ગટર ખોદતા મજૂરોને મળેલું લગભગ100 કરોડનું સોનું પોલીસ જોડે પહોંચ્યું, હવે કોને અપાશે?

ઇમેજ સ્રોત, Dendermonde Local Police
બૅલ્જિયમમાં એક ઘરનું રિનૉવેશન કરી રહેલા કામદારોને ભોંયરાની દીવાલો વચ્ચે દટાયેલો લગભગ 10.4 મિલિયન અમેરિકન ડૉલરનો (15 ઑગસ્ટ, 2026ના ભાવ પ્રમાણે 99,26,85,200 રૂ.) સોનાનો ભંડાર મળ્યો.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ અઠવાડિયાની શરૂઆતમાં પૂર્વ ફ્લેન્ડર્સ ખાતે સ્થિત એક પ્રૉપર્ટી પર નવી ગટર પાઇપ નાખવા માટે ખોદકામ કરતી વખતે મજૂરોને સોનાનાં લગડી અને સિક્કાનો છુપાયેલો ખજાનો મળ્યો.
આ શોધનો લાભ કોને મળી શકે છે તે અંગે હવે ચર્ચા જામી છે: મજૂરો અને ઘરની માલિકી ધરાવતી સ્થાનિક ચૅરિટી સંસ્થા બંને પાસે આ ખજાના પર દાવો કરવાની તક છે.
તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસે વધુ ખજાનો શોધવાના પ્રયાસમાં સ્થળ પર જવાનું વિચારી રહેલા લોકોને ચેતવણી આપી છે કે મિલકતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને સોનું સુરક્ષિત સ્થાને ખસેડી દેવાયું છે.
ઇમારતના પાયા પર કામ કરતી વખતે કામદારોએ ખજાનો શોધી કાઢ્યો. તેમાં એક 18 વર્ષનો યુવાન પણ હતો, જે ઉનાળા દરમિયાન કામે લાગ્યો હતો.
કોબે નામના વિદ્યાર્થીએ બૅલ્જિયન જાહેર પ્રસારણકર્તા વીઆરટીને જણાવ્યું. "અમારી પહેલી પ્રતિક્રિયા અવિશ્વાસ અને આશ્ચર્યની હતી."
"પહેલાં તો મને લાગ્યું કે તે એક યુરોના સિક્કા છે. પણ પછી અમે ત્યાં સોનાનો એક ટુકડો પણ જોયો. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એ કંઈક મોટું છે."
"તે ચોરી હશે"

ઇમેજ સ્રોત, Dendermonde Local Police
થોડા સમય પછી, તેમણે પોલીસને આ શોધ વિશે જણાવ્યું અને જણાવ્યું કે આ સોનાને પોતાની પાસે રાખવું એ કોઈ વિકલ્પ નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સ્થળના મૅનેજર મારિયોએ વીઆરટીને જણાવ્યું, "ત્યાં એટલા બધા સિક્કા અને લગડી છે કે તેને છુપાવવું લગભગ અશક્ય હશે."
"વળી, આવું કરવું ચોરી કહેવાય."
કોબે સંમત થયા: "નવ મિલિયન યુરો: આટલું ધન છુપાવી ન શકાય."
હાલમાં, આ મિલકત CAW Oost-Vlaanderenની માલિકીની છે, જે લગભગ 47,000 રહેવાસીઓના ફ્લેમિશ નગર ડેન્ડરમોન્ડ (બૅલ્જિયમના ઉત્તર ભાગમાં આવેલા પ્રદેશ ફ્લેન્ડર્સના રહેવાસી) ખાતે સમાજકાર્યમાં જોડાયેલી છે.
તેના ડિરેક્ટર, ગીર્ટ હિલાર્ટે જણાવ્યું હતું કે તેમની પહેલી પ્રતિક્રિયા "અતિ આશ્ચર્ય" ની હતી, તેમણે ઉમેર્યું કે તેમને આશા છે કે આ ઘનનો ઉપયોગ આખરે ચૅરિટીના કાર્યને ટેકો આપવા અને "આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેવી વિશાળ જરૂરિયાત" ને પૂર્ણ કરવા માટે થઈ શકે છે.
સ્થાનિક પોલીસે લોકોને ખજાનાની શોધમાં આ સ્થળની મુલાકાત ન લેવા વિનંતી કરી.
સ્થાનિક પોલીસ દળે પોતાના ફેસબુક પ્રોફાઇલ પર સોનાના સિક્કાનો ફોટો મૂક્યો છે, ફોર્સે કહ્યું કે તેમને આશા છે કે આ સોનું "યોગ્ય જગ્યાએ" પહોંચશે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.
બૅલ્જિયમના કાયદા હેઠળ, ખજાનાના હકદાર માલિક પાસે ખજાનાનો દાવો કરવા માટે પાંચ વર્ષનો સમય છે, જોકે, આ મામલાની તપાસ શરૂ કરનાર સ્થાનિક પ્રૉસિક્યૂટરે જણાવ્યું હતું કે તે કોણ હોઈ શકે છે તે અંગે હજુ કંઈ ખબર નથી.
જો કોઈ આગળ ન આવે, તો નાગરિક કાયદાની જોગવાઈ પ્રમાણે, આ ખજાનો બીજાની મિલકત પર છુપાયેલ ખજાનો શોધનાર અને મિલકતના માલિક વચ્ચે વહેંચવો જોઈએ.
જોકે, આ જોગવાઈ ફક્ત ત્યારે જ લાગુ પડે છે, જ્યારે આવી રીતે મળી આવેલ ખજાનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ન હોય.
બાંધકામ કંપની અને ચૅરિટી બંનેએ હવે માલિક આગળ આવે તે માટે 1,823 દિવસ સુધી રાહ જોવી પડશે. જો કોઈ દાવો ન કરે, તો નિઃશંકપણે એ 'મૌન સોનેરી' હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















