ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કેમ કહ્યું - 'આ વિદ્યાર્થીઓ અને મારા વચ્ચેનો મુદ્દો છે, તેમાં દખલ કરનાર BCI કોણ?' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, બીબીસી ન્યૂઝ
- દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ નાલસાર લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઍનરોલમેન્ટ રોકવાના આદેશો અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
જોકે, મનન મિશ્રાએ બાદમાં આ આદેશ પાછો ખેંચી લીધો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કહ્યું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
તેમણે આ મામલે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના હસ્તક્ષેપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
લાઇવ લૉના અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, "બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા બિનજરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવાનો કોઈ મુદ્દો છે, તો તેમને વિરોધ કરવાનો અધિકાર છે."
"શક્ય છે કે વિદ્યાર્થીઓએ મને કોઈ પત્ર લખ્યો હોય. આ વિદ્યાર્થીઓ અને મારા વચ્ચેનો સંવાદ છે."
"બીસીઆઈ કોણ છે જે બિનજરૂરી રીતે આ મુદ્દો ઉઠાવે? આ સંપૂર્ણપણે અનાવશ્યક છે. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આની સાથે કોઈ લેવાદેવા નથી."
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પોતાના વિદ્યાર્થીજીવનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ પોતે પણ વિદ્યાર્થી આંદોલનો અને પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે જો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી રહ્યા હોય, તો તેમને તે કરવાની મંજૂરી મળવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, "ધારી લો કે તેઓ ખોટા પણ હોય, તોપણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. તેમને કોણ રોકી શકે?"
"જ્યાં સુધી તેઓ કાયદાની મર્યાદામાં રહીને અને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યાં સુધી તેમની વાત સાંભળવી જોઈએ. બાર કાઉન્સિલ અથવા અન્ય કોઈ સંસ્થાએ તેમાં દખલ કેમ કરવી જોઈએ?"
અશ્વિને સરફરાઝ પર મૅનેજમેન્ટને પૂછ્યું: 'મને જણાવો કે ટીમમાં તેમની ભૂમિકા શું છે?'

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામેની આવનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયેલા સરફરાઝ ખાનને લઈને ભારતીય ટીમ મૅનેજમેન્ટને સવાલ કર્યો છે.
સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં તેમની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી શનિવારથી શરૂ થઈ રહી છે.
28 વર્ષીય સરફરાઝ ખાને નવેમ્બર 2024 પછી ભારત માટે કોઈ ટેસ્ટ મૅચ રમી નથી. જ્યારે અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનમાંથી એકની પસંદગી કરવા કહેવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, "હું જુરેલ સાથે શરૂઆત કરીશ."
પોતાના યુટ્યુબ ચૅનલ 'ઍશ કી બાત' પર અશ્વિને સરફરાઝની ભૂમિકાને લઈને કહ્યું કે, "તમારે તેમને સ્પષ્ટ જણાવવું પડશે કે ઉપખંડની પરિસ્થિતિઓમાં તેઓ ટીમ માટે કઈ ભૂમિકા ભજવી શકે છે."
તેમણે આગળ કહ્યું કે, "આ રીતે સરફરાઝ બીજી બાબતોમાં પોતાનો સમય બગાડશે નહીં. તેઓ સારી સ્પિન રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને ઉપખંડની પરિસ્થિતિઓના કિંગ બની શકે છે."
"તેઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે. જો તમને લાગે છે કે તેઓ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સારું રમવા સક્ષમ નથી, તો તેમને આ વાત સ્પષ્ટ રીતે જણાવો."
સરફરાઝ ખાને ફેબ્રુઆરી 2024માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ બાદ તેણે શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં સતત ત્રણ અર્ધસદી ફટકારી હતી.
અશ્વિને ફરી ભારપૂર્વક કહ્યું કે, "આ રીતે સરફરાઝ બીજી બાબતોમાં સમય બગાડશે નહીં. તેઓ સ્પિન સામે વધુ સારી રીતે રમવા પર ધ્યાન આપી શકશે અને ઉપખંડની પરિસ્થિતિઓમાં એક મજબૂત બૅટ્સમૅન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે."
"જો ટીમ મૅનેજમેન્ટને લાગે છે કે તેઓ કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક નથી, તો તેમને તે અંગે ખુલ્લેઆમ જણાવી દેવું જોઈએ."
દેવભૂમિ દ્વારકા : ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી

ઇમેજ સ્રોત, sachin pithva
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઊઠી છે.
ભારતીય કિસાન સંઘના દ્વારકા તાલુકા પ્રમુખ જેસલભા સુમણિયા જણાવ્યું કે અમે દ્વારકાના પ્રાંત ઑફિસરને આ રજૂઆત કરી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 થી 10 ટકા જેટલો વરસાદ છે જે પૂરતો નથી, તેથી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે
તેમણે કહ્યું, હવે વરસાદ થાય તો પણ ખરીફ પાકની સિઝન જતી રહી છે, આવનારું આખું વર્ષ આ ખેડૂતો માટે કપરું રહેવાનું છે.
ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધતી હોવાનો ઉલ્લેખ કરી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.
પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, ચરિયાણની જમીન બચાવવા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે સાથે જ પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતો તથા પશુપાલકોને જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.
ઉત્તરાખંડ: નિર્માણાધીન સુરંગમાં બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી ખાતે ટીએચડીસીની નિર્માણાધીન સુરંગમાં પાણી અને કાટમાળથી ભરાઈ ગયા બાદ રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે.
એનડીઆરએફના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.
ગુરુવારે સાંજે પીપલકોટીમાં ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (ટીએચડીસી)ની નિર્માણાધીન ટનલમાં કાટમાળ અને પાણી ઘૂસી ગયાં હતાં.
એનડીઆરએફ કમાન્ડર અમૃતલાલ મીણાએ જણાવ્યું હતું કે "જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી, ત્યારે ટનલ અતિશય પાણીથી ભરેલી હતી અને કિનારીઓમાંથી પાણી સતત ટપકતું હતું. આ પછી પાણીનું સ્તર વધારે વધ્યું હતું."
તેમણે કહ્યું, "એનડીઆરએફના જવાનોએ અત્યાર સુધીમાં વિશેષ ઉપકરણોની મદદથી હજુ સુધીમાં ચાર મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા છે. રેસ્ક્યૂ ઑપરેશન હજુ પણ ચાલુ છે અને જ્યાં સુધી સુરંગમાં ફસાયેલા બધા લોકોને બચાવી લેવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે."
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.
ટીએચડીસી પ્રોજેક્ટ હેડ અજય વર્માએ જણાવ્યું હતું કે , "આ અકસ્માત ટનલ પોર્ટલથી લગભગ બે કિલોમીટર અંદર થયો હતો. તે સમયે લગભગ 20થી 22 લોકો ટનલની અંદર કામ કરી રહ્યા હતા."
"અચાનક, પાણીનો સ્ત્રોત ફાટ્યો અને પાણી ખૂબ જ ઝડપથી ટનલમાં ઘૂસી ગયું. કેટલાક લોકો પાણીના પ્રવાહ સાથે બહાર નીકળીને સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યા, જ્યારે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















