ગુજરાતમાં દક્ષિણથી માંડીને સૌરાષ્ટ્રમાં વરસાદ, હજુ પણ ભારે વરસાદની આગાહી – ન્યૂઝ અપડેટ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે

ઇમેજ સ્રોત, Bipin tankariya/bbc

ઇમેજ કૅપ્શન, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં વાપીમાં સૌથી વધુ 105 મિમી વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં 30 જૂન સાંજે 6 વાગ્યાથી 1 જુલાઈ સવારે 8 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વાપી, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુરમાં વરસાદ પડ્યો છે.

વરસાદને કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયાં હતાં.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાપુતારા અને તળેટીમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

તો પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં બે કલાકમાં 36 મિમી વરસાદ પડ્યો છે.

કાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ડેરોલ સ્ટેશન, ડેરોલ ગામ તેમજ ડેરોલ રેલવે અન્ડર પાસમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદનું આગમન થયું છે. અહીંના કાલાવડ રોડ, 150 રિંગ રોડ, અમીન માર્ગમાં વરસાદ પડ્યો છે.

તેમજ રાજકોટ - જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.

હવામાન વિભાગના પહેલી જુલાઈના બુલેટિન પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં થોડાંક સ્થળો અને ઉત્તર ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો છે.

આ સિવાય દમણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અને અમરેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાત હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જગ્યાએ સામાન્ય તો કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી છે.

મનરેગાની જગ્યાએ નવો કાયદો આજથી લાગુ થશે, જાણો મજૂરી કેટલી મળશે?

કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી દેશભરમાં વીબી-જી રામ જી અધિનિયમ હેઠળ દૈનિક મજૂરીનો દર લાગુ કરી દીધો છે

ઇમેજ સ્રોત, @MoRD_GoI

ઇમેજ કૅપ્શન, કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી દેશભરમાં વીબી-જી રામ જી અધિનિયમ હેઠળ દૈનિક મજૂરીનો દર લાગુ કરી દીધો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી દેશભરમાં વીબી-જી રામ જી અધિનિયમ હેઠળ દૈનિક મજૂરીનો દર લાગુ કરી દીધો છે. તેમાં કોઈ પણ રાજ્યમાં દૈનિક મજૂરી 300 રૂપિયાથી ઓછી નહીં હોય.

સરકાર અનુસાર, હવે કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં અધિસૂચિત મજૂરી દૈનિક 300 રૂપિયાથી ઓછી નહીં હોય.

નોટિફિકેશન અનુસાર, બધાં 34 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મજૂરીના દરમાં વધારો કરાયો છે. એ અનુસાર, દૈનિક મજૂરીની રાષ્ટ્રીય સરેરાશ 298.8 રૂપિયા પછીને 327.4 રૂપિયા થઈ ગઈ છે અને આખા દેશમાં સરેરાશ મજૂરીમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.

સરકાર અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં મજૂરીમાં 15થી 25 ટકા સુધીનો વધારો કરાયો છે.

તો હરિયાણામાં દૈનિક મજૂરી 409 રૂપિયા, ગોવામાં 406 રૂપિયા, કેરળમાં 401 રૂપિયા અને સિક્કિમમાં ઊંચાઈવાળી ગ્રામપંચાયતના વિસ્તારોમાં 450 રૂપિયા નક્કી કરાઈ છે.

કર્ણાટક અને પંજાબ સહિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ મજૂરી 360 રૂપિયાથી વધુ હશે.

સંસદમાં ગત વર્ષે ડિસેમ્બરમાં 'વિકસિત ભારત-જી રામ જી' બિલ 2025 પાસ કરાયું હતું, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ હતી. આ કાયદો 1 જુલાઈ, 2026થી લાગુ થઈ ગયો છે.

'વિકસિત ભારત ગૅંરટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' યુપીએ સરકારના સમયની મનરેગા યોજનાનું સ્થાન લઈ રહ્યું છે.

કૉંગ્રેસના નેતૃત્વાળી યુપીએ સરકાર વર્ષ 2005માં મનરેગા કાયદો લઈને આવી હતી, જે હેઠળ ગ્રામીણ વિસ્તારોના પરિવારોને વર્ષમાં 100 દિવસના રોજગારીની ગૅરંટી હતી.

વિપક્ષનો આરોપ છે કે આ સ્કીમમાં કેન્દ્ર સરકારને રાજ્યોની તુલનામાં 'વધુ અધિકાર' છે, જ્યારે રાજ્ય સરકારોને પહેલાં કરતાં 'વધુ પૈસા' ખર્ચ કરવા પડશે.

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે મહાનગરપાલિકાએ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે મહાનગરપાલિકાએ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

સુરત મહાનગરપાલિકાએ નાસીરનગર ડિમોલિશન મામલે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે "સુરત મહાનગરપાલિકા ખાતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30મી મે, 2026ના રોજ જે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેની તપાસ કમિટિને સોંપવામાં આવી છે. આ તપાસ ચાલુ હોવાથી, તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થાય તે માટે કાર્યપાલક ઇજનેર સુજલકુમાર પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર જયાંક જીવનરામજીવાલા, ડે. ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢીયા અને જુનિયર ઇજનેર નરેશકુમાર ગલચરને તાત્કાલિક અસરથી ફરજમોકુફી હેઠળ મૂક્વામાં આવ્યા છે."

ઉલ્લેખનીય છે કે સુરતના નાસીરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડઝનબંધ ઘરોને તોડી પાડવામાં આવ્યાં હતાં. સેંકડો લોકો બેઘર બની ગયા હતા.

ડિમોલિશની કામગીરીની કાયદેસરતા અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાન સુરત મહાનગરપાલિકાએ બેઘર બનેલા લોકોને કૉમ્યુનિટી હૉલમાં આશરો આપ્યો છે.

રામ મંદિરમાં કથિત દાનચોરીનો મામલો : રામ ગોપાલ યાદવનો આરોપ, '20 હજાર કરોડનું કૌભાંડ'

રામ મંદિરમાં કથિત દાનચોરીનો મામલો : રામ ગોપાલ યાદવનો આરોપ, '20 હજાર કરોડનું કૌભાંડ' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

અયોધ્યા રામ મંદિરમાં કથિત દાનચોરીના મામલે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે મોટો આરોપ લગાવ્યો છે.

બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યું, "જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે એક છેતરપિંડી છે. તેમાં મોટા-મોટા લોકો સામેલ છે."

તેમણે કહ્યું, "ઓછામાં ઓછા 20 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. સોના-ચાંદી, ઘરેણાં...લોકોએ પચાસ-પચાસ કિલો સોનું આપ્યું હતું, હીરાના હાર આપ્યા પરંતુ કોઈને કશી જ ખબર નથી."

અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં કથિત ગોટાળા સંદર્ભમાં એસઆઈટીએ અત્યાર સુધી આઠ અભિયુક્તોની ધરપકડ કરી છે.

આ વિવાદે તૂલ પકડ્યા બાદ યુપીની યોગી આદિત્યનાથ સરકારે મામલાની તપાસ માટે વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની ઘોષણા કરી હતી. જોકે, વિપશ્ર સતત રાજ્ય અને કેન્દ્રની સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાન સીમા પર કર્યા હુમલા, બંને દેશો વચ્ચે તણાવ ફરી વધ્યો

અફઘાનિસ્તાને પાકિસ્તાન સીમા પર કર્યા હુમલા, બંને દેશો વચ્ચે તણાવ ફરી વધ્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલાં ઠેકાણાં પર હુમલા કર્યા છે.

તાલિબાન શાસન તરફથી જણાવાયું છે કે આ હુમલાઓમાં પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

જ્યારે પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે તેણે ચાર સામાન્ય ડ્રૉનને ઠાર માર્યાં છે અને ચેતવણી આપી છે કે આગળ કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો "યોગ્ય જવાબ" આપવામાં આવશે. જોકે, બીબીસી આ હુમલાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.

આ હુમલાઓ એવા સમયે થયા છે, જ્યારે પાકિસ્તાને રવિવારે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, તે હુમલાઓમાં 28 નાગરિકોનાં મોત થયાં હતાં.

ઘણા મહિનાઓની શાંતિ બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. બંને દેશોએ ઑક્ટોબર મહિનામાં ઘણાં અઠવાડિયાં સુધી ચાલેલી રક્તરંજિત અથડામણો પછી યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી હતી.

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર આરોપ લગાવતું રહ્યું છે કે તે એવા 'આતંકવાદીઓને આશ્રય' આપે છે, જે પાકિસ્તાનમાં હુમલા કરે છે. જોકે, તાલિબાન સરકાર આ આરોપોને નકારતી રહી છે.

જ્યારે તાલિબાન શાસનનો આરોપ છે કે પાકિસ્તાન કોઈ ઉશ્કેરણી વિના આવા હુમલા કરે છે, જેમાં સામાન્ય નાગરિકો માર્યા જાય છે. જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે તે 'માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવે' છે.

અફઘાનિસ્તાનનું કહેવું છે કે રવિવારે પાકિસ્તાનના હુમલાઓમાં રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તેના અનુસાર, આ હુમલાઓમાં 36 નાગરિકોનાં મોત થયાં અને 160થી વધુ લોકો ઘાયલ થયા.

તાલિબાને પાકિસ્તાનની આ કાર્યવાહીને "કાયરતાભરી હરકત" ભરી અને "ઘોર અત્યાચાર" ગણાવી છે.

જન્મસિદ્ધ નાગરિકતા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે નિરાશા વ્યક્ત કરી

જન્મસિદ્ધ નાગરિકતા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે નિરાશા વ્યક્ત કરી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ફૉક્સ ન્યૂઝના એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જન્મસિદ્ધ નાગરિકતા (બર્થરાઇટ સિટિઝનશિપ) યથાવત્ રાખવાના નિર્ણયને "ખૂબ જ નિરાશાજનક" ગણાવ્યો છે.

વેન્સે જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન આ મામલે પોતાના તમામ કાયદાકીય વિકલ્પો પર કામ ચાલુ રાખશે. તેમનું કહેવું હતું કે વ્હાઇટ હાઉસની અમેરિકન ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર લાવવાના પ્રયાસો ચાલુ છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો માટે મોટો કાનૂની ઝાટકો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટએ મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને મર્યાદિત કરવાના આદેશને રદ કરી દીધો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ જ દિવસે આ સંબંધિત એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો.

તેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે અથવા અસ્થાયી રીતે રહેતાં માતાપિતાથી જન્મેલાં બાળકો અમેરિકાના જન્મસિદ્ધ નાગરિક ગણાશે નહીં.

ટ્રમ્પના આ આદેશ પર અગાઉ નીચલી અદાલતોએ રોક લગાવી હતી. ત્યારબાદ ટ્રમ્પ પ્રશાસને સુપ્રીમ કોર્ટમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અથવા અસ્થાયી વિઝા પર રહેલા લોકોનાં જન્મેલાં બાળકોને આપમેળે અમેરિકન નાગરિકતા મળવાની વ્યવસ્થા સમાપ્ત કરવાની માંગ કરી હતી.

પરંતુ હવે સર્વોચ્ચ અદાલતે પણ પોતાના નિર્ણયમાં જન્મસિદ્ધ નાગરિકતાને યથાવત્ રાખી છે.

ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઝાટકો, જન્મસિદ્ધ નાગરિકતાનો અધિકાર સીમિત કરવાનો આદેશ રદ

ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઝાટકો, જન્મસિદ્ધ નાગરિકતાનો અધિકાર સીમિત કરવાનો આદેશ રદ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને સીમિત કરવાનો આદેશ રદ કરી દીધો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પહેલા જ દિવસે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો હતો.

જેમાં કહેવાયું હતું કે અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રીતે રહેતાં માતાપિતાથી પેદાં થયેલાં બાળકો અમેરિકાના જન્મજાત નાગરિકો નહીં કહેવાય.

ટ્રમ્પના આ આદેશ પર પહેલા નીચલી અદાલતોએ રોક લગાવી અને હવે સુપ્રીમ કોર્ટે પણ 6-3ના ચુકાદામાં જન્મસિદ્ધ નાગરિકતાને યથાવત્ રાખી છે.

આ ચુકાદો મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે આપ્યો છે. તેમણે કહ્યું, "જે બાળકોનાં માતાપિતા અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રીતે છે, તે પણ અમેરિકાના સંવિધાન પ્રમાણે જન્મથી નાગરિક છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા એ 30 દેશોમાં સામેલ છે જે પોતાને ત્યાં જન્મેલી તમામ વ્યક્તિઓને આપોઆપ નાગરિકતા આપે છે.

પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત, શું વાતચીત થઈ?

પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, @Iran_in_India

ઇમેજ કૅપ્શન, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફાઇલ ફોટો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર તેની જાણકારી આપી છે.

તેમણે લખ્યું, "પશ્ચિમ એશિયામાં હાલની ઘટનાઓ મામલે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત થઈ. વાતચીતમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરાવી કે સતત પ્રયાસોથી આ વિસ્તારમાં સ્થાયી શાંતિ આવશે."

પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે ભારત અને દુનિયા માટે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરની આઝાદીના મહત્ત્વ પર ફરી ભાર મૂક્યો.

ભારતમાં ઈરાની દૂતાવાસે પણ આ વાતચીત મામલે જાણકારી આપી છે. ઈરાની દૂતાવાસે ઍક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું, "રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને મંગળવારે બપોરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. રાષ્ટ્રપતિએ બ્રિક્સ ઊર્જા મંત્રીઓની બેઠકનું સફળ આયોજનની સરાહના કરી અને આશા વ્યક્ત કરી કે બ્રિક્સ જેવા બહુપક્ષી મંચો પર ઈરાન અને ભારત વચ્ચે સહયોગ વધુ મજબૂત થશે."

ઈરાની દૂવાવાસ પ્રમાણે પેઝેશ્કિયાને કહ્યું, "બંને દેશોના સંબંધો ઍતિહાસિક અને પરસ્પર સન્માન પર આધારિત છે. રાજનીતિક, આર્થિક, વ્યાપાર, ટ્રાન્ઝિટ અને આંતરરાષ્ટ્રિય મામલે સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ છે. તેથી સારો સમન્વય સ્થાપિત કરીને ઉપલબ્ધ ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે નવા રસ્તા શોધવા જરૂરી છે."

તેમણે કહ્યું કે ઈરાન અને ભારત વચ્ચે ઘણા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સમાન વિચાર છે. ખાસ બહુપક્ષીય સંગઠનો અને મંચો પર. તેમના જણાવ્યા પ્રમાણે આ સમાનતા બંને દેશો વચ્ચે રણનીતિક સહયોગ અને વ્યાપક સંબંધોને વધુ મજબૂત કરવાનો આધાર બની શકે છે.

ઈરાની દૂતાવાસે જણાવ્યું છે કે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને યુદ્ધવિરામ અને સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનો ઉલ્લેખ પણ કર્યો.

તેમણે કહ્યું, "ઈરાન પોતાના દાયિત્વનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને આશા કરે છે કે બીજો પક્ષ પણ સમજૂતીની શરતોનું ઇમાનદારી અને જવાબદારીથી પાલન કરે. જેથી ક્ષેત્રમાં સ્થાયી શાંતિ, સ્થિરતા ને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન