સોનાની કાંસકીને લીધે થયેલું એ યુદ્ધ જેને કારણે ગુજરાતના એક સમયના વૈભવી સામ્રાજ્યનું પતન થયું

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળના આરંભથી શરૂ થાય છે, પરંતુ રાજ્યના વિગતવાર અને આધારભૂત ઇતિહાસની શરૂઆત વલભીપુરથી થાય છે.
ગુપ્ત સામ્રાજ્યની પડતી બાદ વલભી ખાતે ઈસવીસન 470ના અરસામાં મૈત્રક રાજવંશની સત્તા સ્થપાય છે.
ડૉ. હરિપ્રસાદ ગંગાધર શાસ્ત્રી પોતાના પુસ્તક 'ગુજરાતનો ઇતિહાસ - પ્રાચીન કાળ'માં લખે છે, ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં મૈત્રક કાળ એ બીજો દીર્ઘ કાલખંડ છે. જેની હાક આ પ્રદેશ પર ઈસવીસન 470થી ઈસવીસન 788 સુધી એમ કુલ ત્રણ સદી કરતાં પણ વધુ સમય સુધી વાગતી રહી.
ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગુજરાતમાં મૈત્રક કુળના સ્થાપક સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને ઘણા પ્રતાપી રાજા થઈ ગયા, જેમણે સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિશાળ પ્રદેશો પર સત્તા ભોગવી.
આ મૈત્રકકાલીન ગુજરાતનું પાટનગર એટલે વલભી, જે ગિરિનગર બાદ મૈત્રક કાળમાં ગુજરાતનું રાજકીય કેન્દ્ર બન્યું, જેના વૈભવની અને અપાર ધનદોલતની વાતો ઇતિહાસમાં નોંધાયેલી છે.
પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી પોતાના પુસ્તક 'ગુજરાતનો ઇતિહાસ - આર્યોના આગમનથી લઈ મુસલમાનોના હુમલા સુધી'માં લખે છે, "આ શહેરની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, હ્યુએંતસંગથી માંડી છેલ્લા અરબ મુસાફર એનાં ધનદોલતના ગુણ ગાય છે. વેપારધંધો પણ ધમધોકાર ચાલતો. શહેરમાં ઘણાં માલાદાર ખાનદાન રહે છે અને એકસોથી વધુ કરોડપતિઓ છે."
દોમદોમ સાહ્યબીવાળા અને વિદ્યાકીય સંપત્તિથી તરબોળ આ નગરનું અસ્તિત્વ જેટલું 'જાજરમાન' રહ્યું હતું તેટલી જ 'આઘાતજનક અને વિચિત્ર' તેના પતનની કહાણી પણ છે.
ઇતિહાસનાં પુસ્તકોમાં થયેલી નોંધ પ્રમાણે સેનાપતિ ભટ્ટાર્કના પાટનગર એવા લગભગ એક હજાર માઇલનો વિસ્તાર ધરાવતા આ વૈભવી નગરના પતનનું નિમિત્ત એક 'કાંસકી' બની હતી. જાણીએ, વલભીના ઉદયથી પતન સુધીની આખી કથા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૈત્રક રાજવંશનો ઉદય

ઇમેજ સ્રોત, Akshara Prakashan
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. હરિપ્રસાદ ગંગાધર શાસ્ત્રી નોંધે છે કે, "સ્કંદગુપ્તના મૃત્યુ પાછી ગુપ્ત સામ્રાજ્યની સત્તા નબળી પડી ને દૂરના પ્રાંત સ્વતંત્ર થવા લાગ્યા ત્યારે સેનાપતિ ભટ્ટાર્કે વલભીમાં પોતાની સ્વતંત્ર રાજસત્તા સ્થાપી."
'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ - 3 મૈત્રક અને અનુ-મૈત્રક કાળ'માં લેખક રસિકલાલ છો. પરીખ લખે છે, "ભટ્ટાર્કે રાજસત્તા કેવી રીતે પ્રાપ્ત કરી એ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ તેની પ્રશસ્તિમાં એણે "અતુલ બળવાળા શત્રુઓના મંડલના વિસ્તારમાં સેંકડો પ્રહાર ઝીલી પ્રતાપ પ્રાપ્ત કરેલો" એવું જણાવ્યું છે, એ પરથી એ માટે એને ચાલુ સત્તા સાથે ભારે સંગ્રામ ખેલવો પડ્યો હશે એવું સ્પષ્ટ થાય છે."
"ભટાર્ક સેનાપતિ તરીકે ઓળખાતો એ પરથી એ રાજસત્તા ધારણ કરતાં પહેલાં કોઈ રાજ્યના સેનાપતિ તરીકે અધિકાર ધરાવતો એ નિશ્ચિત છે. એણે સૌરાષ્ટ્રના વલભીપુર ખાતે રાજસત્તા સ્થાપી એ પરથી એ અગાઉ ગુપ્ત સામ્રાજ્યના સુરાષ્ટ્ર પ્રાંતમાં સેનાપતિપદ ધરાવતો હોવાનું માલૂમ પડે છે."
ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાયું છે એ મુજબ, મૈત્રક વંશે સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને શીલાદિત્ય સુધી ઘણા પ્રતાપી શાસકો જોયા. જેમના શાસનમાં 'વલભીની કીર્તિ દેશ-પરદેશમાં પ્રસરી.'
ડૉ. શાસ્ત્રી નોંધે છે કે, "મૈત્રક કાળ અને અનુ-મૈત્રક કાળ દરમિયાન ગુજરાતે ભલે સોલંકી કાળ જેવી અને જેટલી સિદ્ધિ હાંસલ ન કરી, પરંતુ અગાઉના કાળની અપેક્ષાએ એણે સ્વ-શાસનનાં પગરણ કર્યાં એ એની અપૂર્વ સિદ્ધિ ગણાય. અગાઉના કાળ દરમિયાન ગુજરાતમાં કોઈ ને કોઈ પર-પ્રદેશ કે પરદેશના શાસકોનું શાસન પ્રવર્તેલું, જ્યારે હવે અહીં પર- શાસનની લાચારીનો અંત આવ્યો ને સ્વ-શાસનના સૂર્યનો ઉદય થયો. આ પ્રદેશમાં હવે અહીંનાં જ રાજકુળોની સત્તા પ્રવર્તી એ કંઈ નાની-સૂની ઘટના ન ગણાય."
રસિકલાલ છો. પરીખ લખે છે, "બાહ્ય પ્રદેશના શાસનમાંથી મુક્ત થઈ ગુજરાતમાં મૈત્રક વંશે પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી એ એની પહેલી મહત્ત્વની સિદ્ધિ છે. પછી મૈત્રક વંશની સત્તા સૌરાષ્ટ્ર, કચ્છ; ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્તીને શતકો જેટલા સુદીર્ઘ કાળ પર્યંત ટકી એ મૈત્રક રાજ્યની બીજી મહાન રાજકીય સિદ્ધિ ગણાય. મૈત્રક રાજાઓએ પોતાના વિશાળ રાજ્યમાં સુવિહિત રાજ્યતંત્ર વિકસાવ્યું હતું. તેમણે ધર્મ, વિદ્યા, સાહિત્ય, કળા, વેપાર, ઉદ્યોગ વગેરેને પ્રોત્સાહન આપી પોતાના રાજ્યમાં આર્થિક તેમજ સાંસ્કૃતિક જીવનની પ્રવૃત્તિઓને પણ વિકસાવી હતી."
આમ, ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસમાં 'મૈત્રક રાજ્ય અનેક રીતે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.'
વલભીનો અખૂટ વૈભવ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
ડૉ. શાસ્ત્રી નોંધે છે કે, "વલભી એ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ નગરી હતી. વલભીના મુખ્યત્વે બે પ્રકારના અર્થ સંસ્કૃત કોશોમાં આપવામાં આવ્યા છે. (1) છાપરું, વાંસવળીઓ વગેરેનું માળણ (2) ઘરનો સહુથી ટોચનો ભાગ. વલભી મૈત્રક રાજ્યની રાજધાની બની ત્યારે એ સુરાષ્ટ્રની પ્રાચીન નગરી તરીકે પ્રસિદ્ધિ પામી ચૂકી હતી. "
ઇતિહાસનાં પુસ્તકોમાં સંશોધકો અને ઇતિહાસકારોએ વલભીનું વૈભવ બખૂબી કંડાર્યું છે.
લેખક શંભુપ્રસાદ દેશાઈ પોતાના પુસ્તક 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ'માં લખે છે, "ઈસવીસન 640માં હ્યુ-એન-સાંગ વલ્લભીપુર પહોંચ્યો હતો. તેણે તેની દૃષ્ટિથી વલ્લભીનું વર્ણન લખ્યું છે. તેના ઉપરથી વલ્લભીના વૈભવ અને વિસ્તારોનો ખ્યાલ આવે છે."
તેઓ લખે છે, "રાજ્ય 6000 લીના (6000 લી એટલે 1200 માઇલ) વિસ્તારમાં છે, તેની રાજ્યધાનીનો વિસ્તાર છ માઇલનો છે. જમીનની ઉત્પન્ન, હવાપાણીનો પ્રકાર, લોકોની રીતભાત, અને ચારિત્ર્ય માલાપો (માળવા) જેવાં છે."
"વસ્તી અસંખ્ય છે, અને બધાં કુટુંબો ધનાઢ્ય છે. એક સેંકડો (એકસો) કુટુંબો તો એવાં છે કે તેનું ધન દશ લાખની ઉપર છે. દૂર દેશાવરની દુર્લભ વસ્તુઓ અહીં વિપુલ પ્રમાણમાં મળે છે."
લેખક રજનીકુમાર પંડ્યા તેમના પુસ્તક 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ'માં લખે છે, "હ્યુ એન સંગના વર્ણન પરથી લાગે છે કે, વલભી વેપાર-વાણિજ્યનું ઘણું મોટું મથક હતું. વલભીમાં આશરે સો કુટુંબો કરોડાધિપતિ છે. મૈત્રકકાળમાં વલભી બોદ્ધ ધર્મનું મોટું મથક હતું."
તેઓ પુસ્તકમાં આગળ લખે છે કે, "ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બૌદ્ધ વિદ્યાપીઠો હતી."
પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી નોંધે છે કે, "હ્યુએંતસંગના સફરનામામાં લખાયું છે કે નગરની વસતીનું પ્રમાણ વધુ છે. વળી તે ઉમરાવોની સંખ્યા પણ સેંકડોની બતાવે છે. પાઠશાળાઓ, મઠો અને મંદિરો પણ સંખ્યાબંધ હતાં. એક અંદાજ પ્રમાણે શહેરની વસતી લાખોમાં હશે. આ શહેરની આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી હતી. હ્યુએંતસંગથી માંડીને છેલ્લા અરબ મુસાફર તેનાં ધનદોલતના ગુણ ગાય છે. વેપારધંધો પણ ધમધોકાર ચાલતો હતો. તમામ બંદરો તિજારતી માલથી ભરપૂર હતાં. દીવ, ખંભાત, ભરૂચ, ચેમૂર, સોપારા અને થાણા મોટાં બંદરો હતાં. ચીની મુસાફર લખે છે કે દૂર દેશાવરની દોલત અહીં જમા થવાને આવતી હતી. ચીની મુસાફર એવું પણ લખે છે કે શહેરમાં માલદાર ખાનદાન ઘણાં છે. એકસોથી વધુ કરોડપતિઓ અહીં રહે છે."
કાંસકી બની વલભીના પતનનું નિમિત્ત?

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી તેમના પુસ્તકમાં નોંધે છે, "આ આલીશાન શહેર જે અઢીસો સાલથી પણ વધુ સમયપર્યંત તમામ શહેરોમાં મશહૂર હતું. એની ખરાબી કેવી રીતે થઈ એ એક એવી બાબત છે કે જે વિશે હારૂનના ખજાનાની માફક કંઈ સમજણ પડતી નથી. ઘણી દંતકથાઓ છે."
"એક દંતકથા એવી છે, જે સામાન્ય ઇતિહાસમાં મળે છે અને લગભગ દરેક હિંદુ ગ્રંથકારે એનો ઉલ્લેખ કર્યો છે. વલભીપુરમાં કાકુ નામે એક દોલતમંદ શખ્સ રહેતો હતો. આ શહેરનાં મોટાં મોટાં મકાનો તેની માલિકીનાં હતાં. તેની દીકરી પાસે હીરાની (કે હીરાજડિત) કાંસકી હતી. રાજાની કુંવરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે લેવાનું તેનું મન થયું, પરંતુ કાકુની છોકરીએ તે આપવાનો ઇનકાર કર્યો, આથી રાજકુંવરીને સખત માઠું લાગ્યું અને તેણીએ તેના પિતા આગળ એ વાતની ફરિયાદ કરી."
"ખુદ રાજાએ કાકુ પાસેથી તેની માગણી કરી, પરંતુ તેણે પણ આપવાની સાફ ના પાડી. આથી રાજા ક્રોધે ભરાયો અને તેણે સિપાઈ મોકલી બળાત્કારે છીનવી લીધી. કાકુ આ અપમાન સહન ન કરી શક્યો અને આ જુલ્મનો બદલો લેવાનો તેણે પાકો ઇરાદો કર્યો ને એક મોટી રકમ નજરાણામાં આપી પરદેશી લશ્કર લઈ આવ્યો. આ પરદેશી લશ્કરે વલભીપુરમાં લૂંટ ચલાવી રાજને ખેદાનમેદાન કરી નાખ્યું."

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
ડૉ. શાસ્ત્રી લખે છે કે, "જૈન પ્રબંધોમાં વલભી-ભંગનો વૃત્તાંત વિગતે નિરૂપાયો છે. આ આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર વલભીના રાજા શીલાદિત્યે પોતાની કુંવરી માટે નગરના શ્રેષ્ઠી રંક કાકૂને ત્યાંથી એની પુત્રીની રત્નજડિત સુવર્ણ-કંકટિકા (કાંસકી) બળાત્કારે ઝૂંટવી લીધી, એ અપમાનનો બદલો લેવા કાકૂ મ્લેચ્છ-મંડલ ગયો ને મ્લેચ્છપતિને મોં માગ્યા પૈસા આપીને વલભી પર હુમલો કરવા તૈયાર કર્યો."
"જ્યારે મ્લેચ્છો વલભીપુર પાસે આવી પહોંચ્યા ત્યારે રાજા શીલાદિત્યનો દૈવી અશ્વ કાકૂની યુક્તિને લીધે આકાશમાં ઊડી જતાં રાજા નિરાધાર થઈ યુદ્ધમાં મરણ પામ્યો ને મ્લેચ્છોએ વલભીનો ભંગ (નાશ) કર્યો. આ ઘટના વિક્રમ સંવત 845 (ઈસવીસન 788-89)માં બની."
અરબ લેખક અલ બીરૂનીની નોંધ પરથી માલૂમ પડે છે કે જૈન પ્રબંધોમાં જણાવેલો 'મ્લેચ્છપતિ'એ અલ્- મનસૂરાનો અધિપતિ અર્થાત્ સિંધનો આરબ સૂબો હતો.
'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકમાં નોંધાયું છે કે, "બીજી વાત શીલાદિત્યના સૂર્યકુંડની છે. આફતને વખતે સૂર્યકુંડમાંથી સૂર્યનો ઘોડો નીકળતો. તેના પર શીલાદિત્ય સવાર થઈ લડતો, તેથી તેનો નિત્ય વિજય થતો. કાકુએ આરબોને આ રહસ્ય કહ્યું. તેમણે ગાયો મારીને કુંડમાં નાખી; તેથી ઘોડો આકાશમાં ઊડી ગયો અને શીલાદિત્ય રણમાં રોળાયો."
પુસ્તકમાં થયેલી નોંધ મુજબ, "હુમલો અણચિંતવ્યો આવતાં વલભીપુરના પ્રજાજનો અને સૈનિકો ગભરાઈ ગયા. યુદ્ધ કેટલું તુમુલ હતું અથવા કેટલો સમય ચાલ્યું તે જણાતું નથી; પણ ખલીફાના સેનાપતિ અમરબીન જમાલના સૈન્યે શીલાદિત્યનો સંગ્રામમાં વધ કર્યો અને વલ્લભી સામ્રાજ્ય સદાને માટે જગતના ઇતિહાસમાંથી ભૂંસાઈ ગયું."
જૈન પ્રબંધો પરથી જણાય છે કે, અરબી ફોજ રાજા શીલાદિત્યનો અને રાજધાની વલભીનો નાશ કરી પાછી ચાલી ગઈ, પરંતુ એ પછી ત્યાં મૈત્રક વંશની સત્તાનો સમૂળો અંત આવ્યો. આમ, છેલ્લા રાજા શીલાદિત્યની 'જુલમી નીતિ' મૈત્રક રાજ્યના કરુણ અંજામનું નિમિત્ત બની.
જૈન પ્રબંધો સહિત ઘણી ઐતિહાસિક નોંધોમાં વલભીના નાશ અંગેની જુદી જુદી કથા આલેખાયેલી છે, જે પૈકી કઈ કથા નિર્વિવાદપણે સાચી એ હજુ સ્પષ્ટ નથી. જોકે, મોટા ભાગની કથાઓ પૈકી રંક કાકુની કથા કે તેને મળતી આવતી કથા ઘણી ઐતિહાસિક નોંધોમાં જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























