તારિક રહમાન કોણ છે જેઓ બાંગ્લાદેશના નવા વડા પ્રધાન બની શકે છે?

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
    • લેેખક, રકીબ હસનત
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

બાંગ્લાદેશમાં ચૂંટણી પછી તારિક રહમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી) ઐતિહાસિક જીત તરફ આગળ વધતી જણાય છે. આ જીત પછી તારિક રહમાન બાંગ્લાદેશના નવા વડા પ્રધાન બની શકે છે.

બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીએ બહુમત હાંસલ કરી દીધો છે. બીબીસી બાંગ્લા સેવા પ્રમાણે, બીએનપીના નેતૃત્વ ધરાવતા ગઠબંધને અત્યાર સુધી 172 બેઠકો પર જીત મેળવી છે.

જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ ધરાવતા ગઠબંધનને 55 બેઠકો મળી છે. અન્યના ખાતામાં 12 બેઠકો ગઈ છે.

બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે 151 બેઠકોની જરૂર છે. મતગણતરી હજુ ચાલી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની 'જીત' પર પાર્ટી અધ્યક્ષ તારિક રહમાનને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું છે કે આ 'જીત' તારિક રહમાનના નેતૃત્વ પર બાંગ્લાદેશની જનતાનો ભરોસો દેખાડે છે.

તેમણે કહ્યું, "એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશના સમર્થનમાં ઊભું રહેશે. હું આપણા બહુઆયામી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા ઉત્સુક છું."

તારિક રહમાને પહેલી વખત સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશના મુખ્ય રાજકીય પક્ષ બીએનપીનું નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ પોતે પણ પહેલી વખત ચૂંટણીમાં ભાગ લીધો છે.

જોકે, બીએનપી એવા સમયે જીત તરફ આગળ વધી રહી છે જ્યારે શેખ હસીનાની પાર્ટી અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવા નથી દેવાઈ.

ચૂંટણીના થોડા મહિના પહેલાં જ તારિકે પોતાનાં માતા ખાલિદા ઝિયાનાં નિધન પછી પાર્ટીની કમાન સંભાળી હતી.

પાર્ટીનો સંગઠન કાર્યક્રમ અને સમગ્ર ચૂંટણી અભિયાન તેમની દેખરેખ હેઠળ ચાલ્યાં છે. તારિકના સમર્થકો તેમને જ બાંગ્લાદેશના સંભવિત વડા પ્રધાન ગણાવી રહ્યા છે.

17 વર્ષ સુધી લંડનમાં શરણ લીધી

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, આ વખતની ચૂંટણીમાં શેખ હસીનાનો પક્ષ સામેલ ન હોવાથી બીએનપીને ફાયદો મળ્યો છે.

બીએનપી પણ તારિકને પાર્ટીના એકમાત્ર નેતા તરીકે રજૂ કરી રહી છે.

જોકે, રાજકીય વિરોધીઓ ભૂતકાળમાં તારિક રહમાન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો અને તેમની શૈક્ષણિક લાયકાત સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

પરંતુ રહમાન અને તેમના પક્ષ બીએનપીએ ભ્રષ્ટાચારના તમામ આરોપો નકારી કાઢ્યા છે અને તેને અગાઉની અવામી લીગ સરકારનો દુષ્પ્રચાર ગણાવ્યો છે.

રહમાને લગભગ 17 વર્ષ સુધી લંડનમાં રાજકીય આશરો લીધો હતો.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા-ઉર રહમાને બીએનપીની રચના કરી હતી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાએ તેનું બહુ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.

તેમણે પાર્ટીની કમાન હાથમાં લીધાં પછી થોડા જ સમયમાં તેને સત્તા સુધી પહોંચાડી. હવે તમામ જવાબદારી તારિક રહમાનના ખભા પર છે.

તારિક રહમાન અવામી લીગના શાશનકાળ દરમિયાન પાર્ટીને સંગઠીત રાખવામાં સફળ રહ્યા છે.

આવામી લીગ પર પ્રતિબંધ પછી બીએનપીની ટેકેદાર રહેલી જમાત-એ-ઇસ્લામી જ તેના સૌથી મોટા હરીફ તરીકે ઊભરી આવી છે.

રહમાનનું નેતૃત્વ

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, તારિક રહમાને ચૂંટણીમાં ઢગલાબંધ રેલીઓ સંબોધી છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાંગ્લાદેશમાં વર્ષ 2007માં સેનાના ટેકા સાથે કાર્યવાહક સરકાર રચાઈ ત્યારે તારિક રહમાનને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ પકડવામાં આવ્યા હતા.

લગભગ 18 મહિના જેલમાં ગાળ્યા પછી તેઓ સપ્ટેમ્બર, 2008માં જેલમુક્ત થયા અને પરિવાર સાથે લંડન રહેવા જતા રહ્યા હતા.

લંડનમાં લગભગ 17 વર્ષ કાઢ્યાં પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેઓ ઢાકા પરત આવ્યા હતા.

ખાલિદા ઝિયાની તબિયત કથળવાના કારણે 26 ડિસેમ્બરે તેઓ ઢાકા આવ્યા હતા. 18 મહિનાના જેલવાસ અને 17 વર્ષ લંડનમાં ગાળ્યા પછી આ રીતે બાંગ્લાદેશના રાજકારણમાં તારિક રહમાનની વાપસી થઈ.

તેના થોડા દિવસો પછી 30 ડિસેમ્બરે ખાલિદા ઝિયાનું અવસાન થયું. તેના 10 દિવસ પછી 9 જાન્યુઆરી, 2026ના રોજ બીએનપીની રાષ્ટ્રીય સ્થાયી સમિતિએ ઔપચારિક રીતે તારિકને પક્ષના પ્રમુખ તરીકે ચૂંટ્યા.

જોકે, ખાલિદા ઝિયાને વર્ષ 2018માં ભ્રષ્ટાચારના એક મામલામાં સજા થઈ ત્યારથી જ તારિક લંડનમાં રહીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી બજાવતા હતા.

અગાઉ વર્ષ 2002માં ખાલિદા ઝિયાએ તેમને પાર્ટીના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ તરીકે નૉમિનેટ કર્યા હતા. સાત વર્ષ પછી 2009માં બીએનપીના પાંચમા રાષ્ટ્રીય સંમેલનમાં તેમને વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે નૉમિનેટ કરવામાં આવ્યા હતા.

તારિક રહમાનનું વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, ખાલિદા ઝિયાના નિધન પછી તારિકને પક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

બાંગ્લાદેશના પ્રથમ સૈન્ય શાસક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા-ઉર રહમાન તથા ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર તારિકનો જન્મ 20 નવેમ્બર, 1965ના રોજ થયો હતો.

બીએનપીની વેબસાઇટ પર આ જન્મતારીખ લખેલી છે. જોકે, ચૂંટણીની ઍફિડેવિટમાં આ જ તારીખ હોવા છતાં જન્મનું વર્ષ 1968 જણાવાયું છે.

બીએનપીની વેબસાઇટ પર જણાવાયું છે કે ઢાકાની બીએએફ શાહીન કૉલેજમાં શરૂઆતના ભણતર પછી તારિકે ઢાકા યુનિવર્સિટીમાં ઇન્ટરનૅશનલ રિલેશન વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, તેમણે ત્યાં અભ્યાસ પૂરો કર્યો હતો કે નહીં તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.

બીજી તરફ ચૂંટણી પંચને આપેલી ઍફિડેવિટમાં તારિકે પોતાની શૈક્ષણિક લાયકાત ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ 12 ગણાવી છે.

બીએનપી તરફથી મળેલી માહિતી મુજબ મુક્તિસંગ્રામ દરમિયાન કેટલાક સૈન્ય અધિકારીઓના પરિવારોની સાથે ઝિયા-ઉર રહમાનના પરિવારને પણ બંધક બનાવવામાં આવ્યો હતો. તેમના બંને પુત્રો તારિક રહમાન અને અરાફત રહમાન (સ્વર્ગીય) પણ બંધક હતા.

પાર્ટીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે તારિકે સૈન્ય શાસક હુસૈન મોહમ્મદ ઇર્શાદ વિરુદ્ધ અભિયાનમાં પણ ભાગ લીધો હતો અને 1988માં બગુડા જિલ્લા બીએનપીના ઉપજિલ્લા યુનિટના સભ્ય તરીકે સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતા.

જોકે, પાર્ટીના ઘણા નેતાઓ અને મુખ્ય સલાહકાર પરિષદના કેટલાક સભ્યોનું કહેવું છે કે પાર્ટીના રાજકારણમાં તારિકની સફર 1991ની સંસદીય ચૂંટણીથી શરૂ થઈ હતી. ખાલિદા તે સમયે પાંચ સીટ પર ચૂંટણી લડ્યાં હતાં. તેની દેખરેખની જવાબદારી તારિક પાસે જ હતી.

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, અવામી લીગ પર પ્રતિબંધ હોવાના કારણે બાંગ્લાદેશમાં બીએનપી અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે અસલી મુકાબલો હતો.

પરંતુ 2001ની સંસદીય ચૂંટણીથી પાર્ટીના રાજકારણ પર તેમની પકડ મજબૂત બનવા લાગી. તે વર્ષે બીએનપીના નેતૃત્વવાળા ચાર પક્ષના ગઠબંધનને બે તૃતિયાંશ બહુમતી મળી હતી.

બીએનપીની સરકારે તે કાર્યકાળ દરમિયાન હવા ભવનના મુદ્દે તારિક રહમાન અને તેમની નિકટના લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા જે આગળ જતા દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યા હતા.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર મહેબૂબ ઉલ્લાહે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે "વર્ષ 2001ની સંસદીય ચૂંટણી અગાઉ ચૂંટણી કાર્યાલય તરીકે અને ચૂંટણી રણનીતિ ઘડવા માટે હવા ભવનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં તારિક રહમાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

તેમનું કહેવું હતું કે ચૂંટણીમાં જીત મેળવીને બીએનપીના નેતૃત્વમાં સરકાર સત્તા પર આવી હતી. પરંતુ હવા ભવન પર બીએનપીનો કબ્જો રહ્યો અને તેના કારણે વિવાદ પેદા થયો હતો.

વર્ષ 2001ની ચૂંટણી સમયથી જ પાર્ટીમાં તારિક રહમાનની સક્રિયતા વધતી ગઈ. વર્ષ 2002માં 22 જૂને વરિષ્ઠ સંયુક્ત મહાસચિવનું પદ બનાવીને તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાજકીય વિશ્લેષક અને રિસર્ચર મોહિઉદ્દીન અહમદે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે "પાર્ટીના રાજકારણમાં આ તેમની મોટી છલાંગ હતી. ઝિયા પરિવારના સભ્ય હોવાના કારણે તેમને તે પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની આસપાસ એક સમાંતર નેતૃત્વ બની ગયું હતું."

ભ્રષ્ટાચારના આરોપ અને વિવાદ

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, દિનાઝપુરમાં એક જાહેરસભાને સંબોધતા તારિક રહમાન

આ વખતે ચૂંટણીમાં બીએનપીનો મુકાબલો પોતાની પૂર્વ સહયોગી જમાત-એ-ઇસ્લામી સાથે હતો. આવામાં પાર્ટીની નીતિ ઘડનારાઓ ઇચ્છતા હતા કે સામાન્ય લોકોની નજરમાં રહમાનની છબિ 'મુક્તિસંગ્રામ અને ઉદાર લોકશાહી'ના સમર્થક એકમાત્ર નેતા તરીકે સ્થાપિત થાય.

આ અગાઉ બીએનપીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારના કાર્યકાળ (2001-06) દરમિયાન પાર્ટીના અધ્યક્ષનું બનાનીસ્થિત કાર્યાલય ભારે વિવાદોમાં ઘેરાયું હતું. તેને હવા ભવનના નામે પણ ઓળખવામાં આવે છે.

એવી પણ ચર્ચા થાય છે કે 2001માં બીએનપી સત્તા પર આવ્યા પછી વડાં પ્રધાન ખાલિદા ઝિયા સત્તા પર હોવાં છતાં રહમાનના નેતૃત્વમાં હવા ભવન સત્તાનું સમાંતર કેન્દ્ર બની ગયું હતું.

રહેમાન અને તેમના નજીકના લોકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગવા લાગ્યા હતા. જોકે, તેમણે અને તેમની પાર્ટીએ આને રાજકીય વિરોધીઓનો દુષ્પ્રચાર ગણાવ્યો અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

બીએનપી સરકારના આ જ કાર્યકાળમાં 2004માં વિપક્ષનાં નેતા શેખ હસીનાની ઢાકામાં રેલી દરમિયાન ગ્રેનેડ હુમલા થયા હતા. તે વખતે અવામી લીગે તારિક રહમાન અને હવા ભવનને જવાબદાર ગણાવ્યા હતા.

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, તારિકે સિલહટથી ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું.

ત્યાર બાદ અવામી લીગના કાર્યકાળ દરમિયાન આ મામલે તારિક રહમાનને આરોપી બનાવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

અવામી લીગની સરકારના પતન પછી તારિકને આવા મામલામાં રાહત મળી ગઈ છે. બીએનપી તો પહેલેથી જ આ આરોપોને નકારતી રહી છે.

તારિક રહમાનની ચૂંટણી ઍફિડેવિટમાં કુલ 77 કેસની માહિતી આપવામાં આવી છે. વચગાળાની સરકાર સત્તામાં હતી તે દરમિયાન તેમણે પોતાને તમામ કેસમાં નિર્દોષ ઠરાવ્યા છે અથવા મુક્ત થઈ ગયા છે.

બાંગ્લાદેશમાં બીએનપીના નેતૃત્વ હેઠળ ગઠબંધન સરકારના કાર્યકાળના અંતિમ દિવસોમાં મોટા પાયે થયેલી રાજકીય હિંસા અને ટકરાવ પછી જાન્યુઆરી 2007માં સેનાના સમર્થનવાળી કાર્યવાહક સરકારે સત્તા સંભાળી હતી.

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, તારિક રહમાન 17 વર્ષ પછી ગયા વર્ષે 25 ડિસેમ્બરે ઢાકા પરત આવ્યા હતા.

તારિક રહમાને તે સમયે ભ્રષ્ટાચારના આરોપોમાં 18 મહિના જેલમાં ગાળવા પડ્યા હતા. તેમને ધરપકડ પછી બુલેટપ્રૂફ જૅકેટ અને હેલ્મેટ પહેરાવીને ઢાકાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પૂછપરછ પછી તેમને રિમાન્ડ પર લેવાયા હતા.

જોકે, તેનાથી માત્ર છ મહિના અગાઉ સુધી વડાં પ્રધાનના પુત્ર તરીકે પાર્ટી અને વહીવટીતંત્રમાં તેમની ભારે પ્રતિષ્ઠા અને પકડ હતી.

તેઓ હિરાસતમાં હતા ત્યારે પાર્ટીએ તેમના પર અત્યાચારના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. રહમાનનો આરોપ છે કે ધરપકડ કરાયા પછી તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો.

વિશ્લેષક મોહિઉદ્દીન અહમદ કહે છે, "મને મારા સંશોધન દરમિયાન વિવિધ પક્ષના લોકો સાથે વાતચીત પરથી જાણવા મળ્યું કે તારિક રહમાનને ખરેખર ટૉર્ચર કર કરવામાં આવ્યા હતા. તેનો ઇરાદો તેમનાં માતા ખાલિદા ઝિયાને દેશ છોડવા માટે મજબૂર કરવાનો હતો."

તારીક રહમાન 11 સપ્ટેમ્બર, 2008ના દિવસે દેશ છોડીને સપરિવાર લંડન રવાના થઈ ગયા હતા.

ખાલિદા ઝિયાએ તો તે સમયે દેશ છોડ્યો ન હતો. પરંતુ કહેવાય છે કે સૈન્ય નેતૃત્વ સાથે એક સમજૂતી હેઠળ રહમાનને જેલમાંથી મુક્તિ મળી હતી. તે વખતે મીડિયામાં એવા સમાચાર છપાયા હતા કે રહમાને દેશ છોડતા પહેલાં ભવિષ્યમાં રાજકારણમાં નહીં પડવા અંગે એક બાંહેધરી આપી હતી.

મોહિઉદ્દીન અહમદ કહે છે, "ખાલિદા ઝિયાએ તે સમયે જાતે કહ્યું હતું કે તારિક હવે રાજનીતિ નહીં કરે. તેઓ લંડનમાં અભ્યાસ કરશે."

બીએપીના દિવંગત નેતા મૌદૂદ અહમદે પોતાના પુસ્તક 'કારાગારે કોમોન છિલામ (જેલમાં કેવું હતું) 2007-2008'માં લખ્યું છે, "શક્ય છે કે ખાલિદા ઝિયાએ સૈન્યના જનરલો સાથે એવી સમજૂતી કરી હોય કે તારિક હવે ભવિષ્યમાં ક્યારેય રાજકારણમાં સક્રિય નહીં થાય... કદાચ રહમાને આવા કોઈ લખાણ પર સહી પણ કરી હોય."

બીએનપી તરફથી લાંબા સમયથી કહેવામાં આવે છે કે તારિક રહમાન સારવાર માટે લંડનમાં રહે છે. પરંતુ વર્ષ 2018માં 24 એપ્રિલે પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે પહેલી વખત સ્વીકાર્યું કે રહમાને વર્ષ 2012માં બ્રિટનમાં રાજકીય શરણ માટે અરજી કરી હતી. એક વર્ષની અંદર તેમની અરજી મંજૂર થઈ ગઈ હતી.

બાંગ્લાદેશમાં પુનરાગમન

બીબીસી ગુજરાતી બાંગ્લાદેશ ચૂંટણી ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી તારિક રહેમાન
ઇમેજ કૅપ્શન, 2007માં તારિક રહમાનની ધરપકડ કરવામાં આવી હતી

બાંગ્લાદેશમાં 2007માં સેનાના ટેકા સાથે કાર્યવાહક સરકાર સત્તા પર આવ્યા પછી અવામી લીગનાં વડાં શેખ હસીના અને બીએનપીના નેતા ખાલિદા ઝિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ખાલિદા સાથે તેમના પુત્ર અરાફત રહમાન (હવે દિવંગત)ને પણ પકડવામાં આવ્યાં હતાં.

જોકે, ત્યાર પછી એક ઍક્ઝિક્યુટિવ ઑર્ડર હેઠળ અરાફાત સારવાર માટે થાઇલૅન્ડ જતા રહ્યા હતા. ત્યાંથી તેઓ મલેશિયા ગયા અને ત્યાં જ જાન્યુઆરી 2015માં હાર્ટ ઍટેકથી તેમનું નિધન થયું હતું.

રાજકીય વિશ્લેષક મોહિઉદ્દીન અહમદ કહે છે, "પ્રતિકૂળ સ્થિતિમાં પણ તારિક રહમાન પાર્ટીને એકજૂથ રાખવામાં સફળ રહ્યા અને આટલું બધું થવા છતાં પાર્ટીના નેતા તરીકે તેમની સ્વદેશ વાપસી એ 'કાટમાળના ઢગલામાંથી ફરીથી બેઠા થવા' સમાન છે."

તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તારિકે રાજકારણની વરવી બાજુ જોઈ છે. તેમણે દેશમાં સંઘર્ષ અને બદલાની રાજનીતિનો અનુભવ પણ મેળવ્યો છે.

મોહમ્મદ મોઝિબુર અહમદ કહે છે, "તારિક રહમાન પોતાના દમે બીએનપીના ટોચના નેતા તરીકે ઊભરી આવ્યા છે અને અવામી લીગની ગેરહાજરીના કારણે તેમને એક મંચ મળ્યો છે. પરંતુ હવે તેમણે જનતાની વચ્ચે પરીક્ષામાં સફળ થવાના પડકારનો સામનો કરવાનો રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન