા અક્ષર પટેલ ભજવી રહ્યા હતા.

વનડે ક્રિકેટમાં ઉતારચઢાવ ભરેલા સમય બાદ એ કહેવું ખોટું નહીં હોય મંગળવારના આ પ્રદર્શનને કારણે અક્ષર પટેલ બધા ફિંગર સ્પિનરોથી આગળ પહોંચી નીકળી ગયા છે. ખાસ કરીને ત્યારે જ્યારે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વિશ્વકપમાં ભારત એક ફિંગર સ્પિનર સાથે ઊતરે તેવી શક્યતા છે.

અક્ષરે ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં સૌથી મહત્ત્વપૂર્ણ સમયે બૉલિંગ કરતાં સદી બનાવનાર બેટિંગ ભાગીદારીને તોડી અને પછી નીચલા ક્રમને સમેટીને જો રૂટને છેલ્લી ઓવરો સુધી બેટિંગ કરવાની તક ન આપી.

જોકે ટીમ પ્રબંધનને તેમની બેટિંગ કદાચ આનાથી પણ વધારે પસંદ આવી હશે. લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ સતત વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી ત્યારે અક્ષર પટેલે વૉશિંગ્ટન સુંદરની સાથે મળીને ઇનિંગ્સ સંભાળી હતી.

બંનેએ પાંચમી વિકેટ માટે 100થી વધારેની ભાગીદારી કરી. આ ભાગીદારીમાં અક્ષરે આક્રમક ભૂમિકા ભજવી અને ભારતને જીત સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ચાર વિકેટ, નૉટ-આઉટ અર્ધ સદી અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર, કોઈ પણ ઑલરાઉન્ડર માટે આનાથી વધુ સારું પ્રદર્શનની કલ્પના કરવી મુશ્કેલ છે.

અક્ષર પટેલે ઇંગ્લૅન્ડ સામે 4 વિકેટ લીધી, મેદાન પર તેમના મગજમાં શું ચાલતું હતું?

અક્ષર પટેલના પ્રદર્શનનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે તેમણે મૅચ બાદ જણાવ્યું હતું કે તેઓ શું વિચારીને મેદાન પર રમી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "મેં આજે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તેનાથી હું ખુશ છું. હું મારી ઝડપમાં પરિવર્તન કરવાનું અને સ્ટમ્પ ટુ સ્ટમ્પ બૉલિંગ કરવાનો વિચારતો હતો અને તે જ મેં કર્યું. હું નસીબદાર છું કે મેં ચાર વિકેટ લીધી."

"વૉશિંગટન સુંદરની સાથે પણ મેં સ્ટ્રાઇક રૉટેટ કરવા પર અને મૅચ જીતવા પર ધ્યાન આપ્યું. હું મેદાન પર પહોંચ્યો ત્યારે મારા મગજમાં ચાલી રહ્યું હતું કે હું એક પાર્ટનરશિપ બનાવવી અને મૅચને પૂર્ણ કરવી."

અક્ષર પટેલના આ પ્રદર્શન અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ વિજય ટીમ ઇન્ડિયાને ખૂબ સંતોષ આપશે, કારણ કે તે બે ઑલરાઉન્ડરો વચ્ચેની શાનદાર ભાગીદારી પર આધારિત હતી, જેની ટીમને લાંબા સમયથી જરૂર હતી. અક્ષર પટેલે લગભગ ભૂલરહિત પ્રદર્શન કર્યું, જ્યારે વૉશિંગ્ટન સુંદર સમગ્ર ઇનિંગ્સ દરમિયાન સંપૂર્ણ નિયંત્રણમાં જોવા મળ્યા."

ઇંગ્લૅન્ડ સામેની વનડેમાં રોહિત અને કોહલી ન ચાલ્યા

વિરાટ કોહલી અને રોહિત શર્મા, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાન્યુઆરીમાં શ્રીલંકામાં મળેલી જીતને સામેલ કરવા છતાં આ ઇંગ્લૅન્ડની છેલ્લી 20 વનડેમાં આ 14મી હાર હતી.

આ મેદાનમાં પીચથી ઝડપી બૉલરને કેટલીક મદદ મળી રહી હતી, પરંતુ ઇંગ્લૅન્ડની ટીમમાં એક નિષ્ણાત ફાસ્ટ બૉલરનો અભાવ જણાયો. તેના ઑલરાઉન્ડરનું પણ ભારતીય ઑલરાઉન્ડરની સામે પ્રદર્શન પ્રભાવી ન રહ્યું.

અંતે મૅચ ભારત માટે સરળ જીતમાં ફેરવાઈ ગઈ, જેનાથી બર્મિંઘમમાં હાજર ભારતીય ફૅન્સ પણ ઘણા ખુશ દેખાયા.

હાલના વિશ્વ ચૅમ્પિયન ભારતનું ટી20 સિરીઝમાં બહુ ખરાબ પ્રદર્શન રહ્યું હતું, પણ આ વનડે ટીમમાં દિગ્ગજ ખેલાડીઓને જોતાં સિરીઝ ઇંગ્લૅન્ડ માટે પણ પડકારજનક રહેશે એ લગભગ નક્કી જ હતું.

બુમરાહના શરૂઆતના સ્પેલને કારણે એજબેસ્ટનમાં મૅચ રોમાંચક બની હતી. 37 વર્ષીય કોહલી કદાચ ઇંગ્લૅન્ડમાં પોતાની છેલ્લી સિરીઝ રમી રહ્યા છે, 39 વર્ષીય રોહિત પણ દેશ માટે કદાચ છેલ્લી વખત રમી રહ્યા છે.

લક્ષ્યનો પીછો કરવા ઓપનિંગમાં ઊતરેલા રોહિત 11 રન બનાવીને સૅમ કરનના બૉલે મિડ-ઑન પર કૅચ આપી બેઠા. આગલી ઓવરમાં કોહલી પાંચ રન બનાવીને જોફ્રા આર્ચરના બૉલે એલબીડબલ્યુ આઉટ થઈ ગયા.

જોકે ગિલ આ મેદાન પર સહજ દેખાયા. ગયા વર્ષે તેમણે અહીં એક ટેસ્ટ મૅચમાં 439 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર સાથે 101 રનની ભાગીદારીને કારણે ભારત મૅચ જીતવાને આરે પહોંચી ગયું હતું. આ દરમિયાન ગિલે કેટલાક શાનદાર શૉટ માર્યા.

ઇંગ્લૅન્ડનો ટી20વાળો દબદબો ગાયબ રહ્યો

કૅપ્ટન શુભમન ગિલ 80 રને સરસ બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ ઈજાને કારણે તેમને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરી કે તે માત્ર સામાન્ય ઈજા હતી અને તેઓ ગુરુવારે કાર્ડિફમાં થનારી બીજી મૅચ માટે ફિટ રહેશે.

ભારતનો સ્કોર બે વિકેટે 149 હતો, પરંતુ ટૂંક સમયમાં ચાર વિકેટે 160 રન થઈ ગયા. આ સમયે ઇંગ્લૅન્ડ પાસે વાપસી કરવાની તક હતી. જોકે, 62 રનમાં ચાર વિકેટ લેનારા અક્ષર પટેલે અણનમ 57 રન કર્યા અને વૉશિંગ્ટન સુંદરે અણનમ 52 રન બનાવીને ભારતને આસાન જીત અપાવી.

એક સમયે એવું લાગતું હતું કે મૅચ બપોર સુધીમાં પૂરી થઈ જશે, પરંતુ જો રૂટ અને લિયામ ડોસન વચ્ચે 111 રનની ભાગીદારી થઈ અને ઇંગ્લૅન્ડે સ્થિરતા મેળવી લીધી.

ડોસનના 68 રન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ માટે તેમનો સર્વોચ્ચ સ્કોર હતો, જ્યારે રૂટે તેમના અંદાજમાં શાનદાર બેટિંગ કરીને અણનમ 76 રન કર્યા.

ઇંગ્લૅન્ડે પોતાની છેલ્લી ચાર વિકેટ માત્ર 30 રનમાં ગુમાવી દીધી અને રૂટ બીજા છેડે અણનમ રહ્યા.

ઇંગ્લૅન્ડ આમ તો ટી20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ છે, છતાં વનડેમાં આ તેની એક ચિરપરિચિત હાર હતી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ઇંગ્લૅન્ડને 19 મહિના પછી વર્લ્ડકપના દાવેદાર બનવા માટે હજુ કેટલું કામ કરવાનું બાકી છે.

બુમરાહે પણ શાનદાર બૉલિંગ કરી

અક્ષર પટેલ, ઇંગ્લૅન્ડ, ભારત, બીબીસી ગુજરાતી,જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Andy Kearns/Getty Images

ઇંગ્લૅન્ડની શરૂઆતની બેટિંગ બહુ ખરાબ રહી. ટીમના કોઈ નુકસાન વગર 61 રન હતા, પણ પછી ત્રણ વિકેટે 64 અને છ વિકેટે 107 રને પહોંચી ગઈ.

બેન ડકેટે 43 રન કર્યા, પરંતુ નવા ઓપનર તરીકે જેકબ બેથેલ અસહજ લાગ્યા. તો ઇંગ્લૅન્ડ માટે 200 વનડે રમનાર બીજા ખેલાડી બનેલા જૉસ બટલર ફક્ત પાંચ રન બનાવી શક્યા.

આ મૅચમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન ઉત્તમ હતું. તેમણે 31 રન આપીને માત્ર એક વિકેટ લીધી હોય પણ ઘણી સારી બૉલિંગ કરી. તેમની એકમાત્ર વિકેટ નિર્ણાયક હતી, જ્યારે હેરી બ્રુક સ્લિપમાં કૅચ આપી બેઠા.

ઇંગ્લૅન્ડના આઠમા નંબરના બૅટ્સમૅન ડોસન 22મી ઓવરમાં જો રૂટને સાથ આપવા આવ્યા અને તરત બાજી સંભાળી. તેમણે મજબૂત રક્ષણાત્મક ભૂમિકા ભજવી, ઘણી વખત રૂટ કરતા તેમણે સ્ટ્રાઇક રાખી.

રૂટને સાત રને જીવતદાન મળ્યા બાદ તેમણે શાનદાર બેટિંગ કરી. 2025ની શરૂઆતથી આ ફૉર્મેટમાં તેમની સરેરાશ 70ની રહી છે.

આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટોંગ અક્ષરના ફક્ત છ બૉલમાં જ આઉટ થઈ ગયા. રૂટ પાસે સામા છેડે કોઈ ભાગીદાર રહ્યા નહીં અને ઇંગ્લૅન્ડની આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ.

છેલ્લી 19 વનડેમાં 11મી વખત ઇંગ્લૅન્ડ 50 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન