'હોર્મુઝ સામુદ્રધુનીમાં થયેલા હુમલામાં હું બચી ગયો, પણ મારો મિત્ર મળ્યો નથી'

ઇમેજ સ્રોત, Sunil Puniya
- લેેખક, કાયલીન ડેવલિન
- પદ, બીબીસી વેરિફાઇ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
"મને આખું જહાજ ધ્રૂજતું લાગ્યું. મને લાગ્યું કે એન્જિનમાં કોઈ ખામી હશે, પરંતુ જ્યારે હું મારા રૂમની બહાર નીકળ્યો ત્યારે તરત બીજો વિસ્ફોટ થયો."
26 વર્ષીય સુનીલ પુનિયા દરિયામાં પોતાની પ્રથમ નોકરી પર હતા, ત્યારે 1લી માર્ચની વહેલી સવારે એક મિસાઇલે ઑઇલ જહાજ 'સ્કાયલાઇટ' પર હુમલો કરી દીધો.
અમેરિકા દ્વારા પ્રતિબંધિત આ જહાજ દુબઈથી ઊપડ્યું હતું અને તે હોર્મુઝની ખાડી નજીક પહોંચી રહ્યું હતું, જે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ પૈકીનો એક છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ હુમલાનો ભોગ બનનારું 'સ્કાયલાઇટ' પ્રથમ વેપારી જહાજ હતું.
હુમલા સમયે સુનીલ ત્રીજા માળે તેમની કૅબિનમાં ઊંઘતા હતા. તેઓ જાગી ગયા અને જોયું કે જહાજ અંધાધૂંધીમાં ડૂબી રહ્યું હતું. મિસાઇલ એન્જિન રૂમ પર પડી હતી, તેના લીધે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી જહાજમાં ફેલાઈ રહી હતી.
તેમણે કહ્યું, "સંપૂર્ણ અંધારપટ હતો, અને બધે ધુમાડો ફેલાઈ ગયો હતો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી."
"દક્ષિણ ભારતના કેટલાક ખલાસીઓ રડી રહ્યા હતા અને ગભરાઈને ઘરે ફોન કરી રહ્યા હતા. મેં તેમને ફોન કરવાનું બંધ કરવા કહ્યું અને તેમને ડેક પર લઈ જવામાં મદદ કરી."
પરંતુ જ્યારે તેઓ ડેક પર પહોંચ્યા ત્યારે આગ ફેલાઈ ચૂકી હતી.
સુનીલે કહ્યું, "ચારેબાજુ ઑઇલ ફેલાયેલું હતું, જ્વાળાઓ અમારી તરફ આવી રહી હતી તેથી અમે દરિયામાં કૂદી પડ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનીલે કહ્યું કે દલીપ રાઠોડ મારા ભાઈ જેવો હતો

ઇમેજ સ્રોત, Family of Dalip Rathore
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓમાન નૌકાદળે હુમલાના એક કલાકની અંદર બચાવ કામગીરી શરૂ કરી અને બચી ગયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા, પરંતુ બધા વિશે પૂરતી માહિતી ન મળી શકી.
સુનીલે કહ્યું, "જ્યારે મને ખબર પડી કે દલીપ ત્યાં નથી, ત્યારે મને બહુ મોટો આઘાત લાગ્યો. હું ગભરાઈ ગયો. હું વિચારતો રહ્યો કે હું તેના પરિવારને શું જવાબ આપીશ?"
25 વર્ષીય દલીપ રાઠોડ સુનીલના બીજા દિવસે 'સ્કાયલાઇટ'માં જોડાયા હતા. ભારત વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં નાવિકોના સૌથી મોટા સપ્લાયર્સમાંનો એક છે, પરંતુ દલીપ અને સુનીલને ખબર પડી કે તેઓ બંને રાજસ્થાનનાં પડોશી ગામડાંમાંથી આવેલા છે, તો ટૂંક સમયમાં બંને ગાઢ મિત્રો બની ગયા.
સુનીલે જણાવ્યું કે, "જહાજમાં નેટવર્કની સમસ્યાઓ હતી, તેથી અમે વારંવાર ઘરે ફોન કરી શકતા નહોતા, આવા મુશ્કેલ સમયમાં તે હંમેશાં મારી સાથે રહેતો હતો, તે મારા ભાઈ જેવો બની ગયો હતો."
હુમલાના થોડા કલાકો પહેલા જ દલીપે એન્જિન રૂમમાં સુનીલનું કામ હાથ પર લીધું હતું, અને બરોબર એ જ જગાએ આવીને મિસાઇલ પડી હતી.
દલીપ અને જહાજના કૅપ્ટન આશિષકુમાર, બંને હુમલામાં માર્યા ગયા હતા. કૅપ્ટનના કેટલાક અવશેષો મળી આવ્યા, પરંતુ દલીપનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી.
20,000 કરતાં વધારે ખલાસીઓ ખાડીમાં ફસાયા

ઇમેજ સ્રોત, Rex Pereira
તેમની આ કથા હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા વ્યાપક સંકટનો એક ભાગ છે. યુદ્ધની શરૂઆતમાં તહેરાને તીવ્રપણે જવાબ આપીને સામુદ્રધુનીને બંધ કરી દીધી અને તે સાથે જ વિશ્વના 20% ઑઇલ અને પ્રવાહી કુદરતી ગૅસ માટેનો અત્યંત મહત્ત્વનો માર્ગ પણ બંધ થઈ ગયો.
દરિયાઈ માહિતીનું વિશ્લેષણ કરતી ફર્મ Kplerએ બીબીસી વેરિફાઇને જણાવ્યું કે સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી આ ખાડી અને તેની આસપાસના 38 વેપારી જહાજોને નિશાન બનાવાયાં છે. તેનો ડેટા દર્શાવે છે કે 24 જહાજો પર ઈરાને અને ચાર પર અમેરિકાએ હુમલો કર્યો હતો, બાકીના વિશે પાક્કી માહિતી મળતી નથી.
યુદ્ધને કારણે સેંકડો જહાજો ખાડીમાંથી પસાર થઈ શક્યાં નથી. ઇન્ટરનૅશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશન અનુસાર હાલમાં 20,000 કરતાં વધારે ખલાસીઓ આ ખાડીમાં ફસાયેલા છે.
દરિયાઈ કાયદા મુજબ જહાજમાલિકો ક્રૂના કલ્યાણ અને તેમને સ્વદેશ પરત મોકલવા માટે જવાબદાર હોય છે. જો જહાજમાલિકો આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તેની જવાબદારી જહાજ જે દેશના ધ્વજ હેઠળ નોંધાયેલું હોય તેના પર આવે છે, અને અંતે બંદર પરના અધિકારીઓ પર આવી શકે છે.
ઘણા જહાજમાલિકોએ ખાડીમાં ફસાયેલા પોતાના ક્રૂ મેમ્બરો માટે માલસામાનની વ્યવસ્થા કરી છે. નાની હોડીઓ દ્વારા લંગર પર ઊભેલાં જહાજોને ખોરાક અને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. જોકે, અમુક લોકો પાસે હવે બહુ જ ઓછી સાધનસામગ્રી બચી છે.
સંઘર્ષ વધ્યો ત્યારથી ઇન્ટરનૅશનલ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન (એક યુનિયન, જે મુશ્કેલીમાં મુકાયેલા ખલાસીઓને ટેકો આપે છે)નું કહેવું છે કે તેની પર હોર્મુઝ ખાડીમાં અને તેની આસપાસ ફસાયેલા વિવિધ વેપારી જહાજો પરથી મદદ માટે 2,000 કરતાં વધારે ફોન આવ્યા છે.
આ સમસ્યાઓમાં પગાર ન મળવો, કરાર સંબંધિત વિવાદો, ઘરે પરત જવામાં મુશ્કેલીઓ અને ખોરાક-પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોની અછતનો સમાવેશ થાય છે.
આરબ વિશ્વ અને ઈરાનના આઇટીએફના નેટવર્ક સંયોજક મોહમ્મદ અરાચેદી જણાવે છે કે કેટલાક ક્રૂ તો ખરેખર સમુદ્રમાં જ ફસાઈ ગયા છે.
તેમણે બીબીસી સાથે ત્રણ એવા ખલાસીઓની વૉઇસ નોટ શૅર કરી, જે હાલમાં ઓમાનના કિનારે લંગર નાખીને એક નાની હોડીમાં અટવાયેલા છે.
આ રેકૉર્ડિંગ્સમાં લોકો મદદ માટે વિનંતી કરી રહ્યા હતા, તેઓ કહી રહ્યા હતા કે તેમની પાસે ખાણીપીણીનો સામાન બચ્યો નથી અને મહિનાઓથી જહાજમાલિક તરફથી કોઈ સાંભળતું પણ નથી.
અરાચેદીએ જણાવ્યું કે, "દુર્ભાગ્યે આ સમગ્ર ઉદ્યોગ ખલાસીઓને ત્યજી દેવાના કૅન્સરને નાબૂદ કરવામાં સફળ થયો નથી."
ITF આ ત્યજવાને એવી ઘટના તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેમાં જહાજમાલિકો પોતાના ક્રૂને છોડીને જતા રહે છે. તેમને પગાર ચૂકવ્યા વિના, ફસાયેલી સ્થિતિમાં અને ખોરાક-પાણી કે તબીબી સારવાર જેવી આવશ્યક ચીજોથી વંચિત છોડી દે છે.
ગયા વર્ષે 409 જહાજોમાં કુલ 6,223 ખલાસીઓને ત્યજી દેવામાં આવ્યા હતા. વિશ્વભરમાં કાર્યરત 100,000 વેપારી જહાજોના કાફલાની તુલનામાં આ સંખ્યા ભલે ઓછી લાગતી હોય, પરંતુ યુનિયન કહે છે કે આ એક ચિંતાજનક બાબત છે.
'મોટો વિસ્ફોટ થયો, ધુમાડો ફેલાઈ ગયો અને આખું જહાજ કંપવા લાગ્યું'

ઇમેજ સ્રોત, Rex Pereira
વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય શિપિંગ સંગઠનોમાંના એક 'બિમ્કો'ના ડેવિડ લૂસ્લીએ જણાવ્યું હતું કે આ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કાર્ય કરે છે, છતાં અમુક એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જ્યાં નિયમોનું યોગ્ય રીતે પાલન નથી થતું, જેનાં ગંભીર પરિણામો ખલાસીઓના કલ્યાણ પર પડે છે.
તેમણે ઉમેર્યું, "ભૌગોલિક-રાજકીય સંઘર્ષો સમુદ્રમાં કામ કરતા લોકો માટેનાં જોખમોને ઘણી હદ સુધી વધારી દે છે."
આ પ્રદેશમાં અટવાયેલા ઘણા ખલાસીઓને સત્તાવાર રીતે ત્યજી દેવામાં આવ્યા નથી, પરંતુ આ સંઘર્ષે, જે પહેલેથી મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, તેમના માટે પરિસ્થિતિ વધારે ખરાબ દીધી છે.
મુંબઈના 28 વર્ષીય રેક્સ પરેરા સ્કાયલાઇટ પર નહોતા, પરંતુ તેમને પણ એ જ લોકોએ કામ પર રાખ્યા હતા, જેમણે સુનીલને રાખ્યા હતા.
તેમણે કહ્યું કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં તેમણે ચાર મહિના કરતાં વધુ સમય સુધી દરિયામાં ભયાનક પરિસ્થિતિઓ સહન કરી હતી. તેમના જણાવ્યા મુજબ, પીવાનું પાણી ડીઝલથી દૂષિત થઈ ગયું હતું, તેમને ખાવા મળતા ખોરાકમાંથી મોટા ભાગનો એક્સપાયર થઈ ગયો હતો. તેમણે ગંદા ભૂરા પાણીની તસવીરો પણ બતાવી. તેમણે જણાવ્યું કે ક્રૂને આ જ પાણીથી નાહવા-ધોવાનું કહેવામાં આવતું હતું.
જહાજ પર ચઢ્યાના થોડા દિવસોમાં જ, જહાજ છોડવાની વિનંતી કરવા છતાં તેમની વિનંતીનો કોઈ જ જવાબ મળ્યો નહોતો.
તેમને મહિનાઓ સુધી દરિયામાં રાખવામાં આવ્યા. યુદ્ધ શરૂ થયું ત્યારે તેઓ ઇરાકના દરિયાકાંઠે તૈનાત હતા અને તેમણે નજીકથી મિસાઇલોના હુમલાઓ જોયા હતાં.
"અમે જ્યાં હતા ત્યાંથી અમે ઈરાન જોઈ શકતા હતા," તેમણે કહ્યું, અને ઉમેર્યું કે મિસાઇલો "અમારા ચારે તરફ ઊડી રહી હતી."
તેમણે કહ્યું, "એક મોટો વિસ્ફોટ થયો, ધુમાડો ફેલાઈ ગયો, અને આખું જહાજ કંપવા લાગ્યું, અમે ખૂબ ડરી ગયા હતા, અમે ધ્રૂજી રહ્યા હતા અને શક્ય તેટલા બધાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા."
રેક્સને ક્યારેય ખબર ન પડી કે તેમના જહાજનો માલિક કોણ છે, પરંતુ આખરે શિપિંગ યુનિયન અને ભારતીય દૂતાવાસની મદદ મેળવ્યા પછી તે ભારત પરત ફરવામાં સફળ રહ્યા, પરંતુ તેમને ઘરે લાવવા માટે તેમના પરિવારે મુસાફરીખર્ચ તરીકે હજારો પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા.
જહાજના સાચા માલિકો કોણ હશે?

ઇમેજ સ્રોત, Sunil Pereira
'સ્કાયલાઇટ'ના કિસ્સામાં જહાજ માટે કોણ જવાબદાર હતું તે ઓળખવું મુશ્કેલ છે.
મેરિટાઇમ ટ્રેકિંગ પ્લૅટફૉર્મ 'મરીનટ્રાફિક' અનુસાર, દુબઈમાં આવેલી 'રેડ સી શિપ મૅનેજમૅન્ટ' નામની કંપની જહાજમાલિક હતી.
જ્યારે બીબીસીએ આ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપની સાથે જોડાયેલા નંબર પરથી કોઈ જવાબ મળ્યો નહોતો. જ્યારે કંપની માટે આપવામાં આવેલ ઇમેઇલ પર મોકલવામાં આવેલ ઇમેઇલ પણ બાઉન્સ થયો હતો.
આ કંપનીની કોઈ કાર્યરત્ વેબસાઇટ પણ જોવા મળતી નથી.
સુનીલ અને દલીપના પરિવારનું કહેવું છે કે હુમલા પછી જહાજમાલિક તરફથી તેમનો કોઈ પ્રકારનો સંપર્ક કરવામાં આવ્યો નથી.
દરિયાઈ વિશ્લેષકો કહે છે કે પ્રતિબંધોને કારણે કેટલાંક જહાજોની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે જહાજો વેપાર ચાલુ રાખવા માટે અસ્પષ્ટ માલિકીની રચનાઓ, બદલાતા ધ્વજ અને વીમા કંપનીઓ અને જટિલ મૅનેજમૅન્ટ નેટવર્ક પર વધુને વધુ નિર્ભર થઈ રહ્યા છે.
નિષ્ણાતો કહે છે કે આવાં કારણોને લીધે કંઈક ખોટું થાય ત્યારે જહાજ માટે કોણ જવાબદાર છે તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાએ 'સ્કાયલાઇટ' પર ઈરાનના તેલના પરિવહન પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યાર બાદ જહાજનો વીમો રદ થઈ ગયો હતો અને તે કોઈ દેશ સાથે સત્તાવાર રીતે નોંધાયેલું રહ્યું નહોતું, જેને 'ફ્લેગ સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્લેગ સ્ટેટની જવાબદારી વેપારી જહાજ પર સલામતી અને કાનૂની ધોરણોનું પાલન કરાવવાની હોય છે.
અગાઉ આ જહાજનો વીમો 'હાઈડોર' કંપની પાસે હતો, પરંતુ કંપનીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકાએ જહાજ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેમનું વીમા કવર સમાપ્ત થઈ ગયું હતું. આઇટીએફએ પણ પુષ્ટિ કરી હતી કે ત્યાર બાદ આ જહાજ માટે કોઈ નવો વીમાકર્તા નોંધાયો નહોતો.
અમને પલાઉ, જે અગાઉ જહાજ સાથે જોડાયેલ ફ્લેગ સ્ટેટ હતું, તરફથી થયેલો પત્રવ્યવહાર પણ જોવા મળ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોને લીધે સ્કાયલાઇટની નોંધણી રદ કરવામાં આવી હતી અને હવે તે પલાઉના ધ્વજ હેઠળ નોંધાયેલું નથી.
જ્યારે હુમલો થયો ત્યારે 'સ્કાયલાઇટ' પાસે ન તો કોઈ વીમો હતો કે ન તો તેની પાસે કોઈ દેશની અધિકૃતતા હતી.
'વિન્ડવર્ડ'ના દરિયાઈ વિશ્લેષક મિશેલ બોકમેન કહે છે કે, "વીમો ન હોવાને કારણે કોઈ વળતર મળવાની શક્યતા રહેતી નથી."
"તમારે જહાજમાલિકના અંતરાત્માના અવાજના ભરોસે રહેવું પડે છે. શું તમે સાચા જહાજમાલિકને શોધી શકશો? સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં તેઓ ક્યાંય દેખાતા નથી. તેઓ ઇરાદાપૂર્વક અનેક દેશોમાં કંપનીઓનાં પડણો રચે છે કે જેના લીધે ખરેખર આ જહાજનો માલિક કોણ છે તે ઓળખવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે."
દલીપના પરિવાર માટે વીમાનો અભાવ વિનાશક સાબિત થઈ શકે છે.
દરિયાઈ કાયદા હેઠળ વેપારી જહાજોએ ક્રૂના મૃત્યુ અને ઇજાઓને આવરી લેતો વીમો લેવો અત્યંત જરૂરી છે. તેના વિના પરિવારોને વળતર મેળવવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે.
સુનીલના જણાવ્યા મુજબ, સ્કાયલાઇટ પર ચઢતા પહેલાં તેમને ભારતમાં એક ભરતી એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જહાજનો વીમો લીધેલો છે.
તેમણે કહ્યું, "મને કહેવામાં આવ્યું હતું કે બધા દસ્તાવેજો બરોબર છે, અને વીમો પણ લીધેલો છે."
વીમા વિનાના જહાજ પર ખલાસીઓને બેસાડવા એ દરિયાઈ કાયદાનો ભંગ છે.
બીબીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સુનીલની ભરતીમાં સામેલ એક એજન્ટે કહ્યું: "અમારી પાસે એવી કોઈ માહિતી કે વીમો નથી." તેમણે એવો દાવો કર્યો કે આ જવાબદારી દુબઈ સ્થિત બીજા એજન્ટની છે. અમે દુબઈસ્થિત એજન્ટને ફોન અને મૅસેજ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
સુનીલનું કહેવું છે કે તે હવે ક્યારેય પાછો દરિયામાં કામ કરવા નહીં જાય.
તેમણે કહ્યું, "હું હજુ સુધી દલીપના પરિવારને મળવાની હિંમત એકઠી કરી શક્યો નથી."
"જો હું તેનું ઘર જોઈશ... તો મને ત્યાં તેની હાજરી અનુભવાશે અને તે ત્યાં હાજર હોવાની કલ્પના થશે. મને તેની ખૂબ યાદ આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















