મધ્યપૂર્વ એશિયામાં સંઘર્ષવિરામના ભંગની ઘટનાઓ, પાકિસ્તાને શું કહ્યું? ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકા અને ઈરાનની વચ્ચે 15 દિવસ માટે સંઘર્ષવિરામની જાહેરાત થઈ એના ગણતરીના કલાકોમાં સંઘર્ષવિરામ-ભંગની ઘટનાઓ બની હોવાનું બહાર આવ્યું હતું. જેના વિશે પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "હિંસાગ્રસ્ત વિસ્તારમાં સંઘર્ષવિરામના ભંગની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે, જે શાંતિપ્રક્રિયાને અસર કરે છે. હું તમામ પક્ષકારોને બે અઠવાડિયાં માટે શાંતિ જાળવવા તથા સિઝફાયરનું સન્માન કરવા ગંભીરતાથી હૃદયપૂર્વક વિનંતી કરું છું.જેથી કરીને નક્કી થયા મુજબ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે કૂટનીતિ અગ્રણી ભૂમિકા ભજવી શકે."

બીજી બાજુ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પૅન્ટાગોન ખાતે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇતિહાસ રચી દીધો છે. છેલ્લાં 47 વર્ષથી અમેરિકાની ઉપર ઈરાનનું જોખમ તોળાઈ રહ્યું હતું, પરંતુ હવે એવું નથી.

હેગસેથે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ શક્ય કરી દેખાડ્યું. ઈરાને આ યુદ્ધવિરામ માટે ભીખ માંગી અને આપણે બધા એ વાત જાણીએ છીએ."

તેમણે કહ્યું હતું કે જો અમેરિકાની શરતોને ઈરાને નકારી કાઢી હોત, તો ઈરાનના વીજઉત્પાદન એકમો, પુલ તથા તેલ અને ઊર્જા સંબંધિત માળખાઓને નિશાને લેવામાં આવ્યા હોત. ઈરાનને બેઠું થવામાં દાયકાઓ લાગી ગયા હોત.

હેગસેથે કહ્યું "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અમુક મિનિટોમાં જ ઈરાનનાં અર્થતંત્રને સંપૂર્ણપણે પાંગળું બનાવી દેવાની તાકત હતી, પરંતુ તેમણે દયા દાખવવાનો વિકલ્પ પસંદ કર્યો."

હેગસેથે કહ્યું, 'અમેરિકાના સૈનિક યુદ્ધઅભિયાનને ફરીથી શરૂ કરવાના સજ્જ છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે એમ કરવાની જરૂર નહીં પડે.'

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં લખ્યું છે કે જે કોઈ દેશ ઈરાનને હથિયાર વેચશે, તેમણે અમેરિકામાં જે કોઈ સામાન વેચવામાં આવશે, તેના ઉપર 50 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ આદેશ તત્કાળ લાગુ કરવામાં આવશે, તથા તેની ઉપર કોઈ છૂટ આપવામાં નહીં આવે.

સંઘર્ષવિરામ છતાં લેબેનૉનમાં ઇઝરાયલની કાર્યવાહી થઈ છે. જોકે, કેટલાક પશ્ચિમી દેશના નેતાઓએ તેને અટકાવવા માટે ઇઝરાયલને આહ્વાન કર્યું છે, જેથી કરીને મધ્યપૂર્વ એશિયામાં શાંતિ સ્થાપી શકાય.

ગુજરાતીઓ વિશેની ટિપ્પણી અંગે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ખેદ વ્યક્ત કર્યો

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણીપ્રચાર દરમિયાનના પોતાના એક ભાષણ વિશે ખેદ વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર ખડગેએ લખ્યું, "તાજેતરમાં કેરળમાં મેં એક ચૂંટણીલક્ષી ભાષણ કર્યું હતું, જેને ઈરાદાપૂર્વક ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં હું મારા તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરું છું."

"મારા મનમાં ગુજરાતના લોકો પ્રત્યે હંમેશાં સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશાં રહેશે. ત્યાંના લોકોની (ગુજરાતીઓ) લાગણીઓને આઘાત પહોંચાડવાનો મારો કોઈ હેતુ ન હતો."

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, રવિવારે કેરળના ઇડુક્કી જિલ્લા ખાતે એક ચૂંટણીસભાને સંબોધિત કરતા ખડગેએ કહ્યું હતું, "રાજ્યના લોકો શિક્ષિત અને સમજદાર છે અને તેમને ગેરમાર્ગે દોરી ન શકાય. મોદીજી, વિજયન તમે બંને ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો, પણ કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો."

કૉંગ્રેસના અધ્યક્ષ ખડગેના આ નિવેદજન પછી ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદે પૂછ્યું હતું કે શું ખડગેના નિવેદન સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા સહમત છે.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓનો પ્રચાર ચાલી રહ્યો છે તથા ગુજરાત ભાજપના નેતાઓ ખડગેનાં નિવેદનને ચૂંટણીપ્રચારનો મુદ્દો બનાવી રહ્યા છે.

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ અંગે ભારતની પહેલી પ્રતિક્રિયા શું આવી?

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે ભારતે પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી છે અને સિઝફાયરને આવકાર્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં લખ્યું, "અમે યુદ્ધવિરામને આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનાથી પશ્ચિમ એશિયામાં લાંબાગાળા માટે શાંતિ આવશે. અમે અગાઉ પણ કહ્યું છે એમ, તણાવ ઓછો કરવા વાટાઘાટો અને કૂટનીતિ જરૂરી છે, જેથી કરીને સંઘર્ષનો વહેલાસર અંત આવે."

"આ સંઘર્ષને કારણે પહેલાંથી જ લોકોને ખૂબ જ તકલીફ પડી છે અને વિશ્વની ઊર્જાઆપૂર્તિ તથા વેપારવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અમે આશા કરીએ છીએ કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર અને વૈશ્વિકવ્યાપાર કોઈપણ જાતના અવરોધ વગર ચાલતાં રહેશે."

બીજી બાજુ, તહેરાનસ્થિત ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે ઍડ્વાઇઝરી બહાર પાડી અને તેમને તાત્કાલિક દેશ છોડી દેવા કહ્યું છે.

ઍડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે, "તાજેતરની ઘટનાઓને જોતાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વહેલામાં વહેલી તકે ઈરાન છોડી દે. આ કામ તેઓ દૂતાવાસ સાથે મળીને કે દૂતાવાસ દ્વારા જણાવાયેલી રીતે કરે."

દૂતાવાસે સ્પષ્ટ કર્યું, "ફરીથી સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે દૂતાવાસ સાથે વાત કર્યા વગર કોઈ પણ આંતરરાષ્ટ્રીય જમીની સરહદ તરફ જવાનો પ્રયાસ ન કરો."

દૂતાવાસ દ્વારા કેટલાક આપાતકાલીન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે.

મોબાઇલ નંબર: +989128109115, +989128109102, +989128109109, +989932179359

ઇમેલ: cons.tehran@mea.gov.in

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મધ્યસ્થતા પછી અમેરિકા તથા ઈરાને બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે બંને દેશોનો આભાર માન્યો હતો.

ટ્રમ્પે કહ્યું, 'અમેરિકા ઈરાનના પુનર્નિર્માણમાં પણ મદદ કરશે'

યુદ્ધવિરામ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, ઈરાન હવે પુનર્નિર્માણ કરી શકે, જેના માટે અમેરિકા પણ મદદ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "આજે દુનિયામાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવો એક એક મોટો દિવસ છે. ઈરાન પણ એ જ ઇચ્છે છે, કારણ કે હવે બહુ થયું, બીજા બધા પણ એ જ ઇચ્છે છે."

"અમેરિકા હોર્મુઝની સામુદ્રધુનીની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં મદદ કરશે. ઘણાં સારાં પગલાં લેવામાં આવશે અને ઘણા પૈસા બનશે."

તેમણે કહ્યું, "ઈરાન હવે પુનર્નિર્માણ શરૂ કરી શકે છે. અમે તમામ પુરવઠા સાથે તૈયાર રહીશું, જેથી બધું સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે ત્યાં હાજર રહીશું. અને મને એ વિશ્વાસ છે કે આ થશે. જે અમેરિકામાં થઈ રહ્યું છે, તેવો જ મધ્યપૂર્વ માટે સુવર્ણ યુગ બની શકે છે."

નોંધનીય છે કે ઈરાને યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, તે હુમલામાં નાશ પામેલા તેના માળખાકીય સુવિધાઓ માટે વળતર માગશે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે તે ઈરાનને તેના પુનર્નિર્માણમાં નાણાકીય સહાય આપશે કે નહીં.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર ઇઝરાયલની પહેલી પ્રતિક્રિયા

ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે, આ યુદ્ધવિરામ લેબનોન પર લાગુ થશે નહીં.

ઇઝરાયલે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું, "અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં બે અઠવાડિયાં માટે ઈરાન પર હુમલા બંધ કરવાના નિર્ણયને સમર્થન આપીએ છીએ, શરત તે છે કે ઈરાન તાત્કાલિક હોર્મુઝની સામુદ્રધુનીને ખોલે અને અમેરિકા, ઇઝરાયલ અને અન્ય દેશો પર હુમલા બંધ કરે."

તેણે આગળ જણાવ્યું હતું કે, " એ સુનિશ્ચિત કરવાના અમેરિકાના પ્રયાસોને ઇઝરાયલ સમર્થન આપે છે કે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો, મિસાઇલ કે આતંકવાદ માટે ખતરો ન બને. ન અમેરિકા માટે, ન ઇઝરાયલ કે ન ઈરાનના પડોશીઓ આરબ દેશો માટે અને ન વિશ્વ માટે."

"અમેરિકાએ ઇઝરાયલને જાણ કરી છે, તે આ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આગામી વાટાઘાટમાં અમેરિકા અમારી અને અમારા પ્રાદેશિક સાથી દેશો સાથે આ લક્ષ્યો શૅર કરશે."

નોંધનીય છે, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એક ઍક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ લેબનોન પર પણ લાગુ થશે, પરંતુ ઇઝરાયલે કહ્યું છે, યુદ્ધવિરામ લેબનોનમાં લાગુ કરવામાં આવશે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન