'સોનું ગીરવે મૂકીને રૂપિયા આપ્યા...' ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓ જેમનું ઇથિયોપિયામાં અપહરણ થયું, તેમની સાથે શું થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શ્યામ બક્ષી
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
(કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)
'એક કરોડ રૂપિયા આપો તો આમને પરત કરીશું નહીં તો તેમના એક-એક અંગો કાપી કાપીને મોકલીશું.' ઇથિયોપિયામાં બેઠેલા અપહરણકર્તાએ ત્રણ ગુજરાતીઓ માટે આ વાત મહેસાણામાં તેમના પરિવારને કરી હતી. જેમાં એક યુવાન અને બે યુવતીઓનો સમાવેશ થાય છે.
એક ઑક્ટોમ્બર મહેસાણાના વડસ્મા ગામમાં જ્યારે આ ત્રણેય પરત ફર્યા તો પરિવારજનોએ તેમનું ઓવારણાં લઈને સ્વાગત કર્યું. આ ત્રણેય પિતરાઈ ભાઈ-બહેન છે. ઋત્વિક, મયૂરી અને મમતા ત્રણેય એજન્ટ મારફતે ગેરકાયદે અમેરિકા જવાં નીકળ્યાં હતાં.
પરિવારજનોએ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરે મમતાબહેને પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે તેઓ કૅનેડા પહોંચી ગયાં છે.
પછી 29 સપ્ટેમ્બર સુધી તેમનો કોઈ સંપર્ક ન થતાં તેમના પિતા કિરીટ ચૌહાણે મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
બાદમાં પરિવારને જાણવા મળ્યું કે તેમના પરિવારનાં ત્રણેય સંતાનોનું કથિત રીતે ઇથિયોપિયામાં અપહરણ થયું છે. અને તેમને મુક્ત કરવા અપહરણકર્તાઓએ એક કરોડની ખંડણી માગવામાં આવી હતી.
મહેસાણાનાં આ ત્રણેય ભાઈ-બહેન ઇથિયોપિયા કેવી રીતે પહોંચ્યાં?

ઇમેજ સ્રોત, Ketan Patel/BBC
ઋત્વિક, મયૂરી અને મમતા મામા-ફોઈનાં ભાઈ બહેન થાય છે. તેઓ અમેરિકા જવા માટે એજન્ટોનો સહારો લીધો હતો.
આ કેસમાં બે એજન્ટનું નામ અત્યાર સુધીમાં સામે આવ્યું છે. એક છે મહેસાણાના જ ડોંગરવા ગામના એજન્ટ અલ્પેશ પંચાલ અને વડોદરાના એજન્ટ ભાર્ગવ પટેલ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે એજન્ટ મારફતે આ ત્રણ લોકો અમેરિકા જવા નીકળ્યાં હતાં તેણે અગાઉ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, "આ લોકોને રાજસ્થાનના જયપુરથી (ફ્લાઇટમાં) બેસાડ્યાં હતાં. અહીંથી તેઓ અબુધાબી ગયાં અને ત્યાંથી ઇથિયોપિયા ગયાં હતાં."
જ્યારે આ જ પરિવારના એક સભ્યએ નામ ન આપવાની શરતે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે, "ઇથિયોપિયામાં બે કલાકનો રેસ્ટ હતો. ત્યાંથી ફ્લાઇટ બદલીને કૅનેડા જવાનું હતું. તેઓ ઇથિયોપિયામાં ઊતર્યાં એ પહેલાં જ અપહરણકર્તા પાસે ભારતથી ગયેલા ત્રણેય લોકોની માહિતી હતી."
"ત્યાં પહોંચેલા ત્રણેય છોકરાઓને અપહરણકર્તાઓએ નામથી બોલાવ્યાં એટલે તેમને વિશ્વાસ આવી ગયો કે તેઓ એજન્ટે મોકલેલા માણસો છે."
તેમણે કહ્યું કે, "તેમને એમ કહીને લઈ જવાયા હતા કે એક રાત ઇથિયોપિયામાં રોકાવાનું છે. બીજા દિવસે સવારે ટિકિટ આવશે અને કૅનેડા જવા નીકળી જવાનું છે. એમ કહીને ત્રણ લોકોને ગાડીમાં બેસાડીને એક ઘરમાં લઈ જવાયાં હતાં."
પરિવારજનોને કેવી રીતે ખબર પડી કે અપહરણ થયું છે?

ઇમેજ સ્રોત, Ketan Patel/BBC
નામ ન આપવાની શરતે એક પરિવારજને દાવો કર્યો કે આ ત્રણ લોકોનું કથિત અપહરણ થયું એના થોડા દિવસો પહેલાં જ કડીના એક યુવાનનું પણ આ જ અપહરણ કરવામાં આવ્યું હતું.
પરિવારના એક સભ્યના જણાવ્યા મુજબ, "53 લાખ રૂપિયા આપીને તેમણે આ યુવાનને છોડાવી દીધો હતો."
આ જ યુવાને તેની બાજુના ગામના ત્રણ લોકો પણ ત્યાં આવ્યા હોવાની માહિતી આપી. તેથી તેમના પરિવારે વડસ્માના આ પરિવારનો સંપર્ક કર્યો. અને ત્રણ દિવસ બાદ પરિવારજોનોને પહેલી વખત ખબર પડી કે તેમના પરિવારનાં ત્રણ સંતાનોનું અપહરણ થયું છે.
'પહેલાં કૅનેડાથી નીકળવાના બહાને રૂપિયા માગ્યા, 60 લાખ આપ્યા તો એક કરોડની ડિમાન્ડ કરી'
ઋત્વિકના પરિવારના સભ્યએ દાવો કર્યો કે, "અપહરણકર્તા નવા નવા ફોન નંબર પરથી સમયાંતરે ફોન કરતો હતો. તે હિન્દી ભાષામાં જ વાત કરતો હતો એટલે કદાચ તે ભારતીય હશે એવું જ અમને લાગતું હતું."
"તે જણાવતો કે એક કરોડ રૂપિયા આપો તો આમને પરત કરીશું નહીં તો એક-એક અંગ કાપી કાપીને મોકલીશું. ઍજન્ટે યુવાન સાથે વીડિયો કૉલથી વાત કરાવી. જેમાં અપહરણકર્તા પાછળ બંદૂક લઈને ઊભા દેખાતા હતા."
"ઋત્વિક અને બંને બહેનો ધમકાવીને એમ કહેવડાવ્યું કે અમે કૅનેડા પહોંચી ગયા છીએ. નીચે ગાડી તૈયાર છે અને આગળ યુએસએ જવાનું છે એના માટે પૈસા મોકલાવો."
"અમે કહ્યું કે હાલ અમે 60 લાખ રૂપિયા મોકલીએ છીએ ત્યાં તેઓ આગળ ઊતરે એટલે વધારે રૂપિયા મોકલીશું. વાસ્તવમાં તેઓ કૅનેડા નહીં પણ ઇથિયોપિયાથી જ વાત કરી રહ્યાં હતાં. અપહરણકર્તાએ તેમને ખોટું બોલવા મજબૂર કર્યાં હતાં."
પરિવારનો દાવો છે કે રકમની ચૂકવણી કરવા માટે તેણે સ્કૅનર પણ મોકલ્યું હતું. જેને લઈને પરિવારના સભ્યો મહેસાણા ગયા હતા ત્યાંથી તેમણે રૂપિયા ટ્રાન્સફર કર્યા. જેની રિસિપ્ટ પણ તેમની પાસે હોવાનો પરિવારજનોએ દાવો કર્યો.

ઇમેજ સ્રોત, Ketan Patel/BBC
પરિવારના સભ્ય આગળ વાત કરતા જણાવે છે કે "અમે 60 લાખ રૂપિયા મોકલ્યા ત્યાર બાદ તેમની માગ વધી ગઈ તેઓ એક કરોડથી ઓછા રૂપિયામાં માનવા જ તૈયાર નહોતા."
"પહેલાં ખાલી આગળ વધવાના નામે રૂપિયા માગ્યા હતા. પણ પછી તેણે અમને કહ્યું કે તમારા છોકરાનું અપહરણ કર્યું છે. છોડાવવા હોય તો એક કરોડ મોકલો."
પરિવારનો દાવો છે કે કિડનૅપર પરિવારજનોને સતત કહેતો હતો કે તેમને રૂપિયા મળ્યા નથી. અને આગળના એજન્ટ અને કિડનૅપરને અંદર-અંદર વાતચીત પણ કરતા ત્યાં અપહૃત ઋત્વિકે સાંભળ્યું હતું અને આ વાત પરિવારજનોને કરી હતી.
પરિવારે સોનું ગીરવે મૂક્યું, અમેરિકા મોકલવા કેટલા રૂપિયામાં ડીલ થઈ હતી?
પરિવારનો દાવો છે કે 'એજન્ટે પ્રતિ વ્યક્તિ 80 લાખ રૂપિયાની માગણી કરી હતી. આમ કુલ રકમ બે કરોડ 40 લાખ થાય તેમ હતી. જોકે, ત્રણે લોકો એક જ પરિવારના હોવાથી આખરે એક વ્યક્તિ દીઠ 70 લાખ એમ બે કરોડ દસ લાખમાં ડીલ ફાઇનલ કરી હતી. જેમાં છેક અમેરિકા સુધી મોકલવાની વાત થઈ હતી.'
પરિવારજને જણાવ્યું કે, "થોડા રૂપિયા મિત્રો પાસેથી લીધા અને બાકી મારી પાસે રહેલું 20-25 તોલાનું સોનું ગીરવે મૂક્યું અને રૂપિયાની વ્યવસ્થા કરી. હજી પણ સોનું ગીરવે જ પડ્યું છે."
"મારા યુએસએમાં પણ ઘણા મિત્રો સંબંધીઓ છે. તેમણે બધાએ અમને કહી રાખ્યું હતું કે છોકરાઓ ત્યાં પહોંચે એટલે રૂપિયાની વ્યવસ્થા તેઓ ત્યાંથી કરી દેશે. ચિંતાની જરૂર નથી એટલા માટે જ આ સાહસ કર્યું હતું."
કોઈ વાયરમૅન તો કોઈ શિક્ષિકા, જે ત્રણ લોકોનું અપહરણ કરાયું હતું તે ગુજરાતમાં શું કરતાં હતાં?
મહેસાણાના વડસ્મામાં રહેતા ઋત્વિકની ઉંમર 23 વર્ષની છે. તેઓ દસમું ધોરણ નાપાસ છે અને તેમણે વાયરમૅનનો કોર્સ કર્યો હતો. તેમના પિતાને કૅન્સર છે. ઋત્વિકનો એક ભાઈ પણ છે.
પરિવારના સભ્યએ જણાવ્યું કે "પિતાની સારવારનો ખર્ચો નીકળે અને તેમને શાંતિ થાય કે એક દીકરો અમેરિકામાં છે, એટલે જ તેમને મોકલવાનો નિર્ણય કર્યો હતો."
મમતા ચાવડાએ બીએસસી ભણ્યા બાદ બીએડ પણ કર્યું છે.
તેમણે થોડા સમય માટે શિક્ષિકા તરીકે કામ પણ કર્યું હતું. તેમનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં અને તેમના પતિ હાલ અમેરિકામાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર તેઓ છ મહિના પહેલાં સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયાં હતાં. મમતા ચાવડાને કાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે પરિવારે પાંચ વખત પ્રયાસ કર્યો. પણ દર વખતે તેમનો વિઝા રિજેક્ટ થયો હતો. તેથી પરિવારે નક્કી કર્યું કે ગેરકાયદેસર મોકલવા પડે તો પણ તેમને અમેરિકા મોકલવાં છે. અને મયૂરીબહેન ગાંધીનગરમાં રહે છે.

ઇમેજ સ્રોત, Ketan Patel/BBC
સમગ્ર બાબતે ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ લખાયું છે કે "વિદેશ મંત્રાલય (MEA)ના સૂત્રોએ અખબારને જણાવ્યું કે ઇથિયોપિયામાં ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાંના સ્થાનિક અધિકારીઓએ તેમને સુરક્ષિત રીતે છોડાવી લીધાં છે."
તો, લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ એએમ ગેલોતે બીબીસીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતમાં જણાવ્યું કે "મુખ્ય એજન્ટ હજી અમારા હાથમાં આવ્યો નથી. એક માણસ ઝડપાયો છે તે મધ્યસ્થી છે."
તેમણે જણાવ્યું કે,"આ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે અને મુખ્ય એજન્ટની તપાસ ચાલુ છે."
તેમણે ઉમેર્યું કે, "પરિવારજનોએ અપહરણકર્તાને કોઈ પૈસા આપ્યા નથી. અમારા કહેવા મુજબ પરિવારજનોએ વાત કરીને અપહરણકર્તાને એ બાબતનો વિશ્વાસ અપાવી દીધો હતો કે તેમની પાસે આપવા માટેના પૈસા છે જ નહીં. બાબાખાન આ લોકોનો કિડનૅપર હતો અને તેની જ પરિવાર સાથે વાતચીત ચાલી રહી હતી."
નવા ડંકી રૂટ અંગે અન્ય એજન્ટોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Jose Torres/Anadolu via Getty Images
એક એજન્ટે બીબીસી સાથેની વાતમાં નામ ન આપવાની શરતે કહ્યું કે, "યુરોપ અને મૅક્સિકોથી ચૅનલ ચાલતી હોય છે પણ ઇથિયોપિયાથી પણ આવી કોઈ ચૅનલ ચાલતી હોય એ અમારા માટે પણ નવું હતું."
"વળી જે એજન્ટોનાં નામ બહાર આવ્યાં છે તે પણ અમારા કોઈ સર્કલના નથી કે દૂર-દૂર પણ કોઈ સંપર્કમાં નથી."
"એવું બની શકે કે દુબઈથી ઇથિયોપિયા લઈ જઈ અને ત્યાં જઈને અપહરણના નામે ઠગાઈ કરવી એ આખો પ્રિ-પ્લાન જ હોઈ શકે."
તેમણે ઉમેર્યું કે, "અત્યારે જે રીતે અમેરિકાની સરહદ પર કડકાઈ છે એ જોતાં આ બધું ચાલી જ નથી રહ્યું. હાલ આ બધી લાઇનો જ બંધ છે. મેક્સિકોમાં શૂટ ઍન્ડ સાઇટના ઑર્ડર છે. એટલે ત્યાંથી પણ સામાન્ય રીતે બધા કરતા નથી."
ડંકી રૂટ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે, "સામાન્ય રીતે ભારતથી દુબઈ, યુરોપ, કૅનેડાના રૂટનો લોકો ઉપયોગ કરતા હોય છે. અથવા તો દુબઈથી યુરોપ જઈને મેક્સિકો થઈને લોકો જતા હોય છે."
"અગાઉ દુબઈવાળા રૂટમાં ચાર્ટરથી જ લોકોને જઈ જતા હતા. પણ હવે એ સિસ્ટમ જ બંધ કરી દીધી છે."
કેવી રીતે છેતરાય છે લોકો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તો, વડોદરાના એક ટ્રાવેલ એજન્ટ રીષભ શાહે કહે છે કે, "હવે ગેરકાયદે જવું એ માત્ર ત્યાં પહોંચવા સંબંધિત નથી. કેટલાક લોકોને ગેરકાયદે કામ કરાવવાના ઇરાદે, પ્રતિબંધિત વસ્તુઓનું સ્મગલિંગ કરવા માટે પણ આ રીતે લઈ જવાતા હોય છે."
"જંગલના રસ્તેથી જે-તે દેશમાં ગેરકાયદે પ્રવેશ કરાવે અને ત્યાંની પોલીસ સાથે તેમને પકડાવી દે. પછી ત્યાંથી તેમને છોડાવવા માટે બ્લૅકમેઇલ કરીને બીજા ગેરકાયદે ટ્રૅકમાં તેમને ફસાવવામાં આવે."
"જેમ કે અહીંથી કેટલાક લોકોને દુબઈ લઈ જાય પછી ત્યાં રાખીને એ લોકોનું જૉબ માટે જૉઇનિંગ કરાવીને ખોટા ઍકાઉન્ટ બનાવીને લોન અપ્લાય કરાય."
"અહીંથી ગયેલા લોકોને ત્યાં નક્કી કરેલી અમાઉન્ટ આપીને મોકલી દેવામાં આવે છે. કેટલાક લોકોને અન્ય દેશમાં મોકલીને એ રીતે ફસાવી દે કે તે જે-તે દેશમાંથી ડિપોર્ટ થઈને આવે."
"આ રીતે ફસાયેલા લોકો જેમ બને એમ જલદી આમાંથી બહાર આવે એટલું એમના માટે સારું બાકી એમને અલગ અલગ રીતે ખૂબ હેરાન કરવામાં આવે છે. સમયની સાથે લોકો અલગ-અલગ રીતે આમાં ફસાઈ જતા હોય છે."
તેઓ આગળ ઉમેરે છે કે આની કોઈ એક ચોક્કસ સિસ્ટમ ડૅવલપ નથી થયેલી. અહીંના જે લોકલ એજન્ટ્સ છે તે પણ આગળની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ નથી હોતા. એ લોકોને નથી ખબર હોતી કે ત્યાં મોકલ્યા પછી લોકોને આટલી બધી હેરાનગતિ થશે.
રીષભ કહે છે કે, "એ લોકો પણ આગળનાના એજન્ટોના ભરોસે ઉમેદવાર રેડી કરી દીધા હોય છે. અને લોકો આ રીતે ફસાઈ જાય છે. હાલ આવા અનેક રસ્તાઓ ચાલી રહ્યા છે."
તેઓ આગળ કહે છે, છેતરનારા લોકો માર્કેટમાં તૈયાર જ બેઠા છે. વિદેશ જવાની ઘેલછા ખોટી નથી પણ પોતે યુએસએ, કૅનેડા કે કોઈ પણ દેશમાં જવા માટે સક્ષમ છે કે નહીં તે પહેલાં તપાસવું જરૂરી છે.
ગેરકાયદેસર વિદેશ ગયેલા લોકો પકડાય અને ડિપોર્ટ થઈ જતા હોય છે
રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો વિદેશ મંત્રી એસ જયશંકરે ચાર ડિસેમ્બર 2025એ જવાબ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે "2009થી 28 નવેમ્બર 2025 સુધીમાં અમેરિકાથી ભારત કુલ 18 હજાર 822 નાગરિકોને ડિપોર્ટ કરાયા હતા."
આપેલા આંકડા જોતા ધ્યાને આવે છે કે સૌથી વધારે ડિપોર્ટેશન નવેમ્બર વર્ષ 2025 સુધીમાં 3258 નાગરિકોનું થયું હતું.
ડિપોર્ટેશન અંગે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં 21 માર્ચ 2025એ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહે જણાવ્યું હતું કે " 2009થી 2024 સુધીમાં 15564 ભારતીય નાગરિકને અમેરિકાએ ભારત ડિપોર્ટ કર્યા છે. જાન્યુઆરી 2025થી 21 માર્ચ 2025 સુધીની આ સંખ્યા 388 છે."
તેમણે લોકસભામાં આપેલા જવાબમાં ઉમેર્યું છે કે "જે ભારતીય નાગરિકો કોઈ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હોય, અથવા તેમના વિઝાની માન્યતા પૂર્ણ થયા બાદ પણ ત્યાં રોકાયા હોય, કોઈ માન્ય દસ્તાવેજ વિના તે દેશમાં રહેતા હોવાનું જણાય, જેમની સામે ગુનાહિત સજા થઈ હોય તો તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. ડિપોર્ટેશન બાદ પરત ફરેલા લોકોનાં નિવેદનોના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં લોકોને મોકલતા ઍજન્ટ્સ તથા ગુનાહિત તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























