મહમદઅલી ઝીણાની મુસ્લિમ લીગનો કેરળમાં 22 બેઠકો જીતનાર આ પક્ષ સાથે શો સંબંધ છે?

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, કાયદ-એ-આઝમ મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનના અલગ રાજ્યની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
    • લેેખક, મિર્ઝા એ. બી. બેગ
    • પદ, બીબીસી ઉર્દુ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ભારતના દક્ષિણ કાંઠાના કેરળ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન (યુડીએફ)એ સ્પષ્ટ બહુમતી મેળવી છે, પરંતુ સૌથી મોટી સફળતા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)ને મળી છે, પાર્ટી 27 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 22 બેઠકો પર તેનો વિજય થયો છે.

આ પાર્ટીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. 9 એપ્રિલે 140 બેઠકો માટે પડેલા મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવી હતી, જેમાં દસ વર્ષથી સત્તામાં રહેલા કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધન (એલડીએફ)ને મોટો ફટકો વાગ્યો. આ ગઠબંધનમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ 63 બેઠકો સાથે આગળ છે, જ્યારે શાસક પક્ષ સીપીઆઇ(એમ)એ ફક્ત 26 બેઠકો જીતી અને સીપીઆઇએ આઠ બેઠકો જીતી છે. 1977 પછી પહેલી વાર એવું બન્યું છે કે ડાબેરી પક્ષો તમામ ભારતીય રાજ્યોમાં સત્તામાંથી બહાર થઈ ગયા છે.

આ દક્ષિણ ભારતીય રાજ્યની એક અનોખી વિશેષતા એ છે કે મજબૂત મુસ્લિમ આધાર ધરાવતી પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમલ) સીપીઆઇ(એમ) અને કૉંગ્રેસ પછીની ત્રીજી સૌથી મહત્ત્વની રાજકીય પાર્ટી છે. દાયકાઓથી તે સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, અને આ વખતે તેણે ઇતિહાસ રચ્યો છે.

જોકે, પહેલી વાર આઇયુએમએલમાંથી કોઈ મહિલા ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. પાર્ટીએ પહેલી વાર બે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં હતાં. જેમાં ઍડ્વોકેટ ફાતિમા થહિલિયા જીત્યાં અને દલિત ઉમેદવાર જયંતિ રાજન રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર સામે હારી ગયાં હતાં.

આઇયુએમએલ પાસે આવાં પરિણામોની અપેક્ષા હતી, કારણ કે ગયા વર્ષે, 2025માં સ્થાનિક મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પાર્ટીને મોટી સફળતા મેળવી હતી. તેણે પોતાના ગાઢ, મલબાર ક્ષેત્રની બહાર પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું, ખાસ કરીને મલપ્પુરમ જિલ્લામાં. પાર્ટીએ 3200 કરતાં વધારે બેઠકો જીતી અને એવું કહેવાય છે કે પહેલી વાર કોઈ પાર્ટીએ રાજ્યના તમામ 14 જિલ્લાઓમાં કોઈને કોઈ સ્તરે જીત મેળવી છે.

વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 27 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે અગાઉ તેમણે 25માંથી 15 બેઠકો જીતી હતી. તેમનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2011ની વિધાનસભા ચૂંટણીમાં રહ્યું હતું, જેમાં તેમણે 20 બેઠકો મેળવી હતી.

એ પણ નોંધનીય છે કે પાર્ટીએ તામિલનાડુમાં તેમની પરંપરાગત બે બેઠકો પણ જાળવી રાખી છે.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, માર્ચ 1948માં મદ્રાસમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની રચના થઈ હતી

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

પાર્ટીની ઔપચારિક સ્થાપના ભારતમાં ભાગલા અને સ્વતંત્રતા પછી થઈ હોવા છતાં, તેનાં મૂળ સ્વતંત્રતા પહેલાંની ઑલ-ઇન્ડિયા મુસ્લિમ લીગમાં છે, જેણે બે રાષ્ટ્રના સિદ્ધાંતના આધારે પાકિસ્તાનની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની સ્થાપના 10 માર્ચ, 1948ના રોજ મદ્રાસ (હવે ચેન્નાઈ)માં થઈ હતી. તે સમયે કેરળ હજુ અલગ રાજ્ય નહોતું બન્યું; તેમાં મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળ ત્રણ પ્રદેશો ત્રાવણકોર, મલબાર અને કોચીનનો સમાવેશ થતો હતો.

મુખ્યત્વે કેરળમાં પ્રભાવ ધરાવતી આ પાર્ટીએ તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય ભાગોમાં પણ પોતાની હાજરી જાળવી રાખી છે, અને રાજ્યની રાજકીય રચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા કેરળમાં રાજ્ય સ્તરના પક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત આઇયુએમએલ ગઠબંધનના રાજકારણમાં સતત સક્રિય રહ્યો છે, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફના મુખ્ય ઘટક તરીકે.

ઝીણાની મુસ્લિમ લીગથી કઈ રીતે અલગ?

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાગલા પછી ઑલ-ઇન્ડિયા મુસ્લિમ લીગનું ભારતમાં લગભગ વિસર્જન થઈ ગયું હતું. પરંતુ દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તે સમયની મદ્રાસ પ્રેસિડેન્સીમાં કેટલાક મુસ્લિમ નેતાઓને બિનસાંપ્રદાયિક, લોકશાહી ભારતમાં મુસ્લિમ હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજકીય પ્લૅટફૉર્મની જરૂરિયાત અનુભવાઈ.

મલયાલમ દૈનિક 'માધ્યમમ'ના સમાચાર સંપાદક એમ. ફિરોઝ ખાને બીબીસીને જણાવ્યું કે ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર ખૂબ ઓછું થયું હતું. તેથી ત્યાં રહેલા મુસ્લિમ નેતાઓએ ભારતને એક વાસ્તવિકતા તરીકે સ્વીકારીને એ પ્રદેશમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે આઇયુએમએલની સ્થાપના કરી.

તેમણે ઉમેર્યું, "આ પાર્ટી મૂળભૂત રીતે ઝીણાની મુસ્લિમ લીગથી ખૂબ જ અલગ છે. તેની છબિ ધર્મનિરપેક્ષ તરીકેની છે અને તે રાજકીય પ્રવૃત્તિઓની સાથે સામાજિક સેવાઓ પણ કરે છે."

કોચીમાં આઇયુએમએલના કાયદાકીય સલાહકાર અને વકીલ રફીકે જણાવ્યું કે વિભાજન પછી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દક્ષિણ ભારતના મુસ્લિમ લીગ નેતાઓને કૉંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ અગ્રણી નેતા એમ. મુહમ્મદ ઇસ્માઇલે કૉંગ્રેસમાં ભળી જવાને બદલે તેમની સાથે ગઠબંધન કરવા પર ભાર મૂક્યો હતો.

"જોકે તેઓ દિલ્હીમાં સ્થિત કેન્દ્રીય નેતૃત્વને રાજી ન કરી શક્યા, પરંતુ સ્થાનિક સ્તરે તેમણે કૉંગ્રેસ સાથે એક પ્રકારની કાર્યકારી સમજૂતી સ્થાપિત કરી લીધી હતી."

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, કાયદ-એ-મિલ્લત એમ મુહમ્મદ ઇસ્માઇલ

રફીકના મતે, મહમદ અલી ઝીણાએ તેમને પાકિસ્તાન સ્થળાંતર કરવા આમંત્રણ આપ્યું હતું અને ભારતમાં મુસ્લિમો સાથેના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જવાબમાં, "કાયદ-એ-મિલ્લત" (એમ. મુહમ્મદ ઇસ્માઇલ)એ કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે ત્યાં સુધી ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી.

ઝીણાને "કાયદ-એ-આઝમ" તરીકે ઓળખવામાં આવે છે, તો આઇયુએમએલના નેતા એમ. મુહમ્મદ ઇસ્માઇલને "કાયદ-એ-મિલ્લત" તરીકે યાદ કરવામાં આવે છે.

તેમના પુરોગામીથી વિપરીત આઇયુએમએલે ભારતીય સંઘનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું અને બંધારણીય માળખામાં રહીને કામ કરવાનો સંકલ્પ કર્યો. તેમનો મુખ્ય ભાર મુસ્લિમ અધિકારોનું રક્ષણ, શિક્ષણ અને સામાજિક-આર્થિક વિકાસ પર હતો.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો લીલો ધ્વજ અને અર્ધચંદ્રાકાર તેની મુસ્લિમ ઓળખનું પ્રતીક છે

મુસ્લિમો માટે એક ગૌરવપૂર્ણ ઓળખ

આઇયુએમએલના મહિલા શાખાનાં ભૂતપૂર્વ મહાસચિવ ઍડ્વોકેટ નૂરીના રશીદે જણાવ્યું કે પક્ષની સ્થાપના મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને એક ગૌરવપૂર્ણ ઓળખ અપાવવા માટે કરવામાં આવી હતી, અને તે અન્ય રાજ્યોની સરખામણીએ કેરળમાં પોતાના હેતુ સિદ્ધ કરવામાં મોટા ભાગે સફળ રહ્યો છે.

નોંધનીય છે કે તેમણે તાજેતરમાં પક્ષની મહિલા શાખા (વનિતા લીગ)ના મહાસચિવપદ પરથી રાજીનામું આપ્યું છે. અગાઉની વિધાનસભા ચૂંટણીઓમાં તેઓ 25 વર્ષમાં આઇયુએમએલનાં પ્રથમ મહિલા ઉમેદવાર રહ્યાં હતાં.

વર્તમાન ચૂંટણીઓમાં પક્ષે બે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં હતાં, જે લાંબા સમયથી ચાલી રહેલી ટીકા 'પક્ષ મહિલાઓની અવગણના કરે છે'નો સીધો જવાબ હતો.

રાશિદે જણાવ્યું કે 1990ના દાયકાથી મહિલા ભાગીદારીની એક શાખા અસ્તિત્વમાં છે, પરંતુ વનિતા લીગની ઔપચારિક સ્થાપના 2012માં થઈ હતી.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, આઇયુએમએલનું ચૂંટણી ચિહ્ન પ્રગતિનું પ્રતીકસમી સીડી છે

વિચારધારા અને ઉદ્દેશો

આઇયુએમએલની વેબસાઇટ અનુસાર પક્ષના મુખ્ય ઉદ્દેશમાં ભારતની ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રણાલીમાં કામ કરતી વખતે મુસ્લિમ હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો છે. પક્ષ મુસ્લિમો માટે શિક્ષણ, રોજગાર અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકે છે.

તે શાસનમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અન્ય ધર્મનિરપેક્ષ પક્ષો સાથે સહયોગને પણ પ્રાથમિકતા આપે છે.

પક્ષ રાષ્ટ્રીય રાજકારણ કરતાં કેરળના સામાજિક-રાજકીય સંદર્ભ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં દરિયાકાંઠાના વિકાસ, લઘુમતીના અધિકારો અને સાંપ્રદાયિક સંવાદિતા પર ભાર મૂકવામાં આવે છે.

આઇયુએમએલ ઉગ્ર ભાષણબાજીથી દૂર રહે છે, લઘુમતીઓ માટે બંધારણીય સુરક્ષાની હિમાયત કરે છે અને હંમેશાં પોતાને એક મધ્યમ રાજકીય બળ તરીકે રજૂ કરે છે.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, નૂરબીના રશીદ, આઇયુએમએલ મહિલા લીગનાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ

ધર્મનિરપેક્ષ ઓળખ

ફિરોઝ ખાને જણાવ્યું, "પક્ષના નામમાં 'મુસ્લિમ' શબ્દનો સમાવેશ થયો છે અને તે મૂળભૂત રીતે એક સમુદાય આધારિત પક્ષ છે, છતાં ધર્મનિરપેક્ષ સમાજ તેને સાંપ્રદાયિક પક્ષ તરીકે જોતો નથી."

તેમણે કહ્યું કે આવું એટલા માટે છે, કારણ કે સાંપ્રદાયિક સંગઠનોની જેમ તે દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ નથી કરતો અથવા અન્ય ધર્મો કે સમુદાયો સામે હિંસા ભડકાવતો નથી. ઉપરાંત, પનક્કડ પરિવાર (તેના આધ્યાત્મિક આશ્રયદાતા)ના નેતૃત્વ હેઠળ પક્ષ મુસ્લિમ યુવાનોને ઉગ્રવાદી વિચારધારાઓ તરફ વળતા અટકાવવામાં સફળ રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે પક્ષનો પ્રાથમિક ધ્યેય સમુદાયને રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો છે, અને વિવિધ પડકારો હોવા છતાં તેમણે કેરળના મુસ્લિમ સમુદાયના ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ઍડ્વોકેટ રફીકે નોંધ્યું કે બાબરી મસ્જિદના ધ્વંસ દરમિયાન જ્યારે દેશભરમાં ગુસ્સો ફેલાયેલો હતો, ત્યારે કેરળના નેતૃત્વે મુસ્લિમોને હિંસક પ્રતિક્રિયા આપતા અટકાવવામાં સફળતા મેળવી હતી.

જોકે, નૂરીના રશીદે જણાવ્યું કે હવે દેશભરમાં રાજકારણ બદલાઈ રહ્યું છે, અને તેની અસરો કેરળમાં પણ વધુને વધુ દેખાઈ રહી છે, જ્યાં પરંપરાગત રાજકારણ ધાર્મિક ધ્રુવીકરણ પર આધારિત નહોતું.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના રાષ્ટ્રીય મહાસચિવ અને કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા પીકે કાન્હાલીકુટ્ટી તેમના મતવિસ્તાર મલપ્પુરમના મતદારો સાથે

બદલાતાં દૃશ્યો

ધ હિન્દુ અનુસાર કોઝિકોડ જિલ્લાના પેરામ્બ્રા મતવિસ્તારના ઉમેદવારો ટીપી રામકૃષ્ણન (એલડીએફ) અને ફાતિમા થહિલિયા (યુડીએફ)ને ચૂંટણીપંચ દ્વારા પ્રચાર દરમિયાન સાંપ્રદાયિક યુક્તિઓનો ઉપયોગ કરવાના આરોપોસર નોટિસ ફટકારવામાં આવી હતી.

પક્ષ પાસે એક મજબૂત સંગઠનાત્મક માળખું છે, જેમાં મુસ્લિમ યૂથ લીગ અને મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન જેવી સંલગ્ન સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે યુવાનોમાં સમર્થન મેળવવામાં મદદ કરે છે.

પક્ષનો ધ્વજ લીલા રંગનો છે, જેમાં ઉપર ડાબા ખૂણામાં અર્ધચંદ્ર અને તારો છે અને ચૂંટણીનું પ્રતીક સીડી છે, જે પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.

મુસ્લિમ યૂથ લીગના મહાસચિવ શિબુ મીરાને જણાવ્યું, "આઇયુએમએલ લોકપ્રિય બન્યું, કારણ કે તેણે મુસ્લિમોમાં શૈક્ષણિક પછાતપણાનો મુદ્દો ઉઠાવ્યો અને અમને આશા છે કે અમે આ વખતે વધારે સારું પ્રદર્શન કરીશું."

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, આઇયુએમએલ શરૂઆતમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે કાર્યરત હતું, બાબરી મસ્જિદ ચળવળ દરમિયાન મુસ્લિમવિરોધી રાજકારણને કારણે તે ઉત્તર ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયું. તેમણે ઉમેર્યું કે આજે ધર્મનિરપેક્ષ પક્ષો પણ મુસ્લિમ મુદ્દાઓ ઉઠાવતા ખચકાય છે.

આઈયુએમએલ, કેરળ, વિધાસભના ચૂંટણી, બીબીસી
ઇમેજ કૅપ્શન, કોચીમાં ચાની દુકાન પર ચૂંટણી રેલીમાંથી પાછા ફરતા લીલી ટોપી પહેરેલા મુસ્લિમ લીગના કેટલાક સમર્થકો

આસામના મુખ્ય મંત્રીની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતમાં મુસ્લિમો પોતાની ઓળખસંબંધી મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આઇયુએમએલનો ઉદ્દેશ કેરળ મૉડલનું અનુકરણ કરવાનો અને ધર્મનિરપેક્ષ પક્ષો સાથે ગૌરવપૂર્ણ ગઠબંધન કરવાનો છે.

મીરાને વધુમાં કહ્યું કે, "આઇયુએમએલનો ધ્યેય કાયદ-એ-મિલ્લત અને ડૉ. બીઆર આંબેડકરના સિદ્ધાંતોનું પાલન કરીને તેનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે."

એ નોંધનીય છે કે ડૉ. આંબેડકરને સ્વતંત્રતા પહેલાંની વિધાનસભામાં લાવવાનુ શ્રેય મુસ્લિમ લીગને જાય છે. આ જ કારણે કેરળમાં મુસ્લિમો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા હિંદુ સમુદાયો ઘણી વાર તેમનાં હિતોને એકબીજા સાથે જોડાયેલાં જુએ છે.

તેમણે આઇયુએમએલના પ્રથમ શિક્ષણમંત્રી શીશ મોહમ્મદ કોયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ તેમની પાર્ટીની પ્રતિબદ્ધતા છે કે અન્ય સમુદાય સાથે સંકળાયેલો સૌથી નાનો હિસ્સો પણ મુસ્લિમો માટે પ્રતિબંધિત છે, એ જ રીતે મુસ્લિમ અધિકારો સાથે સમાધાન તેમના માટે અસભંવ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન