ચોમાસું શરૂઆત પહેલાં જ નબળું પડ્યું, હવે ગુજરાત ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારથી શરૂ થશે?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 30 મેની આસપાસ ગુજરાતમાં હવામાન પલટાશે અને ઉનાળાની ગરમી બાદ હવે ચોમાસાનો માહોલ સર્જાશે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.
ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને ત્રણ દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચી ગયું છે. પરંતુ ત્યાંથી આગળ વધી રહ્યું નથી.
હવે ભારતમાં ચોમાસું શરૂ થવાની રાહ જોવાઈ રહી છે, 27 મેની સ્થિતિ મુજબ ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચ્યું છે. જોકે, હજી કેરળમાં ક્યારે પહોંચશે તે અંગે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.
આ પહેલાં હવામાન વિભાગે 26 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચે તેવું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. જેમાં 4 દિવસ આગળ-પાછળની મૉડલ ત્રૂટી રાખી હતી. જોકે, ભારતના દરિયામાં સમય કરતાં વહેલું પ્રવેશેલા ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે.
સ્કાયમેટ અને બીજા હવામાન નિષ્ણાંતો અનુસાર ચોમાસું કેરળમાં 1 જૂન પહેલાં પહોંચે તેવી શક્યતા ખૂબ ઓછી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી સ્થિતિઓ અનુકૂળ છે પરંતુ હજી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં જ આગળ વધશે.
કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ દેશના અન્ય વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે. જો કેરળમાં ચોમાસું મોડું થાય તો દેશના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું મોડું થઈ શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસા પહેલાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે અને ગાજવીજ થવાની સંભાવના પણ છે. એટલે કે આ ચોમાસા પહેલાંનો આ વરસાદ તોફાની હશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 31મેથી 7 જૂન સુધી રાજ્યમાં વરસાદ જોવા મળશે. જોકે, આ વરસાદ ચોમાસા પહેલાંનો વરસાદ હશે. જે બાદ ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



