વૈભવ સૂર્યવંશીને આઉટ કરવાની ટ્રિક, ઇંગ્લૅન્ડ સામે ભારતની હાર બાદ જોફ્રા આર્ચરનું નિવેદન ચર્ચામાં કેમ આવ્યું?

વૈભવ સૂર્યવંશી, ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ, બીબીસી ગુજરાતી, શ્રેયસ અય્યર, જોફ્રા આર્ચર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૈભવ સૂર્યવંશી ત્રણ મૅચોમાં ફક્ત 42 રન જ નોંધાવી શક્યા છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

શ્રેયસ અય્યરને પહેલી વખત ટી-20 ફૉર્મેટની કૅપ્ટનશિપ મળી હતી, પણ તેમની ટીમ સળંગ પાંચ મૅચોમાં હારી ગઈ હતી.

જ્યારે વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામેની બે મૅચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું, ત્યારે ભારતમાં સોશિયલ મીડિયા પર એવી ઉગ્ર ચર્ચા જામી હતી કે, તેમને તક શા માટે નથી અપાઈ રહી.

આખરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચોની ટી20 સિરીઝની બીજી મૅચમાં વૈભવને તક મળી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ તેમની પ્રથમ મૅચ હતી, જેમાં તેઓ 10 બૉલમાં 14 રન કરીને આઉટ થયા હતા.

ત્રીજી મૅચમાં ભારત 125 રનથી હારી ગયું હતું અને વૈભવે પાંચ બૉલમાં 13 રન બનાવ્યા હતા. ચોથી મૅચમાં વૈભવ 10 બૉલમાં 15 રન કરીને આઉટ થઈ ગયા હતા.

એવું કહેવાઈ રહ્યું છે કે, દરેક બૉલ વખતે વૈભવનો મૂડ આક્રમક જ હોય છે અને તેમનો આ અભિગમ તેમને ભારે પડી રહ્યો છે.

બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાયેલી ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મૅચમાં વૈભવ 10 બૉલમાં 15 રન કરીને આઉટ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની તેમની ત્રણેય આંતરરાષ્ટ્રીય મૅચોમાં તેમને બૅક-ઑફ-લેન્થ બૉલ રમવામાં મુશ્કેલી પડી છે.

કહેવાઈ રહ્યું છે કે, જો વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી ટકી રહેવા માગતા હોય, તો તેમણે માત્ર આઇપીએલની સપાટ પિચો પર જ નહીં, બલ્કે વિશ્વભરની જુદી-જુદી સ્થિતિ ધરાવતી પિચો પર પણ રન નોંધાવવા પડશે.

છેલ્લી બે ટી20 મૅચોમાં આ રણનીતિથી સફળતા મળ્યા પછી વૈભવ સૂર્યવંશીના રાજસ્થાન રૉયલ્સની ટીમના સાથી ખેલાડી જોફ્રા આર્ચરે પહેલી ઓવરમાં જ બે શૉર્ટ બૉલ ફેંક્યા હતા.

આ યુવાન બૅટ્સમૅને બંને બૉલ પર મોટા શૉટ્સ રમવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ બેટ સાથે તેનો ઉચિત તાલમેળ બેસાડી શક્યા નહોતા.

આર્ચરે સતત શરીરને ટાર્ગેટ કરીને માત્ર આઠ બૉલની અંદર જ 15 વર્ષના વૈભવની વિકેટ ઝડપી લીધી હતી. આ તેમની સળંગ બીજી મૅચ હતી, જેમાં તેમણે વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા હતા.

જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશીને આઉટ કરવાની ફૉર્મ્યુલના શોધી કાઢી?

વૈભવ સૂર્યવંશી, ક્રિકેટ, મેચ, બેટિંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઇપીએલ 2026ની એલિમિનેટર મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રૉયલ્સના શાનદાર વિજય પછી જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશી સામેનો તેમનો બૉલિંગ પ્લાન પ્રગટ કરવાનો મજાક-મજાકમાં ઇનકાર કરી દીધો હતો.

આઇપીએલના સત્તાવાર પ્લૅટફૉર્મ પરના મૅચ પછી વાઇરલ થયેલા તે ઇન્ટરવ્યૂમાં આર્ચરને પૂછવામાં આવ્યું હતું કે, શું નેટ્સમાં બૉલિંગ કરતી વખતે તેમને વૈભવને અટકાવવા માટેની કોઈ ફૉર્મ્યુલા મળી ગઈ છે ખરી?

પોતાની ટીમના યુવા સાથી ખેલાડીની બેટિંગની કોઈ સંભવિત કમજોરી વિશે વાત કરવાને બદલે ઇંગ્લૅન્ડના આ ફાસ્ટ બૉલરે તે સવાલને મજાકમાં ખપાવીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

આર્ચરે હસતાં-હસતાં કહ્યું હતું કે, તેઓ સૂર્યવંશી સામે કેવી બૉલિંગ કરશે, તેનો જવાબ તેઓ આઇપીએલ પૂરી થઈ ગયા પછી આપશે. તેમના જવાબે ઘણા લોકોને અટકળો કરતા કરી દીધા હતા.

જ્યારે આર્ચરને પૂછવામાં આવ્યું હતું કે, શું નેટ્સમાં તેઓ સૂર્યવંશી સામે બૉલિંગ કરે છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "અમુક વખત."

એ પછી જ્યારે પ્રેઝન્ટરે તેમને પૂછ્યું કે, તેઓ સૂર્યવંશી સામે કેવા પ્રકારની બૉલિંગ કરે છે, ત્યારે આર્ચરે હસીને કહ્યું હતું, "એ હું તમને આઇપીએલ પછી કહીશ." હવે, આર્ચર વૈભવ સૂર્યવંશીનો સામનો કેવી રીતે કરવો, એનો જવાબ તેમની બૉલિંગ દ્વારા આપી રહ્યા છે.

બ્રિસ્ટલ ખાતે વૈભવ સૂર્યવંશીએ શૉર્ટ બૉલ પર પુલ શૉટ રમવાની કોશિશ કરવામાં મિડ-ઑન પર સૅમ કરનને સરળ કૅચ આપી દીધો હતો.

આ સાથે તેમની 10 બૉલની ઇનિંગ પૂરી થઈ ગઈ હતી. આ ડાબોડી બૅટ્સમૅન અત્યાર સુધીમાં તેમને મળેલી ત્રણ તકોમાં માત્ર 42 રન જ બનાવી શક્યા છે.

વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર વિક્રાંત ગુપ્તાએ ઍક્સ પર લખ્યું હતું, "વૈભવ સૂર્યવંશી બેટિંગ પ્રત્યેના તેમના 'સોડા-બૉટલ ઇફેક્ટ' (ઉભરો આવીને પછી શાંત થઈ જવું)ના અભિગમમાંથી જેટલા જલ્દી બહાર આવશે, એટલું તેમના માટે સારું રહેશે."

"ક્રિકેટમાં વિગતો ઝડપથી વિરોધી ટીમો સુધી પહોંચી જતી હોય છે."

"હવે, હરીફ ટીમો તેમની કમજોરીઓને નિશાન બનાવશે, એવા બૉલ ફેંકશે, જે તેમના શરીર અને ગળાની લાઇન પર બાઉન્સ થાય અને તેમને જોખમી શૉટ્સ રમવાની ફરજ પાડવાનો પ્રયત્ન કરશે."

વૈભવ સૂર્યવંશીએ મુખ્યત્વે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાની ઓળખ ઊભી કરી છે, જેમાં પરિસ્થિતિ ઘણી અલગ હોય છે.

ભારતીય બૅટ્સમૅનો ઐતિહાસિક રીતે ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં સંઘર્ષ કરતા આવ્યા છે અને આ ટૂરમાં પણ એવું જ બન્યું છે.

માત્ર સૂર્યવંશી જ નહીં, બલ્કે ટીમના અન્ય બૅટ્સમૅનોને પણ રન બનાવવાનું અઘરું પડી રહ્યું છે.

અભિષેક શર્મા તથા નવા કપ્તાન શ્રેયસ અય્યરને બાદ કરતાં બાકીના તમામ બૅટ્સમૅનોનો દેખાવ ધાર્યા મુજબનો નથી રહ્યો. જોકે, આ બે બૅટ્સમૅનો પણ તેમના શ્રેષ્ઠ ફૉર્મમાં નથી.

અલબત્ત, સચીન તેંડુલકરે પણ તેમની પ્રારંભિક વનડે આંતરરાષ્ટ્રીય મૅચોમાં સારું પ્રદર્શન નહોતું કર્યું.

પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામેની તેમની પહેલી બે વનડે મૅચોમાં તેઓ બે વખત શૂન્ય રને આઉટ થયા હતા.

વૈભવની બેટિંગની કઈ નબળાઈની ચર્ચા થાય છે?

વૈભવ સૂર્યવંશી, ક્રિકેટ, મેચ, બેટિંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવમી જુલાઈના રોજ ઇંગ્લૅન્ડના બ્રિસ્ટલમાં સીટ યુનિક સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટી20 ઇન્ટરનૅશનલ મૅચના અંતે ઇંગ્લૅન્ડના હૅરી બ્રુકે ભારતના વૈભવ સૂર્વયંશી સાથે હાથ મિલાવ્યા હતા.

આઇપીએલ દરમિયાન પણ એવી ચર્ચા ચગી હતી કે, શૉર્ટ-પિચ બૉલ સામે વૈભવની બેટિંગ એટલી ધારદાર નહોતી.

હાલની ટી20 સિરીઝમાં અને ગયા મહિને શ્રીલંકામાં રમાયેલી ત્રિકોણીય વનડે સિરીઝમાં તેમના પર્ફૉર્મન્સે તે આશંકાઓને અમુક અંશે સાચી ઠેરવી છે.

મુકુલ કેશવને લખ્યું હતું, "હું વૈભવ સૂર્યવંશીની સમગ્ર ઇનિંગ શરૂઆતથી આખર સુધી નથી જોતો. તેનું કારણ સરળ છે."

"આઇપીએલ બૅટ્સમૅનોની તરફેણમાં, ખાસ કરીને મોટા શૉટ્સ મારનારા બૅટ્સમૅનોની તરફેણમાં એટલો બધો ઝુકાવ ધરાવે છે કે, ચોગ્ગા-છગ્ગાનું મહત્ત્વ ઘટી જાય છે."

"સતત મોટા શૉટ્સ જોતા રહેવાનું થોડા સમય પછી કંટાળાજનક બની જાય છે અને રસ ઘટવા માંડે છે."

"ટી20 ક્રિકેટમાં મોટા શૉટ્સ મારનારા બૅટ્સમૅનો ટેસ્ટના બૅટ્સમૅનો કરતાં ઘણું વધારે જોખમ ઉઠાવે છે, પણ અહીં અંતર એ છે કે, તેઓ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવવાનું જોખમ ધરાવે છે, જ્યારે તેની સામે ટેસ્ટ ક્રિકેટમાં બૅટ્સમૅને 80 કે 90 ઓવર સુધી બેટિંગ કરવાની હોય છે."

"આથી, લાંબા ફૉર્મેટમાં બેટિંગને રોમાંચક બનાવતું જોખમ અને દબાણ ટી20માં સાવ ઓછું થઈ જાય છે."

"જ્યારે સૂર્યવંશીએ આઇપીએલમાં જસપ્રીત બુમરાહની એક ઓવરમાં બે સિક્સર મારી, ત્યારે મારા મનમાં એકસામટા બે વિચાર આવ્યા."

"પહેલો તો, "વાહ." અને બીજો, "હવે ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ સામે આવું જ કંઈક કરવાનો પ્રયત્ન કરી જો."

મુકુલ કેશવને આગળ લખ્યું હતું, "એ સાચું કે, આ તુલના બિલકુલ વાજબી નથી. જો સમાંતર દુનિયમાં ટેસ્ટ ક્રિકેટનું અસ્તિત્વ જ ન હોત અને માત્ર ટી20 ક્રિકેટ જ રમાતી હોત, તો કદાચ મારા જેવા દર્શકો આ બે ફૉર્મેટ્ની સરખામણી ન કરત."

"તે વખતે મેં કદાચ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ કોઈપણ પ્રકારના ખચકાટ વિના માણી હોત."

"પણ જો હું એવી દુનિયામાં રહેતો કોઈ એનઆરઆઇ હોત, જેને મેજર લીગ બેઝબૉલ અને આઇપીએલ, બંનેની સારી સમજણ હોત, ત્યારે પણ મેં કદાચ સરખામણી કરી હોત અને ઘણા એનઆરઆઇ આવી તુલના કરે છે."

"મેં સવાલ ઉઠાવ્યો હોત કે, 1960ના દાયકાના અંતમાં એમએલબીના વહીવટકર્તાઓએ બેટર અને પિચર વચ્ચેનું સંતુલન પુનઃ સ્થાપિત કરવા માટે નિયમો બદલ્યા હતા, જ્યારે તેની સામે આઇપીએલે બૅટ્સમૅનોને ફાયદો થાય, એ માટે ટૂંકી બાઉન્ડ્રી, ફ્રી હિટ્સ, ફિલ્ડિંગનાં નિયંત્રણો જેવા નિયમોને સતત વેગ આપ્યો છે."

ભારતના પરાજય વિશે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?

વૈભવ સૂર્યવંશી, ક્રિકેટ, મેચ, બેટિંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૈભવ સૂર્યવંશીએ આ સિરીઝ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

સળંગ પાંચ પરાજય પછી ટીમની પસંદગી અને પ્લેઇંગ ઇલેવનને લઈને ફરી વખત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ક્રિકેટ નિષ્ણાત શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું હતું, "હું અવાક થઈ ગયો છું. મને સમજાતું નથી કે શું કહું."

"હું એકદમ સ્તબ્ધ છું. આ વધુ એક નાલેશીજનક પરાજય છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. સાચું કહું તો, હવે કહેવા જેવું કશું રહ્યું નથી."

તો, વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું હતું, "જે ટીમે ગત ફેબ્રુઆરીમાં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, એ જ ભારતીય ટીમ હવે ઇંગ્લૅન્ડ સામે સાવ નિઃસહાય દેખાઈ રહી છે."

"ભારતીય ટીમ આટલી નિરસ અને અસહાય ભાગ્યે જ કદી જોવા મળી હશે."

"તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, ટીમમાં કોઈ ખેલાડી જસપ્રીત બુમરાહ કરતાં વધુ અનિવાર્ય નથી."

"જસપ્રીત બુમરાહ ભારતનો સાચો મૅચ-વિનર છે. ઘણી વખત કહેવાય છે કે, કોઈ એક ખેલાડીથી ટીમ નથી બનતી, પણ તે નિયમમાં બુમરાહ અપવાદરૂપ છે."

ઇંગ્લૅન્ડ સામેની સતત ત્રીજી હાર અંગે ટિપ્પણી કરતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે લખ્યું હતું, "આપણા બૅટ્સમૅનો પહેલાં બેટિંગ કરતી વખતે સામાન્ય સ્કોર બનાવવા જેટલા પણ સક્ષમ નથી."

"અને ચેઝિંગ કરતી વખતે તો તેઓ હરીફાઈની નજીક સુદ્ધાં નથી જણાતા."

"જ્યારે બૉલ બાઉન્સ થાય કે મૂવ થાય છે, ત્યારે ભારતીય બૅટ્સમૅનો અસહજ સ્થિતિમાં મૂકાઈ જાય છે."

"જો તેઓ ઇચ્છતા હોય કે તેમના ઉપર માત્ર સપાટ પિચો પર જ રન બનાવનારા બૅટ્સમૅન તરીકેનું લેબલ ન લાગે, તો તેમણે અત્યાર સુધી રમ્યા, એના કરતાં ઘણું સારું રમવું પડશે."

"શ્રેયસ અય્યરે ઉત્કૃષ્ટ ઇનિંગ રમી હતી. જે રીતે તેઓ મિડલ ઓવરો (વચ્ચેની ઓવર)ને નિયંત્રિત કરે છે, તે અદ્ભુત છે."

"તેઓ સતત સ્ટ્રાઇકને રોટેટ કરે છે અને ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવા માટે યોગ્ય તક ઝડપે છે. અન્ય બૅટ્સમૅનોએ તેમની પાસેથી આ શીખવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન