મમતા બેનરજીએ ગુજરાતમાં 2002નાં રમખાણો પછી મોદી સરકાર સામે ઉગ્ર પ્રત્યાઘાત કેમ નહોતો આપ્યો?

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી 2011માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમણે પશ્ચિમ બંગાળમાં 34 વર્ષથી સત્તા પર રહેલી ડાબેરી સરકારને ઉખાડી ફેંકી હતી (ફાઈલ ફોટો)
    • લેેખક, ઈશાદ્રિતા લાહિડી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના શાસન પછી મમતા બેનરજી સત્તામાંથી બહાર થઈ ગયાં છે.

ભાજપ, તૃણમૂલ કૉંગ્રેસને હરાવ્યા પછી પહેલી વાર રાજ્યમાં પોતાના સીએમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.

2011માં રાજ્યનાં સીએમ બન્યાં પહેલાં મમતા બેનરજીએ લગભગ ત્રણ દાયકા સુધી લાંબો સંઘર્ષ કર્યો હતો. મમતા બેનરજીએ તૃણમૂલ કૉંગ્રેસને પોતાના બળે ઊભી કરી અને વિપક્ષમાંથી સત્તા સુધી પહોંચાડી.

મમતાને 'સ્ટ્રીટ ફાઇટર' માનવામાં આવે છે, એટલે કે સડક પર વિદ્યાર્થી રાજકારણથી સંઘર્ષ કરીને સત્તાનો ઉંબર પાર કર્યો હતો.

પરંતુ હવે જ્યારે તેમને ફરી વિપક્ષમાં બેસવું પડશે, ત્યારે સવાલ એ છે કે શું તેમનું જૂનું વલણ અકબંધ રહેશે?

છેલ્લા ચાર દાયકામાં દુનિયાએ આ લડાયક નેતાના ઘણા રંગ જોયા છે. જેમ કે સુપ્રીમ કોર્ટમાં વકીલના રૂપમાં પોતાનો કેસ લડતાં મમતા, તો ક્યારેક રંગ અને બ્રશ લઈને પેઇન્ટિંગ કરતાં મમતા, ક્યારેક કવિતાઓ લખતાં મમતા અને ક્યારેક મુખ્ય મંત્રી હોવા છતાં પોતે જ ધરણા પર બેસી જનાર મમતા.

પરંતુ કેટલાક પત્રકારોએ મમતાની કરિયરને ખૂબ જ નિકટથી જોઈ છે અને તેમના કેટલાક રંગોને બદલાતા પણ જોયા છે.

આ સમાચારમાં અમે તમને બાળપણમાં પોતાનાં ભાઈ-બહેનની સારસંભાળ રાખનાર મમતાદીદી, કૉલેજમાં ડાબેરી ગુંડાઓ સાથે ઘર્ષણમાં ઊતરી જનાર યુવા નેતા અને મુખ્ય મંત્રી બન્યા પછી મહિલા અપરાધોને નકારનાર નેતા બનવા સુધીની યાત્રાએ લઈ જઈએ છીએ.

'જાયન્ટ કિલર' મમતા

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, 2007ની આ તસવીરમાં મમતા બેનરજી સાથે જમીન સંપાદનના મુદ્દે ચર્ચા કર્યા પછી, જ્યોતિ બસુ પ્રેસ કૉન્ફરન્સને સંબોધી રહ્યા છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મમતા બેનરજી 1984માં પહેલી વાર પશ્ચિમ બંગાળમાં સમાચારોમાં ચમક્યાં હતાં અને ત્યારથી સતત સમાચારોમાં રહ્યાં છે.

વરિષ્ઠ પત્રકાર પરવેજ હફીઝે મમતાની કરિયરને શરૂઆતથી જોઈ છે.

તેઓ જણાવે છે, "મમતા બેનરજીએ જ્યારે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે તેઓ લગભગ 20 વર્ષનાં હતાં. તેઓ કૉલેજમાં હતાં અને તેમણે સ્ટુડન્ટ પૉલિટિક્સથી રાજનીતિ શરૂ કરી. થોડાંક જ વરસો પછી રાજીવ ગાંધીએ તેમને જાદવપુર સીટ પર લોકસભાની ચૂંટણી લડાવી. ત્યારે તેઓ 30 વર્ષનાં પણ નહીં હોય."

"કૉંગ્રેસે તેમને કદાવર કૉમ્યુનિસ્ટ નેતા સોમનાથ ચેટરજી સામે ઊભાં કર્યાં, જેઓ પછીથી લોકસભા સ્પીકર પણ બન્યા હતા. ત્યારે સોમનાથ ચેટરજીની સામે જીતવું અશક્ય મનાતું હતું અને બધા એમ જ કહેતા હતા કે કૉંગ્રેસે મમતા બેનરજીને બલિનો બકરો બનાવ્યાં છે, પરંતુ જ્યારે પરિણામ જાહેર થયાં ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા."

આ ઘટનાને યાદ કરતાં વરિષ્ઠ પત્રકાર મોનિદીપા બેનરજી જણાવે છે, "મમતા બેનરજીનું નામ અખબારોની હેડલાઇનમાં સૌથી પહેલાં 1984માં આવ્યું, જ્યારે તેમણે સીપીએમ અને ડાબેરી મોરચાના દિગ્ગજ નેતા સોમનાથ ચેટરજીને હરાવ્યા. તેઓ 'જાયન્ટ સ્લેયર' તરીકે ઓળખાવા લાગ્યાં. મને યાદ છે કે તે સમયે હું એક અખબારમાં કામ કરતી હતી અને ત્યારે એ મુદ્દે ચર્ચા થઈ હતી કે મમતા બેનરજીના સમાચારની સૌથી સારી હેડલાઇન શી હોઈ શકે?"

તેમના શરૂઆતના કાર્યકાળને કવર કરનાર વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ કહે છે, "સંસદના બધા સભ્યોને એક કાયમી સમિતિ અને એક સલાહકાર સમિતિનો ભાગ બનવું ફરજિયાત હતું. એ સમયે સંસદ ભવનમાં બેઠકો થતી હતી. જ્યારે મમતા ગૃહ મંત્રાલયની સ્થાયી સમિતિમાં હતાં ત્યારે તેઓ પોતાની નોટ્સ માટે લીલી શાહીનો ઉપયોગ કરતાં હતાં. તેમને લીલો રંગ ખૂબ ગમતો હતો. તેમની પાર્ટીનો રંગ પણ આ જ છે."

"તેઓ બેઠકના એજન્ડા પેપર પર બીજાની વાતો નોટ કરતાં હતાં, બિલકુલ એક પત્રકારની જેમ. તેમની ટિપ્પણીઓ ખૂબ રોમાંચક રહેતી હતી અને એક પત્રકાર હોવાના લીધે હું એ પેપર મેળવવા માટે ખૂબ જ ઉત્સુક રહેતો હતો."

દીદી મમતા

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, 7 માર્ચ 2026ની આ તસવીરમાં મમતા બેનરજી કોલકાતામાં એક ધરણા દરમિયાન પાર્ટી સાંસદ જૂન માલિયાની સાથે વાત કરી રહ્યાં છે

રાજનીતિની પહેલાં મમતા બેનરજીના જીવનની સફર કોલકાતાની હરીશ ચેટરજી સ્ટ્રીટ પરની વસાહતમાં એક નાના ઘરમાં શરૂ થઈ હતી. નાની ઉંમરે પિતાજીનું અવસાન થયું અને પાંચ ભાઈ-બહેન તથા માતાને સંભાળવાની જવાબદારી મમતા બેનરજી પર આવી ગઈ હતી.

તેમના ભાઈ કાર્તિક બેનરજી જણાવે છે, "દીદી અમારાથી મોટાં હતાં. તેઓ અમને સ્કૂલે લઈ જતાં હતાં. તેઓ જ અમારી સારસંભાળ રાખતાં હતાં. જ્યારે અમારી માતા ગામ જતાં ત્યારે દીદી આખા ઘરની દેખરેખ રાખતાં હતાં. એ સમયે તેઓ અમારું ધ્યાન રાખતાં અને અમારા માટે ખાવાનું બનાવતાં હતાં. અને બધું જ બિલકુલ સમયસર થતું હતું."

"જ્યારે અમે બાળક હતા અને રમ્યા કરતા ત્યારે હારજીત પર દીદીનું વલણ અલગ રહેતું હતું. જીતનારને તો બધા અભિનંદન આપતા હતા, પરંતુ દીદી હારનારને આશ્વાસન આપતાં હતાં. કહેતાં હતાં કે તેઓ ખૂબ સારું રમ્યા અને તેમને નાસ્તો લેવા માટે 5 રૂપિયા આપતાં હતાં."

કાર્તિક બેનરજી મમતા બેનરજીના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત વિશે જણાવે છે, "જ્યારે તેઓ જોગમાયા દેવી કૉલેજમાં ભણતાં હતાં ત્યારે તેમણે રાજકારણમાં ડગલું ભર્યું. સ્થાનિક કૉંગ્રેસ નેતાઓમાંના ઘણા મારા મોટા ભાઈ પાસે આવ્યા, તેમણે કહ્યું કે તમારી બહેન જે કૉલેજમાં ભણે છે, ત્યાં સીપીએમનું વિદ્યાર્થી એકમ ખૂબ મજબૂત છે. આપણે આપણું એકમ શરૂ કરવું પડશે. તે આ કૉલેજમાં કૉંગ્રેસનું વિદ્યાર્થી એકમ શરૂ કરનાર પહેલી વ્યક્તિ હતી."

ફાઇટર મમતા

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, મમતા બેનરજીએ રાજકીય કરિયરની શરૂઆતથી જ પોતાની 'સ્ટ્રીટ ફાઇટર'ની છાપ ઊભી કરી

ત્યાર પછીની સફર તેમને 1984માં સંસદ લઈ ગઈ. સોમનાથ ચેટરજીને હરાવ્યા પછી મમતા બેનરજીએ લેફ્ટ ફ્રન્ટ પર નિશાન સાધ્યાં અને કૉંગ્રેસના યુવા નેતાની રીતે પોતાની સ્ટ્રીટ ફાઇટરની ઇમેજ બનાવી. એ જ ઇમેજ જે તેમણે આજ સુધી જાળવી રાખી છે.

મોનિદીપા બેનરજી યાદ કરે છે, "1990માં કૉમ્યુનિસ્ટ ગુંડાએ તેમને માર્યાં હતાં અને તેઓ ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ શકતાં હતાં. મને તેમની એક તસવીર યાદ છે… તેઓ એક દૂબળાં-પાતળાં મહિલા હતાં, તેમને લાઠીઓવાળા ઊંચા-ઊંચા ગુંડાએ ઘેરી લીધાં હતાં અને તેમના પર હુમલો કરવાના હતા. આ એ ઘટનાની એક ખૂબ જ ચર્ચિત તસવીર છે."

કાર્તિક બેનરજી યાદ કરે છે, "હું હૉસ્પિટલ ગયો અને દીદીને ઑપરેશન થીએટરમાં જોયાં, તેમના વાળ કાપવામાં આવી રહ્યા હતા. હું એ નથી જણાવી શકતો કે તેમને એ સ્થિતિમાં જોઈને મને કેવું લાગ્યું. હું હૉસ્પિટલમાંથી બહાર આવી રહ્યો હતો અને વિચારતો હતો, તેમણે કોઈને કશું નુકસાન નથી પહોંચાડ્યું, ક્યારેય કોઈને ઈજા નથી કરી, તો પછી તેમને આ રીતે શા માટે મારવામાં આવ્યાં? હૉસ્પિટલની સામે એક નાનું તળાવ છે… મને યાદ છે, હું ત્યાં ઊભો રહ્યો અને મારાં આંસુ લૂછ્યાં."

પછી એક સમયે મમતા બેનરજીએ કૉંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને 1998માં મમતા બેનરજીએ તૃણમૂલ કૉંગ્રેસની સ્થાપના કરી.

ભાજપનો સાથ

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, 1999ની લોકસભા ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ સાથે ચૂંટણીમેદાનમાં ઊતર્યા હતા

પરવેજ હફીઝ તૃણમૂલ કૉંગ્રેસના ચૂંટણીચિહ્ન સાથે સંકળાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવે છે.

તેઓ કહે છે, "આ સિમ્બલ મમતા બેનરજીએ કોઈ ડિઝાઇનર પાસે તૈયાર કરાવ્યું નહોતું. તેઓ પેઇન્ટિંગ પણ કરે છે, કવિતાઓ પણ લખે છે. તો આ જે ઘાસ અને એક જોડી ફૂલ છે તે તેમણે પોતાના હાથે બનાવ્યું છે. એક દિવસ રિપોર્ટિંગ કરતા સમયે તેમણે એ સ્કેચ અમને પોતાના હાથથી બનાવીને બતાવ્યું પણ હતું. પાછળથી ખબર પડી કે જ્યારે પાર્ટી રજિસ્ટર કરાઈ રહી હતી ત્યારે એ જ સ્કેચ ચૂંટણીપંચને મોકલવામાં આવ્યું હતું."

"તેમણે જણાવ્યું કે કવિ કાજી નજરુલની એક પંક્તિથી તેમને પ્રેરણા મળી હતી, તે પંક્તિ છે, એકટી બ્રિન્તે દુતિ કુસુમ – હિન્દુ મુસલમાન એટલે કે એક જ ડાળી પર ઊગેલાં બે ફૂલ – હિન્દુ અને મુસલમાન. આ જ રીતે આ સિમ્બલ હિંદુ-મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે."

જોકે, આશ્ચર્યની વાત એ છે કે આજે જે ભાજપને તેઓ પોતાનો સૌથી મોટો શત્રુ માને છે, તૃણમૂલની શરૂઆતમાં તેમણે એ જ ભાજપનો સાથ લીધો હતો. 1999ની લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ સાથે ચૂંટણીમેદાનમાં ઊતરી હતી.

મોનિદીપા બેનરજી કહે છે, "તેઓ અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં એક ખૂબ જ યુવા મંત્રી બન્યાં. 2002માં ગોધરાકાંડ પર તેમની પ્રતિક્રિયા બાબતે આજે પણ ઘણી ચર્ચા થાય છે. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયેલા ગોધરાકાંડ પર તેમણે એટલી ઉગ્ર પ્રતિક્રિયા નહોતી આપી જેટલી ઘણા લોકોને આશા હતી.

"વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી તેમના ઘરે આવ્યા હતા અને મમતાની માતાને પ્રણામ કર્યા હતા. તેમણે મમતા બેનરજીની માતાને પારંપરિક રીતે પ્રણામ કર્યા હતા. વડા પ્રધાનનું તમારા નાના એવા ઘરમાં આવવું ઘણી મોટી વાત ગણાય છે. આ બધું હોવા છતાં પણ તેમણે ભાજપની સાથે પોતાનો સંબંધ ખરાબ કરી નાખ્યો."

2004ની હાર અને ડાબેરી સરકારનું પતન

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, 2004માં થયેલી લોકસભા ચૂંટણીઓમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને માત્ર એક જ સીટ મળી હતી. મમતાએ પોતાની બેઠક જીતી હતી. આ તસવીરમાં તેઓ ચૂંટણીપરિણામો પછી પત્રકારો સાથે વાતચીત કરતાં દેખાય છે

એનડીએ સરકારમાં મમતા બેનરજી બે વખત મંત્રી રહ્યાં. એક વખત તેઓ રેલમંત્રી પણ રહ્યાં.

2004માં તેમણે લોકસભા ચૂંટણીમાં મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો. મમતા બેનરજીની રાજકીય કરિયરમાં તેને તેમનો એક અત્યંત ખરાબ સમય ગણવામાં આવે છે. ત્યારે તૃણમૂલ પશ્ચિમ બંગાળમાં માત્ર એક સંસદીય સીટ જીતી શકી હતી અને તે હતી મમતા બેનરજીની પોતાની સીટ.

પરંતુ તે આંધી પહેલાંનો સન્નાટો હતો. ત્યારે લગભગ ત્રણ દાયકાથી પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળતા લેફ્ટ ફ્રન્ટને અંદાજ નહોતો કે થોડાંક જ વર્ષમાં તેમણે સત્તા છોડવી પડશે.

મોનિદીપા બેનરજી કહે છે, "ડાબેરીઓને લાગતું હતું કે મમતા બેનરજી બંગાળી ભદ્ર મહિલા નથી. ડાબેરીઓ પાસે જ્યોતિ બસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જેવા ભદ્ર લોકો હતા, જેઓ સ્વચ્છ સફેદ કપડાં, પાયજામા, કુર્તા અને ધોતીમાં તૈયાર રહેતા હતા. તેઓ ઉચ્ચ વર્ગના લોકો જેવા દેખાતા હતા. મમતા બેનરજી ઉચ્ચ વર્ગના નેતા નહોતાં, તેઓ જમીની સ્તરના નેતા હતાં, તેઓ ઝૂંપડપટ્ટીમાંથી આવ્યાં હતાં. તેમનામાં કશું બનાવટી નહોતું."

પરવેઝ હફીઝ કહે છે, "2006માં બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કહેતા હતા– તેઓ 30 છે અને અમે 230. તેમની વાત અમારે સાંભળવી પડશે?"

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી
ઇમેજ કૅપ્શન, સિંગૂરમાં ધરણા દરમિયાન મમતા બેનરજી

ત્યાર પછી મમતા બેનરજીએ પોતાનું નસીબ જાતે બદલ્યું. 2006માં સિંગૂર આંદોલન અને 2007માં નંદીગ્રામના આંદોલને તેમને રાજ્યમાં વિપક્ષનો અવાજ બનાવી દીધાં. લેફ્ટ સરકારને પોતાના હાથમાંથી સત્તા સરકતી દેખાવા લાગી.

પરવેઝ હફીઝ કહે છે, "મમતા બેનરજીએ તે સમયે આશા છોડી નહીં. એક કે બે મહિનાની અંદર તેમણે બાઉન્સ બૅક કર્યું. તે સમયે સિંગૂરમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યે ટાટા મોટર્સના સ્મૉલ કાર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાનું શરૂ કર્યું હતું. ત્યાંના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે પૈસા લેવાનો ઇનકાર કરી દીધો હતો. મમતા બેનરજીએ તે સમયે તક જોઈ અને આંદોલનમાં જોડાઈ ગયાં."

"આ બંને ચળવળથી તેમને એ રાજકીય જમીન પણ પાછી મળી જે તેઓ હારી ગયાં હતાં. એટલું જ નહીં, પરંતુ બંગાળના બધા લેફ્ટ માઇન્ડેડ અને લેફ્ટ ફ્રેન્ટથી નારાજ લોકો – કલકત્તાના કવિ, પેઇન્ટર, કલાકાર, બુદ્ધિજીવી અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પણ મમતાને પોતાનું સમર્થન આપવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી જે થયું તે તો ઇતિહાસ છે."

મોનિદીપા બેનરજી કહે છે, "જ્યારે તેઓ મુખ્ય મંત્રી બન્યાં ત્યારે તેમણે સૌથી પહેલાં જે કામ કર્યું તે હતું સિંગૂર જવાનું. તેઓ સિંગૂર ગયાં અને એ ઉજ્જડ જમીન પર સરસોં (રાઈ) અને ચોખાનાં બિયારણ વાવી દીધાં."

ડાબેરી મોરચા સાથે મુકાબલો

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી
ઇમેજ કૅપ્શન, એનડીએના સંયોજક રહેલા જ્યૉર્જ ફર્નાન્ડીઝ સાથે મમતા બેનરજી

2011માં 34 વર્ષના લાંબા ડાબેરી મોરચા શાસનને હઠાવીને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બન્યાં. ત્યાર પછી 2016 અને 2021માં પણ તેઓ મોટા બહુમત સાથે સત્તામાં આવ્યાં. નિષ્ણાતોનું કહેવું છે કે સમયની સાથે મમતા બેનરજીના વ્યક્તિત્વમાં પણ ફેરફાર થયો, પરંતુ તે સ્થિતિમાં પણ તેઓ જમીની નેતા રહ્યાં.

વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ કહે છે, "15 વર્ષના શાસન પછી તેઓ દરેક ગામને ઓળખે છે. ગ્રામીણ નેતાઓ અને ત્યાંના લોકોને તેઓ તેમના નામથી બોલાવે છે."

મોનિદીપા બેનરજી અનુસાર, "સરળ શબ્દોમાં કહીએ તો, અનપ્રેડિક્ટેબલ સ્વભાવવાળાં મમતા બેનરજીમાંથી એક કુશળ રાજનીતિજ્ઞ મમતા બેનરજી તરીકે તેમના ઉદયની સફર છે. 1990 અને 2000ના દાયકામાં તેઓ અત્યંત અનપ્રેડિક્ટેબલ સ્વભાવનાં હતાં."

"તેઓ કોઈ પણની સામે પોતાના ગુસ્સા પરનું નિયંત્રણ ગુમાવી દેતાં હતાં. તેમને એ વાતની પરવા નહોતી કે તે દેશના વડા પ્રધાન છે કે તેમના કાર્યાલયમાં કોઈ સચિવ. તેઓ કાર્યાલય છોડીને જતાં રહેતાં હતાં. તેઓ તમારા પર દસ્તાવેજ ફેંકી શકતાં હતાં. તેઓ કંઈ પણ કરી શકતાં હતાં. તેમની રાજનીતિનો વિકાસ કદાચ આ રીતે જ થયો છે."

પરંતુ સમયની સાથે તેમના સ્વભાવ અને વ્યવહારમાં પણ ફેરફાર થયો.

મોનિદીપા બેનરજી કહે છે, "મને યાદ છે કે 2011માં જ્યારે તેઓ મુખ્ય મંત્રી બન્યાં, રાજભવનમાં એક ભવ્ય સમારંભ હતો. સૌથી મોટો સવાલ એ હતો કે શું તેમણે ડાબેરી નેતાઓને આમંત્રિત કર્યા છે અને શું તેઓ આવશે? તેઓ આવ્યા. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પણ, જેમને મમતાએ હરાવીને મુખ્ય મંત્રીપદ પરથી હઠાવ્યા હતા."

"જે આગળની વાત પર અમારું ધ્યાન હતું, તે એ હતી કે તેઓ તેમના માટે કેવી પ્રતિક્રિયા આપશે? એ અવિશ્વસનીય હતું… તેમણે તેમને ખૂબ જ શાલીનતા અને વિનમ્રતાથી આવકાર આપ્યો… તેમની સામે ઝૂકીને."

મુખ્ય મંત્રી તરીકે અનેક પડકારો

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી
ઇમેજ કૅપ્શન, યુવાવસ્થામાં મમતા બેનરજી (ફાઇલ ફોટો)

મુખ્ય મંત્રી તરીકે 15 વર્ષમાં મમતા બેનરજીની સરકારની સામે ઘણા પડકારો આવ્યા, ઘણા બધા સવાલ પણ ઊભા થયા. તૃણમૂલ કાર્યકરોના ભ્રષ્ટાચાર અને એક મહિલા મુખ્ય મંત્રી તરીકે મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો પર તેમના વ્યવહારે લોકોને નારાજ કર્યા.

શારદા, રોઝ વૅલી, ટીચર રિક્રૂટમેન્ટ, કોલ સ્મગલિંગ, કૅટલ સ્મગલિંગ જેવાં કૌભાંડો પણ તેમની સત્તામાં ઉજાગર થયાં.

મોનિદીપા બેનરજી કહે છે, "મને એ દિવસ યાદ છે જ્યારે શરૂઆતમાં તેઓ સમાચારોની હેડલાઇનમાં આવ્યાં હતાં. તેઓ કૉમ્યુનિસ્ટ મુખ્ય મંત્રી જ્યોતિ બસુના કાર્યાલયની બહાર એક એવી મહિલાને સાથે લઈને ધરણા પર બેસી ગયાં હતાં જેમની સાથે કથિત રીતે એક કૉમ્યુનિસ્ટ કાર્યકરે બળાત્કાર કર્યો હતો અને તેમને રાઇટર્સ બિલ્ડિંગની બહાર હાંકી કાઢવામાં આવ્યાં હતાં. આ સમાચાર આજે પણ હેડલાઇનમાં જોવા મળે છે."

"90ના દાયકામાં મમતા બેનરજી આવાં હતાં, પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવ્યાં, ત્યારે મહિલાઓની સુરક્ષાની બાબતમાં તેમની ચિંતા બદલાઈ ગઈ. મને પાર્ક સ્ટ્રીટ બળાત્કાર કાંડ યાદ છે, મને યાદ છે કે કઈ રીતે તેમણે સતત એ વાતનો ઇનકાર કર્યો કે આ બળાત્કારનો કેસ હતો."

મોનિદીપા યાદ કરે છે, "એક દિવસ તેઓ રાઇટર્સ બિલ્ડિંગની સીડીએથી નીચે ઊતરી રહ્યાં હતાં. અમે બધા સીડીની ઉપર અટકી ગયા અને પૂછ્યું, 'પાર્ક સ્ટ્રીટ કાંડનું શું થયું? ત્યાં શું થયું હતું? તમે તેના વિશે શું કરી રહ્યાં છો? અને તેમણે પાછળ ફરીને જોયું અને મને લાગ્યું કે અત્યંત ક્રૂર અંદાજમાં બોલ્યાં, 'શજાનો ઘોટોના', મતલબ આ બધું કાવતરું હતું."

બંગાળમાં હાર બાદ હવે આગળ શું?

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ ગુજરાત તૃણમૂલ કૉંગ્રેસ મમતા બેનરજી ટીએમસી
ઇમેજ કૅપ્શન, મોનિદીપા બેનરજી કહે છે કે મમતા બેનરજી વિપક્ષમાં હોય તે દરમિયાન ભાજપે એક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે

હવે જ્યારે ચૂંટણી પરિણામો સામે છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મમતા બેનરજી માટે આગળનો માર્ગ શો હશે? શું આ તેમની રાજકીય કારકિર્દીનો અંત છે કે પછી તેઓ વિપક્ષના રાજકારણમાં મજબૂત શક્તિ તરીકે ફરીથી શરૂઆત કરશે?

જયંત ઘોષાલ કહે છે, "મને નથી લાગતું કે ટીએમસીને નિષ્ક્રિય કરી શકાય છે. એ સાચું નથી. તેઓ કામને પ્રેમ કરે છે, તેઓ લડાયક છે, મુશ્કેલી આવે ત્યારે તેઓ ઘણા ખુશ થાય છે. જો કોઈ સંકટ આવશે, તો તેઓ તેનો સામનો કરશે."

મોનિદીપા બેનરજી પણ કંઈક આવું જ વિચારે છે, "તેમના મિત્રો નહીં હોય, પરંતુ હું તમને ખાતરી કરાવું છું કે તેઓ તેનો પૂરેપૂરો લાભ ઉઠાવશે. તેઓ પોતાના રંગમાં હશે, કેમ કે તેઓ બિલકુલ એ જ જગ્યાએ છે જ્યાં રહેવાનું તેમને ગમે છે, અને તે છે વિપક્ષ. મમતા બેનરજી વિપક્ષમાં રહેશે તે દરમિયાન ભાજપે એક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે."

જોકે, મમતા બેનરજી ચૂંટણી હારવાની સાથે-સાથે પોતાની ભવાનીપુર સીટ પણ હારી ગયાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન