કૅનેડાની સરકારે સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ માટેના નિયમો કડક બનાવ્યા, અમલમાં આવેલા નવા નિયમો કયા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા કૅનેડાની સરકારે સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ માટેના નિયમો સખ્ત કર્યા, અમલમાં આવેલા નવા નિયમો કયા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાની સરકાર પ્રમાણે, આ પારદર્શીપણું વધારવા અને અરજદારોને છેતરપિંડી અને ખોટી માહિતીથી બચાવવા માટેનું પગલું છે
    • લેેખક, તનિશા ચૌહાણ
    • પદ, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કૅનેડાની સરકારે ઇમિગ્રેશનની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાના આશય સાથે કૅનેડિયન સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ પરની દેખરેખ વધુ ચુસ્ત બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે.

નવા નિયમો 15મી જુલાઈ, 2026થી અમલમાં આવશે.

કૅનેડાની સરકારના જણાવ્યા પ્રમાણે, આ પગલું છેતરપિંડી અને ગેરમાહિતી સામે અરજીકર્તાઓને રક્ષણ પૂરું પાડવા માટે અને પારદર્શિતા વધારવા માટે ભરવામાં આવી રહ્યું છે.

હવે, આ નવા નિયમો કયા હશે, આ નિયમો તમને કેવી રીતે મદદ કરી શકે છે અને ભારતના અરજીકર્તાઓ વિશે કૅનેડાની સરકાર શું વિચારી રહી છે, તેની જાણકારી આપણે આ અહેવાલમાં મેળવીશું.

કૅનેડાના નવા નિયમો કયા હશે?

કૅનેડાની સરકાર દ્વારા ભરવામાં આવી રહેલું આ પગલું કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

વાસ્તવમાં, કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ (સીઆઇસીસી) એ કૅનેડાની સત્તાવાર નિયમનકારી સંસ્થા છે અને અરજીકર્તાઓનાં હિતોના રક્ષણ માટે સ્થપાઈ છે. આ સંગઠન ઇમિગ્રેશન, સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કન્સલ્ટન્ટ્સને લાઇસન્સ આપવાની અને તેમની દેખરેખ રાખવા માટે જવાબદાર છે.

સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ એ એવા વ્યાવસાયિકો છે, જેઓ લોકોને કામ માટે, અભ્યાસાર્થે કે કાયમી વસવાટ માટે કાયદેસર રીતે કૅનેડા આવવામાં મદદ કરે છે. તેઓ અરજીકર્તાઓને ઇમિગ્રેશનના જટિલ કાયદાઓ સમજવામાં, વિઝાની અરજીઓ સંભાળવામાં તેમજ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ પૂરી પાડે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડા સરકાર દ્વારા ભરવામાં આવેલું આ પગલું કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સની ભૂમિકાને વધુ ચુસ્ત બનાવશે (પ્રતીકાત્મક તસવીર)

નવા નિયમો હેઠળઃ

  • ફરિયાદ મળતાં શિસ્તભંગનાં પગલાં વધુ મજબૂત કરવાની સત્તા કૉલેજ પાસે રહેશે અને તેમાં નિયમોનો ભંગ કરનારા સલાહકારોને વધુ આકરો દંડ ફટકારવાનો પણ સમાવેશ થાય છે.
  • એપ્રિલ, 2027થી કૉલેજના જાહેર રજિસ્ટરમાં લાઇસન્સ ધરાવતા કન્સલ્ટન્ટ્સ વિશેની મહત્ત્વની વિગતો પૂરી પાડવી ફરજિયાત બનશે, જે પાછળનો આશય પારદર્શિતા વધારવાનો અને અનધિકૃત પ્રતિનિધિઓથી લોકોને બચાવવાનો છે.
  • સિટીઝનશિપ કાઉન્સેલર્સની જવાબદારી કૉલેજ દ્વારા નક્કી કરવામાં આવશે.
  • નિયમોને સ્પષ્ટ કરીને દુરુપયોગની તપાસ કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવશે.
  • જો બોર્ડ તેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ જાય, તો બોર્ડનાં કાર્યો સંભાળવા માટે એક વ્યક્તિની નિમણૂંક કરવાની સત્તા મંત્રી પાસે રહેશે.
  • છેતરપિંડી આચરનારા સલાહકારોને કારણે નાણાંકીય ખોટ સહન કરનારા પીડિતોને મદદ કરવા માટેના કૉલેજના કમ્પેન્સેશન ફંડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.

નવા નિયમો વિશે સરકારનું શું કહેવું છે?

ઇમિગ્રેશન, રેફ્યૂજીઝ ઍન્ડ સિટીઝનશિપ મંત્રી લીના મેટલેજ ડિયાબે જણાવ્યું હતું, "કૅનેડામાં પોતાના ભવિષ્યનું નિર્માણ કરવા માગતા લોકો ઇમિગ્રેશન અને સિટીઝનશિપ માટેની પ્રામાણિક તથા વિશ્વાસનીય સલાહ મેળવવાના હકદાર છે."

"આ ફેરફાર આપણને છેતરપિંડી તથા દુરુપયોગ સામે અરજીકર્તાઓનું રક્ષણ કરવામાં મદદ પૂરી પાડશે તેમજ આપણી કટિબદ્ધતા સુનિશ્ચિત કરશે."

કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સનાં વચગાળાનાં પ્રમુખ તથા ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર કૅટ લેમ્બે કહ્યું હતું, "આ નિયમો કૅનેડાના ઇમિગ્રેશન અને સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ વ્યાવસાયિકતાના ઉચ્ચ માપદંડોને સંતોષવાનું ચાલુ રાખે, તે સુનિશ્ચિત કરવા માટે કૉલેજ પાસે ઉપલબ્ધ સંસાધનો તથા સત્તાને વધુ મજબૂત કરે છે."

પીડિતો માટેના વળતર વિશે વિભાગે બીબીસીને શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ નિયમો વળતર ભંડોળ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ તૈયાર કરશે (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ નવા નિયમો વિશે વધુ સમજૂતી મેળવવા માટે બીબીસી પંજાબીએ ઇમિગ્રેશન, રેફ્યૂજીઝ ઍન્ડ સિટીઝનશિપ મંત્રી લીના મેટલેગ ડિયાબનો ઇ-મેઇલ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને અમને તેમનો પ્રતિભાવ મળ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, નવા નિયમો લાઇસન્સ ધરાવનારા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ સામે શિસ્તની કાર્યવાહીને વધુ કડક બનાવશે, લાઇસન્સ ધરાવતા કન્સલ્ટન્ટ્સના જાહેર રજિસ્ટરને વિસ્તારશે તથા નિયમ ભંગ કરનારા લોકો માટે તપાસની પ્રક્રિયામાં વધુ સુધારો લાવશે.

તેની સાથે જ, આ નિયમો વળતર ભંડોળ (કમ્પેન્સેશન ફંડ) માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરશે, જેથી છેતરપિંડી કરનારા લાઇસન્સ ધરાવનારા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સને કારણે નાણાંકીય ખોટ વેઠનારા પીડિતોને વળતર મળી શકે.

આ નિયમો કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન, આઇઆરસીસીએ આ નિયમો ઇમિગ્રેશન અને સિટીઝનશિપની સલાહ મેળવવા માગતા લોકોને મદદરૂપ થાય, તે સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતો અને હિતધારકો સાથે સલાહ-મસલત કરી હતી.

લાઇસન્સ ધરાવતા સલાહકારની છેતરપિંડીને કારણે નાણાંકીય ખોટ વેઠનારા લોકો વળતર મેળવી શકે છે, જેમાં નીચેની બાબતો સમાવિષ્ટ છેઃ

  • ફંડની ચોરી, છેતરપિંડી તથા દુરુપયોગ
  • દાવાની વિગતો ઇન્સ્યૉરન્સ કંપનીને પૂરી પાડવામાં નિષ્ફળ રહેવું અથવા તો ઇન્સ્યૉરન્સ કંપનીને સહકાર ન આપવો
  • અરજીકર્તાને ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવી
  • ગ્રાહકને ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી પૂરી પાડવાની સલાહ આપવી

જ્યારે શિસ્તભંગના નિર્ણય થકી એવું પુરવાર થાય કે, કોઈ વ્યક્તિએ છેતરપિંડીને કારણે નાણાંકીય ખોટ સહન કરવી પડી છે, ત્યારે તે વ્યક્તિ વળતર ભંડોળ મેળવી શકે છે, અથવા તો જો સમાન કાર્યવાહીને પગલે કન્સલ્ટન્ટનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હોવાથી પીડિતની ફરિયાદ શિસ્તભંગ સમિતિને ન મોકલવામાં આવી હોય, તો વ્યક્તિ વળતર ભંડોળ મેળવી શકે છે.

એક વખત કમ્પેન્સેશન ફંડ કમિટી વળતરની રકમ નક્કી કરી દે, તે પછી તે રકમ પીડિત વ્યક્તિને નિયમ અનુસાર શક્ય તેટલી વહેલી ચૂકવી દેવામાં આવશે.

કૅનેડા ભારત વિશે શું માને છે?

અમે વિભાગ પાસેથી એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે, કૅનેડા ભારતના અરજીકર્તાઓ વિશે શું માને છે.

વિભાગે કહ્યું હતું કે, કૅનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ ઉપરાંત વિભાગે જણાવ્યું હતું કે, તે તમામ અરજીકર્તાઓને છેતરપિંડીનો ભોગ બનવાથી બચવા માટે તેમજ સચોટ માહિતી મેળવવા માટે વિભાગની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવાની અપીલ કરે છે.

સાથે જ માહિતી આપી હતી કે, તેમનો વિભાગ અરજીકર્તાઓને છેતરપિંડીની ઓળખ કરવા, નિવારવા અને તેની જાણ કરવામાં મદદ કરવા માટે સાધનો પણ પૂરાં પાડે છે, જેમાં પ્રતિનિધિની સત્તાવાર યોગ્યતાની ખરાઈ કેવી રીતે કરવી, તે વિશેની માહિતીનો પણ સમાવેશ થાય છે.

વિભાગે ભારતીય અરજીકર્તાઓ માટે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ કૅનેડાનું લાઇસન્સ ધરાવતો ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે કે કેમ, તે જાણવા માટે તેમજ તેની સામે ભૂતકાળમાં કોઈ શિસ્તભંગનાં પગલાં ભરાયાં છે કે કેમ, તે જાણવા માટે અરજીકર્તાઓ કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન