આયર્લૅન્ડ સામે સિરીઝની હાર અને વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Charles McQuillan/Getty Images
રવિવારે આયર્લૅન્ડે બેલફાસ્ટમાં ભારત સામે એક રનથી વિજય મેળવીને સિરીઝ જીતી લીધી હતી.
2023 પછી ભારતનો આ પહેલો ટી20 સિરીઝનો પરાજય છે.
શુક્રવારે ભારત સામે 34 રનથી વિજય મેળવીને આયર્લૅન્ડે ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારતીય ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. આયર્લૅન્ડના જય મૂન્દ્રા અને મૅથ્યૂ હૉલર્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતે અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવ્યા હતા જેના કારણે મૅચ રોમાંચક બની ગઈ હતી. ભારતને જીતવા માટે છેલ્લા બે બૉલમાં આઠ રનની જરૂર હતી.
પરંતુ ગ્રેન્ડસ્ટેન્ડ ફિનિશમાં હર્ષિત રાણાએ હૅરી ટેક્ટરના બૉલમાં કૅચ આઉટ થઈ ગયા હતા. છેલ્લાથી આગળના બૉલ પર મળેલી આ વિકેટ આયર્લૅન્ડની ઐતિહાસિક જીતનું કારણ બની.
આ અગાઉ શુક્રવારે જ્યારે મોટાભાગના લોકો ભારતના 15 વર્ષના વિસ્ફોટક બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડૅબ્યૂની અપેક્ષા રાખતા હતા, ત્યારે આયર્લૅન્ડે ટી20 વર્લ્ડ ચૅમ્પિયન ભારતને હરાવી દીધું. આ હારથી ભારતીય ફૅન્સ નિરાશ થયા હતા.
બીબીસી સ્પૉર્ટ અનુસાર,આ જીત 12 મૅચોમાં કોઈપણ ફૉર્મેટમાં ભારત સામે આયર્લૅન્ડની આ પહેલી જીત હતી. જ્યારે ટી20 ફૉર્મેટમાં તેમને આ સફળતા નવમા પ્રયાસે મળી હતી.
બીજી ટી20 મૅચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવાથી ભારતીય ફૅન્સ નિરાશ થયા હતા. તેમને લઈને ટીમ મજબૂત વાપસી કરશે તેવી અપેક્ષા રખાઈ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની હારથી ફૅન્સ નિરાશ થયા છે, તે સાથે જ વૈભવ સૂર્યવંશીની બાદબાકી અંગે પ્રશ્નો ઊભા થયા છે. ભારતીય કોચ ગૌતમ ગંભીરના નિર્ણય પર પણ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યા છે.
ગૌતમ ગંભીર થયા ટ્રૉલ

ઇમેજ સ્રોત, Getty Images
આયર્લૅન્ડ સામે સિરીઝ હાર્યા બાદ ભારતીય કોચ ગૌતમ ગંભીરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આયર્લૅન્ડ ક્રિકેટે ઍક્સ પર ગૌતમ ગંભીર પર કટાક્ષ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં આયર્લૅન્ડ ક્રિકેટે કહ્યું કે હાલમાં તેમની કોચિંગ ટીમમાં ગૌતમ ગંભીરને સામેલ કરવાની કોઈ યોજના નથી.
આયર્લૅન્ડ ક્રિકેટે ઍક્સ પર કટાક્ષ કરતા લખ્યું "અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જોકે, તેમની પ્રતિભા સાફ દેખાય છે.ભારતીય ખેલાડીઓ સાથે આયર્લૅન્ડમાં જઈને આવાં પરિણામો મેળવવા તે ખરેખર અસાધારણ ક્ષમતા અને આવડત માંગી લે છે."
'હવે વૈભવને રમાડવા પડશે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આયર્લૅન્ડ સામેની મૅચમાં વૈભવ સૂર્યવંશીને ડૅબ્યૂ ન કરાવવા પર પૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નિરાશા વ્યક્ત કરી છે.
ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક ટીવી ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે "વૈભવ સૂર્યવંશીના ફૉર્મને જોતાં તેને બંને મૅચમાં રમાડી શકાયા હોત. એક મૅચમાં વૈભવ સૂર્યવંશીને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરાવી શકાઈ હોત. બીજી મૅચમાં અભિષેક શર્માને નીચે ક્રમમાં લાવીને સંજુ સેમસનને સામેલ કરી શકાયો હોત. પરંતુ આવું થઈ શક્યું નહીં."
તેમણે કહ્યું "શક્ય છે કે વૈભવે ફક્ત 10-15 રન જ બનાવ્યા હોત. પરંતુ યુવા ખેલાડીઓની કસોટી કરવાની આ શ્રેષ્ઠ તક હતી. હવે તેમને ઇંગ્લૅન્ડ સામેની પહેલી જ મૅચમાં રમાડવા જોઈએ, વાત સરળ છે ફૉર્મમાં ન હોય તેવા બૅટ્સમૅનોને બહાર રાખો અને વૈભવ સૂર્યવંશીને રમાડો. ભલે તમે તેમને ઓપનિંગ નહીં પણ તે પછી મોકલો, પણ રમાડો. તેમને ટીમમાં સ્થાન મળવું જોઈએ."
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું "જો શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન બનાવવામાં આવી હોત, તો વૈભવ સૂર્યવંશીનું નામ ચોક્કસપણે સામેલ કરાયું હોત. દલીલ એવી આપવામાં આવી હતી કે આ એક વર્લ્ડકપ વિજેતા ટીમ છે, તેથી અમે તે જ 11 ખેલાડીઓ સાથે જઈશું. વૈભવે રાહ જોવી પડશે. પરંતુ આ તર્ક પર સતત ટકવું જોઈએ. રોહિત શર્મા વિજેતા કૅપ્ટન હતા, તેમ છતાં બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા અને એક યુવાન કૅપ્ટનને તક આપવાનું કહેવામાં આવ્યું. સૂર્યકુમાર યાદવને કૅપ્ટનપદેથી હટાવવા પાછળ પણ આ જ દલીલ આપવામાં આવી હતી."
"જ્યારે તમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છો, ત્યારે ભવિષ્ય માટે 15 વર્ષના વૈભવ સૂર્યવંશી કરતાં મોટો ખેલાડી કોણ છે? તે રન બનાવી રહ્યો છે. તેણે આઈપીએલમાં ઑરેન્જ કૅપ જીતી છે. તે ક્રિસ ગેઇલના રેકૉર્ડની બરાબરી કરવાની નજીક પહોંચી ગયો હતો, ફક્ત એક છગ્ગાથી તે ચૂકી ગયો હતો. આવી સ્થિતિમાં તેનું નામ શ્રેષ્ઠ અગિયારમાં હોવું જોઈએ."
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઍક્સ પર લખ્યું, "શું વૈભવ સૂર્યવંશીને ફક્ત બેન્ચ પર બેસવા માટે આયર્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા? કે ફક્ત ટીવી પર આ સિરીઝનું માર્કેટિંગ કરવા માટે? જ્યારે તમારી પાસે પેઢીમાં એક વાર આવતી પ્રતિભા હોય ત્યારે તેને ચમકવાની દરેક તક આપવી જોઈએ. આ ખૂબ જ વિચિત્ર છે."
આ દરમિયાન, વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર હર્ષા ભોગલેએ આયર્લૅન્ડની ટીમની પ્રશંસા કરી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , "આયર્લૅન્ડનું પ્રદર્શન ઉત્તમ હતું. આ તે સફળતા છે જેની તેમના ક્રિકેટને જરૂર હતી. આ પરિણામ ખેલાડીઓને આત્મવિશ્વાસથી ભરી દેશે અને તેમના ક્રિકેટને મજબૂત બનાવશે."
તેમણે આગળ લખ્યું , "આ બે મૅચ આંખો ખોલનારી સાબિત થઈ. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ પણ એવી પીચ પર વિવિધ પરિસ્થિતિઓમાં ઝડપથી અનુકૂલન સાધી શકતા નથી જ્યાં 250 રન સરળતાથી બનાવી શકાય છે. તેથી ખેલાડીઓએ સમયાંતરે 160-170 રનની મૅચ પણ રમવી જોઈએ. આવી મૅચો બૅટ્સમૅનોની ખરી કસોટી કરે છે."
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , "શાબાશ આયર્લૅન્ડ ! આઇરિશ ક્રિકેટ માટે કેટલો શાનદાર દિવસ!"
ટીમના પ્રદર્શન અને કૅપ્ટનશિપ વિશે નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આયર્લૅન્ડની સામે ભારતની હાર અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર અશ્વિને કહ્યું , "ભારતીય ખેલાડીઓ આઈપીએલની '24 કૅરેટ' ફ્લેટ પિચો પર રમવા માટે ટેવાઈ ગયા છે. જ્યારે પણ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, ત્યારે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે."
શ્રેયસ અય્યરની કૅપ્ટનશિપ અંગે સુનીલ ગાવસ્કરે કહ્યું "માત્ર બે મૅચ પછી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ભરેલું હશે. ઇંગ્લૅન્ડ સાથેની પાંચ મૅચ પછી જ આ અંગે કંઈક કહી શકાય."
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ ભારતની હારને અણધારી ગણાવી હતી.
તેમણે કહ્યું "બૅટ્સમૅનો એક જ હતા. ફક્ત સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. વર્લ્ડકપ ચૅમ્પિયન ટીમ આ રીતે હારે તે આશ્ચર્યજનક છે. આયર્લૅન્ડ જેવી ટીમે પહેલી વાર ભારતને હરાવ્યું એટલે કે કેટલીક બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. વૈભવ સૂર્યવંશીને હવે મેદાનમાં ઉતારવા પડશે."
'તમારી પાસે બુમરાહ છે, અમારી પાસે મૂન્દ્રા છે'

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે યજમાન ટીમને આઠ વિકેટે 154 રનમાં રોકી દીધી. હૅરી ટેક્ટરે પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મૅચમાં 53 રન બનાવ્યા.
શુક્રવારે ડૅબ્યૂ કરનાર ભારતીય મૂળના જય મૂન્દ્રા આઇરિશ ક્રિકેટના નવા હીરા તરીકે ઊભરી આવ્યા છે. તેણે ઇનિંગના પહેલા જ બૉલ પર સંજુ સેમસનને એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને મોટો ફટકો આપ્યો હતો.
ત્યારબાદ જય મૂન્દ્રાએ અભિષેક શર્મા અને કૅપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ લીધી. જેનાથી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 19 રન થયો, જેનાથી ટીમ દબાણમાં આવી ગઈ.
મૂન્દ્રાનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ 2021માં તે અભ્યાસ માટે ડબલિન ગયા. તે રાજસ્થાનના ટોંકના રહેવાસી છે અને રવિવારે તેમના ઘરે ખુશીનો માહોલ હતો.
રવિવારની મૅચમાં બૉલર જય મૂન્દ્રાએ આયર્લૅન્ડની શરૂઆતની લીડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેણે ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી.
આ પછી ઘણા લોકોએ કહ્યું કે આયર્લૅન્ડને જય મૂન્દ્રાના રૂપમાં ભારતીય ટીમના ઝડપી બૉલર બુમરાહનો જવાબ મળી ગયો છે.
સ્પૉર્ટ્સ પત્રકાર અલાગપ્પન મુત્થુએ ક્રિકઇન્ફોમાં લખ્યું છે કે , "જય મુંદ્રાએ ભારતની બેટિંગના પહેલા જ બૉલ પર સંજુ સેમસનને આઉટ કર્યા. તે એક શક્તિશાળી ઇનસ્વિંગર હતો. ત્યારબાદ તેમણે એક જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ લીધી. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આ ફક્ત ચોથી વખત હતું જ્યારે બંને ઓપનિંગ બૅટ્સમૅન ગોલ્ડન ડક પર આઉટ થયા હતા."
"ભારત પાસે કોઈ મોટું લક્ષ્ય નહોતું. સ્કોરબોર્ડ પર બે વિકેટે એક રન દર્શાવવામાં આવ્યો હોવા છતાં એવું લાગતું હતું કે ટીમ દબાણનો સામનો કરશે પરંતુ મૂન્દ્રા મુશ્કેલીઓ વધારતા રહ્યા."
ભારતના આસિસ્ટન્ટ કોચે વૈભવને લઈને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Charles McQuillan/Getty Images
ભારતના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન દોશહાતે જણાવ્યું હતું કે વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ ડૅબ્યૂ કરતા પહેલાં અન્ય ખેલાડીઓની જેમ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
દોશહાતે એમ પણ કહ્યું હતું કે ટીમ માટે સારું પ્રદર્શન કરનાર સંજુ સેમસન જેવા ખેલાડીને બાકાત રાખવા યોગ્ય નથી.
સૂર્યવંશીને આયર્લૅન્ડ સામેની ટી20 સિરીઝમાંથી બાકાત રાખવા અંગે ઘણી ચર્ચા થઈ છે. ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારત સિરીઝ 0-2થી હારી ગયું.
મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સમાં સૂર્યવંશી વિશે પૂછવામાં આવતા દોશહાતે કહ્યું "તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ મારું માનવું છે કે એવું કહેવું યોગ્ય નથી કે તમે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરી શકો છો."
"તે એક એવો ખેલાડી છે જેણે ત્રણ મહિના પહેલાં ભારતની વર્લ્ડકપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની આઈપીએલ સિઝન પણ ખૂબ સારી રહી છે. ખેલાડીઓનો આત્મવિશ્વાસ જાળવી રાખવા અને તેમને સાચો સંદેશ મોકલવા માટે આ મહત્ત્વપૂર્ણ છે. અમે ખેલાડીઓને લાંબા સમય સુધી ટીમમાં રમવાની તક આપવા માંગીએ છીએ."
તેણે આગળ કહ્યું, "દરેક વ્યક્તિ વૈભવને રમતા જોવા માટે ઉત્સાહિત છે પરંતુ તેણે બીજા બધા ખેલાડીઓની જેમ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેણે પોતાનો વારો આવે તેની રાહ જોવી પડશે અને ધીરજ રાખવી પડશે. પરંતુ તેની પ્રતિભા અને તેની તૈયારી પર કોઈ પ્રશ્ન નથી."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















