પરિવારે રાતે નૂડલ્સ ખાધા, સવારે પાંચનાં મોત, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
શનિવારે દિલ્હીને અડીને આવેલા ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો તેમના ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈએ નોઇડા પોલીસને ટાંકીને જણાવ્યું છે કે, મૃતકોની ઓળખ મહેશ (37 વર્ષ), તેમનાં પત્ની લલિતા (35 વર્ષ), બાળક લડ્ડુ (11 વર્ષ), મિષ્ટી (દીકરી, 7 વર્ષ) અને સાક્ષાત (3 વર્ષ) તરીકે થઈ છે.
માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, વરિષ્ઠ અધિકારીઓ, ઍમ્બ્યુલન્સ અને ફૂડ સેફ્ટી વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફીલ્ડ યુનિટ અને ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ નજરમાં આ ફૂડ પૉઇઝનિંગનો મામલો લાગે છે.
ગ્રેટર નોઇડાના ડીસીપી શ્રવણ કુમાર સિંહે કહ્યું, "આ ખૂબ જ દુઃખદ ઘટના છે. એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો છે."
તેમણે કહ્યું, "આ લોકો રાત્રે 10 વાગ્યે (શુક્રવારે) આવ્યા હતા. સવારે, જ્યારે તેઓ બાળકને પરીક્ષા માટે જગાડવા ગયા, ત્યારે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા. તેમણે જે ખાધું હતું તેના આધારે તપાસ ચાલી રહી છે. અન્ય પુરાવા એકત્રિત કર્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે."
પાડોશીઓના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલા લોકો શુક્રવારે મેળામાં ગયા હતા અને પાછા ફરતી વખતે નૂડલ્સ ખાધા હતા. સવારે ખબર પડી કે નૂડલ્સ ખાનારા પતિ, પત્ની અને ત્રણ બાળકોનાં મોત થયાં છે.
પોલીસે જણાવ્યું હતું કે, સ્થાનિકો અને મૃતક મહેશની માતાના જણાવ્યા અનુસાર, "પરિવારના સભ્યોએ ગઈકાલે રાત્રે નૂડલ્સ ખાધા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે મૃત્યુના ચોક્કસ કારણની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક તપાસના પરિણામોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પરિવારે શું કહ્યું

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લલિતાના કાકા કનૈયાસિંહે કહ્યું, "હજુ સુધી કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી નથી. પરિવારમાં પાંચ સભ્યો હતા. હવે જ્યારે પાંચેય મૃત્યુ પામ્યા છે, તો કંઈ કહી શકાય નહીં. આ પરિવાર પાસે સારી એવી મિલકત પણ હતી."
તેમણે કહ્યું, "પરિવારમાં મિલકતના વિવાદોનો ઇતિહાસ રહ્યો છે. આ લોકો બે ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. પહેલા મોટા ભાઈનું ટ્રેન નીચે આવીને મૃત્યુ થયું. પછી પિતાનું મૃત્યુ થયું અને હવે આ લોકોનું પણ મૃત્યુ થયું છે. હવે આ આખો પરિવાર ખતમ થઈ ગયો છે."
કનૈયાસિંહ પોતે દિલ્હીમાં રહે છે અને ઘટનાની માહિતી મળતાં તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે લાવવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું, "હવે આ પરિવારમાં ફક્ત માતા જ બાકી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ બેસી કે ઊભા રહી શકતાં નથી. થોડા દિવસો પહેલાં એક વિવાદ થયો હતો. તેમની મોટા ભાગની મિલકત માતાના નામે હતી. દીકરીઓએ માતા સાથે મિલકતનો કોઈ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હું ખાતરીપૂર્વક કંઈ કહી શકતો નથી."
કનૈયાસિંહના મતે, "બે-ત્રણ વર્ષ પહેલાં, તેમણે રૂમમાં બે-ત્રણ હીટર સળગાવી દીધાં હતાં. હું દોડીને આવ્યો અને તેમને બચાવ્યા હતા. મને ખબર નથી કે શું થયું હતું. પોસ્ટમૉર્ટમથી પણ એટલી જ માહિતી બહાર આવશે કે કયા કારણથી મૃત્યુ થયું હતું, પરંતુ મોત કેમ થયું તે બાબતે કંઈ કહી શકાય એમ નથી."
આ ઘટના અંગે બાળકોના મામા અને લલિતાના ભાઈ સોનુએ કહ્યું, "મારો નાનો ભાઈ આ વિસ્તારમાં કામ કરવા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ચાલો બહેનને મળી આવીએ. જ્યારે અમે અહીં આવ્યા, ત્યારે અમે જોયું કે બધું જ ખતમ થઈ ગયું હતું."
મૃતક પરિવારની પાસે રહેતી કેટલીક મહિલા પાડોશીઓ દાવો કરે છે કે, પીડિત પરિવારના ઘરમાંથી વારંવાર લડાઈ અને ઝઘડાના અવાજો સંભળાતા હતા.
પાડોશની એક મહિલાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, "જ્યારે બધા રાત્રે મેળામાંથી પાછા ફર્યા, ત્યારે લલિતાના સાસુએ કહ્યું, આટલી મોડી રાત્રે હવે રસોઈ ન બનાવશો, બધાએ મેગી ખાઈને સૂઈ જવું જોઈએ."
તેમણે દાવો કર્યો હતો કે, "આ ઘરમાંથી સાસુ-વહુ વચ્ચે વારંવાર ઝઘડાના અવાજો આવતા હતા અને લલિતાની સાસુ કહેતી હતી કે તેઓ પોતાની બધી મિલકત પોતાની દીકરીઓને આપી દેશે."
ફૂડ સેફટી ઑફિસરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
આ ઘટના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના જેવર વિધાનસભા ક્ષેત્રના નાગલા પદમ ગામમાં બની હતી.
સ્થાનિક ભાજપ ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "મુખ્ય મંત્રી કાર્યાલયને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. બધા વહીવટી અધિકારીઓ અહીં હાજર છે અને ફૉરેન્સિક ટીમ પણ આવી ગઈ છે. ખાદ્ય વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યો છે."
"ઝેરી પદાર્થના સેવનની તપાસમાંથી બહાર આવનારાં તથ્યોના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ હેઠળના પદાર્થને પરીક્ષણ માટે જપ્ત કરવામાં આવ્યો છે. જો તે ઝેરી હોવાનું જણાશે, તો તેનું ઉત્પાદન કરનાર કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
જોકે, તપાસ બાદ ફૂડ સેફ્ટી ઑફિસર ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, "અમે બધાં રેપર્સની તપાસ કરી છે, તેમાં કોઈ પણ વસ્તુ એક્સપાયરી ડેટ પછીની નથી મળી. તેમજ અમને બીજી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી."
તેમણે કહ્યું, "જો તે ફૂડ પૉઇઝનિંગનો કેસ હોત, તો ઊલટી અથવા ઝાડાનાં લક્ષણો જોવા મળ્યાં હોત. મૃતદેહો સામાન્ય સ્થિતિમાં પડેલા મળી આવ્યા હતા."
તેમણે આશંકા વ્યક્ત કરી કે, "આ સેલફોસ પૉઇઝનિંગ (ઝેર અથવા ખેતીમાં વપરાતાં રસાયણો વગેરેથી થતું પૉઇઝનિંગ)નો મામલો હોઈ શકે છે."
પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























