પાકિસ્તાન કેવી રીતે અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થ બન્યું, પડદા પાછળ કૂટનીતિની કઈ મોટી કહાણી છે?

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વાટાઘાટો, પાકિસ્તાનનું વૈશ્વિક મહત્ત્વ, ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, જેડી વૅન્સ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Gettty Images/BBC

    • લેેખક, ઉમર નાંગિયાના તથા સારા હસન
    • પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સહમતિ સધાઈ છે, જેના કારણે પાકિસ્તાનમાં જશ્નનો માહોલ છે, કારણ કે આ પ્રક્રિયામાં પાકિસ્તાને મદદ કરી છે.

પાકિસ્તાનમાં શનિવારથી વાટાઘાટો શરૂ થશે. રાજધાની ઇસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.

ઈરાનનું પ્રતિનિધિમંડળ 'મિનાબ 168' વિમાનમાં બેસીને ઇસ્લામાબાદ પહોંચ્યું છે, જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે.

ઇસ્લામાબાદના રસ્તાઓ સૂમસામ જણાય છે. શહેરમાં 10 હજારથી વધુ પોલીસકર્મી તથા સુરક્ષાબળોના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યાં છે.

આ બેઠકમાં શું થાય છે, એના ઉપર વિશ્વભરની મીટ મંડાયેલી છે, કારણ કે ઘણુંબધું દાવ ઉપર લાગેલું છે.

વિશ્વભરમાં અનેક દેશ લડાઈ પૂરી થાય અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ફરી ખુલ્લી જાય, તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ જળમાર્ગ થકી વિશ્વના 20 ટકા ક્રૂડઑઇલની અવરજવર થાય છે.

આ સિવાય પાકિસ્તાન માટે પણ ઘણુંબધું દાવ ઉપર લાગેલું છે.

સોશિયલ મીડિયા ઉપર ગર્વ અને ઉત્સાહ

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વાટાઘાટો, પાકિસ્તાનનું વૈશ્વિક મહત્ત્વ, ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, જેડી વૅન્સ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની તૈયારીરૂપે ઇસ્લામાબાદમાં પોલીસ અધિકારીઓ અને સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં છે, જેથી કરીને શહેરના જાહેરમાર્ગે સૂમસામ થઈ ગયા છે.

જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો પાકિસ્તાને તેના પાડોશી દેશ ઈરાન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે અને તેણે "માઠાં સપનાં જેવી પરિસ્થિતિ"નો સામનો કરવો પડી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કારણ કે વર્ષ 2025માં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય સુરક્ષા કરાર કર્યા હતા.

સિંગાપોરની નાનયાંગ ટૅક્નૉલૉજીકલ યુનિવર્સિટી ખાતે દક્ષિણ એશિયાની બાબતોના જાણકાર અબ્દુલ બાસિત કહે છે કે "પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સાઉદી અરેબિયાને કરેલો વાયદો નિભાવશે."

બાસિત કહે છે કે પરિણામસ્વરૂપે "પાકિસ્તાનની ત્રણ સરહદો ઉપર માહોલમાં ગરમાટો આવી શકે છે."

અબ્દુલ બાસિત પાકિસ્તાનના પાડોશી દેશ ભારત તથા અફઘાનિસ્તાન સાથેના તણાવનો ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે, "પાકિસ્તાનના ચારમાંથી બે પ્રાંતમાં બળવાખોરી ચાલી રહી છે. પાકિસ્તાન આ બધું એકસાથે સહન કરી ન શકે."

આમ છતાં પાકિસ્તાનના સોશિયલ મીડિયા ઉપર ગર્વ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અલગ-અલગ પ્રકારનાં મીમ્સ વાઇરલ થયાં છે.

બાસિત કહે છે, "એક રીતે તે પાકિસ્તાન માટે વિજય છે. વિશ્વનો અન્ય કોઈ દેશ યુદ્ધવિરામ કરાવવામાં સફળ નહોતો રહ્યો તથા મોટી તારાજી થઈ હોત. પાકિસ્તાને એ તારાજીને ટાળી છે."

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન પાકિસ્તાનમાં ભારે રાજકીય ઊથલપાથલ જોવા મળી છે. માત્ર બે વર્ષ પહેલાં પાકિસ્તાન નાદાર થવાની અણી ઉપર હતું, તેનું અર્થતંત્ર નબળું પડ્યું છે તથા ભારત સાથે ભારે દુશ્મનાવટનો સામનો કર્યો છે. એટલે પાકિસ્તાન માટે આ સફળતા ખૂબ જ જરૂરી હતી.

ત્યારે પાકિસ્તાને આ બધું કઈ રીતે કરી દેખાડ્યું?

ટ્રમ્પના 'ફેવરિટ'

અમેરિકા, ઈરાન તથા ખાડી દેશો પાકિસ્તાન ઉપર વિશ્વાસ કરે છે, એટલે તેની સ્થિતિ સારી છે.

પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગના સંસદસભ્ય મુશાહિદ હુસૈન સૈયદના કહેવા પ્રમાણે, "આ સમાધાનની પ્રક્રિયાનું નેતૃત્વ સેનાધ્યક્ષ આસિમ મુનીર કરી રહ્યા છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આસિમ મુનીરને પોતાના 'ફેવરિટ ફિલ્ડમાર્શલ' જણાવે છે.

ફિલ્ડમાર્શલ મુનીર કદાચ પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ છે, કારણ કે પાકિસ્તાન એવો દેશ છે કે જેના રાજકારણમાં સેનાએ લાંબા સમય સુધી ભૂમિકા ભજવી છે.

અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્ર ખાતે પાકિસ્તાનનાં રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલાં મલીહા લોધી કહે છે, "ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થયો એ પછી તરત જ મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તાલમેલ બેસાડવાનું ચાલુ કરી દીધું હતું અને તેમને 'બે પ્રારંભિક વિજય' અપાવ્યા હતા."

વર્ષ 2021માં અમેરિકનો અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે કાબુલ ઍરપૉર્ટ ખાતે બૉમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 170 અફઘાન તથા 13 અમેરિકન સૈનિક મૃત્યુ પામ્યાં હતાં.

સીઆઈએ પાસેથી મળેલી ગુપ્તચર માહિતીના આધારે મુનીરે આ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડને પકડીને તેને અમેરિકનોને સોંપી દીધો હતો.

લોધી કહે છે, "ટ્રમ્પ આ વાતે એટલા આભારી થઈ ગયા હતા કે તેમણે (અમેરિકાની સંસદ) કૉંગ્રેસને જે પહેલું ભાષણ કર્યુ, એમાં તેનો ઉલ્લેખ કર્યો હતો."

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વાટાઘાટો, પાકિસ્તાનનું વૈશ્વિક મહત્ત્વ, ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, જેડી વૅન્સ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, White House

લોધી ઉમેરે છે કે બીજો વિજય એ હતો કે, "જે રીતે પાકિસ્તાને તેમને એ જણાવ્યું કે ભારત સાથે એક મોટું યુદ્ધ અટકાવવામાં તેમણે (ડોનાલ્ડ ટ્રમ્પે) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."

ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી શાંતિ માટેના નોબેલ પારિતોષિકની ખેવના રાખે છે અને પાકિસ્તાન એવા બહુ થોડા દેશોમાંથી એક છે કે જેણે શાંતિ માટેના નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પને નૉમિનેટ કર્યા છે.

લોધી કહે છે, "ટ્રમ્પે વિશ્વના લગભગ દરેક દેશ ઉપર ટેરિફ નાખ્યા હતા, જેના કારણે તેમને ખાસ કોઈ ખુશી નહોતી મળી રહી. એવામાં તેમને જેની જરૂર હતી, એ તેમને પાકિસ્તાન પાસેથી મળી."

આ ઉપરાંત પાકિસ્તાને તેના મહત્ત્વપૂર્ણ ખનીજો ઉપલબ્ધ કરાવવાનું પણ વચન આપ્યું છે, જેને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાનાં હિત તરીકે જુએ છે.

સપ્ટેમ્બર, 2025માં પાકિસ્તાનનાં મહત્ત્વનાં ખનીજોની મુખ્ય ખોદકામ સંસ્થા - મફ્રન્ટિયર વર્ક્સ ઑર્ગેનાઇઝેશને (જે લશ્કર હેઠળ કામ કરે છે) અમેરિકાની કંપની સાથે 500 મિલિયન ડૉલરના રોકાણના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમારોહ વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયો હતો, જ્યાં મુનિર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ, ગત જાન્યુઆરીમાં પાકિસ્તાને ટ્રમ્પ અને તેમનો પરિવાર જેના સહ-સ્થાપકો છે તેવા ક્રિપ્ટૉકરન્સીના સાહસ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ્સની એક સંલગ્ન કંપની સાથે કરાર કર્યા હતા.

આ કરાર સંભવતઃ તેના સ્ટેબલકૉઇનને દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે એકીકૃત કરશે. તેનાથી ટ્રમ્પના નજીકના વર્તુળ સાથે પણ પાકિસ્તાનના સંબંધો વધુ મજબૂત થયા છે.

'સિદ્ધાંતવાદી વલણ'

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વાટાઘાટો, પાકિસ્તાનનું વૈશ્વિક મહત્ત્વ, ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, જેડી વૅન્સ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Kash Patel/X

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે બીજી ટર્મ શરૂ કરી, તેના થોડા જ સમય પછી 2021ના કાબુલ ઍરપૉર્ટ ઉપર બોમ્બવિસ્ફોટ માટેના માસ્ટરમાઇન્ડ અમેરિકાને સોંપી દેવાયો હતો.

જોકે, તે નજીકનાં જોડાણો પાકિસ્તાનને અમેરિકા-ઇઝરાયલના ઈરાન ઉપરના હુમલાની સત્તાવાર રીતે ટીકા કરતાં અટકાવી શક્યાં નહોતાં. પરંતુ, જ્યારે ઈરાને પાકિસ્તાનના લશ્કરી સાથી સાઉદી અરેબિયાનાં તેલ ક્ષેત્રો પર બૉમ્બમારો કર્યો, ત્યારે પાકિસ્તાને ઈરાનને આકરા શબ્દોમાં વખોડી નાખ્યું હતું.

સાતમી એપ્રિલના રોજ, હોર્મુઝની ખાડી ફરીથી ખોલાવવા માટે દેશોને સંકલિત પ્રયાસો કરવાનો અનુરોધ કરતા યુએન સિક્યૉરિટી કાઉન્સિલના ઠરાવથી પાકિસ્તાન દૂર રહ્યું હતું. સૈયદ આ ઠરાવને "એકતરફી" ગણાવે છે કે, કારણ કે, આ ઉકેલમાં એવો ઉલ્લેખ નથી કરાયો કે, પહેલો હુમલો અમેરિકા અને ઇઝરાયલે કર્યો હતો.

સૈયદ જણાવે છે કે, આ "સૈદ્ધાંતિક વલણ" તેમજ "સંતુલિત અભિગમ" ઈરાન તથા અન્ય અખાતી દેશોનો વિશ્વાસ સંપાદિત કરવામાં ઉપયોગી નીવડ્યાં હતાં.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ ઐજાઝ ચૌધરી કહે છે કે, આ દેશો સાથે વાટાઘાટોમાં વડા પ્રધાન શહબાઝ શરીફે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

છેલ્લાં પાંચ અઠવાડિયાં દરમિયાન, શરીફ અને તેમના નાયબ વિદેશ મંત્રી ઈશાક ડારે વૉશિંગ્ટન, મૉસ્કો, બિજિંગ, યુરોપની ચાવીરૂપ રાજધાનીઓ, તુર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયા તથા કતાર જેવા જીસીસી દેશોના ડઝનબંધ વૈશ્વિક નેતાઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

જે દિવસે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ, ત્યારે શરીફે કહ્યું હતું કે, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન સાથે તેમણે "ઉષ્માપૂર્ણ અને નક્કર વાતચીત" કરી હતી, જેમણે "આગામી વાટાઘાટોમાં ઈરાનની સહભાગીતાની પુષ્ટિ કરી હતી તેમજ પાકિસ્તાનના પ્રયાસોને બિરદાવ્યા હતા".

આ પ્રસંગે શરીફ ઈરાન સાથેના પાકિસ્તાનના લાંબા ગાળાના સંબંધોનો ઉપયોગ કરવામાં સફળ રહ્યા હોય, એવું જણાઈ રહ્યું છે. ઈરાનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત આસિફ દુરાની કહે છે કે, બંને દેશો વચ્ચે 920 કિલોમીટરની સરહદ આવેલી છે અને પરિણામે, તેમની વચ્ચે દાયકાઓથી સહયોગ પ્રવર્તી રહ્યો છે.

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વાટાઘાટો, પાકિસ્તાનનું વૈશ્વિક મહત્ત્વ, ફિલ્ડમાર્શલ આસિમ મુનિર, જેડી વૅન્સ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, બુધવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબેનોનમાં 300 કરતાં વધુ લોકો માર્યા ગયા હતા.

આ ઉપરાંત આતંકવાદીઓ અને અસ્થિર અફઘાનિસ્તાન જેવી કેટલીક ચિંતાઓ પણ તેમની સહિયારી છે.

દુરાની કહે છે, "છેલ્લા પાંચ દાયકાથી, અમે બંને દેશો શરણાર્થીઓના સ્વરૂપમાં અમારા દેશોમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યાં છીએ."

વળી, વિશ્વાસ અને જોડાણ દ્રઢ કરવામાં ધર્મની ભૂમિકાને પણ ઓછી ન આંકવી જોઈએ. પાકિસ્તાનમાં સુન્ની અનુયાયીઓ બહુમતીમાં છે, પણ સાથે જ ત્યાં શિયાની વસતી પણ વ્યાપક પ્રમાણમાં છે.

દર વર્ષે, હજ્જારો પાકિસ્તાની નાગરિકો શિયા અનુયાયીઓની સૌથી વધુ વસતી ધરાવનારા દેશ ઈરાનનો ધાર્મિક પ્રવાસ ખેડે છે.

પરંતુ, શનિવાર આવી ગયો છે, ત્યારે પાકિસ્તાનના પ્રયત્નો વચન પ્રમાણેની શાંતિ મંત્રણામાં પરિણમશે કે કેમ, તેને લઈને અસ્પષ્ટતા પર્વર્તી રહી છે. યુદ્ધવિરામ પર દબાણ વધી રહ્યું છે.

ચૌધરીએ કહ્યું હતું, "સમાવેશક કરાર પર પહોંચવાનો આગામી તબક્કો મુશ્કેલ છે અને પાકિસ્તાને તે પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ."

લોધીના જણાવ્યા પ્રમાણે, "ઇઝરાયલ અગાઉથી જ લેબેનૉન પર ભીષણ હુમલો કરીને યુદ્ધવિરામને નબળો પાડવાની કોશીશ કરી રહ્યું છે."

ગયા બુધવારે ઇઝરાયલે લેબેનૉન ઉપર કરેલા હુમલામાં 300 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઇઝરાયલ કહે છે કે, ઈરાન સાથેના યુદ્ધવિરામમાં લેબેનૉનનો સમાવેશ થતો નથી.

તેમણે ઉમેર્યું હતું, "પાકિસ્તાનના અધિકારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને તે મોરચે ઇઝરાયલ પર લગામ લગાવવાની જવાબદારી ટ્રમ્પની છે."

દુરાની જણાવે છે, "શાંતિ જાળવવા માટે પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવી ચૂક્યું છે. એક બ્રૉકર, મધ્યસ્થી કે પછી મદદગાર તરીકે, તમારું કામ ઘોડાને પાણી સુધી લઈ જવાનું છે. પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડશે. પાકિસ્તાન દ્વારા પૂરી પાડવામાં આવેલી આ તકનો ઉપયોગ કરવાનું કામ હવે પક્ષકારોનું છે."

(સ્ટીફન હૉક્સ અને ગ્રેસ ત્સોઈ દ્વારા વધુ રિપોર્ટિંગ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન