આ વર્ષે ઍટલાન્ટિક વાવાઝોડાની સિઝનમાં ઓછાં તોફાનો આવવાની શક્યતા કેમ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન,

ઇમેજ સ્રોત, NOAA/Reuters

    • લેેખક, બેન રીચ
    • પદ, લીડ વેધર પ્રેઝન્ટર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકાના હવામાન આગાહી કરનારા નિષ્ણાતો કહે છે કે આ વર્ષની ઍટલાન્ટિક હરિકેન (વાવાઝોડા)ની સિઝન સામાન્ય કરતાં ઓછી સક્રિય રહેવાની અપેક્ષા છે અને તે માટે મુખ્યત્વે વિકસી રહેલું અલ નીનો જવાબદાર છે.

એનઓએએ (નૅશનલ ઓશનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન)એ 2026ની સિઝન માટેની આગાહી કરી છે અને કહ્યું છે કે સિઝન સરેરાશ કરતાં ઓછી સક્રિય રહેવાની 55 ટકા સંભાવના છે, તેમજ ઉષ્ણકટિબંધીય તોફાનની તીવ્રતા કે તેનાથી વધુ તીવ્રતા ધરાવતાં 8થી 14 વચ્ચેનાં જાણીતાં વાવાઝોડાં ફૂંકાઈ શકે છે.

તેમાં ત્રણથી છ વાવાઝોડાંનો સમાવેશ થાય છે અને તેમાંથી એકથી ત્રણ વચ્ચેનાં વાવાઝોડાં કૅટેગરી 3 કે તેથી વધુની તીવ્રતા ધરાવતાં મોટા ચક્રવાત સ્વરૂપનાં (મેજર હરિકેન) હોઈ શકે છે.

ઍટલાન્ટિક હરિકેનની સિઝન પહેલી જૂનથી 30મી નવેમ્બર સુધી ચાલે છે અને સામાન્યતઃ તેમાં 14 જાણીતાં વાવાઝોડાં, સાત વાવાઝોડાં (હરિકેન) અને ત્રણ મોટા ચક્રવાત (મેજર હરિકેન) ફૂંકાતાં હોય છે.

ખુલ્લા સમુદ્રની સપાટીનું તાપમાન વિ. અલ નીનો

વાવાઝોડાની આ સિઝન કેટલી તીવ્ર હોઈ શકે છે, તેનો આધાર તેના પર અસર ઉપજાવતાં કેટલાંક પરિબળો પર રહે છે.

બીજી તરફ, ઍટલાન્ટિકમાં સમુદ્રની સપાટીનું તાપમાન સાધારણ કરતાં ઊંચું રહેવાની શક્યતા છે - જે સામાન્યપણે વધુ સક્રિય વર્ષને સહાય કરે છે, કારણ કે વાવાઝોડાં તેમની ઊર્જા સમુદ્રના ગરમ પાણીમાંથી મેળવે છે.

જોકે, તેનાથી વિપરિત તીવ્ર અલ નીનોની સંભવિતતા પણ વધી રહી છે.

આબોહવાની આ કુદરતી ઘટનામાં પેસિફિક મહાસાગરમાં પૂર્વથી પશ્ચિમ તરફ વાતા વેપારી પવનો (ટ્રેડ વિન્ડ્ઝ)નો સામાન્ય પ્રવાહ ધીમો પડી જાય છે કે પછી ફંટાઈ જાય છે, જેના લીધે અમેરિકાની નજીક ગરમ પાણી એકઠું થવા લાગે છે.

તેના લીધે આકાશમાં ગાજવીજ સાથેનાં શક્તિશાળી વાવાઝોડાં આવી શકે છે, જે કેરિબિયન તથા ઍટલાન્ટિકમાં વર્ટિકલ વિન્ડ શિયર (પવનના વેગ તથા દિશામાં થતો ફેરફાર) વધારી શકે છે - તેનો અર્થ એ કે હવામાનમાં ઊંચાઈ પર ફુંકાતાં તીવ્ર પવનો તે વાવાઝોડાંને વિખેરી શકે છે.

હવામાનની આગાહી કરનારા નિષ્ણાતોએ ગણતરી કરી છે કે અલ નીનો પરિબળ વાવાઝોડા (હરિકેન)ની ગતિવિધિને એકંદરે સામાન્ય કરતાં નીચે રાખવા માટે પૂરતું શક્તિશાળી હોઈ શકે છે, પણ હજુયે તેમાં ઘણી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે.

"વિનાશ વેરવા એક વાવાઝોડું પૂરતું છે"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન,

ઇમેજ સ્રોત, Steven D Starr via Getty Images

ઇમેજ કૅપ્શન, 1992ની સરેરાશ કરતાં ઓછી તીવ્ર સિઝનમાં વાવાઝોડું એન્ડ્રૂ ત્રાટક્યું હતું, પણ એ સમયે તે અમેરિકામાં આવેલું સૌથી વિનાશકારી વાવાઝોડું હતું

વાવાઝોડું (ચક્રવાત, હરિકેન) જીવલેણ હોઈ શકે છે.

હવામાન ઉપર તેની વિવિધ પ્રકારની અસરો પડે છે, જેમાં વિનાશકારી પવનો, ભારે પૂર લાવનારો વરસાદ અને વાવાઝોડાનો સમાવેશ થાય છે, જે દરિયાકાંઠાના પ્રદેશોને જળબંબાકાર કરી શકે છે.

હવામાનશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે સરેરાશ કરતાં ઓછી તીવ્ર સિઝનમાં પણ મેજર હરિકેન (મોટાં ચક્રવાત) વિકસી શકે છે અને વિનાશ વેરી શકે છે.

એનઓએએની નૅશનલ વેધર સર્વિસના ડાયરેક્ટર કેન ગ્રેહામ કહે છે, "ઍટલાન્ટિક બેસિનમાં અલ નીનોની અસર ઘણી વખત વાવાઝોડાને વધતું અટકાવી શકે છે, તેમ છતાંયે દરેક સિઝન કેવી રહેશે, તેને લઈને અનિશ્ચિતતા પ્રવર્તે છે.

"સિઝનને ખરાબ કરવા માટે ફક્ત એક વાવાઝોડું પૂરતું હોય છે."

હવામાનશાસ્ત્રીઓ 1965માં આવેલા હરિકેન બેટ્સી તથા 1992ના હરિકેન એન્ડ્રુનાં ઉદાહરણો ટાંકે છે. આ બંને ભયાનક વાવાઝોડાં હતાં, જે સરેરાશ કરતાં ઓછી સક્રિય સિઝનમાં જ આવ્યાં હતાં.

હરિકેનની 'સામાન્ય' સિઝન કઈ હોય છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હરિકેન ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં હોય છે, જે ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર ઉપર તેમજ ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગર ઉપર રચાય છે.

વિશ્વના અન્ય ભાગોમાં આ તોફાનોને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે, જેમ કે, જાપાન અને ચીન નજીક ઉત્તર-પશ્ચિમ પેસિફિકમાં તેને ટાયફૂન કહેવામાં આવે છે, તો હિંદ મહાસાગર તથા ઑસ્ટ્રેલિયાની આસપાસ તેને સાઇક્લોન કહેવામાં આવે છે.

હરિકેન સિઝનની ગતિવિધિ સામાન્યપણે સપ્ટેમ્બરમાં તેની ચરમસીમાએ પહોંચે છે.

ચોક્કસ સિઝન કેવું સ્વરૂપ ધારણ કરશે, તેનું અનુમાન કરવા માટે હવામાનશાસ્ત્રીઓ હવામાનનાં નિરીક્ષણો, ઐતિહાસિક ડેટા તથા કમ્પ્યુટર મૉડલ્સનો ઉપયોગ કરે છે.

1991-2020ના 30 વર્ષના ગાળા પર આધારિત "સરેરાશ" એક સિઝન 14 નામાંકિત તોફાનો લાવે છે - જેમાં નિમ્નસ્તરીય ઉષ્ણકટિબંધીય તોફાનોથી માંડીને કૅટેગરી 5નાં પ્રચંડ શક્તિશાળી હરિકેનનો સમાવેશ થાય છે.

જો અંદાજે વાવાઝોડાંની સંખ્યા સરેરાશ કરતાં વધારે હોય, તો તે સક્રિય કે અતિ-સક્રિય સિઝન ગણાય છે, જ્યારે અન્ય વર્ષોમાં ઓછાં વાવાઝોડાં ફૂંકાય છે અને તે ઓછી સક્રિય સિઝન તરીકે ઓળખાય છે.

ગત એપ્રિલમાં કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી અન્ય એક વાર્ષિક આગાહી પણ સૂચવે છે કે, 2026ના વર્ષમાં સિઝન સરેરાશ કરતાં ઓછી સક્રિય રહેશે.

તે કુલ 13 નામાંકિત તોફાનોની આગાહી કરે છે, જેમાં છ વાવાઝોડાં અને બે મોટાં વાવાઝોડાંનો સમાવેશ થાય છે.

ગઈ સિઝનની આગાહી કેટલી સચોટ રહી હતી?

એનઓએએએ 2025ની સિઝન સરેરાશ કરતાં વધુ સક્રિય રહેવાની આગાહી કરી હતી, તેમજ છથી 10 વાવાઝોડાં અને ત્રણથી પાંચ મોટાં વાવાઝોડાં સહિત 13થી 19 તોફાનોની આગાહી કરી હતી.

વાસ્તવમાં આગાહીની રેન્જના નીચલા સ્તર પર 13 તોફાનો આવ્યાં હતાં અને તેમાંથી માત્ર પાંચ તોફાનો જ વાવાઝોડાંમાં પલટાયાં હતાં.

જોકે, આવેલાં તોફાનો ઘણાં શક્તિશાળી હતાં (તેમાં ચાર વિનાશક હરિકેન અને ત્રણ કૅટેગરી-5નાં તોફાનો હતાં) - જે એક જ સિઝનમાં નોંધાયેલાં અત્યાર સુધીનાં બીજાં સૌથી વધુ શક્તિશાળી તોફાનો હતાં.

કદાચ તે સિઝનનું સૌથી નોંધનીય વાવાઝોડું હરિકેન મેલિસા હતું, જે કૅટેગરી-5ના વાવાઝોડા સ્વરૂપે જમૈકા પર ત્રાટક્યું હતું. તે વાવાઝોડાંને પગલે અંદાજે 6થી 7 અબજ ડૉલરનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ આંકવામાં આવ્યો હતો.

વળી, તેના લીધે ક્યૂબા, હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં પણ ઘણું નુકસાન થયું હતું.

એરિન અને હમ્બર્ટો કૅટેગરી-5નાં બીજાં તોફાનો હતાં, તો ગેબ્રિએલ કૅટેગરી-4નાં મેજર હરિકેનની યાદીમાં સામેલ હતું.

ઍટલાન્ટિકમાં આ તમામ ગતિવિધિઓ છતાં, કૉન્ટિનેન્ટલ અમેરિકા ઊગરી ગયું હતું અને 2025માં એક પણ વાવાઝોડું ત્યાં ત્રાટક્યું નહોતું. માત્ર એક ઉષ્ણકટિબંધીય તોફાન - ચેન્ટલ આવ્યું હતું, જેણે જુલાઈમાં કેરોલિનાસ પ્રદેશને પ્રભાવિત કર્યો હતો.

2025ની વાવાઝોડાની સિઝનનું અન્ય એક નોંધપાત્ર પાસું એ હતું કે, સામાન્યપણે વર્ષના જે ભાગમાં તોફાનો તેમની ચરમસીમાએ હોય છે, તે જ ગાળામાં તેની ગતિવિધિ શાંત જોવા મળી હતી.

24મી ઑગસ્ટ અને 16મી સપ્ટેમ્બરના ગાળાની વચ્ચે કોઈ તોફાન આવ્યું નહોતું અને 1992 પછી આ ગાળામાં આવું પ્રથમ વખત બન્યું હતું.

આ દર્શાવે છે કે, વાવાઝોડાની સિઝનની આગાહી કરવી જટિલ છે.

સક્રિય સિઝનો પણ એકદમ શાંત સ્થિતિ ધારણ કરી શકે છે, જ્યારે સરેરાશ કરતાં ઓછી સક્રિય સિઝન પણ ભયાનક વાવાઝોડાં નોતરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન