ગાંધીનગર ચૂંટણી : કૉંગ્રેસના 44 ઉમેદવાર ત્રણ દિવસ કેમ અજ્ઞાત સ્થળે હતા, ભાજપે શું કહ્યું?

ગાંધીનગરમાં પ્રચાર કરી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર ધ્રુવ પટેલ, અશ્વિન સુહાન તેમજ કાર્યકરો
ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં પ્રચાર કરી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર ધ્રુવ પટેલ, અશ્વિન સુહાન તેમજ કાર્યકરો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 ઑક્ટોબરે યોજાવાની છે. તેમાં કુલ 44 બેઠકો છે. ચૂંટણીનું પરિણામ 13 ઑક્ટોબરે આવવાનું છે.

ચૂંટણીનું ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર હતી અને ફૉર્મ પરત ખેંચવાની તારીખ 29 સપ્ટેમ્બર હતી.

થયું એવું કે ફૉર્મ ભરાયા પછી એટલે કે 26 તારીખ પછી કૉંગ્રેસના તમામ 44 ઉમેદવારને પાર્ટી દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. ફૉર્મ પરત ખેંચવાની તારીખ 29 સપ્ટેમ્બર સુધી તેમને એ રીતે જ કોઈ રિસૉર્ટ કે અન્ય કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા.

ગાંધીનગર શહેર જિલ્લા કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ વૉર્ડ નંબર નવના કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન સુહાને બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું હતું કે, "ત્રણ દિવસ પોતે તેમજ પાર્ટીના અન્ય તમામ ઉમેદવાર ગાંધીનગરની બહાર અજ્ઞાત સ્થળે હતા." ક્યા સ્થળે હતા? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "તે નહીં જણાવી શકીએ."

30 તારીખથી ઉમેદવારો ફરી લોકોની વચ્ચે આવીને ચૂંટણીના કામમાં લાગી ગયા હતા.

કૉંગ્રેસનો આક્ષેપ હતો કે ભાજપ તેમના ઉમેદવારોને ફૉર્મ પાછું ખેંચવા ધાકધમકી આપે છે અને તેના માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે.

કૉંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળે આ બાબતે રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં જાણ કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ડૉ.અમીબહેન યાજ્ઞિક, લાલજી દેસાઈ, ઇમરાન ખેડાવાલા, મનીષ દોશી વગેરે સામેલ છે.

અજ્ઞાતવાસમાં ગચેલા કૉંગ્રેસના ઉમેદવારોએ શું કહ્યું?

રાજ્ય ચૂંટણીપંચને કૉંગ્રેસે લખેલો પત્ર
ઇમેજ કૅપ્શન, રાજ્ય ચૂંટણીપંચને કૉંગ્રેસે લખેલો પત્ર

ગાંધીનગરમાં કૉંગ્રેસના કેટલાક ઉમેદવાર સાથે પણ આ બાબતે બીબીસીએ વાત કરી હતી. 32 વર્ષના ઉમેદવાર ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, "ભાજપનું રાજકારણ એવું છે કે અન્ય પાર્ટીના ઉમેદવારનું ફૉર્મ ભરાઈ જાય પછી દબાણ શરૂ કરી દે છે. ફૉર્મ પરત ખેચાવે છે."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 700 જેટલાં ફૉર્મ આવી રીતે જ દબાણ કે લાલચના જોરે ભાજપે પાછા ખેંચાવ્યાં હતાં."

"અમે લોકો અજ્ઞાત સ્થળે ત્રણ દિવસ હતા ત્યાં અમારી વિવિધ બેઠક હતી. જેમાં બધાએ સાથે મળીને કઈ રીતે કામ કરવું."

"ચૂંટણીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરેની સમજણ આપવામાં આવી હતી."

કૉંગ્રેસનાં અન્ય એક ઉમેદવાર કલ્પનાબહેન સોલંકીએ જણાવ્યું હતું કે, "હું 26થી 29 તારીખ સુધી અજ્ઞાત સ્થળે હતી. મારી સાથે અન્ય ઉમેદવાર પણ હતા."

"હું પ્રથમ વખત ચૂંટણી લડું છું તેથી કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું. ગ્રૂપમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી, એકબીજાને સાથ સહકાર આપવો વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું."

ક્યા સ્થળે હતા? એ સવાલના જવાબમાં ધ્રુવ પટેલ તેમજ કલ્પનાબહેને પણ એમ જ કહ્યું હતું કે, "તે નહીં જણાવી શકીએ."

અશ્વિન સુહાને કહ્યું હતું કે, "હું 11 વર્ષથી કૉંગ્રેસમાં છું, તેથી મને કોઈ લોભ, લાલચ કે ડરથી ફૉર્મ ખેંચવાનો કોઈ કૉલ આવ્યો નથી, પણ મારા કેટલાંક સાથી ઉમેદવારને એવા અનુભવ થયા હતા."

કૉંગ્રેસના નેતા અમીબહેન યાજ્ઞિકે 28 સપ્ટેમ્બરે મીડિયાને જણાવ્યું હતું કે, "શાસક પક્ષ(ભાજપ)જે છેલ્લા ઘણા વખતથી શાસનમાં છે. તેને પોતાના પર ભરોસો ન હોય અને આ સ્તર પર ઊતરી આવે તે લોકશાહી નથી."

કૉંગ્રેસના આક્ષેપ પર ભાજપે શું કહ્યું?

ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી, ગાંધીનગર મહાનગર પાલિકા, Gujarat, gandhinagar, BJP < Congress, municipal corporation

વર્ષ 2021માં યોજાયેલી ગાંધીનગરની ચૂંટણીમાં 44માંથી ભાજપને 41 બેઠક પર કૉંગ્રેસને 2 બેઠક પર તેમજ આમ આદમી પાર્ટીને એક બેઠક પર બહુમતી મળી હતી.

કૉંગ્રેસના આક્ષેપોને જાકારો આપતાં ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું હતું કે, "જનતા ભાજપની સાથે છે. છેલ્લે જે કેટલીક સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ જે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા વગેરેની ચૂંટણી હોય."

"તેમાં ભાજપે 95 ટકા બેઠકો પર બહુમતી મેળવી છે."

"વાસ્તવિકતા એ છે કે કૉંગ્રેસ હાર ભાળી ગઈ છે. તેમને ચૂંટણી લડાવવા માટે ઉમેદવાર મળતા નથી."

"તેથી આવા બહાનાઓ અજમાવવા પડે છે અને ભાજપ પર આક્ષેપ કરે છે. અમે કોઈને બોલાવવા જતા નથી.

ભાજપના નેતા ઋષિકેશ પટેલે 28 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, "કૉંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. આંતરિક મતભેદોને કારણે ઉમેદવારો તૂટી જવાનો કૉંગ્રેસને ડર છે."

"ભાજપને તોડવામાં જોડવામાં કોઈ રસ નથી. કૉંગ્રેસની આંતરિક માથાકૂટને કારણે આ ઉમેદવારોને લઈ જવા પડતા હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરૂમનું પ્રકાશન