ગુજરાતમાં ચોમાસું નબળું રહે તો ખેડૂતો કેવી રીતે નુકસાનથી બચી શકે, ત્રણ બાબતો જે ખેતીને અસર કરશે

વરસાદની રાહ જોઈ રહેલો ખેડૂત

ભારતીય હવામાન ખાતાએ 29 મેના રોજ એક અખબારી યાદી બહાર પાડી આગાહી કરી હતી કે વર્ષ 2026નું નેઋત્યનું ચોમાસું સામાન્ય કરતા નબળું રહેશે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 1971થી 2020નાં 50 વર્ષ દરમિયાન નોંધાયેલા સરેરાશ 34.25 ઇંચ વરસાદની સરખામણીએ 2026માં સરેરાશ 30.82 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે.

એટલે કે, આ વર્ષે સરેરાશના 90 ટકા વરસાદ પડશે અને એ રીતે આ વર્ષનું ચોમાસું વરસાદની ખાધવાળું રહેશે.

એપ્રિલ મહિનામાં આ વરસના ચોમાસા દરમિયાન પડનાર વરસાદનું લાંબા ગાળાનું અનુમાન જાહેર કરતા ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું કે અલ નીનો, ઇન્ડિયન ઑશન ડાઇપોલ (ટૂંકમાં ઓઇ.ઓ.ડી.) અને યુરોપ-એશિયા ખંડમાં શિયાળા અને વસંત ઋતુ દરમિયાન બરફનું આવરણ ભારતના ચોમાસાને અસર કરતાં મોટાં પરિબળો છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ ત્રણ પરિબળોમાંથી અલ નીનોની સ્થિતિ અને આઈઓડી અનુકૂળ નથી અને તેથી ભારતમાં ચોમાસું નબળું રહેશે.

29 મેના રોજ હવામાન ખાતાએ તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નેૠત્યના ચોમાસાના ગાળામાં અલ નીનોનું સર્જન થાય તેવી શક્યતા છે.

સાથે જ હવામાન ખાતાએ ઉમેર્યું હતું કે અત્યારે આઈઓડી ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે અને નેૠત્યના ચોમાસા દરમિયાન પણ આ જ સ્થિતિ જળવાઈ રહે તેવી સંભાવના છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધીમંત વઘાસિયા કહે છે કે અલ નીનો સર્જાવાની શક્યતા વચ્ચે ભારતીય હવામાન વિભાગે નબળા ચોમાસાની આગાહી કરી છે ત્યારે ચોમાસાની ત્રણ બાબતો ખેડૂતોને સીધી અસર કરી શકે છે.

તેઓ ઉમેરે છે કે, જો ખેડૂતો તેના પર ધ્યાન આપે તો આવા ચોમાસામાં પણ ખેતીમાં નુકસાન નિવારી શકાય છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદ કેવો રહેશે?

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર
ઇમેજ કૅપ્શન, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક આકાશમાં ઘેરાયેલાં વાદળો

બીબીસી સાથે વાત કરતા ડૉ. વઘાસિયાએ જણાવ્યું કે 2016 અને 2022-23ના વર્ષમાં અલ નીનોની અસર ભારતના નેૠત્યના ચોમાસા પર દેખાઈ હતી.

તેમણે કહ્યું, "ભારતીય હવામાન વિભાગ અને અન્ય કેટલાક દેશોની હવામાન એજન્સીઓ જણાવે છે કે 2026ના અંત ભાગ તરફ અલ નીનોનું સર્જન થશે."

"જો તેમ થાય તો ચોમાસાના પાછલા ભાગમાં વરસાદ ઘટી શકે છે. નેઋત્યનું ચોમાસું વહેલું પણ વિદાય લઈ શકે છે."

ચેમાસું વહેલું વિદાય લે તો ખેડૂતો પર કેવી અસર થઈ શકે છે તે સવાલનો જવાબ આપતા ડૉ વઘાસિયા કહે છે કે, "એ સમયે પાક દાણા ભરાવવાની અવસ્થાએ હોય છે અને આવા વાતાવરણની ઉત્પાદન પર સીધી અસર જોવા મળે છે."

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર
ઇમેજ કૅપ્શન, ડૉ. ધીમંત વઘાસિયા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"ખેડૂત પાસે જો પિયતની સુવિધા હોય તો પિયત આપી પાકને બચાવી શકે છે પરંતુ જો ખેડૂત આવું પિયત આપી ન શકે તો ઉત્પાદનમાં 40થી 50 ટકાનો ઘટાડો થઈ શકે છે."

નેઋત્યનું ચોમાસું સામાન્ય રીતે 15 જૂનની આજુબાજુ ગુજરાત પહોંચી જાય છે અને 15 સપ્ટેમ્બરની આજુબાજુ વિદાય લે છે.

ડૉ. વઘાસિયા કહે છે કે ચોમાસાના પાછલા ભાગ એટલે કે મધ્ય-ઑગસ્ટથી મધ્ય-સપ્ટેમ્બરના ગાળામાં વરસાદ ઓછો પડે તો ખેડૂતોએ ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં વાવેલા પાકોને પિયત આપવાની જરૂર પડી શકે છે.

"મહત્ત્વની બાબત એ છે કે નબળા ચોમાસા દરમિયાન વરસાદ-આધારિત ખેતીવાળા વિસ્તારોમાં પિયતના પાણીની ઉપલબ્ધતા પણ ઓછી રહી શકે છે."

ડૉ વઘાસિયા નબળા ચોમાસાની આગાહીને જોતાં ખેડૂતોને આંતર-પાક લેવાની સલાહ આપે છે.

"આ રીતની હવામાન વિભાગની આગાહી આપણને મળેલી છે ત્યારે ખેડૂતો કોઈ એક પાક પર પસંદગી ન ઉતારતા જો આંતર-પાક પદ્ધતિ અપનાવે તો તેના માટે સારું રહેશે."

"જો મુખ્ય પાક સાથે બીજો પાક વાવવામાં આવે તો એકાદ પાકનું નુકસાન બીજા પાકમાંથી સરભર કરી શકીએ."

ડૉ. વઘાસિયા કહે છે કે, "સાથે જ ખેડૂતોએ ટૂંકા ગાળાના પર પાક પણ વાવવા જોઈએ. ટૂંકા ગાળાના પાકો વાવીએ તો પાછળના ભાગમાં જો વરસાદ ન આવે તો પણ તે પાકી જાય છે."

તેઓ ઉમેરે છે કે જો ચોમાસાના ઉત્તરાર્ધમાં વરસાદ ઓછો પડે કે ન પડે તો રવી સિઝન એટલે શિયાળાની ઋતુના પાકો માટે પિયતના પાણીની ઉપલબ્ધતા પર પણ અસર પડી શકે છે.

કયા વિસ્તારમાં કેવી રીતે વરસાદ પડે છે?

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર
ઇમેજ કૅપ્શન, હવામાન ખાતા દ્વારા વરસાદની ગણતરી માટે કરાતા ભારતના ચાર વિભાગ (ઉપર) અને મૉન્સુન કોર ઝોન (નીચે)

ભારતીય હવામાન ખાતું નેૠત્યના ચોમાસામાં પડતા વરસાદની પ્રદેશ અનુસાર નોંધ રાખવા માટે ભારતને ચાર ભાગોમાં વિભાજિત કરે છે - વાયવ્ય ભારત, પૂર્વ અને અગ્નિ ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ભૂશિરનો ભાગ.

વાયવ્ય ભારતમાં રાજસ્થાનથી માંડીને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સુધીનો ભાગ આવી જાય છે. પૂર્વ અને અગ્નિ ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમ જ આસામથી માંડીને અરુણચલ પ્રદેશ અને ત્રિપુરા સુધીનાં રાજ્યોનો સમાવેશ થાય છે.

મધ્ય ભારતમાં ગુજરાતથી માંડીને પૂર્વે આવેલાં છત્તીસગઢ અને ઓડિશા તેમ જ ઉત્તરે મધ્યપ્રદેશથી શરૂ કરીને દક્ષિણે મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતમાં કર્ણાટકથી માંડીને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે.

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર
ઇમેજ કૅપ્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં વરસાદમાપક યંત્ર તપાસતા ડૉ. ધીમંત વઘાસિયા

વળી, હવામાન ખાતું ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ , ઝારખંડ અને ઓડિશા રાજ્યોને મોન્સૂન કોર ઝોન એટલે કે ચોમાસું જ્યાં ખૂબ મહત્ત્વ ધરાવે છે તેવો પ્રદેશ ગણાવે છે.

હવામાન ખાતા અનુસાર આ ઝોનમાં દેશની વરસાદ આધારિત ખેતીનો મોટા ભાગનો વિસ્તાર આવી જાય છે.

હવામાન વિભાગ મુજબ આ કોર મૉન્સૂન ઝોનમાં પણ આ વર્ષે 94 ટકા વરસાદ થાય તેવી શક્યતા છે જે સામાન્ય (96 ટકાથી 104 ટકા) કરતા ઓછો હશે.

ડૉ. વઘાસિયા કહે છે કે અલ નીનોવાળા વરસમાં ચોમાસામાં વરસાદની વહેંચણી અસામાન્ય રહેવાની શક્યતા રહે છે.

તેઓ કહે છે, "અલ નીનોની અસરવાળા ચોમાસા દરમિયાન વરસાદની ભૌગોલિક વહેંચણી અનિયમિત અને અસામાન્ય રહે છે."

"આવા વરસ દરમિયાન કોઈ એક ભૌગોલિક વિસ્તારમાં એક સાથે વ્યાપક વરસાદની ઘટનાઓમાં ઘટાડો થાય છે."

"વરસાદ નાના નાના ભૌગોલિક વિસ્તારોમાં પડતો રહે છે. આમ, સામાન્ય ચોમાસા દરમિયાન નિયમિત વરસાદ પડતો હોય તે ચક્ર ખોરંભાઈ શકે છે અને તેની અસર ખેતી પર થઈ શકે છે."

વાયરા વાય ત્યારે ખેડૂતોએ શું કરવું જોઈએ?

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર
ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો અનુસાર નબળા ચોમાસાની આગાહી દરમિયાન ખેડૂતોએ આંતર-પાકની પસંદગી પર ધ્યાન આપવું જોઈએ.

ડૉ. વઘાસિયા કહે છે અલ નીનોની અસરવાળા ચોમાસા દરમિયાન વાયરા ફૂંકાવાની શક્યતા વધારે રહે છે.

તેઓ આગળ સમજાવે છે કે, ચોમાસા દરમિયાન વરસાદનો એક રાઉન્ડ પૂરો થયા બાદ બીજા રાઉન્ડનો વરસાદ આવવામાં લાંબો સમય વીતી જાય અને હવામાન સૂકું થઈ જાય, પવનો ફૂંકાય તેવી ઘટનાને ખેડૂતો વાયરું પડ્યું કે વાયરા વાયા તેવા નામે ઓળખે છે.

ડૉ. વઘાસિયા કહે છે કે વાયરાની શક્યતા ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન વધારે રહે છે.

તેઓ કહે છે, "જો વાયરા વાય તો પાકો બચાવવા માટે ખેડૂતોએ પાકોને પિયત આપવાની ફરજ પડે."

"આવા સંજોગોમાં પિયતનું જેટલું પાણી ઉપલબ્ધ હોય તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે. તેના માટે ખેડૂતોએ પરંપરાંગત રીતે પિયત ન આપતા પિયત પદ્ધતિમાં ફેરફાર કરી ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ વગેરે જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ આપવી જોઈએ."

"આ પદ્ધતિથી જો પિયત કરીએ તો પાકને આપણે પૂરતું પાણી આપી શકીએ અને પાણીની બચત પણ કરી શકીએ."

તેઓ ઉમેરે છે કે વાયરા દરમિયાન જમીનમાં ભેજ સંગ્રહાયેલા રહે તે માટેનાં પગલાં પણ ખેડૂતોએ લેવા જોઈએ અને તેને માટે મલ્ચિંગ એટલે કે આવરણ પદ્ધતિ સારાં પરિણામ આપી શકે છે.

અલ નીનો અને આઇઓડી શું છે?

gujarat, monsoon, weather update, farmers, gujarat agriculture, બીબીસી ગુજરાતી, ગુજરાત, ચોમાસું, હવામાન સમાચાર

મધ્ય પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય રેખા નજીકના વિસ્તારના પાણીની સપાટીનું તાપમાન સતત ત્રણ મહિના સુધી સામાન્ય કરતાં અડધો ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહે તો તેને અલ નીનો ઘટના કહેવાય છે.

તેનાથી વિપરીત, જો તાપમાન અડધો ડિગ્રી ઘટે તો તેને લા નીના ઘટના કહેવાય છે.

અલ નીનો સર્જાતા પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્ય રેખા પર ફૂંકાતા વેપારી પવનો નબળા પડે છે અથવા પવનની દિશા બદલાય છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે ઇન્ડોનેશિયાથી પેરુ તરફ થઈ જાય છે.

પરિણામે પેરુ તરફ ગરમ હવા ઊંચે ચડે છે અને પેરુ સહિત દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક દેશોમાં ભારે વરસાદ પડે છે પરંતુ ઑસ્ટ્રેલિયા તેમ જ ઇન્ડોનેશિયા અને ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં ચોમાસું દબાઈ જાય છે.

આ ઘટનાને અલ નીનો સધર્ન ઑસ્સિલેશન કહેવાય છે પરંતુ સામાન્ય લોકો તેને માત્ર અલ નીનો કહેતા હોય છે.

આઈઓડી હિન્દ મહાસાગરમાં સર્જાતા એક પ્રકારના અલ નીનો અને લા નીના છે તેમ કહી શકાય.

જો ઇન્ડોનેશિયા નજીકના પૂર્વ હિન્દ મહાસાગરમાં સમુદ્રના પાણીનું તાપમાન વધારે હોય અને આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે માડાગાસ્કર નજીક તાપમાન ઓછું હોય તો પાણી ઇન્ડોનેશિયા તરફ વહેવા લાગે છે.

તેથી ઇન્ડોનેશિયા નજીક હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઇન્ડોનેશિયા અને તેની આજુબાજુ સારો વરસાદ પડે છે.

આ ઘટનાને નૅગેટિવ એટલે કે નકારાત્મક આઈઓડી કહેવાય છે.

તેનાથી ઊલ્ટું જો માડાગાસ્કર તરફ તાપમાન વધારે રહે તો ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય છે અને પાતળી હવા ઉપર ચડે છે.

સાથે જ પાણીનો પ્રવાહ ઇન્ડોનેશિયાથી માડાગાસ્કર તરફ થાય છે અને ભૂમધ્ય રેખા પર ફૂંકાતા નૈઋત્યના પવનો વધારે મજબૂત થાય છે.

બ્રિટનના હવામાન ખાતા અનુસાર પૉઝિટીવ આઈઓડીથી ભારતમાં સારો વરસાદ પડે છે. ક્યારેક અલ નીનોની સ્થિતિમાં પણ જો આઈઓડી પૉઝિટિવ હોય તો ભારતમાં ચોમાસું સારું રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન