ચીફ જસ્ટિસ સૂર્યકાંતે 'કૉકરોચ'વાળા નિવેદન પર સ્પષ્ટતા આપી, કહ્યું- 'મીડિયા દ્વારા તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું'

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટીકરણ આપ્યું છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે પોતાનાં મૌખિક અવલોકનો પર સ્પષ્ટતા જાહેર કરી.
લાઇવ લૉ અને બાર ઍન્ડ બેન્ચ અનુસાર, તેમણે કહ્યું કે મીડિયાના એક વર્ગે તેમની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરી અને એવું દર્શાવ્યું કે જાણે તેમણે દેશના યુવાનોની આલોચના કરી હોય.
સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયા બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં, ચીફ જસ્ટિસે કહ્યું કે તેમની ટિપ્પણીઓ ફક્ત તે લોકો વિરુદ્ધ છે જેમણે નકલી કે બનાવટી ડિગ્રીઓને સહારે વકીલાત જેવા વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે, ના કે યુવાનોના વિરુદ્ધમાં.
તેમણે કહ્યું, "મને એ જોઈને દુઃખ થયું છે કે મીડિયાના એક વર્ગે ગઇકાલે એક નિરર્થક કેસની સુનાવણી દરમિયાન મારી મૌખિક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરી. મેં ખાસ કરીને એવા લોકોની ટીકા કરી હતી જેઓ નકલી અને બનાવટી ડિગ્રીઓની મદદથી બાર (કાનૂની વ્યવસાય) જેવાં ક્ષેત્રોમાં પ્રવેશ્યા છે. આવા જ લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય સન્માનિત વ્યવસાયોમાં પણ પ્રવેશ્યા છે, તેથી તેઓ પરોપજીવી જેવા છે."
ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે એ કહેવું સંપૂર્ણપણે પાયાવિહોણું છે કે તેમણે દેશના યુવાનોની ટીકા કરી.
તેમણે કહ્યું, "મેં આપણા દેશના યુવાનોની ટીકા કરી તે સંપૂર્ણપણે પાયાવિહોણું છે. મને આપણી વર્તમાન અને ભવિષ્યની માનવ સંસાધન ક્ષમતા પર ગર્વ છે, ભારતનો દરેક યુવા મને પ્રેરણા આપે છે. એવું કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે ભારતીય યુવાનો મારા માટે આદર-સન્માન ધરાવે છે અને હું પણ તેમને વિકસિત ભારતના સ્તંભ તરીકે જોઉં છું."
શુક્રવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત એક વકીલની 'સિનિયર વકીલનો દરજ્જો' મેળવવાની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન, તેમણે ન્યાયતંત્ર પર વધી રહેલા 'અનુચિત હુમલાઓ'ને લઈને કડક ટિપ્પણીઓ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જણાવ્યું હતું કે મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ કાર્યકર્તાઓના કેટલાક વર્ગો ન્યાયતંત્ર પર સતત હુમલો કરી રહ્યા છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "સમાજમાં કેટલાક પૅરેસાઇટ્સ છે જે સિસ્ટમ પર હુમલો કરે છે. તેમને નોકરી મળતી નથી અને તેમને વ્યાવસાયિક જીવનમાં કોઈ સ્થાન મળતું નથી. તેમાંથી કેટલાક મીડિયાકર્મી બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા પર સક્રિય થઈ જાય છે, કેટલાક આરટીઆઈ કાર્યકરો બની જાય છે અને પછી બધા પર હુમલા શરૂ કરી દે છે."
સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીની બનેલી બેન્ચ વકીલના વલણથી નારાજ થઈ હતી.
આ અરજી વકીલ સંજય દુબે દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી હાઇકોર્ટ વરિષ્ઠ વકીલોનાં નામાંકન અંગે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાના અમલીકરણમાં વિલંબ કરી રહી છે અને અવમાનનાની કાર્યવાહી શરૂ થવી જોઈએ.
ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીને ફગાવી દીધી, અને કહ્યું કે "વરિષ્ઠ વકીલ" નો દરજ્જો કોર્ટ દ્વારા આપવામાં આવે છે અને તે કોઈ સ્ટેટ્સ સિમ્બોલ નથી.
ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે કહ્યું, "સમાજમાં પહેલાથી જ પરોપજીવી લોકો છે જે સિસ્ટમ પર હુમલો કરે છે. શું તમે પણ તેમની સાથે જોડાવા માંગો છો? કેટલાક યુવાનો એવા છે જે રોજગારના અભાવે અને પોતાના વ્યવસાયમાં સ્થાન ન મળવાને કારણે કૉકરોચની જેમ બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મીડિયાકર્મી બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા પર સક્રિય થઈ જાય છે, કેટલાક આરટીઆઈ કાર્યકર્તા બની જાય છે, કેટલાક અન્ય પ્રકારના કાર્યકર્તા બની જાય છે અને પછી બધા પર હુમલો કરવાનું શરૂ કરે છે."
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
કોર્ટે બાદમાં વકીલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી.
જ્યારે વકીલે ફરિયાદ કરી કે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી, ત્યારે બેન્ચે પૂછ્યું કે શું તેમની પાસે તેમના 'સિનિયર વકીલ' દરજ્જા માટે મુકદ્દમા કરવા સિવાય બીજો કોઈ કેસ નથી.
જસ્ટિસ બાગચીએ કહ્યું, "વરિષ્ઠ દરજ્જો આપવામાં આવે છે, તેનો પીછો નથી કરવામાં આવતો."
જ્યારે બેન્ચને જાણ કરવામાં આવી કે હાઇકોર્ટ હાલમાં વરિષ્ઠ વકીલોનાં નામાંકન માટે પ્રક્રિયા ચલાવી રહી છે, ત્યારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "આખી દુનિયા વરિષ્ઠ દરજ્જા માટે લાયક હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછું તમે નથી. જો હાઇકોર્ટ તમને વરિષ્ઠ બનાવે છે, તો પણ અમે તમારા વ્યાવસાયિક આચરણના આધારે તેને રદ કરીશું."
વકીલોની કાયદાની ડિગ્રી માટે ચકાસણી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક વકીલો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીના આધારે, તેમને ઘણા વકીલોની કાયદાની ડિગ્રીઓની પ્રામાણિકતા પર ગંભીર શંકા છે.
મુખ્ય ન્યાયાધીશે અરજદારના વકીલને પૂછ્યું, "શું તમને લાગે છે કે અમે જોઈ રહ્યા નથી?"
તેમણે કહ્યું કે તેઓ એક યોગ્ય કેસની રાહ જોઈ રહ્યા છે જેમાં સીબીઆઈ દિલ્હીના અનેક વકીલોની કાયદાની ડિગ્રીઓની સત્યતાની તપાસ કરી શકે, કારણ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા વિવિધ કારણોસર આમ કરી રહી નથી.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
વકીલ સંજય દુબેએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં, અરજદાર વકીલ સંજય દુબેએ સિનિયર તરીકેનો દરજ્જો આપવામાં ગરબડ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું , "ખરેખર, આ મામલો હાઇકોર્ટમાં સિનિયર દરજ્જા સાથે સંબંધિત છે. 2014માં સિનિયર સ્ટેટસ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને હું પણ ઉમેદવાર હતો. આ પ્રક્રિયામાં કેટલીક ગરબડો હતી. સુધીર નંદ્રાજોગ સમિતિના સભ્ય હતા અને તેમણે પણ ગરબડો જોઈને રાજીનામું આપી દીધું હતું."
તેમણે કહ્યું, "આ પછી, અમે સુપ્રીમ કોર્ટમાં આ પ્રક્રિયાને પડકારતી રિટ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ઓકે પણ આ મામલે નિર્દેશો જાહેર કર્યા હતા. ગરબડો એ હતી કે કેટલાક અયોગ્ય લોકોને વરિષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો હતો, જ્યારે લાયક ઉમેદવારોને અવગણવામાં આવ્યા હતા. નિર્ણય લેતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને રેકૉર્ડને પણ અવગણવામાં આવ્યા હતા."
તેમણે કહ્યું કે 'વરિષ્ઠ દરજ્જો આપતી વખતે યોગ્યતાને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.'
ચીફ જસ્ટિસના નિવેદન પર વિવાદ શરૂ થયો

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images
આરજેડીના સાંસદ મનોજ ઝાએ સાર્વજનિક પત્ર લખીને ચીફ જસ્ટિસની ભાષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
સાંસદ મનોજ ઝાએ ઍક્સ પર આ પત્ર શૅર કર્યો જેમાં લખ્યું છે, "જ્યારે એક બંધારણીય લોકતંત્રના મુખ્ય ન્યાયાધીશ બેરોજગાર યુવાનો, આરટીઆઈ કાર્યકર્તાઓ, મીડિયાકર્મીઓ અને અસહમતિ વ્યક્ત કરનારાઓની સરખામણી 'કૉકરોચ' અને 'પૅરેસાઇટ્સ' સાથે કરે છે, તો તે માત્ર વ્યક્તિગત આક્રોશનો મામલો નથી બનતો, આ લોકતંત્રની મૂળ આત્મા અને તેમની મૂળભૂત બંધારણીય સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે."
તેમણે લખ્યું, તમારી હાલની ટિપ્પણીઓમાં 'કૉકરોચ' અને 'પૅરેસાઇટ્સ' જેવા શબ્દોએ દેશના અનેક નાગરિકોની જેમ મને પણ ખૂબ વિચલિત કર્યો છે.
"ભારતના બેરોજગાર યુવાન, આરટીઆઈ કાર્યકર્તા, સ્વતંત્ર પત્રકાર અને અસહમતિ રાખનારા નાગરિક લોકતંત્રમાં રહેનારાં કીડા-મકોડા નથી."
તેમણે લખ્યું, "એવા સમયમાં, જ્યારે દેશ પહેલાથી જ રાજકીય સંવાદોમાં શાલીનતામાં ઘટાડાનો સાક્ષી બની રહ્યો છે, ત્યારે ન્યાયતંત્ર બંધારણીય સંયમ અને ગૌરવનું છેલ્લું આશ્રયસ્થાન રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી"
કાર્યકરો, પત્રકારો અને વકીલોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BBC/X
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ ઍક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, "સાહેબ, સવાલ પૂછવાનો અધિકાર લોકતંત્રની આત્મા છે. સત્તા પાસેથી જવાબ માગનારા નાગરિક વ્યવસ્થા પર હુમલો નથી કરતા પરંતુ તેને મજબૂત બનાવવામાં પોતાની ભૂમિકા ભજવે છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મુખ્ય ન્યાયાધીશ મીડિયા, સોશિયલ મીડિયા, આરટીઆઈ અને બીજા ઍક્ટિવિસ્ટ જેવા નજર રાખનારા લોકો માટે 'પૅરેસાઇટ્સ' અને 'કૉકરોચ' જેવા શબ્દોનો ઉપયોગ કરે તે શોભતું નથી."
લેખિકા અને વરિષ્ઠ પત્રકાર સબા નકવીએ ઍક્સ પર લખ્યું, ભારતના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બેરોજગાર યુવાન કૉકરોચ જેવા છે અને મીડિયા, આરટીઆઈ ઍક્ટિવિસ્ટ પણ કૉકરોચ જેવા છે, ખાસ કરીને બેરોજગાર લોકો. જો આ ખૂબ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું નથી, તો આના માટે મારી પાસે કોઈ શબ્દ નથી.
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઍક્સ પર લખ્યું, "શું યુવાનો અને આરટીઆઈ કાર્યકરો જે પોતાનો અવાજ ઉઠાવે છે, કઠોર પ્રશ્નો પૂછે છે અને સિસ્ટમની ખામીઓને ઉજાગર કરે છે તેઓ 'કૉકરોચ' છે? ખરેખર, સાહેબ? શું હવે આપણી 'લોકશાહી'ની આ સ્થિતિ છે? ખરેખર? મને આશ્ચર્ય થાય છે કે જસ્ટિસ કૃષ્ણ ઐયર જેવા લોકો આના પર શું કહેત?"
સુપ્રીન કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ ઍક્સ પર લખ્યું, "સીજેઆઈ તરફથી યુવાનોને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે, તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને કેટલીક હદ સુધી સામાન્યકરણ કરતી લાગે છે. હું માનું છું કે તેમની સામે હાજર યુવાન બેજવાબદાર હોઈ શકે છે."
"પરંતુ આ પ્રકારની સામાન્ય ટિપ્પણી ઍક્ટિવિસ્ટો પ્રત્યે તેમના વિરોધને દેખાડે છે, જે હાલની ફાસીવાદી સત્તાધારી વ્યવસ્થાની વિચારધારા સાથે મેળ ખાય છે. આનાથી ખોટો સંદેશ જાય છે. તેમણે માફી માગવી જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ."
અભિનેતા અતુલ કુલકર્ણીએ ઍક્સ પર કટાક્ષ કરતા લખ્યું, "શું એ સાચું છે કે કૉકરોચોએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે? તેમને વર્ષોની રાષ્ટ્રીય અને પક્ષપાતી નીતિઓની નિષ્ફળતાઓમાં કૉકરોચોને લાવવા માટે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















