અમદાવાદ : ઢોસા ખાધા બાદ બે બાળકીઓનાં મોતનો દાવો, પોલીસે દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢીને તપાસ હાથ ધરી

ઇમેજ સ્રોત, pavan jaishwal/BBC
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા બિલ્ડિંગમાં સાતમા માળે રહેતા પરિવારે નજીકમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. તેમાંથી બનાવેલા ઢોસાની કથિત ખોરાકી ઝેરની અસરને કારણે પરિવારની બે બાળકીઓનાં મોત થયાં હતાં.
જેમાંની એક બાળકી રાહા અઢી મહિનાની હતી. તેનો દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢીને પોલીસે તપાસ હાથ ધરી છે. એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) તેમજ ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારી જે.કે. મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એફ.એસ.એલ.ના રિપોર્ટ પર આ ઘટનાની તપાસનો મુખ્ય આધાર છે. તે રિપોર્ટ આવશે પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. અંદાજે પખવાડિયામાં રિપોર્ટ આવશે."

ઇમેજ સ્રોત, pavan jaishwal/BBC
પોલીસ અને પરિવારે ઘટના વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, pavan jaishwal/BBC
મકવાણાએ 6 એપ્રિલે મીડિયાને જણાવ્યું હતું કે, "1 એપ્રિલે ચાંદખેડાના આઈ.ઓ.સી. રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું. તેમાંથી બનાવેલા ઢોસા વિમલ પ્રજાપતિએ ખાધા હતા. 2 એપ્રિલે પણ ઢોસા બનાવીને ખાધા હતા, જેના કારણે ફૂડ પોઈઝનિંગને લીધે તબિયત કથળી હતી."
"તેમણે સામાન્ય સારવાર લેતા ફરક પડી જતાં દવાખાને ગયા ન હતા. તબિયત વધારે બગડતા અમદાવાદની કે.ડી. હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. 4 એપ્રિલે તેમની અઢી મહિનાની દીકરીનું અચાનક મૃત્યુ થયું હતું. મૃત્યુની જાણ કર્યા વગર જ તેમણે તેની અંતિમવિધિ કરી નાખી હતી. તે પછી 5 એપ્રિલે તેમની ત્રણ વર્ષની દીકરી (મિષ્ટી) અચાનક ચક્કર આવતા પડી જતાં, તેને તરત કે.ડી. હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી."
પ્રજાપતિ પરિવારના સંબંધીએ ખીરું વેચનારા વેપારી પર આક્ષેપ કર્યા હતા. તેમણે 6 એપ્રિલે મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે, "વિમલભાઈએ ઢોસા ખાધા પછી બીજે દિવસે સવારે ઊઠ્યા તો તેમને ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેમને પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિમલભાઈનાં પત્નીને ખબર નહોતી કે આ સમસ્યા ઢોસાને લીધે છે, તેથી તેમણે પણ ઢોસો ખાધો અને નાની દીકરીને પણ ખવડાવ્યો હતો."
"બીજા દિવસથી તેમને પણ ઊલટીઓ ચાલુ થઈ ગઈ હતી અને નાની દીકરીની તબિયત પણ બગડી ગઈ હતી. તેને પુષ્પમ્ હૉસ્પિટલમાં લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું હતું કે જીવ જતો રહ્યો છે. બીજી દીકરીની તબિયત પણ પછી બગડી ગઈ હતી. બીજે દિવસે સવારે ઊઠી તો તેની આંખો ખેંચાઈ ગઈ હતી. તેને તરત કે.ડી. હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટરે પ્રયાસ કર્યા પણ તેને બચાવી શક્યા ન હતા. અમારી માગ છે કે આ પ્રકારે ખીરું વેચાતું હોય તો તેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેરીના માલિકનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, pavan jaishwal/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અઢી મહિનાની જે બાળકી મૃત્યુ પામી હતી તેની પૉસ્ટમૉર્ટમ વગર જ પરિવારે દફનવિધિ કરી હતી. 7 એપ્રિલે ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટની હાજરીમાં ચાંદખેડામાં આવેલા સ્મશાનમાંથી પોલીસે બાળકીના મૃતદેહને બહાર કાઢીને પૉસ્ટમૉર્ટમ માટે શહેરની સિવિલ હૉસ્પિટલમાં મોકલી દીધો હતો. પોલીસે ઘનશ્યામ ડેરીમાંથી સી.સી.ટી.વી. વીડિયો તેમજ ઢોસાના ખીરાના નમૂના મેળવ્યા હતા.
ઘનશ્યામ ડેરી ચાંદખેડા વિસ્તારમાં 1997થી કાર્યરત છે. ત્યાં ડેરી પ્રોડક્ટ્સ તેમજ ઢોસાનું ખીરું વગેરે વસ્તુઓ મળે છે. ઢોસાના ખીરા અંગે થયેલા આક્ષેપનો જવાબ આપતાં ડેરીના માલિક વિપુલ પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "1 એપ્રિલે તેઓ ત્રણ કિલો ખીરું લઈ ગયા હતા. 3 તારીખે તેમના પરિવારમાંથી બહેન આવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હતું. મેં કહ્યું કે તમારી પાસે ખીરું હોય તો લેતા આવજો. તેઓ લઈને આવ્યા એટલે મેં ચાખ્યું અને પાછું લઈ લીધું."
દુકાનદાર વિપુલ પટેલે કહ્યું હતું કે, "જે લોકો વિમલભાઈ અગાઉ અને તેમના પછી ખીરું લઈ ગયા છે તેમાંથી કોઈની ફરિયાદ આવી નથી. જો ખોરાકી ઝેરની અસર થવાની હોય તો અન્ય લોકોને પણ થવી જોઈએ. બીજું કે, એ જ ખીરું અમારી દુકાનની સામે જ રહેતાં એક બહેન લઈ ગયાં હતાં. અમે તેમને ઘરે જઈને પૂછ્યું કે 1 એપ્રિલે તમે ખીરું લઈ ગયાં હતાં તે પછી પરિવારમાં કોઈને તબિયતની સમસ્યા સર્જાઈ હતી? તેમણે ના પાડી હતી."
"1 એપ્રિલે તેઓ ત્રણ કિલો ખીરું લઈ ગયા હતા અને 3 એપ્રિલે તેઓ ખીરું પાછું આપવા આવ્યા ત્યારે 2 કિલો અને 715 ગ્રામ ખીરું પાછું લાવ્યા હતા. મારી પાસે તેના પણ સી.સી.ટી.વી. વીડિયો છે. તેમણે 300 ગ્રામ ખીરું ઉપયોગમાં લીધું હતું. તેમણે જે ખીરું આપ્યું તે મેં સાચવીને ફ્રીજમાં મૂકી દીધું હતું. તપાસ અધિકારીઓ તેનો નમૂનો પણ લઈ ગયા છે. અમે પોલીસમાં અમારો જવાબ પણ લખાવી દીધો છે. આની ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ એવું અમે પણ ઇચ્છીએ છીએ."
વિમલભાઈ પ્રજાપતિ તેમજ તેમનાં પત્ની ભાવનાબહેન સારવાર હેઠળ છે. ચાંદખેડાસ્થિત તેમના ફ્લેટમાં જઈને તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું હતું કે, "અમે લોકો આઘાતમાં છીએ. હાલ કશું કહેવા માગતા નથી."
અઢી મહિનાની બાળકીને ફૂડ પોઇઝન થાય?

ઇમેજ સ્રોત, pavan jaishwal/BBC
અમદાવાદ સ્થિત બાળકોના નિષ્ણાત ડૉક્ટર ઉન્મેષ ઉપાધ્યાયે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "6 મહિના સુધી બાળકને માતાનું ધાવણ, દૂધ કે અન્ય પ્રવાહી જ ખોરાક સ્વરૂપે અપાતું હોય છે. તેને નક્કર ખોરાક આપી શકાતો નથી."
શું માતાને ખોરાકી ઝેરની અસર હોય તો તે ધાવણ મારફત અઢી-ત્રણ મહિનાની બાળકીમાં પણ ફેલાઈ શકે છે?
આનો જવાબ આપતાં ડૉ. ઉપાધ્યાયે કહ્યું હતું કે, "માતા તરફથી બાળકને શ્વાસોચ્છવાસનો ચેપ લાગી શકે છે. જેમ કે, માતાને કોરોના થયો હોય તો બાળકને થઈ શકે છે, પણ ધાવણ મારફત ફૂડ પોઈઝનિંગની અસરની શક્યતા નહિવત્ હોય છે."































